written_by :   Zac Poonen categories :   The Church Knowing God Disciples
WFTW Body: 

માંદગી, આપણા આત્મિક શિક્ષણનો એક અભ્યાસક્રમ છે, આપણે આપણી આ દુનિયા પરની યાત્રા પૂર્ણ કરીએ તે પહેલા આપણે તેમાં સ્નાતક થવું પડે છે. આપણા અગ્રેસર ઈસુ પણ આ અભ્યાસક્રમમાં સ્નાતક થયા હતા. ચાલો પૂર્વગ્રહરહિતના મન સાથે શાસ્ત્રોમાં જોઈએ:

યશાયા 53:3 કહે છે, "તે માણસોથી ધિક્કારાયેલા તથા તજાયેલા હતા; દુઃખી પુરુષ જે જાણતા હતા કે માંદગી શું છે” (હોલમેન ક્રિશ્ચિયન સ્ટાન્ડર્ડ બાઇબલના તરજુમા પ્રમાણે).

આ પૃથ્વી પરના શાપને કારણે માણસ પર માંદગી આવે છે. પરિણામે, આપણને પણ પરસેવો થાય છે અને કાંટાથી દુઃખ પહોંચે છે, વગેરે, (જુઓ ઉત્પત્તિ 3:17-19). જ્યારે ઇસુ આ પાપથી શાપિત પૃથ્વી પર આવ્યા, ત્યારે તેમના શરીર પર પણ પરસેવો થયો અને કાંટાથી દુઃખ પહોંચ્યું - અને તે ક્યારેક માંદા પણ થયા. બાઇબલ કહે છે કે ઇસુ "માંદગીથી પરિચિત" હતા (યશાયા 53:3 - એમ્પ્લીફાઇડ બાઇબલનો - શાબ્દિક અનુવાદ). (*નીચે નોંધ જુઓ)

આપણે શારીરિક રીતે અનુભવીએ છીએ તે બધું અનુભવવા માટે, ઈસુએ માંદગીનો પણ અનુભવ કરવો પડ્યો. આવી વેદના તેમના દુનિયા પરના શિક્ષણનો ભાગ હતી (હિબ્રૂઓને પત્ર 5:8). જ્યારે આપણે માંદા હોઈએ છીએ ત્યારે આ હકીકત જાણવી આપણા માટે એક મહાન દિલાસો છે - જેમ કે જ્યારે આપણે ગંભીર રીતે પરીક્ષણમાં પડીએ છીએ ત્યારે તે જાણવું આપણા માટે દિલાસરૂપ છે કે, ઈસુનું પણ આપણી જેમ તમામ બાબતોમાં પરીક્ષણ થયું હતું (હિબ્રૂઓને પત્ર 4:15).

અને તેથી, ઈશ્વર આપણને આપણા આત્મિક શિક્ષણના ભાગરૂપે "માંદગીથી પરિચિત" થવાની મંજૂરી આપે છે. અને જ્યારે આપણે માંદા હોઈએ છીએ, ત્યારે આપણા ઈશ્વર ઇચ્છે છે કે આપણે પણ જીત મેળવીએ "જેમ તેમણે જીત મેળવી તેમ" - સ્વ-દયા ન રાખવી, સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન ન કરવો, કોઈની આગળ કોઈપણ માંગણી ન કરવી, ક્યારેય બબડવું અથવા ઉદાસ ન થવું, પરંતુ દરેક સમયે ઈશ્વરની આભારસ્તુતિ કરતા, પ્રકાશિત અને આનંદિત રહેવું (પ્રકટીકરણ 3:21). ચાલો પૃથ્વી પરના આપણા સઘળા દિવસો આપણે આવી જ રીતે જીવીએ. તેમની કૃપા તેના માટે બસ છે.

