ઈસુની સમજમાં, બધી આજ્ઞાઓ સમાન મહત્વ ધરાવતી નહોતી. અગ્રતાનો ક્રમ હતો. કેટલીક બાબતો અન્ય કરતા વધુ મહત્વની હતી. એવી અમુક આજ્ઞાઓ હતી જેમ લેવીય 11 માં છે કે અમુક પ્રકારનો ખોરાક તેઓએ ખાવો ન જોઈએ, જે ખૂન ન કરવા અને વ્યભિચાર ન કરવા જેટલી મહત્ત્વની નહોતી. પરંતુ તે હજુ પણ આજ્ઞાઓ હતી, અને તે જ બાબતે દાનિયેલને એક એવો માણસ બનાવ્યો જેને ઈશ્વરે સ્વીકાર્યો હતો, કારણ કે તેણે જૂના કરારની નાનામાં નાની આજ્ઞાઓ પાળવાનું નક્કી કર્યું હતું.
દાનિયેલ 1:8 માં, કહેવામાં આવ્યું છે, "દાનિયલે પોતાના મનમાં ઠરાવ કર્યો કે રાજાના ખાણાથી તથા જે દ્રાક્ષારસ તે પીએ છે તેથી હું મારી જાતને વટાળીશ નહિ." કદાચ તે મેજ પર કોઈ ડુક્કરનું માંસ હતું, અથવા કોઈ પ્રકારનું પક્ષી જેને ઈશ્વરે લેવીય 11 માં પ્રતિબંધિત કર્યું હતું. ઈશ્વરે શા માટે તે વસ્તુઓને પ્રતિબંધિત કરી હતી તેના કારણો માટે દાનિયેલ સંપૂર્ણ સમજૂતી આપી શક્યો ન હોત, પરંતુ તેણે નક્કી કર્યું, "જો તે મૂસાના નિયમનો એક ભાગ છે, પછી ભલે તે દસ આજ્ઞાનો ભાગ ન હોય, હું તેને પાળીશ." ત્યાં લખ્યું છે કે, કારણ કે તેણે પોતાને વટાળ્યો નહીં, ઈશ્વરે તેનું સન્માન કર્યું, અને તેને બાબિલમાં એક શક્તિશાળી સાક્ષી બનાવ્યો. ઈશ્વરે દાનિયેલમાં એક એવા માણસને જોયો જે તેમની બધી આજ્ઞાઓ પાળવા તૈયાર હતો.
યુગોથી હંમેશા આમ જ બનતું રહ્યું છે. ઈશ્વર હંમેશા એવા લોકોની શોધ કરે છે જેઓ તેમની આજ્ઞાઓ પાળે છે, જેઓ ઈસુએ જે શીખવ્યું હતું તે બધું જ કરશે, અને ફક્ત પોતાને ગમતી આજ્ઞાઓને પસંદ કરીને પાળશે એમ નહીં. માથ્થી 5:19 માં, ઈસુએ કહ્યું, "માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એક જો કોઈ તોડશે, ને માણસોને એવું કરતાં શીખવશે, તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે." ઈસુ કહેતા નથી કે તે નરકમાં જશે, પરંતુ તે સ્વર્ગની માન્યતા અને મૂલ્યોની દ્રષ્ટિએ સૌથી નાનો હશે. પૃથ્વી પર નાનામાં નાના હોવું એ એકદમ બિનમહત્વપૂર્ણ છે. તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ સ્વર્ગના રાજ્યમાં સૌથી નાના હોવાનો અર્થ એ છે કે સર્વશક્તિમાન ઈશ્વર તમારા વિશે વધુ વિચારતા નથી. હું તે શ્રેણીમાં રહેવા માંગતો નથી! જો દુનિયા મારા વિશે બહુ વિચારતી નથી તો મને વાંધો નથી, પરંતુ હું ચોક્કસપણે ઈચ્છું છું કે ઈશ્વર મારા વિશે ઘણું વિચારે.
