મલ્ખીસદેક સમગ્ર બાઇબલમાં માત્ર ત્રણ કલમોમાં દેખાય છે અને તેમ છતાં આપણા પ્રભુને તેમના નામ પરથી પ્રમુખ યાજક કહેવામાં આવે છે (ઉત્પત્તિ 14:18-20)! મલ્ખીસદેકે એવું તો શું કર્યું હતું જે એટલું અદ્ભુત હતું? મલ્ખીસદેકે ઈબ્રાહિમની જરૂરિયાતો વિશે કંઈપણ જાણ્યા વિના, તેની ત્રણેય જરૂરિયાતો પૂરી કરી, કારણ કે મલ્ખીસદેકે ઈશ્વરે તેને જે કરવાનું કહ્યું તે કર્યું.
સૌ પ્રથમ, તેણે ઈબ્રાહિમ માટે થોડો ખોરાક લીધો. મલ્ખીસદેક સમજુ માણસ હતો! તે એવા ઉત્તમ -આત્મિક પ્રકારના લોકોમાંના એકના જેવો ન હતો જેમને લાગે છે કે આત્મિક લોકો ત્યાગી હોવા જોઈએ! તેણે ઈબ્રાહિમને ઉપવાસ અને પ્રાર્થના કરવાનું કહ્યું ન હતું પણ તેને સારું ભોજન આપ્યું!
ઘણા વર્ષો પછી, જ્યારે એલિયા થાકેલો અને હતાશ હતો, ત્યારે ઈશ્વરે એલિયા માટે પણ એવું જ કર્યું. ઈશ્વરે તેની પાસે એક દૂત મોકલ્યો, "ઉપદેશ" સાથે નહીં, પરંતુ થોડા પૌષ્ટિક ખોરાક સાથે (1 રાજાઓ 19:5-8)!
આપણે અનુસરવા માટેનું તે એક સારું ઉદાહરણ છે - થાકેલા, નીર્ગત થયેલા કેટલાક ભાઈ અથવા બહેન માટે ભોજન લઈ જવું. જ્યારે કોઈ વિશ્વાસી હતાશ અથવા નિરાશ હોય છે, ત્યારે તેને કદાચ માત્ર સારા ખોરાકની જરૂર હોઈ શકે છે અને ઉપદેશ નહીં - કારણ કે તે માત્ર આત્મા અને જીવ જ નથી, પણ શરીર પણ છે. આપણે તે ભૂલવું ન જોઈએ!
તેને ખોરાક આપ્યા પછી, મલ્ખીસદેકે ઈબ્રાહિમને આત્મિક રીતે પણ મદદ કરી - તેને ઉપદેશ આપીને નહીં, પરંતુ ઈબ્રાહિમની જીત માટે ઈશ્વરની સ્તુતિ કરીને - બે સંક્ષિપ્ત વાક્યોમાં.
તેણે કહ્યું, "પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના માલિક, તેમનાથી ઈબ્રામ આશીર્વાદિત થાઓ; અને પરાત્પર ઈશ્વર જેમણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, તેમને ધન્ય હો." (ઉત્પત્તિ 14:19, 20).
મલ્ખીસદેકે કદાચ ઈબ્રાહિમ અને તેના નોકરોને ખવડાવવામાં બે કલાક ગાળ્યા હતા અને ત્યાર પછી ઈશ્વરની સ્તુતિ કરવામાં 15 સેકન્ડ ગાળી હતી. પરંતુ, મલ્ખીસદેકની સ્તુતિની સંક્ષિપ્ત અભિવ્યક્તિમાં, ઈબ્રાહિમને બે બાબતોનો અહેસાસ થયો.
સૌ પ્રથમ, ઈબ્રાહિમને સમજાયું કે તે એવા ઈશ્વરનો છે જે આકાશ અને પૃથ્વીના માલિક છે. એ સમજણે તેને સદોમના રાજાની સંપત્તિ, જે તે હમણાં જ લૂંટી લાવ્યો હતો, તેની લાલચથી બચાવ્યો. ભલે સદોમની સંપત્તિ ઘણી હતી, કારણ કે સદોમ ખૂબ જ સમૃદ્ધ હતું, ઈબ્રાહિમે હવે જોયું કે તેના ઈશ્વર તો આકાશ અને પૃથ્વીના માલિક છે જેની સરખામણીમાં તે બધી લૂંટ નકામા કચરા જેવી હતી. મલ્ખીસદેકે ઈબ્રાહિમને આ બાબત સ્પષ્ટ રીતે જાણવામાં મદદ કરી કે તે કોનો છે.
અહીં મલ્ખીસદેકના જ્ઞાનની નોંધ લો. તેણે ઈબ્રાહિમને એમ કહીને ઉપદેશ આપ્યો ન હતો કે, "ઈશ્વરે મને કહ્યું છે કે તું લોભી થઈ રહ્યો છે અને હું તને ચેતવણી આપવા માટે તેમના તરફથી એક વચન લઈને આવ્યો છું"! ના. સ્વયં બની બેઠેલા "પ્રબોધકો" થી સાવધ રહો જેઓ હંમેશા તમારા માટે "ઈશ્વર તરફથી એક વચન" મળ્યું હોવાનો દાવો કરે છે! આવા "પ્રબોધકો" ખોટા પ્રબોધકો છે. મલ્ખીસદેકે ફક્ત ઈબ્રાહિમનું ધ્યાન લૂંટ તરફથી ઈશ્વર તરફ વાળ્યું. અને ઈબ્રાહિમની દ્રષ્ટિમાં "દુન્યવી વસ્તુઓ અજાયબ રીતે તુચ્છ થઈ ગઈ". લોકોને મદદ કરવાની આ એક રીત છે.
