WFTW Body: 

બીજી અન્ય રીત જે દ્વારા ઈશ્વર આપણી શક્તિ અને અભિમાનને તોડે છે, તે આપણા આગેવાનો દ્વારા આપણને સુધારીને છે. લગભગ તમામ વિશ્વાસીઓ‌ માટે સુધારાને સ્વીકારવો ખૂબ જ મુશ્કેલ હોય છે. બે વર્ષના બાળક માટે પણ સુધારાને સ્વીકારવો સરળ નથી - ખાસ કરીને જો તે સુધારો જાહેરમાં આપવામાં આવ્યો હોય.

છેલ્લે ક્યારે તમે જાહેરમાં મળેલ સુધારાનો આનંદપૂર્વક સ્વીકાર કર્યો હતો? શું તમે તમારા જીવનમાં એકવાર પણ તેનો સ્વીકાર કર્યો છે? જો નહિ, તો તેમાં નવાઈ પામવા જેવું નથી કે તમારી પાસે આત્મિક અધિકારનો અભાવ છે.

પિતર અને યહૂદા ઈશ્કરિયોત વચ્ચે આ એક મોટો તફાવત હતો. જ્યારે પિતરે મૂર્ખતાપૂર્વક પ્રભુને વધસ્તંભને તેમનાથી દૂર રાખવા કહ્યું, ત્યારે ઈસુએ તેને સખત ઠપકો આપ્યો અને કહ્યું, "અરે શેતાન, મારી પાછવાડે જા". ઈસુએ કોઈ માણસને આપ્યો હોય તેમાં તે સૌથી સખત ઠપકો હતો. ફરોશીઓને તો તેમણે ફક્ત "સર્પો" કહીને સંબોધ્યા હતા. પરંતુ પિતરને "શેતાન" કહેવામાં આવ્યો હતો. ઈસુનો સૌથી સખત ઠપકો તે લોકો માટે આરક્ષિત હતો જેઓ તેમની સૌથી નજીક હતા. જેટલા પર તેઓ સૌથી વધુ પ્રેમ રાખે છે તે સર્વને તેઓ સૌથી વધુ ઠપકો આપે છે‌ (પ્રકટીકરણ 3:19).

ત્યાર પછી તરત જ, જ્યારે ઘણા શિષ્યો પ્રભુના ઉપદેશથી નારાજ થઈ રહ્યા હતા અને તેમને છોડીને જઈ રહ્યા હતા, ત્યારે પ્રભુએ તેમના શિષ્યોને પૂછ્યું કે શું તેઓ પણ જતા રહેવા ચાહે છે. તે પિતર હતો જેણે ઉત્તર આપ્યો, "પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે" (યોહાન 6:60, 66-68). પિતરે સાંભળેલા અંનતજીવનના શબ્દો શું હતા? "શેતાન, મારી પાછવાડે જા"!

શું આપણે સુધારાના શબ્દોને અંનતજીવન તરફ દોરી જનારા શબ્દો તરીકે જોઈએ છીએ?

આ રીતે પિતરે સુધારો સ્વીકાર્યો અને એ બાબતે જ તેને એ માણસ બનાવ્યો જે તે બન્યો.

એક બીજો પ્રસંગ પણ હતો જ્યાં પિતરે પ્રભુ પાસેથી સુધારો સ્વીકાર્યો હતો. પિતરે છેલ્લા ભોજન સમયે પ્રભુને કહ્યું હતું કે જોકે બીજા પ્રભુનો નકાર કરે, તો પણ તે કદી નહિ કરે. પ્રભુ ઈસુએ તરત જ જવાબ આપ્યો કે પિતર આગામી 12 કલાકમાં તેમનો ત્રણ વાર નકાર કરશે. પણ પિતર એ જવાબથી નારાજ થયો નહિ. તે એવો માણસ હતો કે જેને આખરે પ્રભુ ઈસુએ ઉચ્ચપદે મૂક્યો અને પચાસમાના દિવસે તેને પોતાના મુખ્ય પ્રેરિત અને પ્રવક્તા ઠરાવ્યો.

