ઈસુના જીવનમાં એવા કઠણ લોકો હતા જેમની સાથે વાતચીત કરવી મુશ્કેલ હતી. કેટલાકે તેમનો તિરસ્કાર કર્યો, કેટલાકે તેમની સતાવણી કરી, કેટલાકે તેમની મજાક ઉડાવી અને અન્યોએ તેમનો નકાર કર્યો કે તેમની અવગણના કરી. તેમની સામે બૂમો પાડનારા, તેમના પર થૂંકનારા, તેમની સાથે દલીલ કરનારા, તેમને ફસાવવાનો પ્રયાસ કરનારા અને તેમને મારી નાખવાનો પ્રયાસ કરનારા લોકો હતા.
આપણા દરેકના જીવનમાં કઠણ લોકો હશે જેમની સાથે વાતચીત કરવી મુશ્કેલ હશે. તેઓ અધર્મી, ખરાબ, ક્રૂર, હેરાન કરનાર અને દુષ્ટ લાગે છે. બાઈબલમાં કઠણ લોકો વિશે કેટલાક સિદ્ધાંતો છે જેમાંથી મને શીખવામાં મદદ મળી છે:
યોહાન 8:7 "જે પાપ વગરનો હોય તે પહેલો પથ્થર નાખે"
મને કઠણ લોકો વિશે સૌથી મહત્વની વાત એ શીખવા મળી છે કે હું તેમાંનો એક છું!
બીજા લોકો મારા પ્રત્યે પાપી, કઠણ અને સ્વાર્થી હોઈ શકે છે... પરંતુ મારી પાસે તેમના જેવો જ દેહ છે અને હું પણ એટલો જ દોષિત છું. મેં અનુભવ કર્યો છે કે હું મારા આકાશમાંના સંપૂર્ણ પિતા પ્રત્યે કેટલો કઠણ, સ્વાર્થી અને પાપી રહ્યો છું તે જેટલું વધારે સ્પષ્ટ રીતે જોઉં છું, એટલું જ મારી વિરુદ્ધ પાપ કરનારા અન્ય લોકો પ્રત્યે દયા અને ધીરજ રાખવી સરળ બને છે. એક ફરોશી એ છે જે હતાશામાં બીજાઓને તુચ્છ ગણે છે, પરંતુ ખ્રિસ્તી એ છે જે મોટે ભાગે પોતે હતાશ અને પોતાની જાત અને પોતાના પાપથી કંટાળી ગયેલો છે (લૂક 18: 9-13). ઈશ્વરનું રાજ્ય એવા લોકોનું નથી જેઓ કઠણ સહકાર્યકરો, દુષ્ટ સરકાર, સ્વાર્થી કુટુંબ, ખરાબ મંડળીઓ અથવા હુંફાળા ખ્રિસ્તીઓથી કંટાળી ગયા છે. પણ તે એવા લોકોનું છે જેઓ પોતાનાથી કંટાળી ગયા છે! આ "રાંક" આત્માઓ છે જે દરિદ્રી ભિખારીઓની જેમ પ્રભુ પાસે આવે છે અને કહે છે "પ્રભુ, હું તે છું જેને મદદની જરૂર છે, હું ફક્ત એક દરિદ્રી પાપી ભિખારી છું, મને માફ કરો અને મને મદદ કરો!"
"આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે, કારણ કે આકાશનું રાજ્ય તેઓનું છે." (માથ્થી 5:3)
vબાઈબલ મને જે બીજો મહત્વપૂર્ણ સિદ્ધાંત શીખવે છે તે એ છે કે કઠણ લોકોને પ્રેમ કરવો, ભલે તેઓ મારી સાથે ગમે તે રીતે વર્તે:
માથ્થી 5:44 "તમે તમારા વૈરીઓ પર પ્રેમ કરો, ને જેઓ તમારી પાછળ પડે છે તેઓને માટે પ્રાર્થના કરો."
રોમનોને પત્ર 2:4 "ઈશ્વરનો ઉપકાર તમને પસ્તાવો કરવા તરફ પ્રેરે છે."
મેં એકવાર એક વાર્તા સાંભળી હતી: એક સવારે વહેલા પવને સૂર્યને સ્પર્ધા માટે પડકાર ફેંક્યો. રસ્તા પર એક માણસ પોતાનો કોટ પહેરીને ચાલી રહ્યો હતો અને પવને સૂર્યને કહ્યું, 'મને લાગે છે કે તારા પહેલાં હું તે માણસનો કોટ ઉતરાવી શકું છું.' સૂર્ય રમત રમવા માટે સંમત થયો. પવને કહ્યું કે તે પહેલા જશે. પવન ફૂંકાયો અને શક્ય તેટલો જોરથી ફૂંકાયો, અને તે જેટલો જોરથી ફૂંકાયો, તેટલો જ માણસે પોતાનો કોટ જોરથી પકડી રાખ્યો. પછી સૂર્યએ કહ્યું, 'ઠીક છે, હવે મને પ્રયત્ન કરવા દો.' તેથી સૂર્ય આકાશમાં ઊંચો ચઢ્યો અને થોડો વધારે પ્રકાશ્યો, અને થોડા જ સમયમાં, તે માણસે ધીમેથી પોતાનો કોટ ઉતારી દીધો. વાર્તાનો સિદ્ધાંત એ છે કે કોઈ વ્યક્તિને ગુસ્સા અને બળથી કાબુમાં રાખવા કરતાં પ્રેમથી હૂંફ આપવી વધુ સારું છે.