હકીકત એ છે કે ઈસુ પણ અમુક સમયે માંદા થયા હતા તે નિર્ણાયક રીતે સાબિત કરે છે કે માંદગી હંમેશા પાપને કારણે નથી - કારણ કે ઈસુ પાપરહિત હતા. ઈશ્વરની સ્તુતિ કરો કે આપણી પાસે ઈસુમાં એક અદ્ભુત અગ્રેસર છે, જે ફક્ત આપણા પરીક્ષણોમાં જ નહીં પણ આપણી માંદગીમાં પણ સહાનુભૂતિ બતાવી શકે છે!

પાઉલ અને તેના સહકાર્યકરો, તિમોથી, એપાફ્રદિતસ અને ત્રોફિમસ પણ પૃથ્વી પરના તેમના આત્મિક શિક્ષણમાં આ "માંદગી"ના અભ્યાસક્રમમાં સ્નાતક થયા (જુઓ કરિંથીઓને બીજો પત્ર 12:7-9; તિમોથીને પહેલો પત્ર 5:23; ફિલિપ્પીઓને પત્ર 2:27; તિમોથીને બીજો પત્ર 4:20).

ઈશ્વરે પાઉલને ગલાતિયા પ્રદેશમાં એક વખત માંદગી દ્વારા અટકાવ્યો, કારણ કે તેઓ ઈચ્છતા હતા કે પાઉલ ત્યાં જ સુવાર્તાનો ઉપદેશ આપે અને ત્યાં મંડળી બાંધે. પાઉલ શરૂઆતમાં ગલાતિયામાં થઈને આશિયા માઈનોર(એસિયા) જવાની યોજના ઘડી રહ્યો હતો, પરંતુ આપણે વાંચીએ છીએ કે તેણે ગલાતિયાથી દૂર જવાનો પ્રયત્ન કર્યો ત્યારે "પવિત્ર આત્મા દ્વારા અટકાવવામાં" આવ્યો (પ્રેરિતોનાં કૃત્યો 16:6). આત્માએ તેને અટકાવ્યો તે કોઈ દૈવી દર્શનથી નહિ, પરંતુ ઈશ્વરે પાઉલને ગલાતિયામાં બીમાર થવા દીધો હતો, જેથી તે મુસાફરી કરી ન શકે. ગલાતી ખ્રિસ્તીઓને લખેલા તેમના પત્રમાં આ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ, જ્યાં તે કહે છે કે ગલાતિયામાં તેને ઉપદેશ આપવા માટે રોકાવાનું કારણ એ હતું કે તે પોતે બીમાર હતો (ગલાતીઓને પત્ર 4:14,15)!

ઈશ્વર આપણને (ક્યારેક) માંદા થવા દે છે તેનું બીજું કારણ એ છે કે આપણે જગતના અન્ય માંદા લોકો સાથે વધુ સારી રીતે સહાનુભૂતિ રાખી શકીએ. નહિંતર, જગતમાં ઘણા લોકો કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે તે વિશે આપણે કશું જાણી શકીશું નહિ.

પરંતુ ઈશ્વર તેમની દયામાં આપણને સાજા પણ કરે છે (ફિલિપ્પીઓને પત્ર 2:25-27). જેમ ઈશ્વરે ઈસુની કાળજી લીધી તેમ તેઓ આપણી પણ કાળજી રાખશે. તેથી જ્યારે આપણે માંદા હોઈએ ત્યારે આપણે સાજાપણા માટે વિનંતી કરી શકીએ છીએ.

પરંતુ આપણે જેમ પાપમાંથી સંપૂર્ણ છુટકારાનો દાવો કરી શકીએ છીએ તેમ માંદગીમાંથી સંપૂર્ણ છુટકારાનો દાવો કરી શકતા નથી.

શું ઈસુ આપણા સંપૂર્ણ વ્યક્તિત્વ - જીવ, આત્મા અને શરીરના ઉદ્ધાર માટે મરણ પામ્યા હતા? હા, ચોક્કસપણે.

પરંતુ આપણે વાસ્તવિકતાનો સામનો કરવો જોઈએ અને ભ્રમ અને માયાની દુનિયામાં જીવવું જોઈએ નહીં.

