પિતરના પહેલા પત્રમાં, પ્રેરિત પિતર આધીનતા વિશે ઘણું બધું કહે છે. જે માણસ ઈશ્વરની સાચી કૃપાનો અનુભવ કરે છે તે હંમેશા સત્તાને આધીન રહેશે. તેને આધીન થવામાં કોઈ સમસ્યા નહીં હોય. પાપનો ઉદભવ આદમના સર્જનના ઘણા સમય પહેલા, બંડથી થયો હતો. સર્વોચ્ચ મુખ્ય દૂતે ઈશ્વરની સત્તા સામે બંડ કર્યો અને તરત જ તે શેતાન બન્યો. તેથી જ "વિરોધ એ જોષ જોવાના પાપ જેવો છે" (1 શમુએલ 15:23) - કારણ કે જેમ જોષ જોવાના પાપથી થાય છે તેમ, બંડખોર આત્મા વ્યક્તિને દુષ્ટ આત્માઓના સંપર્કમાં લાવે છે, ઈસુએ ખૂબ જ જુદી રીતે જીવીને શેતાનને હરાવ્યો. તેમણે પોતાને નમ્ર બનાવ્યા અને તેમના પિતાની સંપૂર્ણ આધીનતામાં પૃથ્વી પર આવ્યા; અને અહીં પૃથ્વી પર તે 30 વર્ષ સુધી અપૂર્ણ એવા યૂસફ અને મરિયમને આધીન રહ્યા, કારણ કે તે માનવ સત્તાઓ હતી જે તેમના સ્વર્ગીય પિતાએ તેમના પર મૂકી હતી. જેણે ઈશ્વરની સાચી કૃપાનો અનુભવ કર્યો છે તે બંડના આત્માને બદલે પોતાના જીવના તારણનો અનુભવ કરશે. જો તમને સત્તાને આધીન થવામાં કોઈ સમસ્યા હોય, તો તમારે તમારા જીવમાં તારણ પામવાની જરૂર છે.
ખ્રિસ્તીઓને બધા માનવ અધિકારીઓ, રાજાઓ, રાજ્યપાલો, વગેરેને આધીન રહેવા માટે કહેવામાં આવે છે (પિતરનો પહેલો પત્ર 2:13,14). તે સમયે રોમન સમ્રાટ નીરો હતો, જે રોમ પર શાસન કરનારા સૌથી દુષ્ટ રાજાઓમાંનો એક હતો, અને ખ્રિસ્તીઓને સતાવતો અને મારી નાખતો હતો. છતાં પિતર ખ્રિસ્તીઓને ફક્ત તેને આધીન થવાનું જ નહીં, પણ "રાજાનું સન્માન" કરવાનું પણ કહે છે (પિતરનો પહેલો પત્ર 2:17). તે એમ પણ કહે છે કે આપણે "સર્વ માણસોને માન" આપવું જોઈએ (પિતરનો પહેલો પત્ર 2:17). જૂના કરાર હેઠળ, વૃદ્ધ લોકોનું માન રાખવાનો નિયમ હતો (લેવીય 19:32). પરંતુ નવા કરાર હેઠળ, આપણે બધા લોકોનું સન્માન કરવાનું છે. નવા કરાર હેઠળ દરેક ક્ષેત્રમાં ધોરણ ઊંચું છે. જૂના કરાર હેઠળ, લોકોએ ઈશ્વરને 10% આપવાનું હતું. નવા કરારમાં, આપણે સર્વસ્વ આપવું જોઈએ (લૂક 14:33). જૂના કરાર હેઠળ, એક દિવસ પવિત્ર રાખવાનો હતો (સાબ્બાથ). નવા કરારમાં, દરેક દિવસ પવિત્ર રાખવાનો છે. જૂના કરાર હેઠળ, પ્રથમજનિત નર બાળકને ઈશ્વરને સમર્પિત કરવાનો હતો. નવા કરારમાં, આપણા બધા બાળકો ઈશ્વરને સમર્પિત કરવાના છે. જે માણસે ઈશ્વરની કૃપાનો અનુભવ કર્યો છે તેને બધા લોકોનું સન્માન કરવામાં કોઈ મુશ્કેલી નડતી નથી. આપણે ઈસુની જેમ સેવકો બનવાનું છે, અને તેથી આપણે બધાનું સન્માન કરવામાં અને "બધાને પોતાના કરતાં ઉત્તમ ગણવામાં" ખુશ રહીએ છીએ (ફિલિપીઓને પત્ર 2:3).
