written_by :   Zac Poonen categories :   The Church Foundational Truths
WFTW Body: 

ઈશ્વરના દૃષ્ટિકોણથી, ઘણા જેઓ આ દુનિયામાં છેલ્લા છે તેઓ તેમની નજરમાં પ્રથમ છે. આ એક અદ્ભુત સત્ય છે જે ઈસુના સાત દૃષ્ટાંતો દ્વારા આવે છે:

1. માથ્થી 20:1 માં: અગિયારમે કલાકે રાખેલા મજૂરોને, જેઓએ તેમનું 90% જીવન (12માંથી 11 કલાક) વેડફી નાખ્યું હતું તેમ છતાં તેમને પ્રથમ વેતન આપવામાં આવ્યું હતુ.

2.લૂક 15:22 માં: નાનો દીકરો કે જેણે તેના પિતાની 50% સંપત્તિ (તેનો હિસ્સો) ગુમાવ્યો અને તેના પિતાના નામનું અપમાન કર્યું, તેને હજી પણ ઘરનો "સારામાં સારો જામો " અને "વીંટી " મળ્યા - જે બંને વસ્તુઓ સ્વ- ન્યાયી મોટા ભાઈ મળતા નથી.

3. લૂક 7:41 માં: જેણે વધુ પાપ કર્યું હતું (અને વધુ માફ કરવામાં આવ્યું હતું) તે વિશેષ પ્રેમ કરવા લાગ્યો. (આમ ઈશ્વરની નજીક ગયો).

4. માથ્થી 21:28 માં: જે પુત્ર પહેલા બંડખોર હતો તેણે પાછળથી તેના ભાઈથી વિપરીત તેના પિતાની ઇચ્છા પૂર્ણ કરી.

5. લૂક 15:3 માં: ખોવાયેલુ ઘેટું અન્ય ઘેટાં કરતાં ઘેટાંપાળકની નજીક રહ્યું - તેમને ઘેટાંપાળકની ખાંધ પર લઈ લેવામાં આવ્યું.

6. લૂક 14:10 માં: જેણે લગ્ન-જમણમાં સૌથી નીચી જગ્યાએ સ્થાન લીધું, તેને સૌથી અગ્રણી સ્થાન મળ્યું.

7. લૂક 18:9 માં: અપ્રમાણિક દાણી, જે બહારથી ફરોશી કરતાં વધુ ખરાબ હતો તે પછીથી ફરોશી કરતા આગળ નીકળી ગયો - કારણ કે ઈશ્વરે તેને ન્યાયી ઠરાવ્યો.

આ તમામ દૃષ્ટાંતો એક સંદેશો લાવે છે - કે ઘણા જેઓ ખરાબ શરૂઆત કરે છે તેઓ આખરે ઇનામ જીતે છે.

આપણે કેવી રીતે શરૂ કરીએ છીએ તે મહત્વનું નથી પણ આપણે દોડ કેવી રીતે પૂરી કરીએ છીએ તે મહત્વનું છે. જેઓ નિરાશ થતા નથી અને જેઓ તેમના જીવનમાં કરેલી ખરાબ શરૂઆતને કારણે પોતાને દોષિત ઠરાવતા નથી (પાઉલની જેમ) તેઓ સારી શરૂઆત કરનારા બીજા ઘણા કરતા આગળ નીકળી જશે. આનાથી એવા બધાને પ્રોત્સાહન મળવું જોઈએ જેમણે તેમના જીવનને અવ્ય્વસ્થિત કર્યું છે તેઓએ ક્યારેય નિરાશ ન થવું, પરંતુ દોડમાં આગળ વધવું.

પાઉલ ઈસુને મળ્યો તે પહેલાં, તેના જીવનના પ્રથમ 30 વર્ષો અવ્યવસ્થિત હતા. પરંતુ તે પછી તેણે ફક્ત "એક બાબત" કરવાનું નક્કી કર્યું: ઈસુ જેવા બનવા માટે આગળ વધવું - તેની ભૂતકાળની બધી નિષ્ફળતાઓને ભૂલીને અને માત્ર પૃથ્વી પર તેના માટે બાકી રહેલા ટૂંકા સમયમાં ઈસુ જેવા બનવા માટે આગળ વધવું (ફિલિ. 3:13, 14). આમાં ઈશ્વરે તેને જે સેવા કરવા માટે તેડ્યો હતો તેને પરિપૂર્ણ કરવાનો પણ સમાવેશ થાય છે. અને તેના જીવનના અંતે, તેણે કહ્યું, "મેં દોડ પૂરી કરી છે અને હવે મારે માટે ન્યાયીપણાનો મુગટ રાખી મુકેલો છે" (2 તિમોથી .4:7).

પાઉલે કરિંથ ખાતેના નામધારી ખ્રિસ્તીઓને કહ્યું "એમ દોડો કે તમને પ્રથમ ઇનામ મળે" (1 કરિંથીઓને પત્ર 9:24). તે નામધારી ખ્રિસ્તીઓ પણ ખ્રિસ્તી દોડમાં પ્રથમ આવી શકે છે, જો તેઓ પસ્તાવો કરે અને ખંત અને શિસ્ત સાથે દોડે. આ એવી આશા છે જે આપણે વડીલો તરીકે, નિષ્ફળ ગયેલા દરેક ખ્રિસ્તીને આપવી જોઈએ, જો તેઓ માત્ર પસ્તાવો કરશે અને કોઈપણ કિંમતે, ખ્રિસ્ત જેવા બનવાના નિશાન તરફ આગળ વધવાનું નક્કી કરે તો.