ફક્ત નવો જન્મ પામનારના આત્મામાં ખ્રિસ્તના ઉદ્ધારની અસર હમણાં જ શરૂ થઈ છે. આપણને આત્મામાં મરણમાંથી સજીવન કરવામાં આવ્યા છે અને નવી ઉત્પત્તિ બનાવવામાં આવ્યા છે. (એફેસીઓને પત્ર 2:1-6; કરિંથીઓને બીજો પત્ર 5:17).

પરંતુ આપણો જીવ (મન, લાગણી અને ઈચ્છા) અને શરીર હજુ નવા નથી બન્યા. આપણે હજી સુધી તે બે ક્ષેત્રોમાં વધસ્તંભ પરના ખ્રિસ્તના કાર્યનો સંપૂર્ણ લાભ મેળવવાનો બાકી છે. જો આપણે પવિત્ર આત્માને આપણી મૂલ્ય પ્રણાલીને જગતના દૃષ્ટિકોણથી ઈશ્વરના (રોમનોને પત્ર 12:2) રૂપમાં બદલવાની મંજૂરી આપીએ તો આપણું મનનું ધીમે ધીમે અને ક્રમશઃ નવીનીકરણ થઈ શકે છે.

જો કે ખ્રિસ્ત પાછા આવશે ત્યારે જ આપણું શરીર રૂપાંતરિત થશે (ફિલિપ્પીઓને પત્ર 3:21 તે ખૂબ જ સ્પષ્ટપણે જણાવે છે). જ્યારે ખ્રિસ્ત પાછા આવશે, ત્યારે આપણું શરીર સંપૂર્ણ પુનરુત્થાન પામેલા જીવનનો આનંદ માણશે - કોઈ માંદગી અને મરણ નહીં. પરંતુ ઈશ્વર અત્યારે પણ, તેમની દયાથી, આપણા શરીરમાં ક્યારેક-ક્યારેક "આવનાર યુગના પરાક્રમનો” થોડો સ્વાદ ચાખવા દે છે (હિબ્રૂઓને પત્ર 6:5) - તેમના અલૌકિક સાજાપણું આપનાર પરાક્રમનો સ્વાદ. આ રીતે ઘણા વિશ્વાસીઓએ તેમની માંદગીમાંથી અલૌકિક રીતે સાજા થવાનો અનુભવ કર્યો છે. અને તેથી જ ઈશ્વરે ખ્રિસ્તના શરીરમાં કેટલાકને સાજાપણાના અને ચમત્કારોના કૃપાદાનો આપ્યા છે.

પરંતુ શરીરને સાજાપણું આપવું એ સંપૂર્ણ રીતે ઈશ્વરની સર્વોપરી ઇચ્છામાં છે અને આપણે ઈશ્વરને કહી શકતા નથી કે કોણ સાજું થવું જોઈએ. તેમજ આપણે જ્યારે પણ ઈચ્છીએ ત્યારે, અધિકાર તરીકે, અહીં અને અત્યારે તેનો દાવો કરી શકીએ નહીં - જેમ આપણે પસ્તાવો, કબૂલાત અને ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા એવા વિશ્વાસ દ્વારા આપણા બધા પાપોની સંપૂર્ણ માફીનો દાવો કરી શકીએ છીએ.

આપણે સાજાપણાનો હક તરીકે દાવો કરી શકતા નથી અને જ્યારે આપણે તારણ પામીએ છીએ ત્યારે આપણા શરીર પરના શાપની અસર દૂર થતી નથી તે બાબતોનો સ્પષ્ટ પુરાવો એ હકીકતમાં જોવા મળે છે કે બધા વિશ્વાસીઓ આખરે મરણ પામે છે, પછી ભલે લોકો ગમે તેટલી પ્રાર્થના કરે અને સાજાપણાનો અને જીવનનો દાવો કરે! માંદગી અને મરણ પૃથ્વી પરના શાપના પરિણામો છે, જેમ કે પરસેવો, શારીરિક થાક અને ઊંઘ. ખ્રિસ્ત પાછા ન આવે ત્યાં સુધી આ બધા આપણા શરીરને અસર કરશે. વળી આપણા આત્માઓ પહેલેથી જ શાપમાંથી મુક્ત થઈ ગયા છે (ગલાતીઓને પત્ર 3:13,14), પણ આપણું શરીર ધૂળનું છે, તે હજી પણ પૃથ્વીની ધૂળ પરના શાપથી પ્રભાવિત છે.

