written_by :   Zac Poonen categories :   The Home The Church Knowing God
WFTW Body: 

ખ્રિસ્તના શરીરની તુલના હોસ્પિટલ સાથે કરી શકાય છે. જ્યારે કોઈ માણસ બીમાર હોય અને હોસ્પિટલમાં જાય, ત્યારે હોસ્પિટલમાં તેની મદદ માટે વિવિધ વિભાગો હોય છે. કદાચ તેને ઈન્જેક્શન આપવાની, અથવા ફિઝીયોથેરાપી અથવા સર્જરીની જરૂર હોય. તેને આંખના ડૉક્ટર અથવા કાનના ડૉક્ટરની મુલાકાત લેવાની જરૂર પડી શકે છે. તો હોસ્પિટલમાં વિવિધ વિભાગો છે. આંખના ડૉક્ટર પોતાનો બધો સમય માત્ર લોકોની આંખો જોવામાં જ વિતાવે છે અને બીજું કંઈ નહીં. તે એટલા માટે નહીં કે તેને લાગે છે કે માનવ શરીરના અન્ય ભાગો બિનમહત્વપૂર્ણ છે, પરંતુ તેની વિશેષતા આંખ છે તેના કારણે.

ખ્રિસ્તના શરીરમાં પણ, દરેક વિશ્વાસીને એક અલગ કૃપાદાન અને તેડું હોય છે. અને દરેક વ્યક્તિ પોતે જ અસંતુલિત છે. આ પૃથ્વી પર ચાલનાર એકમાત્ર સંપૂર્ણ સંતુલિત વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. આપણામાંના બધા - આપણામાંના શ્રેષ્ઠ પણ - અસંતુલિત છે. જ્યારે આપણે અન્ય ભાઈઓ અને બહેનો સાથે - ઈશ્વરની હોસ્પિટલમાં અન્ય વિભાગો સાથે મળીને કાર્ય કરીએ છીએ ત્યારે જ આપણે આપણું સંતુલન રાખી શકીએ છીએ. તેથી આ હોસ્પિટલમાં વ્યક્તિવાદ માટે કોઈ સ્થાન નથી!

એક સારી હોસ્પિટલમાં લોકોની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા ઘણા વિભાગો હશે. એ જ રીતે, ખ્રિસ્તના શરીરમાં પણ લોકોને મદદ કરવા વિવિધ સેવાકાર્યો અને ઘણાં આત્મિક કૃપાદાનો છે. કોઈ મંડળી અથવા જૂથ પાસે આત્માના બધા કૃપાદાનો નથી હોતા. પરંતુ ખ્રિસ્તના આખા શરીરમાં, તે બધા છે.

આપણે જાણવું જોઈએ કે શરીરમાં આપણું પોતાનું વિશિષ્ટ તેડું શું છે.

દુનિયા આત્મિક રીતે બીમાર લોકોથી ભરેલી છે. અને કોઈનો કેસ નિરાશાજનક નથી. દરેક વ્યક્તિ ઈશ્વર દ્વારા સંપૂર્ણ રીતે સાજી થઈ શકે છે. આ સુવાર્તાનો શુભસંદેશ છે જે આપણે પ્રગટ કરીએ છીએ. સૌથી ખરાબ પાપી અને સૌથી વિકૃત વ્યક્તિ ઈશ્વરની હોસ્પિટલમાં સાજી થઈ શકે છે. સારી હોસ્પિટલ ક્યારેય ગંભીર રીતે બીમાર વ્યક્તિને કાઢી મૂકી શકતી નથી. હલકી કક્ષાની હોસ્પિટલો આવું કરે છે કારણ કે તેઓ ગંભીર કેસોને સંભાળવા માટે સજ્જ નથી. એ જ રીતે, એક સારી મંડળી ક્યારેય જગતના સૌથી મોટા પાપીને પણ કહેશે નહીં કે તેનો કેસ નિરાશાજનક છે! એક સારી મંડળી સૌથી ખરાબ પાપીઓને સૌથી મહાન સંતોમાં બદલી શકશે - જો આપવામાં આવેલી સારવાર લેવા પાપી વ્યક્તિ તૈયાર હોય તો.

