WFTW Body: 

આવી અદ્ભુત સુવાર્તા અને ઈશ્વરની જબરદસ્ત કૃપાને જોતાં, આપણો પ્રતિભાવ શું હોવો જોઈએ?

સૌ પ્રથમ, આપણે દરરોજ આપણા શરીરને જીવંત બલિદાન તરીકે ઈશ્વરને અર્પણ કરવું જોઈએ (રોમનોને પત્ર 12:1). ઈશ્વરને આપણા પૈસા નથી જોઈતા; તેમને આપણું શરીર જોઈએ છે. જૂના કરારના દહનાર્પણની જેમ, આપણે આપણા શરીરને એમ કહીને અર્પણ કરવું જોઈએ કે, "પ્રભુ, મારી આંખો, મારી જીભ, મારા હાથ, મારા પગ, મારા કાન, મારો શારીરિક આવેગ - આ સર્વ હું વેદી પર મૂકું છું." પછી, બીજું, આપણે નવીનીકરણ માટે તેમને આપણું મન આપવું જોઈએ (રોમનોને પત્ર 12:2). આવું ત્યારે જ થાય જયારે આપણે આપણા મનને ઈશ્વરના વચનથી ભરી દઈએ. આપણામાંના ઘણાને ગંદા વિચારોની જબરદસ્ત સમસ્યા હોય છે. શા માટે? કારણ કે ભૂતકાળમાં, આપણે આપણા મનનો ઉપયોગ દુન્યવી બાબતો વિચારવા માટે કરતા હતા. હવે ઈશ્વર આપણી વિચારવાની રીત બદલવા માંગે છે, જેથી આપણે તે જે રીતે વિચારે છે તેમ વિચારવાનું શરૂ કરીએ. આમ આપણું મન ધીરે ધીરે નવીનીકરણ પામે છે.

જ્યારે આપણે નવો જન્મ પામીએ છીએ ત્યારે આપણે તરત જ ઈશ્વર જે રીતે સર્વ બાબતો વિશે વિચારે છે તે રીતે વિચારવાનું શરૂ કરતા નથી. પરંતુ તે ક્ષણથી ઈશ્વર આપણી વિચારવાની રીત બદલવા માંગે છે જેથી આપણે ધીમે ધીમે દરેક બાબતને તે જે રીતે જુએ છે તે રીતે જોવાનું શરૂ કરીએ. શું આપણે પૈસાને ઈશ્વર જે રીતે જુએ છે તે રીતે જોવાનું શરૂ કર્યું છે? શું આપણે સ્ત્રીઓને, દુન્યવી પુરુષો તેમને જુએ છે તે રીતે નહીં, પણ ઈશ્વર તેમને જે રીતે જુએ છે એ રીતે જોવાનું શરૂ કર્યું છે? દુનિયા કાં તો સ્ત્રીઓને ધિક્કારે છે અથવા તેમની લાલસા રાખે છે. ઈશ્વર તેમાંનું કશું જ કરતા નથી. શું આપણે આપણા દુશ્મનોને એ રીતે જોવાનું શરૂ કર્યું છે જે રીતે ઈસુ પોતાના દુશ્મનોને જોતા હતા? દુન્યવી લોકો તેમના દુશ્મનોને ધિક્કારે છે, પરંતુ ઈસુ તેમને પ્રેમ કરતા હતા. દરેક ક્ષેત્રમાં આપણું મન નવીનીકરણ પામવું જોઈએ. જયારે આપણે ઈશ્વરના વચનો વાંચીએ છીએ અને તેનું પાલન કરીએ છીએ ત્યારે, પવિત્ર આત્મા આપણા મનને નવીનતાને યોગે ખ્રિસ્તની સમાનતામાં રૂપાંતરિત કરે છે.

