માણસોને ઘેટાં સાથે સરખાવાય છે. અને ઘેટાં કોઈ પણ પ્રશ્ન કર્યા વિના ભીડને અનુસરવાની વૃત્તિ ધરાવે છે. જોકે ઈસુ આવ્યા અને આપણને ઈશ્વરના વચન દ્વારા દરેક બાબતની તપાસ કરવાનું શીખવ્યું. ફરોશીઓએ માનવ પરંપરાઓને ઉચ્ચ બનાવી. ઈસુએ ઈશ્વરના વચનને ઉચ્ચ બનાવ્યું. આપણે ઈશ્વરના દરેક વચન દ્વારા જીવવાનું છે - અને ઈશ્વરના વચનની વિરુદ્ધની દરેક માનવ પરંપરાને નકારી કાઢવાની છે (માથ્થી 4:4).
ઈસુ ફરોશીઓ સાથે સતત જે યુદ્ધમાં રોકાયેલા હતા તે ઈશ્વરના વચન અને માણસોની પરંપરાઓની સદીઓથી ચાલી આવતી લડાઈ હતી. મંડળીમાં, આપણે આજે પણ એ જ યુદ્ધમાં રોકાયેલા છીએ. ઈશ્વરનું વચન એકમાત્ર સ્વર્ગીય પ્રકાશ છે જે આપણી પાસે આ પૃથ્વી પર છે. અને જ્યારે ઈશ્વરે પ્રથમ પ્રકાશ બનાવ્યો, ત્યારે તેમણે તરત જ તેને અંધકારથી અલગ કર્યો. અંધકાર એટલે પાપ અને માનવ પરંપરાઓ બંને. તેથી આપણે પાપ અને માનવ પરંપરાઓ બંનેને ઈશ્વરના શુદ્ધ વચનથી અલગ કરવા જોઈએ - જેથી મંડળીમાં કોઈ મિશ્રણ ન થાય.
નાતાલ
નાતાલનો વિચાર કરો, જે ઘણા લોકો ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવે છે. બધા ધર્મોના દુકાનદારો નાતાલની આતુરતાથી રાહ જુએ છે, કારણ કે તે એવો સમય છે જ્યારે તેઓ ઘણો નફો કમાઈ શકે છે. તે એક વ્યાપારી તહેવાર છે - અને આત્મિક નહીં. નાતાલના કાર્ડ અને ભેટો પર લાખો ડોલર/રૂપિયા ખર્ચવામાં આવે છે. આ સમયે આલ્કોહોલિક પીણાંનું વેચાણ પણ વધે છે.
શું આ ખરેખર ઈશ્વરના પુત્રનો જન્મદિવસ છે કે કોઈ 'બીજા ઈસુનો’?
ચાલો સૌ પ્રથમ ઈશ્વરના વચન પર નજર કરીએ. બાઈબલ આપણને કહે છે કે બેથલેહેમમાં ઈસુનો જન્મ થયો તે રાત્રે, યહૂદિયાના ખેતરોમાં ઘેટાંપાળકો પોતાના ઘેટાં સાથે હતા (લૂક 2:7-14). ઓક્ટોબર પછી અને ફેબ્રુઆરી સુધી ઈઝરાયલમાં ઘેટાંપાળકો ક્યારેય રાત્રે ખુલ્લા મેદાનોમાં પોતાના ટોળા સાચવતા ન હતા - કારણ કે આ મહિનાઓમાં હવામાન વરસાદી અને ઠંડુ બંને હતું. તેથી વાસ્તવિક રીતે ઈસુનો જન્મ માર્ચ અને સપ્ટેમ્બરની વચ્ચે થયો હોવો જોઈએ. 25 ડિસેમ્બર એ 'બીજા ઈસુનો’ જન્મદિવસ હોવો જોઈએ જે બદલાણ નહિ પામેલા માણસો દ્વારા બેખબર રહેલ ખ્રિસ્તી જગત પર લાદી દેવામાં આવ્યો છે!