બીજું, ઈબ્રાહિમે સ્પષ્ટપણે જોયું કે તેણે અને તેના 318 નોકરોએ તે રાજાઓને હરાવ્યા નથી, પરંતુ તે તો ઈશ્વરે કર્યું હતું! તે બીજો સાક્ષાત્કાર હતો - અને તે બાબતે ઈબ્રાહિમને ગર્વથી બચાવ્યો. ફરીથી મલ્ખીસદેક ઈબ્રાહિમનું ધ્યાન તેની જીત તરફથી ઈશ્વર તરફ વાળવામાં સફળ થયો!
સર્વશ્રેષ્ઠ ઉપદેશક એ છે જે આપણું ધ્યાન આપણી જાત અને આપણી સિદ્ધિઓ પરથી ઈશ્વર તરફ ફેરવી શકે.
અને હવે આપણે આ વાતના શ્રેષ્ઠ ભાગ પર આવીએ છીએ. ઈબ્રાહિમને આશીર્વાદ આપ્યા પછી મલ્ખીસદેક અદૃશ્ય થઈ ગયો. આપણે બાઇબલમાં તેના વિશે ફરી ક્યારેય વાંચ્યું નથી. તેનું નામ ફક્ત ખ્રિસ્તના એક પ્રકાર તરીકે દેખાય છે.
મલ્ખીસદેક તે સવારે તેના તંબુમાં પ્રાર્થના કરી રહ્યો હોવો જોઈએ, જ્યારે ઈશ્વરે તેની સાથે વાત કરી હશે અને તેણે શું કરવું તે તેને કહ્યું હશે. તે ઈબ્રાહિમને ઓળખતો ન હતો, પણ તે ઈશ્વરને જાણતો હતો. અને તે પૂરતું હતું. ઈશ્વરે તેને શું કરવું તે કહ્યું અને તેને ઘણા લોકો માટે આશીર્વાદરૂપ બનાવ્યો.
મલ્ખીસદેકના ધારા પ્રમાણે આપણ ધર્મસેવકોને કેવા અદ્ભૂત સેવાકાર્ય માટે તેડવામાં આવ્યા છે! આપણે લોકોને શારીરિક અને આત્મિક રીતે આશીર્વાદ આપવાનો છે - અને પછી કોઈ આભાર માને તે પહેલા અદૃશ્ય થઈ જવાનું છે!
શું તમે ઇચ્છો છો કે લોકો તમને ઈશ્વરના મહાન માણસ તરીકે જાણે અથવા શું તમે ઇચ્છો છો કે તેઓ જાણે કે તમારી પાસે એક મહાન ઈશ્વર છે. તેમાં ધાર્મિક સેવાકાર્ય અને આત્મિક સેવાકાર્ય વચ્ચેનો તફાવત છે. એમાં હારુનના યાજકપદ અને મલ્ખીસદેકના યાજકપદ વચ્ચેનો તફાવત છે. હારુન સતત લોકો સમક્ષ હાજર થતો અને તેમની પાસેથી સન્માન મેળવતો. મલ્ખીસદેક લોકોની સેવા કરી અને અદ્રશ્ય થઈ ગયો!
આ રીતે ઈસુએ પોતે તેમના પૃથ્વી પરના દિવસો દરમિયાન સેવાકાર્ય કર્યું હતું. તે જીવનની લડાઈમાં પરાજિત થયેલા લોકોની આત્મિક અને શારીરિક જરૂરિયાતો પૂરી કરવા માટે કાર્ય કરતા હતા. અને તેઓ ક્યારેય ઇચ્છતા ન હતા કે કોઈ તેમના સાજાપણા અંગે જાહેરાત કરે. તે ક્યારેય સાજાપણું આપનાર તરીકે ઓળખાવા માંગતા નહોતા. તે ક્યારેય રાજા બનવા માંગતા નહોતા. તે બીજાઓની સેવા કરવા અને તેમના માટે પોતાનો જીવ આપવા આવ્યા હતા. તે પ્રખ્યાત થવા માંગતા નહોતા. તેમના પુનરુત્થાન પછી તેઓ હેરોદ, અથવા પિલાત, અથવા અન્નાસ, અથવા કાયાફાસની આગળ પ્રગટ થઈને એ સાબિત કરવા માંગતા નહોતા કે તેઓ ઈશ્વરના દીકરા છે. તેઓ તેમના પુનરુત્થાન પછી ફરોશીઓ અથવા સદુકીઓમાંના કોઈને પણ ક્યારેય દેખાયા ન હતા, કારણ કે તેઓ માણસો સમક્ષ પોતાને ન્યાયી ઠરાવવા માંગતા ન હતા. તે જાણતા હતા કે માણસોના મંતવ્યો માત્ર કચરાપેટીને લાયક છે!
જરા વિચારો કે જો આપણે મલ્ખીસદેકની જેમ જીવવાનું શરૂ કરીએ, ઈશ્વરનું સાંભળીએ અને દરરોજ આપણે શું કરવું જોઈએ તે તેમની પાસેથી જાણવાની ઈચ્છા રાખીએ તો શું થશે. આપણામાંના દરેક માટે આ પૃથ્વી પર જીવવા માટેની તે સૌથી ઉપયોગી રીત હશે.
શું આપણને પણ એવું જીવન જીવવા માટે તેડવામાં આવ્યા નથી કે, જેઓ આપણા સંપર્કમાં આવે, તેઓ શારીરિક અને આત્મિક રીતે આશીર્વાદ પામે? આપણ સર્વને મલ્ખીસદેકના ધારા પ્રમાણે યાજક બનવા માટે તેડવામાં આવ્યા છે.