પિતરે પોતાની જાતને સુધારા હેઠળ નમ્ર બનાવી તેથી ઈશ્વરે તેને ઉચ્ચપદે મૂક્યો. પોતાના અનુભવમાંથી શીખ્યા પછી, પિતર હવે પિતરનો પહેલો પત્ર 5: 5,6 માં આપણ બધાને હંમેશા નમ્ર બનવાની સલાહ આપે છે. આપણે આપણી જાતને નમ્ર બનાવીને ક્યારેય કશું ગુમાવીશું નહીં. એક દિવસ ઈશ્વર આપણને ઉચ્ચપદે મૂકશે.

સુધારા પ્રત્યે પિતરના વલણથી વિપરીત, યહૂદા ઈશ્કરિયોતના સુધારા પ્રત્યેના વલણને જુઓ. જ્યારે એક સ્ત્રીએ ઇસુનો મોંઘા અત્તરથી અભિષેક કર્યો, ત્યારે યહૂદાએ કહ્યું કે આ રીતે પૈસા ખર્ચવા તે વ્યર્થ છે, તે ગરીબોને આપી શકાયા હોત (યોહાન 12:5; માથ્થી 26:10-13). ઈસુએ યહૂદાને ખૂબ જ નરમાશથી સુધાર્યો અને તેને તે સ્ત્રીને સતાવવાની મના કરતા કહ્યું કે તે સ્ત્રીએ તેમના પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે. પણ યહૂદા તો નારાજ થયો.

પછીની કલમમાં (માથ્થી 26:14), આપણે વાંચીએ છીએ કે યહૂદા તરત જ મુખ્ય યાજકોની પાસે ગયો અને ઈસુનો વિશ્વાસઘાત કરવા સંમત થયો. આનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. યહૂદા નારાજ થયો, કારણ કે ઈસુએ તેને જાહેરમાં સુધાર્યો હતો.

ઈસુએ યહૂદાને માત્ર એટલું જ કહ્યું હતું કે તે સ્ત્રીના કાર્ય અંગેનું તેનું મૂલ્યાંકન ખરું ન હતું. પરંતુ તે યહૂદાને નારાજ કરવા માટે પૂરતું હતું. જ્યારે તમે ભંગિત નથી, ત્યારે એક નાની બાબત તમને નારાજ કરવા માટે પૂરતી હશે.

પરંતુ યહૂદાની પ્રતિક્રિયાના કાયમી પરિણામો તરફ જુઓ. અને પિતરની પ્રતિક્રિયાના કાયમી‌ પરિણામો તરફ જુઓ. બન્નેની સુધારા દ્વારા કસોટી કરવામાં આવી હતી - એક નિષ્ફળ થયો, જ્યારે બીજો સફળ થયો.

આજે, આપણી પણ એ જ રીતે કસોટી થઈ રહી છે.

જો સાર્વજનિક સુધારો આપણને નારાજ કરે છે, તો તે માત્ર એટલું જ સાબિત કરે છે કે આપણે માણસોમાં સન્માન શોધી રહ્યા છીએ. જો એમ હોય તો, આપણે હમણાં જ તે જાણવું સારું છે, જેથી આપણે આવું સન્માન-શોધવાની વૃત્તિથી પોતાને શુદ્ધ કરી શકીએ. આપણે માણસના મંતવ્યોના કેટલા ગુલામ છીએ તે જણાવવા માટે ઈશ્વરે આવી પરિસ્થિતિ ઊભી થવા દીધી હશે. હવે આપણે આપણી જાતને શુદ્ધ કરી શકીએ છીએ અને મુક્ત થઈ શકીએ છીએ.

તેથી, ચાલો દરેક સમયે સુધારા માટે પિતરના જેવું વલણ ધરાવીએ - પછી ભલે ઈશ્વર આપણને તેમના આત્મા દ્વારા અથવા કોઈ બીજા દ્વારા સુધારે. આ આપણા બધા માટે અંનતજીવનનો માર્ગ છે. જો આપણે આપણી જાતને નમ્ર બનાવીશું, તો આપણને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થશે અને તેઓ આપણને યોગ્ય સમયે ઉચ્ચપદે મૂકશે.