વધુમાં, જો આપણને ઈસુના જન્મની ચોક્કસ તારીખ ખબર હોત, તો પણ પ્રશ્ન એ રહેશે કે શું મંડળી એની ઉજવણી કરે એવી ઈચ્છા પ્રભુએ રાખી હશે. ઈસુની માતા મરિયમ, ચોક્કસપણે ઈસુના જન્મની ચોક્કસ તારીખ જાણતી હશે. અને તે પચાસમાના દિવસ પછી ઘણા વર્ષો સુધી પ્રેરિતો સાથે રહી હતી. છતાં ઈસુની જન્મ તારીખનો ક્યાંય ઉલ્લેખ નથી. આ શું બતાવે છે? ફક્ત આટલું જ કે - ઈશ્વરે જાણી જોઈને ઈસુના જન્મની તારીખ છુપાવી હતી, કારણ કે તે ઈચ્છતા ન હતા કે મંડળી તેને ઉજવે. ઈસુ કોઈ સામાન્ય નશ્વર નહોતા જેમનો જન્મદિવસ વર્ષમાં એક વાર ઉજવવામાં આવે. તે ઈશ્વરના પુત્ર હતા અને આપણી માફક "તેમનો કોઈ શરૂઆતનો દિવસ નહોતો" (હિબ્રૂઓને પત્ર 7:3). ઈશ્વર ઈચ્છે છે કે આપણે ઈસુના જન્મ, મૃત્યુ, પુનરુત્થાન અને સ્વર્ગારોહણને દરરોજ ઓળખીએ, અને ફક્ત વર્ષમાં એક વાર નહીં.
જૂના અને નવા કરાર વચ્ચેના તફાવતની સમજણ આપણને એ પણ સમજવામાં મદદ કરશે કે ઈશ્વર શા માટે તેમના બાળકોને હવે કોઈ ખાસ "પવિત્ર દિવસો" ઉજવવા દેવા માંગતા નથી. જૂના કરાર હેઠળ, ઈઝરાયલને ચોક્કસ દિવસોને ખાસ પવિત્ર દિવસો તરીકે ઉજવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ તે ફક્ત એક પૂર્વછાયા હતી. હવે જ્યારે ખ્રિસ્ત આવ્યા છે, ત્યારે ઈશ્વરની ઈચ્છા એ છે કે આપણા જીવનનો દરેક દિવસ સમાન રીતે પવિત્ર રહે. નવા કરાર હેઠળ, સાપ્તાહિક વિશ્રામવાર પણ નાબૂદ કરવામાં આવ્યો છે. તેથી જ નવા કરારમાં ક્યાંય પણ પવિત્ર દિવસોનો ઉલ્લેખ નથી (કલોસીઓને પત્ર 2:16,17).
તો પછી ખ્રિસ્તી ધર્મમાં નાતાલનો પ્રવેશ કેવી રીતે થયો? જવાબ છે: જે રીતે બાળકનું બાપ્તિસ્મા, દશાંશ, યાજકીય કુનેહ, પગારદાર પાદરીઓ અને અન્ય ઘણી માનવ પરંપરાઓ અને જૂના કરારની પ્રથાઓ- શેતાન અને બદલાણ ન પામ્યા હોય તેવા માણસોના સૂક્ષ્મ કાર્ય દ્વારા પ્રવેશ્યા છે.
જ્યારે સમ્રાટ કોન્સ્ટેન્ટાઇને ચોથી સદીમાં ખ્રિસ્તી ધર્મને રોમનો રાજ્ય ધર્મ બનાવ્યો, ત્યારે ઘણા લોકો ખ્રિસ્તી બન્યા - પરંતુ ફક્ત 'નામધારી' - કોઈ પણ હૃદય પરિવર્તન વિના. અને તેથી, તેઓ તેમના બે મહાન વાર્ષિક મૂર્તિપૂજક તહેવારો છોડવા માંગતા ન હતા - બંને સૂર્યની પૂજા સાથે જોડાયેલા હતા. એક 25 ડિસેમ્બરે સૂર્ય-દેવનો જન્મદિવસ હતો, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં અસ્ત થયેલા સૂર્યે તેની પરત યાત્રા (શિયાળાની સંક્રાંતિ) શરૂ કરતો. બીજો માર્ચ/એપ્રિલમાં વસંત ઉત્સવ હતો, જ્યારે તેઓ શિયાળાની સમાપ્તિ અને તેમના સૂર્યદેવ દ્વારા લાવેલા ગરમ ઉનાળાના જન્મની ઉજવણી કરતા હતા. તેઓએ તેમના સૂર્યદેવનું નામ બદલીને 'ઈસુ' રાખ્યું અને તેમના બે મહાન તહેવારો, હવે ખ્રિસ્તી તહેવારો તરીકે ઉજવવાનું ચાલુ રાખ્યું અને તેમને ક્રિસમસ અને ઈસ્ટર કહેતા!!
