written_by :   Zac Poonen categories :   The Church Disciples
WFTW Body: 

આ અઠવાડિયે, આપણે મહાન આદેશના બંને પાસાઓને પરિપૂર્ણ કરવાનો અર્થ શું છે તેનો આપણો અભ્યાસ ચાલુ રાખીએ છીએ. ગયા અઠવાડિયે આપણે જોયું કે શિષ્યપણાની પ્રથમ શરત, એ ખ્રિસ્ત માટેનો સર્વોચ્ચ પ્રેમ છે, જ્યાં આપણે ખ્રિસ્તને આપણા માતા-પિતા કરતાં, આપણી પત્નીઓ કરતાં, આપણાં બાળકો કરતાં વધુ, આપણા લોહીના સંબંધના અથવા મંડળીના દરેક ભાઈ-બહેન કરતાં વધુ, અને આપણા પોતાના જીવ કરતાં વધુ પ્રેમ કરીએ છીએ.

શિષ્યપણાની બીજી શરતનો ઉલ્લેખ લૂક 14:27 માં કરવામાં આવ્યો છે: "જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી."

ફરીથી, ઈસુ બહુ સ્પષ્ટ છે: "થઈ શકતો નથી."

દરરોજ વધસ્તંભ ઊંચકવાનો અર્થ શું છે? તેમણે કહ્યું "પોતાનો વધસ્તંભ;" મારે ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ ઊંચકવાની જરૂર નથી, અને મારે બીજા કોઈનો વધસ્તંભ ઊંચકવાની જરૂર નથી, પરંતુ મારે મારો પોતાનો વધસ્તંભ ઊંચકવો પડશે. ઈસુએ લૂક 9:23 માં તેને આ રીતે સમજાવ્યું: "જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું."

લૂક 9:23 માં "દરરોજ" શબ્દ ઉમેરવામાં આવ્યો છે, જે લૂક 14:27 ને પણ લાગુ પડે છે. જો આપણે આપણા જીવનના દરેક દિવસે વધસ્તંભ ઊંચકીએ અને ખ્રિસ્તની પાછળ ચાલીએ, તો તેનો અર્થ એ હોવો જોઈએ કે ખ્રિસ્તે દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચક્યો હતો. નહિંતર, તે કેવી રીતે મને દરરોજ મારો વધસ્તંભ ઊંચકીને તેમની પાછળ આવવાનું કહી શકે?

પ્રભુ ઈસુના તેમના 33 વર્ષ અને 6 મહિનાના જીવનમાં એક આંતરિક વધસ્તંભ હતો, જે એક ભૌતિક વધસ્તંભમાં પરિણમ્યો હતો જેને તે કાલવરી પર લઈ ગયા હતા. આપણે એ સમજવાની જરૂર છે કે આ આંતરિક વધસ્તંભ શું હતો, કારણ કે જો હું મારા જીવનમાં તે વધસ્તંભ ન ઊંચકું તો -- હું શિષ્ય બની શકતો નથી.

આજે આપણે "વધસ્તંભ" શબ્દનો વધુ ઉપયોગ કરતા નથી કારણ કે તે ખ્રિસ્તી ધર્મનું પ્રતીક બની ગયું છે. લોકો પાસે સોનેરી વધસ્તંભ અને હાથીદાંતના વધસ્તંભ હોય છે, પરંતુ જે દિવસે ઈસુએ તેના વિશે વાત કરી હતી, તે સમયે તે લોકોને ફાંસી આપવાનું સૌથી ભયાનક માધ્યમ હતું જેની રોમનોએ શોધ કરી હતી. આજે વધુ યોગ્ય પ્રતીક, ફાંસી આપવાનું દોરડું, ઈલેક્ટ્રિક ખુરશી અથવા ગિલોટીન (ગળું કાપવાનું યંત્ર) હોઈ શકે છે. વધસ્તંભ એ ફાંસીની સજાનું પ્રતીક હતું, એક માણસને મૃત્યુદંડ આપવામાં આવે છે કારણ કે તે ગુનેગાર છે. માત્ર ગુનેગારોને જ વધસ્તંભે જડવામાં આવતા હતા.

ઈસુ આપણામાં એવી કોઈ બાબત વિશે વાત કરી રહ્યા હતા જેનો, જો આપણે તેમની પાછળ ચાલીએ તો દરરોજ નકાર કરવો પડે. તે શું છે? ઈસુ આપણા પોતાના જીવનો ઉલ્લેખ કરી રહ્યા હતા: "જો કોઈ પોતાના જીવ પર પ્રેમ રાખે છે (પોતાનો જીવ), તે તેને ગુમાવે છે."

