ઘણા લોકો ભારતમાંની આપણી મંડળીઓમાં જોડાવા માંગે છે, કારણ કે તેઓ આપણી વચ્ચે ઘણા આતિથ્યશીલ, ઉદાર લોકોને જુએ છે. પરંતુ જો આપણે આવા લોકોને તાત્કાલિક દૂર કરવામાં કાળજી નહીં રાખીએ, તો ખૂબ જ ટૂંક સમયમાં ભારતનો દરેક ગરીબ વ્યક્તિ આપણી મંડળીઓમાં જોડાવા માંગશે, અને આપણી "મંડળી-વૃદ્ધિ" નોંધપાત્ર હશે!! આપણને "બદલાણ પામેલા" લોકો મળશે જેઓ પૈસામાં રસ ધરાવે છે, ન્યાયીપણામાં નહીં.
આજે ભારતમાં ઘણા ખ્રિસ્તી કાર્યકર્તાઓ માટે, "પ્રભુની સેવા કરવી" એક વ્યવસાય છે, કોઈ તેડું નથી. ઘણા લોકો મંડળીમાં જોડાઈને આર્થિક રીતે સમૃદ્ધ થયા છે. જો ઈશ્વરે તેમને તેમના જીવનમાં ન્યાયી હોવા બદલ સન્માન આપ્યું હોય અને તેઓ સમૃદ્ધ થયા હોય, તો તે બરાબર છે. પરંતુ જો તેમની સમૃદ્ધિ મંડળીમાં જોડાઈને મેળવેલા સમૃદ્ધ સંપર્કોને કારણે આવી હોય, તો તેઓ ઈશ્વરની ઈચ્છાને સંપૂર્ણપણે ચૂકી ગયા છે - કારણ કે ખ્રિસ્તી ધર્મ નાણાકીય નફો કમાવવાનો માર્ગ નથી.
મંડળી એ ત્યાગ કરવાનું અને આપવાનું સ્થળ છે - નફા અને લાભ માટેનું સ્થાન નથી. દુઃખદ વાત એ છે કે આજે ભારતમાં ઘણા "ખ્રિસ્તી કાર્યકર્તાઓ" તેઓ સંસારી નોકરીમાં કમાયા હોત તેના કરતા પાંચથી દસ ગણું કમાય છે. ઘણા "ખ્રિસ્તી કાર્યકર્તાઓ" એ ક્યારેય સંસારી નોકરીમાં એક પણ દિવસ કામ કર્યું નથી. ઈસુએ ક્યારેય એવા કોઈને પોતાના પ્રેરિતો તરીકે તેડ્યા નથી જે પહેલાથી સંસારી નોકરીમાં કામ કરતા ન હતા. આજે ભારતમાં ઘણા લોકો માટે ખ્રિસ્તી કાર્ય પુષ્કળ નફાનો સ્ત્રોત બની ગયું છે. બિન-ખ્રિસ્તીઓ તેમને જુએ છે અને કહે છે, "આ વ્યક્તિ પૈસા કમાવવા માટે ખ્રિસ્તી કાર્યકર્તા બન્યો છે." અને તેઓ સાચા છે! આપણે તેમના મોં કેવી રીતે બંધ કરીશું? એ ત્યારે જ બની શકે જ્યારે ખ્રિસ્તી કાર્યકર્તાઓ બતાવી શકે કે તેઓને ખ્રિસ્તી કામમાં જે મળે છે તેના કરતાં સંસારી નોકરીમાં તેઓ વધુ પૈસા કમાઈ શક્યા હોત.
પ્રેરિતોનાં કૃત્યો અધ્યાય 5 માં, એવા સમયે જ્યારે દરેક વ્યક્તિ પોતાની મિલકત વેચી રહી હતી અને ગરીબોમાં વહેંચવા માટે પ્રેરિતોને આપી રહી હતી, ત્યારે અનાન્યા અને સાફીરાએ વિચાર્યું, "આપણા પૈસા આપણી પાસે રાખીને પણ આપણે આત્મિક કેવી રીતે દેખાઈ શકીએ?" તેથી જ્યારે તેઓએ પોતાની જમીન વેચી, ત્યારે તેઓએ પોતાના બધા પૈસા આપ્યા નહીં. તેમનું પાપ એ નહોતું કે તેઓએ પોતાના બધા પૈસા આપ્યા નહીં. ઈશ્વર રાજીખુશીથી અપનારાઓને પ્રેમ કરે છે અને કોઈના પૈસા ઈચ્છતા નથી. પિતરે અનાન્યાને કહ્યું, “તે [જમીન] તારી પાસે હતી ત્યારે શું તારી નહોતી? અને તેને વેચ્યા પછી શું [તેનું મૂલ્ય] તારે સ્વાધીન નહોતું? આવો વિચાર તેં પોતાના મનમાં કેમ આવવા દીધો? તેં માણસોને નહિ પણ ઈશ્વરને જૂઠું કહ્યું છે.” (પ્રેરિતોનાં કૃત્યો 5:4). અનાન્યાનું પાપ દંભ હતું - પૂરા દિલથી કરતા હોવાનો ડોળ કરવો. જો તેણે કહ્યું હોત કે, “અમે તે જમીન 50,000 રૂપિયામાં વેચી દીધી. પણ અમને લાગે છે કે અમારે તેમાંથી ફક્ત 20% આપવા છે. બાકીના અમે અમારી પોતાની જરૂરિયાતો માટે રાખવા માંગીએ છીએ. તો આ 10,000 રૂપિયા છે.” પિતરે અનાન્યાને આશીર્વાદ આપ્યો હોત - અને તે અને તેની પત્ની જીવતા રહ્યા હોત. અનાન્યાએ ક્યારેય કંઈ કહ્યું નહીં. બીજા બધા પૂરા હૃદયથી આપનાર લોકો સાથે લાઈનમાં ઊભા રહીને, તે ફક્ત મોં ખોલ્યા વિના જૂઠું બોલ્યો. પરંતુ પિતર સમજદાર માણસ હતો. અનાન્યા અને સાફિરા બંનેને તેણે ખુલ્લા પાડ્યા અને તેઓ તેમના દંભને લીધે મરણ પામ્યા.
આજે ઈશ્વર આવું કેમ નથી કરતા? જો એમ થાય તો મંડળીમાં બહુ ઓછા લોકો જીવતા રહેશે! અનાન્યા અને સાફીરા ખૂબ જ શુદ્ધ અને પરાક્રમી મંડળીના હતા - અને તેથી જ તેઓ મરણ પામ્યા. જો તેઓ કોઈ મૃત, દૈહિક મંડળીમાં હોત (જેમ કે કરિંથીમાંની મંડળી), તો તેઓ ત્યાં વડીલો પણ હોત. જો તમે ગર્વિત અને દંભી છો, તો પૂર્ણતા તરફ આગળ વધી રહેલી મંડળીમાં જોડાવું જોખમી છે. ઈશ્વર તમને મારશે અને એક યા બીજી રીતે તમને તેમની વચ્ચેથી દૂર કરશે. પરંતુ આજકાલ આવી મંડળીઓ બહુ નથી. તેથી તમે આજે મોટાભાગની મંડળીમાં ટકી રહેશો. જો તમે જીવતા રહીને, ગર્વિત અને દંભી બનવા માંગતા હો, તો જોડાવા માટે મૃત મંડળી પસંદ કરો.