રુપાંતર પહેલા અંદરથી થાય છે. "આ જગતનું રુપ ન ધરો", (રોમનોને પત્ર 12:2) આપણને શીખવે છે કે દુનિયાદારી આપણા મનમાં ઉદ્ભવે છે. ઘણા લોકો કલ્પના કરે છે કે વ્યક્તિ જે રીતે પોશાક પહેરે છે તેમાં દુનિયાદારી જોવા મળે છે. તેવું નથી. તે પહેલા મનમાં હોય છે. આપણે ખૂબ જ સાદા વસ્ત્રો પહેરી શકીએ છીએ અને તેમ છતાં પૈસાને ખૂબ પ્રેમ કરતા હોઈ શકીએ છીએ. માણસ બાહ્ય દેખાવ તરફ જુએ છે, જ્યારે ઈશ્વર હૃદય તરફ જુએ છે. ઈસુનો ખરો શિષ્ય ઈશ્વરની સ્વીકૃતિ શોધે છે. જ્યારે આપણે આપણું શરીર અને આપણું મન ઈશ્વરને આ રીતે અર્પણ કરીએ છીએ ત્યારે જ આપણે આપણા જીવન માટે તેમની સંપૂર્ણ ઇચ્છાને સમજી શકીએ છીએ (કલમ 2).

રોમનોને પત્ર 12માં પાઉલ ખ્રિસ્તનું શરીર બાંધવા વિશે વાત કરે છે. સુવાર્તાનો ધ્યેય વ્યક્તિગત તારણ નથી પરંતુ ખ્રિસ્તના શરીરનો એક ભાગ બનવું છે - જ્યાં આપણે ઈશ્વરે આપણને આપેલ કૃપાદાનોનો ઉપયોગ કરીએ છીએ - પ્રબોધવાણી, સેવા, વગેરે. તે માત્ર 1 કરિંથીઓને પત્ર 12 માં જ નથી, પરંતુ અહીં પણ તે પવિત્ર આત્માના કૃપાદાનોની સૂચિ છે (રોમનોને પત્ર 12:6-8). અહીં એક કૃપાદાનનો ઉલ્લેખ છે જે ભાગ્યે જ કોઈ ખ્રિસ્તી ઈચ્છે છે - ઉદારતાનું કૃપાદાન - મંડળીમાં ગરીબોને અને ઈશ્વરના કાર્ય માટે પૈસા આપવાનું કૃપાદાન (કલમ 8).

બાકીના અધ્યાય 12 માં આપણે ખ્રિસ્તના શરીરમાં અન્ય લોકો સાથે કેવી રીતે સંબંધ રાખવો તે વિશે લખવામાં આવ્યું છે. "અરસપરસ એક દિલના થાઓ, તમારું મન મોટી મોટી બાબતો પર ન લગાડો" (રોમનોને પત્ર 12:16). આપણે ખ્રિસ્તના શરીરમાં દરેક સાથે ભળવું જોઈએ, પરંતુ ખાસ કરીને ગરીબો સાથે - કારણ કે ઈશ્વરે આ જગતના દરિદ્રીઓને વિશ્વાસમાં સમૃદ્ધ બનવા માટે પસંદ કર્યા છે (યાકૂબનો પત્ર 2:5). “તમે સામું વૈર ન વાળો. વૈર વાળવું એ ઈશ્વરનું કામ છે” (કલમ 19). જેમ સ્તુતિ અને મહિમા એકલા ઈશ્વરના છે, તેમ વૈર વાળવું પણ એકલા ઈશ્વરનું છે. જેમ આપણને બીજાઓ પાસેથી સ્તુતિ કે મહિમા મેળવવાનો અધિકાર નથી તેમ આપણને બીજાઓ પર વૈર વાળવાનો અધિકાર નથી.

રોમનોને પત્ર 13 અધિકારીઓને આધીન રહેવા વિશે વાત કરે છે. સુવાર્તા આપણને સૌ પ્રથમ ઈશ્વરને આધીન રહેવાનું શીખવે છે (રોમનોને પત્ર 12:1, 2); પછી ખ્રિસ્તના શરીરમાં એકબીજા સાથે (રોમનોને પત્ર 12:3-21); અને છેવટે વિધર્મી સત્તાવાળાઓને - કારણ કે તેઓ "ઈશ્વરના સેવકો" છે (રોમનોને પત્ર 13:4, 6). એટલા માટે આપણે આપણો કર ચૂકવીએ છીએ અને આપણા દેશના કાયદાનું પાલન કરીએ છીએ.