યશાયા 53:5 વિશે શું, જે કહે છે: "તેમના સોળથી આપણને સાજાપણું મળ્યું છે"? ચાલો આપણે તે કલમનું આપણું પોતાનું અર્થઘટન ન કરીએ, પરંતુ નવા કરારમાં આ કલમ વિષે પવિત્ર આત્માએ પોતે આપેલા અર્થઘટનને જોઈએ:

પિતરનો પહેલો પત્ર 2:24 માં આપણે વાંચીએ છીએ: “લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ માથે લીધાં, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયીપણા સંબંધી જીવીએ; તેમના ઘાથી તમે સાજા થયા.”

આ કલમોમાંથી તે સ્પષ્ટ છે કે અહીં ઉલ્લેખિત "સાજાપણું" એ "પાપમાંથી સાજાપણું" છે અને પરિણામે આપણે જે "આરોગ્ય" પ્રાપ્ત કરીએ છીએ તે "ન્યાયીપણું" છે. આ બાબત આ જ ફકરાના સંદર્ભ દ્વારા વધુ સાબિત થાય છે જેમાં આ કલમ જોવા મળે છે, જે ઈસુને પગલે ચાલવાની વાત કરે છે જેમણે કદી પાપ કર્યું ન હતું.

યશાયા 53:4 વિશે શું, જે કહે છે, “ખચીત તેમણે આપણા દરદ માથે લીધા છે, ને આપણા દુઃખ વેઠ્યા છે”, જે માથ્થી 8:16 17 માં ટાંકવામાં આવ્યું છે આમ: “અને સાંજ પડી ત્યારે તેઓ ઘણા ભૂતવળગેલાઓને તેમની પાસે લાવ્યા, અને તેમણે શબ્દથી તે આત્માઓને બહાર કાઢ્યા, ને સઘળા માંદાઓને સાજાં કર્યા. એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, ‘તેમણે પોતે આપણી માંદગીઓ લીધી, ને આપણા રોગ ભોગવ્યા.’”

આ ફકરામાંથી તે ફરીથી ખૂબ જ સ્પષ્ટ છે કે આ પ્રબોધવાણી ઈસુની સેવાની શરૂઆતમાં તે ને તે જ વખતે પૂર્ણ થઈ હતી. તે એવી બાબત ન હતી જે, જ્યારે ઈસુ પછીથી વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે પૂર્ણ થઇ, જેમ ઘણા લોકો દાવો કરે છે તેમ. ઈસુએ માંદા લોકોને સાજા કર્યા ત્યારે આ પ્રબોધવાણી પૂરી થઈ. એવું કોઈ વચન નથી કે ઈસુએ વધસ્તંભ પર આપણી બધી માંદગીઓ દૂર કરી છે.

તેથી જ્યારે આપણે માંદા હોઈએ ત્યારે આપણે શું કરીશું? ચાલો પાઉલના દાખલાને અનુસરીએ. તેણે તેના "દેહમાંના કાંટા"માંથી સાજા થવા માટે પ્રાર્થના કરી. તેણે આખરે ઈશ્વરને કહેતા સાંભળ્યા કે કાંટો દૂર કરવામાં આવશે નહીં પરંતુ તેને માટે ઈશ્વરની કૃપા બસ છે (કરિંથીઓને બીજો પત્ર 12:7-9). એપાફ્રદિતસના કિસ્સામાં, પાઉલે પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું અને ઈશ્વરે દયાથી તેને સંપૂર્ણ રીતે સાજો કર્યો (ફિલિપ્પીઓને પત્ર 2:27). અને જો કે ત્રોફિમસના કિસ્સામાં, પાઉલની પ્રાર્થના છતાં, તે સાજો થયો ન હતો (તિમોથીને બીજો પત્ર 4:20). તિમોથીના કિસ્સામાં, પાઉલે તેના માટે ઘણીવાર પ્રાર્થના કરી હશે. પરંતુ તિમોથી તેના પેટની બીમારીથી પીડાતો રહ્યો. તેથી પાઉલે આખરે તેને દવા તરીકે થોડો દ્રાક્ષારસ લેવાનું કહ્યું. (તિમોથીને પહેલો પત્ર 5:23).

