WFTW Body: 

હું તાજેતરમાં એક મિશનરીનું જીવનચરિત્ર વાંચી રહ્યો હતો જેમણે દક્ષિણ પેસિફિકના ઘણા ટાપુઓ, જ્યાં ઘણા નરભક્ષી જાતિના માણસો રહેતા હતા, ત્યાં ઈસુ ખ્રિસ્તની સુવાર્તા ફેલાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું . હું એ જોવા માટે ઉત્સાહિત હતો કે તેને ઘણી મુશ્કેલ કસોટીઓમાંથી પ્રભુએ કેવી રીતે બચાવ્યો, તેને બળવાન કર્યો, પ્રોત્સાહિત કર્યો, અને તેને દિલાસો આપ્યો. અને મને મારા હૃદયમાં એ ઝંખના વધતી જોવા મળી, અને એવું વિચારવાનું પરીક્ષણ આવ્યું કે આજે હું મારા જીવનની જે સાક્ષી આપી શકું તેના કરતાં આ સાક્ષી વિશેષ હતી.

પરંતુ પ્રભુએ તે અનુભવનો ઉપયોગ મને એક ખૂબ જ મહત્વપૂર્ણ સત્યની યાદ અપાવવા માટે કર્યો: કે જે સૌથી મહત્વપૂર્ણ સાક્ષી હું આપી શકું તે, હું મારા હોઠથી બીજા માણસોને સાક્ષી આપું છું તે નહિ પણ તેના બદલે, હું મારા જીવન મારફતે, સ્વર્ગીય સ્થાનોના અધિકારીઓને તથા અધિપતિઓને જે સાક્ષી આપું તે છે.

"...સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિઓને તથા અધિકારીઓને ઈશ્વરનું બહુ પ્રકારનું જ્ઞાન મંડળી દ્વારા જણાય." (એફેસીઓને પત્ર 3:11)

આપણે બાઇબલની શરુઆતની નોંધમાંથી જોઈએ છીએ કે શેતાન, કોના પર આરોપ લગાવી શકાય તે શોધવા આખી પૃથ્વી પર ફરે છે, (અયૂબ 1:7), અને આપણે એ પણ જોઈએ છીએ કે ઈશ્વર, તેમની તરફ નજર રાખનાર પુરુષો અને સ્ત્રીઓને શોધે છે - જેમને તે શેતાનને ખોટો સાબિત કરવા માટે, અને માણસની રચનામાં ઈશ્વરની ભવ્ય યોજનાનું જ્ઞાન દર્શાવવા માટે, શેતાનને ચીંધી શકે. (અયૂબ 1:12)

પરંતુ તે જાણ્યા પછી પણ, મને લાગે છે કે મારા જીવનથી ઈશ્વરનો મહિમા કરવા કરતાં હોઠોથી બોલાયેલી સાક્ષીને મહત્વ આપવું તે હજી પણ ખૂબ જ સરળ છે!

સાક્ષીરુપ જીવનની નિશાની

જ્યારે પણ હું મારા જીવન દ્વારા ઈશ્વરનો મહિમા કરવાનો વિચાર કરું છું, ત્યારે મને ઈસુ ખ્રિસ્તની યાદ આવે છે, જેમણે તેમના જીવન દ્વારા "પિતા કોણ છે તે સમજાવ્યું" (યોહાન 1:18). જેમ જેમ આપણે ખ્રિસ્તમાં વૃદ્ધિ પામીએ છીએ, તેમ આપણે તે સમજવા માટે માત્ર ઈસુના બોલાયેલા શબ્દોને જ નહીં પરંતુ ઈસુના જીવનને વધુને વધુ જોવું જોઈએ. મારા માટે, તેમના જીવનની ત્રણ ક્ષણો પિતા વિશેની એવી જ ગહન સમજણ આપે છે - સમાન પ્રતિભાના જુદા જુદા પાસાઓ - બહુમુખી હીરાની જેમ.