આ તે વધસ્તંભ છે જે આપણે ઊંચકવો જોઈએ, જ્યાં આપણી જાતને દરરોજ વધસ્તંભ પર જડવામાં આવે છે. જ્યાં આપણે, ગેથસેમાનની વાડીમાં ઈસુના શબ્દોમાં કહીએ છીએ, "મારી નહીં પણ તમારી ઈચ્છા." મારી ઈચ્છામાં મારું પોતાનું સામર્થ્ય જોવા મળે છે. હું મારી ઈચ્છા, જેનાથી મને ખુશી થાય તે પ્રમાણે કરવા માંગુ છું. આ જ બધા પાપનું મૂળ છે, અને જો તેનો નકાર નથી કરતા, તો હું વધસ્તંભ ઊંચકતો નથી.

આ કંઈક છે જે દરરોજ કરવાની જરૂર છે. ત્યારે જ હું શિષ્ય બની શકીશ. મારે તે શબ્દો દરરોજ બોલવા જરૂરી નથી, પણ મારો અભિગમ એવો હોવો જોઈએ, "હું આજ દિને કોઈ પણ ક્ષેત્રમાં મારી ઈચ્છા પૂરી કરવાનો નથી. હું ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવા જઈ રહ્યો છું." તે એક બાબત છે જે અંગે ઈસુએ આપણને પ્રાર્થના કરવાનું શીખવ્યું હતું, "જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ."

સ્વર્ગમાં, કોઈ પણ સ્વર્ગદૂત પોતાની મરજી પ્રમાણે કરતા નથી. તેઓ હંમેશા ઈશ્વરની ઈચ્છાની રાહ જુએ છે કે ઈશ્વર તેમની પાસેથી શું કરાવવા માંગે છે, અને તે જ તેઓ સ્વર્ગમાં દરરોજ કરે છે. જો આપણા દિવસોને પૃથ્વી પરના સ્વર્ગના દિવસો સમાન બનાવવા હોય, જો આપણાં જીવનને સ્વર્ગીય જીવન બનાવવાનું હોય, તો તેનું રહસ્ય આ છે: "જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ."

બીજા શબ્દોમાં કહીએ તો, ઈશ્વર પ્રત્યે એક શિષ્યનું વલણ એવું હોય છે, "ઈશ્વર હું ક્યારેય કોઈ પણ બાબતમાં મારી પોતાની ઈચ્છા પ્રમાણે કરવા માંગતો નથી. હું જેને પસંદ કરું તેની સાથે હું લગ્ન કરવા માંગતો નથી; હું મને ગમતી નોકરી લેવા માંગતો નથી; જ્યાં મને ગમે છે ત્યાં હું રહેવા માંગતો નથી, જીવનના દરેક ક્ષેત્રમાં હું તમારી ઈચ્છા જાણવા માંગુ છું. જ્યારે કોઈ મારી સાથે ખરાબ વર્તન કરે છે ત્યારે તમે મારી પાસે જેવું ઈચ્છો છો તે રીતે હું પ્રતિક્રિયા આપવા માંગુ છું, અને મારો દેહ અને મારો પોતાનો જીવ જે કરવા માંગે છે તે પ્રમાણે હું પ્રતિક્રિયા આપવા માંગતો નથી."

દરરોજ વધસ્તંભ ઊંચકવાનો અર્થ આ છે, અને ઈસુ કહે છે કે જો તમે તેમ ન કરો, તો તમે સંપૂર્ણપણે "મારા શિષ્ય બની શકતા નથી."

માથ્થી 28 માં ઈસુએ મહાન આદેશનો બીજો અડધો ભાગ આપ્યો છે તે જાણીને, શું તમને લાગે છે કે તમે જે વિશ્વાસીઓને મળ્યા છો તેઓ દરરોજ વધસ્તંભ ઊંચકવાની, દરરોજ પોતાની જાતનો નકાર કરવાની આ રીત પ્રમાણે ચાલે છે? શું તમે પોતે તે કરો છો? માથ્થી 28:19 માં આપવામાં આવેલ આદેશને ખ્રિસ્તીઓ દ્વારા કેટલી ઓછી ગંભીરતાથી લેવામાં આવે છે તેનો આ પુરાવો છે.