WFTW Body: 

આ પૃથ્વી પર જન્મેલા લોકોમાંથી, ઈસુ એક માત્ર એવા વ્યક્તિ હતા જેમને, તેઓ જે કુટુંબમાં જન્મવાના હતા તે કુટુંબ પસંદ કરવાની તક મળી હતી. આપણામાંથી કોઈની પાસે તે પસંદગી નહોતી.

ઈસુએ કયું કુટુંબ પસંદ કર્યું? નાઝરેથ નામના સ્થળનું એક અજાણ્યા સુથારનું કુટુંબ, જે નગર વિશે લોકોએ કહ્યું, "શું નાઝરેથમાંથી કંઈ સારું નીકળી શકે?" (યોહાન 1:46). યૂસફ અને મરિયમ એટલા ગરીબ હતા કે તેઓ ઈશ્વરને દહનાર્પણ માટે ઘેટાંનું અર્પણ કરી શકતા ન હતા (લૂક 2:22-24 અને લેવીય 12:8).

વધુમાં, આ પૃથ્વી પર સઘળા જન્મેલા લોકોમાંથી ઈસુ એક માત્ર એવા વ્યક્તિ હતા જે પોતે ચોક્કસ ક્યાં જન્મશે તે પસંદ કરી શકે. તેમના જન્મનું સ્થળ નક્કી કરવાની તક હોવાથી, તેમણે કયું સ્થાન પસંદ કર્યું? તુચ્છ ગભાણમાં ઢોરનો ખોરાક રાખવાના ડબ્બામાં!

આગળ ધ્યાન આપો, ઈસુએ પોતાના માટે પસંદ કરેલ પૂર્વજોનું કુટુંબ. માથ્થી 1: 3-6 માં ઉલ્લેખિત, ઈસુના વંશ-વૃક્ષમાં ચાર સ્ત્રીઓના નામ આપવામાં આવ્યા છે. પ્રથમ, તામારે તેના સસરા, યહૂદા સાથે વ્યભિચાર કર્યો અને તેને એક પુત્ર થયો. બીજી, રાહાબ, યરીખોમાં એક જાણીતી વેશ્યા હતી. ત્રીજી, રૂથ, મોઆબની વંશજ હતી, જે વંશનો જન્મ લોતનો તેની પોતાની પુત્રી સાથે વ્યભિચાર કરવાના પરિણામે થયો હતો. ચોથી વ્યક્તિ ઊરિયાની પત્ની બાથ-શેબા હતી, જેની સાથે દાઉદે વ્યભિચાર કર્યો હતો.

શા માટે ઈસુએ આવા શરમજનક પૂર્વજોનું કુટુંબ પસંદ કર્યું? એટલા માટે કે તેઓ પોતાની જાતને આદમની પતિત જાતિ સાથે સંપૂર્ણ રીતે ઓળખાવી શકે. અહીં આપણે તેમની નમ્રતા જોઈએ છીએ. તેમણે, ગર્વ કરી શકાય એવા કુટુંબ કે વંશાવળીની કોઈ ઈચ્છા નહોતી રાખી.

ઈસુએ પોતાની જાતને સંપૂર્ણપણે માણસજાત સાથે ઓળખાવી. તેઓ જાતિ, કુટુંબ, જીવનમાં મોભા વગેરેને ધ્યાનમાં લીધા વિના તમામ મનુષ્યોની સમાનતામાં માનતા હતા અને સૌથી નાના અને નીચા સામાજિક સ્તરમાં તેઓ આવ્યા હતા. તેઓ સૌથી નીચલા સ્તરે આવ્યા, જેથી તેઓ બધાના સેવક બની શકે. ફક્ત એ વ્યક્તિ જે બીજાઓથી નીચેના સ્તરે રહે છે તે જ બીજાઓને ઊંચકવામાં સક્ષમ છે. અને ઈસુ એ જ રીતે આવ્યા.