યોહાન બાપ્તિસ્ત વિશે એવું કહેવામાં આવે છે કે ગાબ્રિયેલ દૂતે તેના પિતા ઝખાર્યાને કહ્યું, "તારો પુત્ર યોહાન ઈશ્વરની દૃષ્ટિમાં મહાન હશે." ઈશ્વરની દૃષ્ટિમાં મહાન બનવું એ ચોક્કસપણે કંઈક રીતે લોભામણું છે. હું ઈશ્વરની દૃષ્ટિમાં સૌથી નાનો બનવા માંગતો નથી, હું એવો બનવા માંગતો નથી કે જેના વિશે ઈશ્વર બહુ વિચારતા નથી. તેમ છતાં તે અહીં કહે છે કે એવા કેટલાક લોકો હશે જેઓ સ્વર્ગના રાજ્યમાં સૌથી નાના હશે, એટલા માટે નહીં કે તેઓ મુખ્ય આજ્ઞાઓનું પાલન કરતા નથી, પરંતુ કારણ કે તેઓ નાની આજ્ઞાઓની અવગણના કરે છે.
મને આજે પણ ઘણા ખ્રિસ્તીઓમાં એવું વલણ જોવા મળે છે. તેઓ કહે છે કે તેઓ નવા કરારના ખ્રિસ્તીઓ છે, પરંતુ તેઓ નવા કરારની કેટલીક નાના આજ્ઞાઓની અવગણના કરે છે અને કહે છે, "તે મહત્વપૂર્ણ નથી, તમારે તેનું પાલન કરવાની જરૂર નથી." હું ખ્રિસ્તમાં તેમના વિશ્વાસ પર પ્રશ્ન નથી કરતો. તેઓ સ્વર્ગમાં જાય છે કે નરકમાં જાય છે તે નક્કી કરવા હું અહીં નથી. તે મારું કામ નથી. ઈશ્વર તેઓના ન્યાયાધીશ છે, પરંતુ હું ચોક્કસપણે માનું છું જે ઈસુએ કહ્યું, કે જો કોઈ વ્યક્તિ ઈસુએ જે શીખવ્યું તેમાંની નાનામાં નાની આજ્ઞા રદ કરે છે (અને તે બધું જે ઈસુએ પછીથી પ્રેરિતો દ્વારા, પત્રોમાં તેમના પવિત્ર આત્મા દ્વારા શીખવ્યું હતું), તો તે સ્વર્ગના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. તેનાથી વિપરીત, સ્વર્ગના રાજ્યમાં કોણ મહાન થવાનું છે? જે નાનામાં નાની આજ્ઞા પાળે છે અને લોકોને નાનામાં નાની આજ્ઞા પાળવાનું શીખવે છે. માથ્થી 5:19 સ્પષ્ટ નહિ, તે ખૂબ જ સ્પષ્ટ છે.
નવા કરારની સૌથી નાની આજ્ઞાઓ પ્રત્યેનું તમારું વલણ બતાવે છે કે તમે તેમના રાજ્યમાં ઈશ્વર સમક્ષ ક્યાં ઊભા છો. ઈસુએ કહ્યું, "જો તમે મારા પર પ્રેમ રાખો છો, તો મારી આજ્ઞાઓ પાળશો." તે આપણા પ્રેમની નિશાની છે. કોઈ એમ કહે કે "હું ઈસુને પ્રેમ કરું છું" તો તે તેમની આજ્ઞાઓને અવગણી શકે નહિ. જે હદ સુધી તમે ઈસુની નાનામાં નાની આજ્ઞાઓને અવગણો છો, તે માપ પ્રમાણે, તમે તેમને પ્રેમ કરતા નથી. કદાચ તમે મોટી આજ્ઞાઓ પાળો છો, પરંતુ નાની આજ્ઞાઓ પ્રત્યેનું તમારું વલણ ઈશ્વરના રાજ્યમાં તમારું સ્થાન નક્કી કરે છે.