“અને જુઓ, સમુદ્રમાં એવું મોટું તોફાન થયું કે તે હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ! પણ ઈસુ પોતે ઊંઘતા હતા.” (માથ્થી 8:24)

"અને તરત યહૂદા ઈસુ પાસે ગયો અને કહ્યું, 'રાબ્બી, સલામ!' અને તે તેને ચૂમ્યો અને ઈસુએ તેને કહ્યું, ‘મિત્ર, તું જે કરવાને આવ્યો છે તે કર’ પછી તેઓએ પાસે આવીને ઈસુ પર હાથ નાખીને તેમને પકડી લીધા. (માથ્થી 26:49-50)

“પિલાતે ઈસુને કહ્યું, ‘તું ક્યાંનો છે?’ પણ ઈસુએ તેને કોઈ જવાબ આપ્યો નહિ. તેથી પિલાતે તેને કહ્યું, ‘તું મને કશું કહેતો નથી? તને છોડી દેવાનો અધિકાર મને છે, અને તને વધસ્તંભે જડાવવાનો અધિકાર પણ મને છે, એ શું તું જાણતો નથી?' ઈસુએ જવાબ આપ્યો, 'ઉપરથી તમને અપાયા વગર મારા પર તમને કંઈ પણ અધિકાર ન હોત...' (યોહાન 19: 9-11)

આ ત્રણેય દાખલાઓમાં હું જે જોઉં છું તે એ છે કે ઈસુ શાંત હતા! તે તોફાન હોવા છતાં ઊંઘી શક્યા, કારણ કે તેમણે તેમના પિતા પર વિશ્વાસ કર્યો. તે યહૂદાને તેમનો 'મિત્ર' કહી શકે છે, કારણ કે તેમણે જોયું કે પ્યાલો તેમના પિતા તરફથી આવ્યો હતો. તે પૃથ્વી પરના અધિપતિઓ સામે ઊભા રહી શકે છે, કારણ કે તેમને તેમના પિતાની સર્વોચ્ચ સત્તામાં વિશ્વાસ હતો. તેમના જીવનની સાક્ષી એ પ્રેમાળ, શક્તિશાળી સ્વર્ગીય પિતામાં સંપૂર્ણ "વિશ્રામ" ની સાક્ષી હતી!

અને ઈશ્વરની સ્તુતિ થાઓ, આજે તે જ સાક્ષી આપણી હોઈ શકે છે. ભલે પૃથ્વી પર કોઈ જોતું ન હોય, અને જો આપણે એક શબ્દ પણ ન બોલીએ (જેમ કે ઈસુએ હોડી પર સૂતા હતા ત્યારે તે બોલ્યા ન હતા), છતાં પણ આપણું જીવન સ્વર્ગમાંના આપણા પિતાની સર્વોચ્ચ વિશ્વાસયોગ્યતામાં સ્વર્ગીય સ્થાનો પરના અધિપતિઓ અને અધિકારીઓને આપેલી સાક્ષી બની શકે છે.

આપણે તે સાક્ષી કેવી રીતે આપી શકીએ? આપણે જે તોફાનોનો સામનો કરીએ છીએ તેની મધ્યે, આપણે ઈસુની બાજુમાં હોડીમાં સૂઈએ છીએ. શિષ્યો, જેમની પાસે પવિત્ર આત્મા ન હતો, તોફાન પસાર ન થાય ત્યાં સુધી તેઓ વિશ્રામ લઈ શક્યા નહીં; પરંતુ આપણે તોફાન પહેલા અને તેમાંથી પણ ઈસુ સાથે વિશ્રામ લઈ શકીએ છીએ.

વિશ્વાસઘાતીઓના હુમલાઓ મધ્યે, ઈસુની જેમ, આપણે પોતાનો બચાવ કરવાનો ઇનકાર કરી શકીએ છીએ. શિષ્યો, જેમની પાસે પવિત્ર આત્મા ન હતો, તેઓ લડાઈના પરીક્ષણનો પ્રતિકાર કરી શક્યા નહીં; પરંતુ જ્યારે અન્યાય થાય છે ત્યારે આપણે આપણી જાતને ઈસુ સાથે ઈશ્વરને સોંપી શકીએ છીએ. ઉચ્ચ સત્તાવાળાઓ દ્વારા આપણી સામે લાવવામાં આવતા પડકારો મધ્યે, આપણે ઇસુની જેમ જ ઈશ્વર સર્વોચ્ચ સત્તા હોવાનો દિલાસો લઈએ છીએ.