પવિત્ર આત્મા આપણા મનની નવીનતાને યોગે આપણને રૂપાંતરિત કરે છે (રોમનોને પત્ર 12:2). ખ્રિસ્ત જેવી ખરી નમ્રતાનું બીજ આપણા વિચારોમાં વાવવામાં આવે છે. આપણી ક્રિયાઓ દ્વારા અથવા અન્ય લોકો સમક્ષ આપણી વર્તણૂક દ્વારા નહીં, પરંતુ આપણા વિચારો દ્વારા (જ્યારે આપણે એકલા હોઈએ છીએ) જેથી આપણે આ ક્ષેત્રમાં ખ્રિસ્તની સમાનતામાં રૂપાંતરિત થઈ રહ્યા છીએ કે નહીં તે જાણી શકીએ છીએ - આપણા વિશેના આપણા વિચારો અને આપણે કેવી રીતે બીજાઓની સાથે આપણી તુલના કરીએ છીએ તે વિશે.

જ્યારે આપણે આપણા પોતાના વિચારોમાં ખરેખર નાના હોઈએ ત્યારે જ આપણે ખરા અર્થમાં "બીજાને આપણા કરતાં ઉત્તમ ગણી શકીએ છીએ" (ફિલિપ્પીઓને પત્ર 2:3), અને આપણી જાતને "બધા સંતોમાં સૌથી નાના" તરીકે માની શકીએ છીએ (એફેસીઓને પત્ર 3: 9).

ઇસુ હંમેશા પોતાની જાતને તેમના પિતા સમક્ષ તુચ્છ સમજતા હતા. તેથી, પિતાનો મહિમા તેમના દ્વારા તેની સંપૂર્ણતામાં પ્રગટ થયો.

ત્રીસ વર્ષ સુધી, ઈસુ એક અપૂર્ણ પાલક પિતા અને માતાને આધીન રહ્યા - કારણ કે તે તેમના પિતાની ઇચ્છા હતી. તેઓ યૂસફ અને મરિયમ કરતાં ઘણું વધુ જાણતા હતા; અને તેઓથી વિપરીત ઈસુ પાપરહિત હતા. તેમ છતાં તેઓ તેમને આધીન રહ્યા.

જેઓ તેમના કરતા બૌદ્ધિક અથવા આત્મિક રીતે નીચા છે તેમને આધીન થવું માણસ માટે સરળ નથી. પરંતુ ખરી નમ્રતાને અહીં કોઈ વાંધો નથી આવતો - જેમણે ઈશ્વરની નજરમાં પોતાને તુચ્છ ગણ્યા હોય, તેમને ઈશ્વરે તેમના પર નિયુક્ત કરેલા કોઈપણ વ્યક્તિને આધીન થવામાં કોઈ મુશ્કેલી પડતી નથી.

ઈસુએ એકદમ સામાન્ય વ્યવસાય પસંદ કર્યો - એક સુથારનો. અને જ્યારે તેમણે તેમના જાહેર સેવાકાર્યમાં પ્રવેશ કર્યો, ત્યારે તેમની પાસે તેમના નામનો કોઈ ખિતાબ અથવા ઉપનામ નહોતું . તે 'પાસ્ટર ઈસુ' ન હતા. તે 'ધ રેવરેન્ડ ડોક્ટર જીસસ!' બિલકુલ નહોતા. તેમણે ક્યારેય જગતનો કોઈ મોભો અથવા પદવી માગી કે ઈચ્છી નહોતી કે જે તેમને સામાન્ય લોકો, જેમની સેવા કરવા તેઓ આવ્યા હતા, તેમના કરતા તેમને વધારે ઉત્તમ બનાવે.

ઇસુએ પિતા સમક્ષ આ તુચ્છ હોવાની સ્થિતિ સ્વીકારી હતી, તેથી તેઓ આનંદપૂર્વક પિતાએ તેમના જીવન માટે જે પણ આદેશ આપ્યો હતો તેને આધીન રહી શક્યા અને પિતાની બધી આજ્ઞાઓનું ખરા હૃદયથી પાલન કરી શક્યા.

તેમણે મરણને આધીન થઇને પોતાને નમ્ર કર્યા. (ફિલિપ્પીઓને પત્ર 2:8)

ઈશ્વર પ્રત્યેનું આવું સંપૂર્ણ આજ્ઞાપાલન એ ખરી નમ્રતાની નિશાની છે. આનાથી વધુ સ્પષ્ટ કસોટી બીજી કોઈ નથી.

જેને સાંભળવાને કાન છે, તે સાંભળે.