તેથી આપણે હંમેશા દરેક માંદગીમાંથી સાજા થવા માટે એવી પ્રાર્થના કરવી જોઈએ કે જો આપણને સાજા કરવાની ઈશ્વરની ઇચ્છા નથી, તો તેઓ આપણને કૃપા આપે - ઈશ્વર તે બેમાંથી જે નક્કી કરે, તે આપણા માટે સારું છે.

શાસ્ત્રનું આ સંતુલિત શિક્ષણ છે. જો આપણે સત્યને પ્રેમ કરીએ છીએ, તો આપણે અવલોકન કરીશું કે દરેક ખ્રિસ્તી જૂથમાં બીમાર વિશ્વાસીઓ છે - તેમની સાજાપણાને લગતી ઈશ્વરવિદ્યાની સમજ ગમે તે હોય. પરંતુ ઘણા આ હકીકત તરફ તેમની આંખો બંધ કરે છે કારણ કે તેઓ પૂર્વગ્રહયુક્ત છે.

જેને સાંભળવને કાન છે, તે સાંભળે.

*નોંધ: યશાયા 53:3 માં "દુઃખ" તરીકે અનુવાદિત હિબ્રૂ શબ્દ "choliy" (મોટા ભાગના અંગ્રેજી અનુવાદોમાં) વાસ્તવમાં "માંદગી" અથવા "રોગ" નો અર્થ થાય છે. પુનર્નિયમ 7:15 માં આ જ શબ્દનું યોગ્ય રીતે ભાષાંતર “માંદગી” તરીકે થયું છે; પુનર્નિયમ 28:61; અને યશાયા 1:5. પરંતુ મોટાભાગના અનુવાદકો કદાચ માનતા ન હતા કે ઈસુ ક્યારેય માંદા હશે અને તેથી તેઓએ યશાયા 53:3 માં શબ્દનો સચોટ અનુવાદ કર્યો નથી. તેના બદલે, તેઓએ આ હિબ્રૂ શબ્દનો "દુઃખ" તરીકે અનુવાદ કરવા માટે તેમની પોતાની ઈશ્વરવિદ્યાનો ઉપયોગ કર્યો!! ફક્ત હોલમેન બાઈબલ અને એમ્પ્લીફાઈડ બાઈબલે (ઉપર ટાંકેલ) આ હિબ્રૂ શબ્દનો "માંદગી" તરીકે સાચો અનુવાદ કરવાની હિંમત કરી છે. હિબ્રૂ શબ્દ "choliy" નો અર્થ "માંદગી" છે તેનો સ્પષ્ટ પુરાવો જ્યારે આપણે જોઈએ છીએ કે તે જ શબ્દ આગળની કલમમાં કેવી રીતે વપરાયો છે (યશાયા 53:4). અહીં હિબ્રૂઓને પત્રમાં, તે ફરીથી "દુઃખ" તરીકે અનુવાદિત થાય છે. પરંતુ જ્યારે આ કલમ માથ્થી 8:17 માં નવા કરારમાં ટાંકવામાં આવે છે ત્યારે તેનું ભાષાંતર ત્યાં "astheneia" (ગ્રીક) એટલે કે રોગો/બીમારીઓ) તરીકે થાય છે. [જુઓ: http://bible.cc/matthew/8-17.htm ]