written_by :   Zac Poonen
WFTW Body: 

પવિત્ર આત્માથી અભિષિક્ત થયા પછી ઈસુએ શીખવેલી સૌ પ્રથમ બાબત એ હતી કે જો ઈશ્વરના મુખથી બોલાયેલા વચનો આપણે પ્રાપ્ત ન કરીએ તો આપણે જીવી શકીએ નહીં. જો આપણે ફક્ત તેમની સેવા કરીએ તો આપણે ઈશ્વરનો હેતુ પરિપૂર્ણ કરી શકતા નથી અને તેમના હૃદયને સંતોષી શકતા નથી. ઘણા ખ્રિસ્તીઓ એમ કહીને સંતોષ મેળવે છે કે, "હું આ પ્રભુ માટે કરી રહ્યો છું," "હું તે પ્રભુ માટે કરી રહ્યો છું," "હું અનાથ આશ્રમ ચલાવું છું," "હું બાઈબલ શાળા ચલાવું છું અને હું લોકોને મદદ કરી રહ્યો છું," "હું જરૂરિયાતમંદોને પૈસા આપું છું," અને "હું ત્યાં જઈને તે કરી રહ્યો છું." તેઓ ઈશ્વર માટે શું કરી રહ્યા છે તેનો તેઓ હંમેશા વિચાર કરે છે. હું આ બાબતને ધિક્કારતો નથી. ઈશ્વર ના આવે ત્યાં સુધી આપણે તેમની સેવા કરવાની જરૂર છે, જેમ કરિંથીઓને પહેલો પત્ર 15:58 કહે છે, "તમે સ્થિર તથા દઢ થાઓ, અને પ્રભુના કામમાં સદા મચ્યાં રહો." હું મારા જીવનના અંત સુધી, ખ્રિસ્ત આવે ત્યાં સુધી તે કરવા માંગુ છું, "હંમેશા પ્રભુના કાર્યમાં મચ્યા રહેવાનું." હું ક્યારેય પ્રભુની સેવા કરવાનું બંધ કરવા માંગતો નથી. તેથી હું તે કાર્યને ધિક્કારતો નથી.

હું માનું છું કે આપણે સેવા કરવી જ જોઈએ, પરંતુ હું કહું છું કે સેવા કરતાં વધુ મહત્વપૂર્ણ છે, ઈશ્વરનું વચન પ્રાપ્ત કરવું. "માણસ ફક્ત ઈશ્વરની સેવા કરીને જ જીવશે નહીં, પરંતુ ઈશ્વરના મુખમાંથી નીકળતા દરેક શબ્દ દ્વારા જીવશે." ઈસુના અભિષેક પછી તેમના દ્વારા બોલાયેલા આ પ્રથમ શબ્દો છે, તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ હોવા જોઈએ. ઈસુએ જે શીખવ્યું તેમાંથી, સૌથી પહેલી બાબત આ હતી: દરરોજ સતત ઈશ્વરનું વચન પ્રાપ્ત કરવાનું શીખો. શાસ્ત્ર તમારા માટે દરરોજ જીવંત થવું જોઈએ.

શરૂઆતના દિવસોમાં, લોકો પાસે આજના જેવું બાઈબલ નહોતું. આપણને બાઈબલ મળ્યું છે તે એક મોટો લહાવો છે. જો આપણે દરરોજ ઈશ્વરનું વચન પ્રાપ્ત કરવા માંગીએ છીએ તો આપણે દરરોજ બાઈબલ વાંચવું જોઈએ. શરૂઆતના દિવસોમાં, જ્યારે તેમની પાસે બાઈબલ નહોતું, ત્યારે પણ તેઓ પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકતા હતા જે તેઓને પ્રેરિતો પાસેથી જે સાંભળ્યું હતું તે યાદ કરાવતો હતો. એક ખ્રિસ્તી જેની પાસે બાઈબલ નથી, જે તેના વિશ્વાસને લીધે બંદીવાસમાં છે અને જેલમાં બેઠો છે, તેની સામે ભલે બાઈબલ ખુલ્લું ન હોય, પણ તે દરરોજ ઈશ્વરનું વચન પ્રાપ્ત કરી શકે છે કારણ કે જ્યારે તે જેલમાં ન હતો તે દિવસોમાં તેણે તે વાંચ્યું છે. એટલા માટે ઈશ્વરના વચનને વાંચવું અને તેનું મનન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આપણી જરૂરિયાતની ક્ષણમાં, ઈશ્વર પવિત્ર આત્મા દ્વારા આપણને તે ચોક્કસ વચન આપશે જે આપણી સમસ્યાનો ઉકેલ હશે, અને તે જ આપણી જરૂરિયાતનો જવાબ હશે. અને તે એ વચન હશે કે જેનો આપણે દાવો કરી શકીશું.