પછી તે ખાસ કરીને દાસની વાત કરે છે અને તેમને તેમના માલિકોને આધીન રહેવાનું કહે છે. બધા પ્રેરિતોએ દાસોને તેમના માલિકોને આધીન રહેવાનું શીખવ્યું. જે ખ્રિસ્તી પોતાની ઓફિસ કે ફેક્ટરીમાં પોતાના અધિકારીઓ સામે બંડ કરવાની ભાવના ધરાવે છે તે ખ્રિસ્ત માટે ખૂબ જ ખરાબ સાક્ષી છે. જે ખ્રિસ્તી વિદ્યાર્થી શાળા કે કોલેજમાં પોતાના શિક્ષકો સામે બંડ કરે છે તે પણ ખ્રિસ્ત માટે ખૂબ જ ખરાબ સાક્ષી છે. આવા ખ્રિસ્તીએ "ઈશ્વરની સાચી કૃપા" બિલકુલ સમજી નથી. તે સમજી શક્યો નથી કે ઈસુ 30 વર્ષ સુધી પૃથ્વી પરના અપૂર્ણ માતાપિતાને આધીન થયા. આ એક એવો પાઠ છે જે આપણે બધાએ શીખવાની જરૂર છે. દાસો, તમારા માલિકોને પૂરા આદર સાથે આધીન રહો. જો તમે ઓફિસ, ફેક્ટરી, શાળા, હોસ્પિટલ કે કોઈપણ જગ્યાએ કામ કરો છો, તો તમારે તે જગ્યાએ તમારાથી ઉપરના લોકોનો આદર કરવો જોઈએ.
આપણે આપણા બાળકોને તેમના શિક્ષકોનો આદર કરવાનું શીખવવું જોઈએ, અને બીજા બાળકો સાથે જૂથ ન બનાવવા અને શિક્ષકોની મજાક નહિ ઉડાવવાનું શીખવવું જોઈએ. દાસોએ ફક્ત એવા માલિકોને જ નહીં જે સારા અને નમ્ર હોય, પણ જે અયોગ્ય હોય તેમને પણ આદર આપતા શીખવું જોઈએ. સારા માલિકને આધીન રહેવું સરળ છે, પરંતુ એક ખ્રિસ્તી જેણે "ઈશ્વરની સાચી કૃપા" અનુભવી છે તે અયોગ્ય માલિકને પણ આધીન રહેશે (પિતરનો પહેલો પત્ર 2:18). જ્યારે તમે અયોગ્ય માલિકને આધીન થાઓ છો ત્યારે ખ્રિસ્તી તરીકે તમારું અજવાળું પ્રકાશે છે. સળગતી મીણબત્તી સૂર્યપ્રકાશમાં સરળતાથી દેખાતી નથી. પરંતુ રાત્રે દરેક વ્યક્તિ તેનો પ્રકાશ જોઈ શકે છે. તેમ છતાં, એક ખ્રિસ્તીનો પ્રકાશ સૌથી વધુ તેજસ્વી રીતે દેખાય છે જ્યારે તે અંધારામાં હોય છે.
જ્યારે તમને કંઈક ખોટું કરવા બદલ સજા આપવામાં આવે છે ત્યારે ધીરજપૂર્વક આધીન રહેવામાં કોઈ સદગુણ નથી. પરંતુ જ્યારે તમે જે સાચું હતું તે કર્યું હોય છતાં પણ ધીરજપૂર્વક સહન કરો છો, ત્યારે ઈશ્વર તમારાથી પ્રસન્ન થાય છે (પિતરનો પહેલો પત્ર 2:20). અન્યાયથી દુઃખ સહન કરવું એ પિતરના પત્રના મુખ્ય વિષયોમાંનો એક છે. તે આગળ કહે છે કે ઈસુએ પણ આ રીતે જ સહન કર્યું હતું. તેમણે અન્યાય સહન કર્યો અને તેમના પગલે ચાલવા માટે આપણને એક ઉદાહરણ આપ્યું છે. આપણને અહીં "તેમના પગલે ચાલવા" માટે તેડવામાં આવ્યા છે જેમણે ક્યારેય પાપ કર્યું નહીં, જે ક્યારેય જૂઠું બોલ્યા નહીં, જેમણે અપમાનનો જવાબ આપ્યો નહીં; અને જેમણે જ્યારે પણ દુઃખ સહન કર્યું, ત્યારે બદલો લેવાની ધમકી આપી નહીં; પરંતુ પોતાનો મુકદ્દમો અદલ ન્યાય કરનાર ઈશ્વરને સોંપતા રહ્યા" (પિતરનો પહેલો પત્ર 2:21-23). "ઈશ્વરની સાચી કૃપા" ને સમજનાર ખ્રિસ્તી વ્યક્તિ પણ આ રીતે વર્તે છે.