માથ્થી 5:3 માં ઈસુ કહે છે, “આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે,” આ શબ્દ “ધન્ય” નો અર્થ “ખુશ” હોઈ શકે છે અથવા એમ્પ્લીફાઇડ બાઈબલમાં લખ્યું છે તેમ, “ઈર્ષા કરવા યોગ્ય વ્યક્તિ” હોઈ શકે છે. જો તમે પૃથ્વી પર કોઈની ઈર્ષા કરવા માંગતા હો, તો ધનવાન વ્યક્તિની ઈર્ષા ન કરો, પ્રખ્યાત વ્યક્તિની ઈર્ષા ન કરો, અને દેખાવડા વ્યક્તિની ઈર્ષા ન કરો. જે વ્યક્તિ આત્મામાં રાંક છે તેની ઈર્ષા કરો, કારણ કે આકાશનું રાજ્ય તેનું છે. આકર્ષક વ્યક્તિત્વ અને સંપત્તિ જેવા બીજા ઘણા ગુણો ધરાવતા લોકો આ પૃથ્વી પર ઘણું મેળવી શકે છે અને પૃથ્વી પરનું રાજ્ય તેમનું હોઈ શકે છે, પરંતુ આકાશનું રાજ્ય એવા લોકોનું છે જે આત્મામાં રાંક છે. લાંબા ગાળે, આપણે ખરેખર તેની જ ઈર્ષા કરવી જોઈએ, કારણ કે તેની સંપત્તિ અનંતકાળ સુધી ટકી રહેવાની છે. જ્યારે આપણે પૃથ્વી પરના આપણા જીવનકાળ વિશે વિચારીએ છીએ, ત્યારે ભલે તે 70 કે 80 વર્ષ હોય, પણ જો તમે ખરેખર માનતા હોવ કે માણસ સનાતન અસ્તિત્વ ધરાવે છે (અનંતકાળ ક્યારેય સમાપ્ત થતો નથી, લાખો વર્ષો અનંતકાળમાં એક સેકન્ડ જેવા છે), તો 70 વર્ષ શું હશે? કંઈ નહીં! પિતરના બીજા પત્રમાં તે કહે છે કે હજાર વર્ષ ઈશ્વર સમક્ષ એક દિવસ જેવો છે અને એક દિવસ હજાર વર્ષ જેવો છે! અનંતકાળના સંદર્ભમાં, પૃથ્વી પર આપણું આખું જીવન ખૂબ જ ટૂંકું છે.
એક જ્ઞાની વ્યક્તિ પોતાનું ભાવિ ઈશ્વરના રાજ્યમાં જોવા માંગે છે, અને અહીં આપણને કહેવામાં આવ્યું છે કે જે આત્મામાં રાંક છે તેની પાસે ઈશ્વરના રાજ્યમાં મહત્તમ સંપત્તિ હશે. આ એક વાક્ય છે જે ઘણા ખ્રિસ્તીઓ સમજી શકતા નથી કારણ કે તેઓ શાસ્ત્રના આ મૂંઝવણભર્યા નિવેદનોને સમજવાનો પ્રયાસ કરતા નથી. તેઓ ફક્ત વાંચે છે અને આગળ વધે છે. એક બાબત જે મને મદદ કરે છે તે છે ઉદાહરણના સંદર્ભમાં વિચારવું. મને લાગે છે કે જ્યારે હું ચિત્રોના સંદર્ભમાં વિચારું છું, ત્યારે મને શાસ્ત્રની સ્પષ્ટ સમજ મળે છે. હકીકતમાં, ઈસુએ પોતે ચિત્રોના સંદર્ભમાં ઘણા સિદ્ધાંતો સમજાવ્યા, જેમ કે મીઠું અને અજવાળું, અને ઘણી બાબતો દૃષ્ટાંતો દ્વારા સમજાવી છે.
આપણે "આત્મામાં રાંકની” તુલના "શરીરમાં રાંક" સાથે કરી શકીએ છીએ, કારણ કે માણસ આત્મા અને શરીર છે, અને આપણે સમજીએ છીએ કે શરીરમાં રાંક રહેવું શું છે. એક રખડુ માણસ અથવા ભિખારી શરીરે રાંક હોય છે, જેનો અર્થ એ છે કે તેની પાસે તેની શારીરિક જરૂરિયાતો પૂરી કરવા માટે જે જરૂરી છે તે નથી. ખરેખર ગરીબ ભિખારી જે શેરીઓમાં રહે છે તે ફક્ત એક દિવસ પૂરતું મળી રહે માટે ઘરે ઘરે જઈને પોતાની જરૂરિયાતો માટે ભીખ માંગી શકે છે, અને પછી તેને બીજા દિવસ માટે વધુ મેળવવા માટે તે જ ઘરે પાછા જવું પડશે. તેથી તે ચિત્રને "આત્મામાં રાંક" વાક્ય સાથે લાગુ કરીને આપણે જોઈ શકીએ છીએ કે ઈસુના કહેવાનો અર્થ એવી વ્યક્તિથી છે જે દરરોજ તેની આત્મિક જરૂરિયાતથી વાકેફ છે. તે એક એવી વ્યક્તિનું વર્ણન કરી રહ્યા છે જે તે ભિખારી જેવો જ છે, જે દરરોજ તેની શારીરિક જરૂરિયાતથી વાકેફ છે અને મદદ માટે કોઈ ઉદાર માણસના ઘરે જાય છે. અને જો તે માણસ તેને પૂછે, "મેં તને ગઈકાલે જે આપ્યું તેનું શું થયું?" તે કહેશે, “એ તો ગઈકાલે પૂરું થઈ ગયું હતું - ગઈકાલે તમે મને જે પૈસા આપ્યા હતા તે ગઈકાલની જરૂરિયાત માટે પૂરતા હતા, અને આજે ફરીથી મને જરૂર છે. હું કંગાળ છું, મને જરૂર છે.”