આજના નાતાલના રિવાજો યુરોપમાં ખ્રિસ્તી સમયગાળા પહેલાના સમયથી વિકસિત થયા છે - અને મૂર્તિપૂજક, ધાર્મિક પ્રથાઓમાંથી આવ્યા છે, જે દંતકથાઓ અને પરંપરાઓ સાથે જોડાયેલા છે. ખ્રિસ્તના જન્મની ચોક્કસ તારીખ અને વર્ષ ક્યારેય સંતોષકારક રીતે નક્કી કરવામાં આવ્યા નથી; પરંતુ જ્યારે મંડળીના પિતૃઓએ ઈ.સ. 440 માં આ ઘટનાની ઉજવણી માટે તારીખ નક્કી કરી, ત્યારે તેઓએ શિયાળાની સંક્રાંતિનો દિવસ પસંદ કર્યો જે તે સમયના લોકોના મનમાં ઊંડે સુધી ઉતરેલો હતો - અને જે તેમનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર હતો. જેમ જેમ ખ્રિસ્તી ધર્મ મૂર્તિપૂજક ભૂમિના લોકોમાં ફેલાયો, તેમ તેમ શિયાળા સંક્રાંતિની ઉજવણીની ઘણી પ્રથાઓ ખ્રિસ્તી ધર્મની પ્રથાઓ સાથે જોડાવા લાગી.
નાતાલની ઉત્પત્તિ વિશે એનસાયક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા (સાંપ્રદાયિક ઈતિહાસ માટેનો અધિકાર) નીચે મુજબ જણાવે છે:
"પ્રાચીન રોમન તહેવાર સેટર્નાલિયા(Saturnalia) કદાચ આધુનિક નાતાલની ઉજવણી સાથે સૌથી નજીકથી જોડાયેલો છે. આ તહેવાર શિયાળાની સંક્રાંતિના સમયે થયો હતો અને વાવેતરની મોસમનો અંત હતો. ઘણા દિવસો સુધી રમતો, મિજબાનીઓ અને ભેટો આપવામાં આવતી હતી, અને આ જીવંત તહેવારની ઉજવણી માટે કામ અને વ્યવસાય સ્થગિત કરવામાં આવતા હતા. અંતિમ દિવસોમાં, મીણબત્તીઓ, ફળોના મીણના મોડેલો અને મીણના પૂતળાંઓની ભેટો બનાવવાનું સામાન્ય હતું. નાતાલ અને નવા વર્ષની ઉજવણી પર સેટર્નાલિયાનો પ્રભાવ સીધો રહ્યો છે. હકીકત એ છે કે નાતાલ પાછળથી અજેય સૂર્યના જન્મદિવસ પર ઉજવવામાં આવ્યો, જે બીજો રોમન તહેવાર હતો, તેણે ઋતુને સૌર પૃષ્ઠભૂમિ આપી અને તેને રોમન નવા વર્ષ સાથે જોડ્યું, જ્યારે ઘરોને હરિયાળી અને પ્રકાશથી શણગારવામાં આવતા હતા અને બાળકો અને ગરીબોને અને ભેટો આપવામાં આવતી હતી."
(https://www.britannica.com/topic/Winter-Holidays)
આ મૂર્તિપૂજક રિવાજો નિમ્રોદ દ્વારા શરૂ કરાયેલા બાબિલ ધર્મથી ઉદભવ્યા હતા (જુઓ ઉત્પત્તિ 10:8-10). પરંપરા આપણને જણાવે છે કે નિમ્રોદના મૃત્યુ પછી, તેની પત્ની સેમિરામિસને એક ગેરકાયદેસર બાળક થયું, જેના વિશે તેણે દાવો કર્યો હતો કે નિમ્રોદ ફરીથી સજીવન થયો હતો. આ રીતે માતા અને બાળકની પૂજા શરૂ થઈ, જે સદીઓ પછી નામાંકિત ખ્રિસ્તીઓ દ્વારા 'મરિયમ અને ઈસુ' માં સ્થાનાંતરિત કરવામાં આવી.
આ બાળક-દેવનો જન્મદિવસ પ્રાચીન બાબિલવાસીઓ 25 ડિસેમ્બરે ઉજવતા હતા. સેમિરામિસ આકાશની રાણી હતી (યર્મિયા 44:19), સદીઓ પછી એફેસસમાં ડાયના અને આર્તેમિસ તરીકે પૂજાતી હતી (પ્રેરિતોનાં કૃત્યો 19:28).
સેમિરામિસે દાવો કર્યો હતો કે એક સંપૂર્ણ વિકસિત સદાબહાર વૃક્ષ રાતોરાત મૃત વૃક્ષના થડમાંથી ઉગ્યું હતું. આ નિમ્રોદનું જીવનમાં પાછા આવવાનું અને માનવજાત માટે સ્વર્ગની ભેટો લાવવાનું પ્રતીક હતું. આ રીતે દેવદારના ઝાડને કાપીને તેના પર ભેટો લટકાવવાની પ્રથા શરૂ થઈ. અને એ જ નાતાલનાં વૃક્ષનું મૂળ છે!