આપણે મંડળીની સરખામણી માનવ શરીર સાથે પણ કરી શકીએ છીએ. માનવ શરીરમાં, દરેક અંગનું કાર્ય છે; અને તે ભાગ એકલા તેના પોતાના કાર્યને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પરંતુ તે વિવિધ કાર્યો ધરાવતા અન્ય ભાગોની કદર કરે છે, મહત્વ સમજે છે અને સહકાર આપે છે. જ્યારે આપણે ખ્રિસ્તના શરીરમાં પણ અન્ય સેવાકાર્યો સાથે મળીને કાર્ય કરીએ ત્યારે તે આવું જ હોવું જોઈએ.

ખ્રિસ્તના શરીરમાં આત્માની ભેટોનો જે રીતે ઉપયોગ કરવામાં આવે છે તે સમજાવવા કરિંથીઓને પહેલો પત્ર 12 માં, પવિત્ર આત્મા આંખો, કાન, હાથ અને પગના ઉદાહરણનો ઉપયોગ કરે છે.

પેટ હાથને ખૂબ મહત્વ આપે છે, પરંતુ તે ક્યારેય હાથ જે કરે છે તે કરવાનો પ્રયાસ કરતું નથી. ઉદાહરણ તરીકે, તે ક્યારેય પ્લેટમાંથી ખોરાક ઉપાડવાનો પ્રયાસ કરતું નથી. તે હાથને તે કરવા દે છે અને પછી હાથ જે ખોરાક ઉઠાવે છે અને તેને નીચે મોકલે છે તેને પચાવવાનું પોતાનું કામ કરે છે! કેવી રીતે આપણે ખ્રિસ્તના શરીરમાં એકબીજાના પૂરક છીએ તેનું તે એક ચિત્રણ છે.

મોટાભાગના વિશ્વાસીઓએ શરીરમાં વિવિધ સેવાકાર્યોની આ સત્યતા જોઈ નથી. પરંતુ જો તમે આ સત્યને જોતા નથી, તો તમે ક્યારેય પણ તે બધું પૂર્ણ કરી શકશો નહીં જે ઈશ્વર પરિપૂર્ણ કરવા માંગે છે.

જૂના કરારમાં કોઈ પણ પ્રબોધક ક્યારેય તેના સેવાકાર્યમાં સંતુલિત ન હતા. માત્ર વ્યવહાર કુશળ ઉપદેશકો જ "સંતુલિત" બનવા માંગે છે. પ્રબોધકો બધા અસંતુલિત હતા. તેઓ વારંવાર એક જ બાબત પર ભાર મૂકતા રહ્યા - કારણ કે તે તેમની પેઢીમાં ઈસ્રાએલ અથવા યહૂદિયાની જરૂરિયાત હતી - અને ઈશ્વરે તે તેમના હૃદય પર બોજ તરીકે મૂક્યું હતું.

આપણા બધા માટે એ સારું છે કે આપણે આપણા પોતાના મનમાં સ્પષ્ટ હોઈએ કે ઈશ્વરે આપણને શા માટે તેડ્યા છે.

ઈશ્વર આપણને આપણા હૃદયમાં જે બોજ આપે છે તે સામાન્ય રીતે તેમના શરીરમાં આપણા માટે સેવાકાર્યનું જે તેડું છે તેનો સંકેત છે.

હું એમ નથી કહેતો કે જયારે આપણે ઈશ્વરની સેવા કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે તરત જ આપણે બધા જાણી શકીએ છીએ કે આપણા કૃપાદાન અને તેડું શું છે. મારો નવો જન્મ થયો તે પછી હું સ્પષ્ટ થાઉં કે મારું સેવાકાર્ય શું છે તે પહેલા મને લગભગ 15 વર્ષ લાગ્યાં, તમારા માટે તેટલો સમય ના પણ થાય. કદાચ થોડો સમય જ થાય. તમારે સમયની બાબત ઈશ્વર પર છોડવી પડશે. પરંતુ તમારે આ સ્પષ્ટપણે સમજવું જોઈએ કે તમારી માટે ખ્રિસ્તના શરીરમાં એક વિશિષ્ટ અને અનન્ય સેવાકાર્ય છે જે બીજું કોઈ પરિપૂર્ણ કરી શકતું નથી. અને તે સેવાકાર્ય ક્યારેય સંતુલિત નહીં હોય. તે અસંતુલિત હશે. તમારે અન્ય લોકો જેમની પાસે શરીરમાં વિવિધ સેવાકાર્યો છે તેમની સાથે સંગતમાં કાર્ય કરીને તમારું સંતુલન શોધવાનું રહેશે. તે રીતે આપણને બીજાઓ પર નિર્ભર બનાવીને - ઈશ્વર આપણને નમ્ર રાખે છે. પ્રભુની સ્તુતિ થાઓ!