જે વ્યક્તિ "આત્મામાં રાંક" છે તે એવી રીતે ઈશ્વર પાસે આવે છે, કહે છે, “પ્રભુ, હું એક જરૂરિયાતમંદ વ્યક્તિ છું.” તે તેની આત્મિક જરૂરિયાતથી વાકેફ થાય છે, અને જેમ ભિખારી તેની શારીરિક જરૂરિયાતો પૂરી કરવા માટે મદદ માંગે છે તેમ તે પોતાની આત્મિક જરૂરિયાત પૂરી કરવા માટે દરરોજ ઈશ્વર પાસે મદદ માંગે છે.
નીતિવચનોના પુસ્તકમાં, એક કલમ છે જે આ સ્થિતિ વિશે વાત કરે છે. નીતિવચન 8 જ્ઞાન પરનો એક અધ્યાય છે, અને ખ્રિસ્તને અહીં જ્ઞાન તરીકે દર્શાવવામાં આવ્યા છે, કહે છે, “મેં જ્ઞાને…” (કલમ 12 થી શરૂ થાય છે). તે આગળ કહે છે કે જ્ઞાન દ્વારા જ જગતનું સર્જન થયું હતું. અને તે કલમ 24 માં કહે છે કે જ્યારે કોઈ જળનિધિઓ નહોતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ ઝરાઓ નહોતા- જ્યારે તેમણે આકાશો વ્યવસ્થિત કર્યાં, ત્યારે હું ત્યાં હતું (કલમ 27). તેથી આપણને જ્ઞાનની જરૂર છે, અને તે કહે છે, "જે માણસ મારું સાંભળે છે, દરરોજ મારા દરવાજા પાસે લક્ષ રાખે છે, તથા મારી બારસાખો આગળ રાહ જુએ છે, તેને ધન્ય છે.” હવે તે ભિખારી વિશે વિચારો, જે ઈશ્વરના દરવાજા પર રાહ જુએ છે. જેમ એક ભિખારી તેના રોજિંદા પૈસાની ભેટની રાહ જુએ છે, તેમ આપણે દરરોજ આત્મિક કંગાળ તરીકે ઈશ્વર સમક્ષ આવવાનું છે.
જો આપણે જરૂરિયાતમંદ ન હોઈએ તો આપણે આવી રીતે નહીં આવીએ. શ્રીમંત લોકો બીજા લોકોના ઘરે ભીખ માંગતા નથી; તેઓ આવું કરવામાં શરમ અનુભવશે. ભિખારી શરમાતો નથી કારણ કે તે જરૂરિયાતમંદ છે. તેની પાસે ખોરાક કે તેની દૈનિક જરૂરિયાતો માટે પૈસા નથી, અને તે તેનાથી વાકેફ છે. ફક્ત તે જ વ્યક્તિ જે દરરોજ તેની આત્મિક જરૂરિયાતથી વાકેફ છે દરરોજ ઈશ્વર સમક્ષ આવશે અને કહેશે, "પ્રભુ, હું જરૂરિયાતમંદ વ્યક્તિ છું. કૃપા કરીને મને આજ માટે જ્ઞાન આપો." અને જેમ નીતિવચનો 8:35 માં કહેવામાં આવ્યું છે, "જેઓને હું મળું છું, તેઓને જીવન મળે છે."
આત્મામાં રાંક રહેવાનો અર્થ આ છે: આપણી આત્મિક જરૂરિયાતથી સતત વાકેફ રહેવું. જે વ્યક્તિ પોતાની આત્મિક જરૂરિયાતથી સતત વાકેફ છે, અને જે ઈશ્વર પાસેથી જ્ઞાન માંગતો રહે છે, તે આકાશનું આખું રાજ્ય મેળવશે. જો તમે આકાશના રાજ્યને ઈશ્વરના રાજ્યની સંપત્તિ તરીકે જુઓ છો, તો બાઈબલ એફેસીઓને પત્ર 1:3 માં કહે છે કે, ઈશ્વરે આપણને ખ્રિસ્તમાં સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આશીર્વાદિત કર્યા છે. પવિત્ર આત્માનો દરેક આશીર્વાદ સ્વર્ગીય સ્થાનોમાં ખ્રિસ્તમાં આપણો છે. આપણે આકાશના રાજ્યમાંના બધા આત્મિક આશીર્વાદોને હજાર ઓરડાંવાળા વિશાળ મહેલ તરીકે વિચારી શકીએ છીએ, અને આત્મામાં રાંક હોવું તે, મહેલના દરેક દરવાજા ખોલવાની મુખ્ય ચાવી છે. જે વ્યક્તિ આત્મામાં રાંક છે તેને ધન્ય છે, કારણ કે તે આકાશનું આખું રાજ્ય - એટલે કે, વિશાળ મહેલના દરેક ઓરડાં - મેળવી શકે છે. જો તે આ મુખ્ય ચાવીને મજબૂતીથી પકડી રાખે તો દરેક ઓરડામાં રહેલા ખજાના તેના હશે.