ઘણી વખત જ્યારે મારી નાની હોડી તોફાન સામે ડગમગતી હોય છે ત્યારે ઈશ્વરે મને "ઈસુ સાથે હોડીમાં ઊંઘી જવા" માટે આમંત્રણ આપ્યું છે. ખાસ કરીને બે બાબતો જેણે મને પડકાર આપ્યો છે તે છે:

વિશ્રામ વૈકલ્પિક નથી

"એ માટે આપણે બીવું જોઈએ, રખેને તેમના વિશ્રામમાં પ્રવેશ કરવાનું વચન હજી મોજૂદ રહ્યા છતાં તમારામાંનો કોઈ કદાચ પાછળ પડેલો માલૂમ પડે." (હિબ્રૂઓને પત્ર 4:1).

આપણે બધી અશાંતિને ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ. અમે તાજેતરમાં અમારી મંડળીની સભામાં સાંભળ્યું કે બધી અશાંતિ ઘમંડને કારણે છે. તેથી જો આપણે આપણી જાતને ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશતા ના જોઈએ, તો આપણે તેને ગંભીરતાથી લેવું જોઈએ, અને ઈશ્વરને તે ઘમંડને ઓછો કરવા માટે વિનંતી કરવી જોઈએ જે આપણને તેમના વિશ્રામમાં પ્રવેશતા રોકે છે. બાઇબલ કહે છે, “જો આપણે પાછળ પડેલા હોય તો આપણે બીવું જોઈએ.” તેથી આપણે થોડો પણ ઓછો વિશ્રામ હોય તો તેને ગંભીરતાથી લેવું જોઈએ!

વિશ્રામનો અર્થ આળસ નથી

મેં નોંધ્યું છે કે મારો દેહ વચન આપેલા વિશ્રામને સરળતાથી એવી રીતે ફેરવવાનો પ્રયાસ કરશે જેનો અર્થ એમ થાય કે મારે કંઈ કરવાનું નથી. એ ખોટું છે. ખ્રિસ્તમાં વિશ્રામ કરવાનો અર્થ એ નથી કે આપણે કંઈ ન કરતા ફક્ત બેસી રહીએ. તેના બદલે, તેનો અર્થ એ છે કે આપણા બધા કાર્યો (જેમ કે ઈસુના કિસ્સામાં), આપણા પિતાના અનંત પ્રેમ અને સંભાળ દ્વારા સમર્થિત હોય.

અને આ સમય દરમિયાન જ્યારે ઈશ્વર મને તેમના વિશ્રામમાં આમંત્રિત કરી રહ્યા છે, ત્યારે તેમણે મને મારા દુન્યવી કાર્ય જેવી "મામૂલી" બાબતોમાં પણ વધુ મહેનતુ અને વધુ સચેત રહેવાની આજ્ઞા આપી છે.

"માણસોને સારું નહિ પણ જાણે પ્રભુને સારું છે એમ સમજીને જે કંઈ તમે કરો, તે સઘળું ખરા દિલથી કરો" (કલોસ્સીઓને પત્ર 3:23).

તેથી હું વિશ્રામની બધી ખોટી વ્યાખ્યાઓને નકારી કાઢવા માંગુ છું, અને તેમણે આપણને વચન આપ્યું છે તે ખરા વિશ્રામની ઝંખનામાં ઈસુ પાસે આવવા માંગુ છું. હું અશાંતિમાં રહેવાનો ઇનકાર કરવા માંગુ છું, અને શત્રુ મને આપી શકે તેવા કોઈપણ નકલી "વિશ્રામ" ને પણ નકારવા માંગુ છું.

“ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ. મારી ઝૂંસરી તમે પોતા પર લો ને મારી પાસે શીખો; કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું ને તમે તમારા જીવમાં વિસામો પામશો.” (માથ્થી 11:28-30).