શું આપણા સ્વર્ગીય પિતા પવન જેવા છે કે સૂર્ય જેવા? બાઈબલ કહે છે કે ઈશ્વરનો પ્રેમ જ આપણને તેમને પ્રેમ કરવા પ્રેરે છે (યોહાનનો પહેલો પત્ર 4:19), અને તેમનો ઉપકાર આપણને પસ્તાવો કરવા તરફ પ્રેરે છે (રોમનોને પત્ર 2:4). મને વિશ્વાસ છે કે બીજાઓ સાથે વ્યવહાર કરતી વખતે પણ આપણે આ સિદ્ધાંત આપણા જીવનમાં જોઈશું. બીજાઓની સાથે લડવા અને તેમને આપણી સાથે સંમત થવા અથવા આપણી સાથે યોગ્ય વર્તન કરવા દબાણ કરવાને બદલે ખંતપૂર્વક અને નિઃસ્વાર્થપણે પ્રેમ કરવો એ સંબંધોમાં એકતા અને સંમતિ લાવવાનો માર્ગ છે.
ઘણી વખત આપણો પ્રેમ, શત્રુના હૃદયને આપણા પ્રત્યે તરત જ બદલી શકતો નથી (અને કદાચ ક્યારેય નહીં બદલે), પરંતુ તે ઠીક છે. જો આપણે આપણા શત્રુને અને આપણી વિરુદ્ધ પાપ કરીને પસ્તાવો ન કરનારા લોકોને પ્રેમ કરતા રહીએ તો આપણને આપણા સ્વર્ગીય પિતા જેવા બનવાનો લહાવો મળી શકે છે, કારણ કે તે એવા જ છે - તે દુષ્ટ લોકો, જેઓ હજુ પણ તેમને પોતાનો શત્રુ માને છે તેઓના પ્રત્યે પણ અતિશય ધીરજવાન અને પ્રેમાળ છે:
માથ્થી 5:44-45 “પણ હું તમને કહું છું કે તમે તમારા વૈરીઓ પર પ્રેમ કરો, ને જેઓ તમારી પાછળ પડે છે તેઓને માટે પ્રાર્થના કરો. એ માટે કે તમે આકાશમાંના તમારા પિતાના દીકરા થાઓ; કારણ કે તે પોતાના સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે, ને ધર્મી તથા અધર્મી પર વરસાદ વરસાવે છે.”
પુત્ર તેમના પિતા જેવા જ છે. ઈસુએ કહ્યું હતું કે આપણે આપણા શત્રુને પ્રેમ કરીએ, અને આ રીતે આપણે આપણા સ્વર્ગીય પિતાના પુત્રો બની શકીએ છીએ.
નીતિવચનો 15:1 "નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે."
જીભ એક શક્તિશાળી વસ્તુ છે. “'તેમ જીભ પણ એક નાનો અવયવ છે, છતાં તે મોટી મોટી બડાશ મારે છે. જુઓ, કેટલો થોડો અગ્નિ કેટલા મોટા વનમાં દવ લગાડે છે!” (યાકૂબનો પત્ર 3:5).
તેના દ્વારા યુદ્ધો શરૂ થાય છે અને સમાપ્ત થાય છે. યુદ્ધો અટકાવવામાં આવે તો તે વધુ સારું છે! બાઈબલ કહે છે કે ગુસ્સાનો જવાબ ગુસ્સાથી અને ક્રોધનો જવાબ ક્રોધથી આપવાને બદલે, ગુસ્સાવાળા વ્યક્તિને નમ્ર શબ્દો અને નમ્ર જવાબો આપવા એ શ્રેષ્ઠ બાબત છે. શાંતિનો આ શ્રેષ્ઠ માર્ગ છે. ઈશ્વર લડવૈયાઓ (ખરાબ શબ્દો માટે ખરાબ શબ્દોનો બદલો) ઈચ્છતા નથી, પરંતુ સલાહ કરનારાઓને ઈચ્છે છે (માથ્થી 5:9). બીજાઓના ક્રોધનો જવાબ નમ્ર શબ્દોથી આપીને આપણે શાંતિ સ્થાપનારા બની શકીએ છીએ.
નીતિવચનો 17:13-14 “જે કોઈ ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળે છે, તેના ઘરમાંથી હાનિ દૂર થશે નહિ. કોઈ પાણીને નીકળવાનું [બાકું] કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે; માટે ઝઘડો થયા પહેલાં તકરાર મૂકી દો.”