આ લૂક 10:38-42 માં એક પ્રસંગ છે જ્યાં આપણે મરિયમ અને માર્થાના ઘરમાં ઈસુના પ્રવેશ વિશે વાંચીએ છીએ. માર્થાએ તેમને ઘરમાં આવકાર્યા, અને તેમના માટે ખાવાનું તૈયાર કરવા ગઈ, જ્યારે તેની બહેન મરિયમ ઈસુના પગ પાસે બેસીને તેમના વચન સાંભળતી હતી. હવે યાદ કરો, આને આપણે અગાઉ જે વાંચ્યું તેની સાથે જોડો કે "માણસ એકલા ખોરાકથી નહિ, પણ ઈશ્વરના મુખમાંથી નીકળતા દરેક શબ્દથી જીવશે." અહીં બે વિકલ્પો છે, ખોરાક અને ઈસુના પગ પાસે બેસવું. ખોરાક મહત્વપૂર્ણ છે? હા, તે છે. પરંતુ વધુ મહત્ત્વની બાબત ઈશ્વરના મુખમાંથી નીકળેલ વચન પ્રાપ્ત કરવું તે છે. આ બે બહેનોની વાતમાં અહીં આ આબેહૂબ રીતે દર્શાવવામાં આવ્યું છે.

માર્થા ખોરાક તૈયાર કરવામાં વિચલિત થઈ ગઈ. કોના માટે? પોતાના માટે નહિ. તે ખૂબ જ નિઃસ્વાર્થી હતી. શું તમે જાણો છો કે 13 ભૂખ્યા માણસો (ઈસુ અને તેમના બાર શિષ્યો) માટે ખોરાક રાંધવા માટે કેટલી મહેનત કરવી પડે છે? તે પોતાના માટે નહિ, પણ પ્રભુ માટે સખત મહેનત કરવા રસોડામાં જઈ રહી હતી. તે તેના પૈસા ખર્ચતી હતી, બજારમાં ગઈ હતી અને પ્રભુ માટે ભોજન તૈયાર કરવા માટે વસ્તુઓ લાવી હતી. તે પ્રભુ માટે કામ કરવા સમય, પૈસા, શક્તિ ખર્ચી રહી હતી. કદાચ તમે એવા છો. કદાચ તમે પ્રભુ માટે ઘણી બધી બાબતો કરવા માટે અહીં અને તહીં સમય, પૈસા અને શક્તિ વાપરી રહ્યા છો. તે સારું છે. તમે પણ જેમ માર્થાએ વિચાર્યું હશે તેમ વિચારી શકો છો કે, "ભલે, આ બધું કર્યા પછી જ્યારે હું પ્રભુ સમક્ષ આવીશ, ત્યારે તે કહેશે, 'શાબાશ, સારા અને વિશ્વાસુ સેવક. તેં એક મહાન કામ કર્યું છે!” પણ માર્થા જે સાંભળે છે તે એ શબ્દો નહોતા. જ્યારે તે ઈસુ પાસે આવી, ત્યારે તે તેની બહેન મરિયમ પર અંદરથી ચિડાઈ ગયેલી હતી. જ્યારે પણ કોઈ વ્યક્તિના હૃદયમાં શાંતિ નથી, તેનો અર્થ એ છે કે કંઈક ખોટું છે. તે શાંતિમાં ન હતી. તે આશ્ચર્ય પામી રહી હતી, "મરિયમ આવીને મને મદદ કેમ નથી કરી રહી?" અને ઈસુ તેને ઠપકો આપે છે. તે કહે છે, "માર્થા, ખોરાક એ સૌથી મહત્વની બાબત નથી. મારું વચન સાંભળવું એ વધુ મહત્વપૂર્ણ છે, અને તે જ મરિયમે પસંદ કર્યું છે, અને તે તેની પાસેથી છીનવી લેવામાં આવશે નહીં" (લૂક 10:42). શું તમે સમજો છો કે ઈસુના કહેવાનો અર્થ શું છે, "માણસ ફક્ત ખોરાકથી જીવશે નહીં"? ઈસુને માર્થા પાસેથી પહેલા શું જોઈતું હતું? એ બધી સેવા? ઈસુ તમારી પાસેથી શું ઈચ્છે છે? સેવા સારી છે. આપણે પાછળથી વાંચીએ છીએ કે મરિયમે તેમના પગ પર અત્તર રેડીને ઈસુની સેવા કરી હતી, અને તેથી આપણે જાણીએ છીએ કે સેવા મહત્વપૂર્ણ છે; પરંતુ પ્રથમ, સૌથી મહત્વની બાબત એ હતી કે ઈશ્વરનું વચન પ્રાપ્ત કરવું. એ જ ઈસુએ શીખવ્યું.

આપણે સૌ પ્રથમ આ પાઠ શીખવો જોઈએ, કે આ એક બાબત જરૂરી છે. 25 બાબતો જરૂરી નથી. લૂક 10:42 આપણને દરરોજ ઈસુના પગ આગળ બેસવાનું કહે છે, દરેક સમયે તે વલણ રાખવાનું અને તે આપણને વ્યક્તિગત રૂપે જે કહે છે તે સ્વીકારવાનું કહે છે.

તમારું નવું વર્ષ ખૂબ જ આશીર્વાદિત બની રહે.