ઈશ્વરનું વચન કે માણસની પરંપરા?
નાતાલની ઉજવણી પાછળ ઈશ્વરના વચનનો કોઈ પાયો ન હોવા છતાં માણસોની પરંપરાઓનું પાલન કરવાનો વધુ ઘાતક સિદ્ધાંત રહેલો છે. પરંપરાની આ શક્તિ એટલી મજબૂત છે કે બીજી બાબતમાં શાસ્ત્રોનું પાલન કરતા ઘણા વિશ્વાસીઓ માટે નાતાલની ઉજવણી છોડી દેવાનું મુશ્કેલ બને છે.
એ બાબત આશ્ચર્યકારક છે કે ધર્મનિરપેક્ષ લેખકો (જેમ કે ઉપર ટાંકવામાં આવેલા એનસાયક્લોપીડિયા ઓફ બ્રિટાનિકાના લેખકો) પણ સ્પષ્ટ રીતે સમજી ગયા છે - કે નાતાલ મૂળભૂત રીતે મૂર્તિપૂજક તહેવાર છે છતાં ઘણા વિશ્વાસીઓ તે સ્વીકારવા તૈયાર નથી. નામ બદલવાથી આ તહેવાર ખ્રિસ્તી બનતો નથી!
જેમ આપણે શરૂઆતમાં કહ્યું હતું તેમ, ઈસુ ફરોશીઓ સાથે આ જ મુદ્દા પર સતત યુદ્ધમાં રોકાયેલા હતા - માણસની પરંપરાઓ વિરુદ્ધ ઈશ્વરના વચન. તેમણે પાપ વિરુદ્ધ ઉપદેશ આપવા કરતાં 'પિતૃઓની ખોખલી પરંપરાઓ'નો વિરોધ કરવા માટે વધુ વિરોધનો સામનો કરવો પડ્યો. જો આપણે તેમના જેટલા વિશ્વાસુ હોઈશું તો આપણો અનુભવ પણ એવો જ રહેશે.
ઈશ્વરનું વચન જ આપણું માર્ગદર્શક છે - અને ધાર્મિક માણસોનું ઉદાહરણ પણ નહીં, જ્યાં તેઓ ઈશ્વરના વચનનું પાલન કરતા નથી. "ભલે દરેક માણસ જૂઠો હોય, પણ ઈશ્વર સાચા ઠરે" (રોમનોને પત્ર 3:4). બેરિયાના લોકોએ પાઉલના શિક્ષણને તપાસવા માટે ધર્મશાસ્ત્રોની શોધ કરી, અને પવિત્ર આત્માએ તેના માટે તેમની પ્રશંસા કરી (પ્રેરિતોનાં કૃત્યો 17:11). આપણા બધા માટે અનુસરવા માટે તે એક સારું ઉદાહરણ છે.
દાઉદ ઈશ્વરનો મનગમતો માણસ હતો. છતાં, ચાલીસ વર્ષ સુધી, તેણે ઈઝરાયલીઓને મૂસાના પિત્તળના સર્પની પૂજા કરવાની મંજૂરી આપી, તે સમજ્યા વિના કે તે ઈશ્વર માટે ધિક્કારપાત્ર છે. તેની પાસે આવી દેખીતી સ્પષ્ટ મૂર્તિપૂજા વિષે પણ સમજ નહોતી. તે સમજ રાજા હિઝ્કિયા પાસે હતી, જેણે આ મૂર્તિપૂજક પ્રથાને ખુલ્લી પાડી અને નાશ કર્યો (2 રાજાઓ 18:1-4). આપણે ધાર્મિક માણસોને તેમના જીવનની પવિત્રતામાં અનુસરી શકીએ છીએ, પરંતુ માનવ પરંપરાઓ પર પ્રકાશના અભાવમાં નહીં. આપણી સલામતી ફક્ત ઈશ્વરના વચનના શિક્ષણને અનુસરવામાં રહેલી છે અને તેમાં ઉમેરવામાં કે બાદ કરવામાં નહીં.
બીજાઓનો ન્યાય ન કરો
છેલ્લે: નાતાલની ઉજવણી કરતા નિષ્ઠાવાન વિશ્વાસીઓ પ્રત્યે આપણું વલણ કેવું હોવું જોઈએ?
એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે ફક્ત નાતાલની ઉજવણી ન કરવાથી આપણે આત્મિક બનતા નથી. અને તેથી જેઓ આ તહેવાર ઉજવે છે તેઓ દૈહિક વિશ્વાસીઓ નથી. આત્મિક લોકો એવા છે જેઓ દૈનિક સ્વ-નકાર અને દરરોજ પવિત્ર આત્માના ભરપુરીપણાના માર્ગે ઈસુને અનુસરે છે - પછી ભલે તેઓ નાતાલ ઉજવે કે ન ઉજવે.
તેથી જ્યારે આપણે આ તહેવારો ઉજવતા વિશ્વાસીઓને મળીએ છીએ, ત્યારે તેઓ આ તહેવારના મૂર્તિપૂજક મૂળથી અજાણ હોઈ શકે છે, એવું વિચારવા જેટલા આપણે દયાળુ હોવા જોઈએ. અને તેથી, જ્યારે તેઓ તેને ઉજવે છે ત્યારે તેઓ કોઈપણ રીતે પાપ કરી રહ્યા નથી. બીજી બાજુ, કારણ કે આપણે સત્ય જાણીએ છીએ માટે જો આપણે તેમનો ન્યાય કરીશું તો આપણે પાપ કરીશું.
25 ડિસેમ્બર સામાન્ય રીતે દરેક માટે રજા હોય છે અને તેની આસપાસના દિવસો શાળાઓ માટે પણ રજા હોય છે, તેથી ઘણા લોકો આ સમયગાળાનો ઉપયોગ વર્ષના અંતે કૌટુંબિક પુનઃમિલન માટે કરે છે - જે ખૂબ જ સારી બાબત છે. અને કેટલાક લોકો 25 ડિસેમ્બરે જ ભજનસેવાઓમાં હાજરી આપે છે, તેથી મંડળી માટે આ તારીખે સેવાઓ યોજવી સારી છે, જેથી તેઓ આવા લોકોને સુવાર્તાનો ઉપદેશ આપી શકે અને તેમને સમજાવી શકે કે ઈસુ પૃથ્વી પર લોકોને તેમના પાપોથી બચાવવા આવ્યા હતા અને તેમણે આપણા માટે મૃત્યુ અને શેતાન પર વિજય મેળવ્યો હતો.
ખ્રિસ્તી ધર્મના શરૂઆતના દિવસોમાં, કેટલાક ખ્રિસ્તીઓ સાબ્બાથ ઉજવતા હતા - જે નાતાલની જેમ જ એક બિન-ખ્રિસ્તી યહૂદી ધાર્મિક તહેવાર હતો. તેથી પવિત્ર આત્માએ પાઉલને રોમનોને પત્ર 14 લખવા પ્રેરણા આપી જેથી અન્ય ખ્રિસ્તીઓને તેમનો ન્યાય કરીને પાપ ન કરવા ચેતવણી આપી શકાય. આ જ ચેતવણી નાતાલની ઉજવણી કરતા અન્ય લોકોનો ન્યાય કરનારાઓ માટે પણ સારી છે.
"જે વ્યક્તિ વિશ્વાસમાં નબળી છે તેનો સ્વીકાર કરો, પણ તેના મંતવ્યો પર નિર્ણય લેવાના હેતુથી નહીં. બીજાના સેવકનો ન્યાય કરનારા તમે કોણ છો? એક વ્યક્તિ એક દિવસને બીજા દિવસ કરતાં શ્રેષ્ઠ માને છે, અને બીજો દરેક દિવસને સમાન માને છે. જે વ્યક્તિ દિવસ પાળે છે, તે પ્રભુ માટે પાળે છે, કારણ કે તે ઈશ્વરનો આભાર માને છે; અને જે વ્યક્તિ નથી માનતો, તે પ્રભુ માટે નથી માનતો, અને ઈશ્વરનો આભાર માને છે. દરેક વ્યક્તિએ પોતાના મનમાં સંપૂર્ણ ખાતરી રાખવી જોઈએ. પણ તમે, તમે તમારા ભાઈનો ન્યાય શા માટે કરો છો? અથવા તમે ફરીથી, તમારા ભાઈને તિરસ્કારથી કેમ જુઓ છો? કારણ કે આપણે બધા ઈશ્વરના ન્યાયાસન સમક્ષ ઊભા રહીશું અને આપણામાંના દરેકે ઈશ્વરને પોતાનો હિસાબ (એકલા) આપવો પડશે" (રોમનોને પત્ર 14:12)).
અને નાતાલ પરના આ અભ્યાસને પૂર્ણ કરવા માટેનું આ શ્રેષ્ઠ વચન છે.