“જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો, ને તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો; રખેને તેઓ તે પોતાના પગ નીચે છૂંદે, ને તમને ફાડી નાખે” (માથ્થી 7:6). આનો અર્થ શું છે? ઈસુ જ્યારે તૂર અને સિદોનના પ્રદેશમાં ગયા ત્યારે એક કિસ્સામાં આવા જ વાક્યનો ઉપયોગ થયો હતો (માથ્થી 15:21-18). જ્યારે ઈસુ તૂર પહોંચ્યા, ત્યારે એક સ્ત્રી તેની દીકરી માટે મદદ માંગવા આવી, જે દુષ્ટાત્માથી પીડાતી હતી. ઈસુએ પાછળ ફરીને કહ્યું, “છોકરાંની રોટલી લઈને કૂતરાને નાંખવી વાજબી નથી” (માથ્થી 15:26). કેટલાક લોકોએ તે વાક્ય પર સવાલ ઉઠાવ્યા છે.
શું ઈસુએ તેને કૂતરો કહી હતી? શું તમે એક વ્યક્તિને મદદ કરવા માટે 150 કિલોમીટર ચાલશો, તો એ વ્યક્તિને તમે ધિક્કારશો? 150 કિલોમીટર ચાલવામાં કેટલો સમય લાગે છે? ઓછામાં ઓછા બે દિવસ લાગશે. ત્યાં આપણે ખ્રિસ્તના તેના પ્રત્યેના પ્રેમની તીવ્રતા જોઈએ છીએ. તે તેને કેટલો પ્રેમ કરે છે તે જાણીને, આપણે જોઈએ છીએ કે પ્રભુ તેની કસોટી કરી રહ્યા હતા કે શું તે કોઈ પણ નીચું સ્થાન લેવા તૈયાર છે, તે સ્વીકારીને કે તે ઈશ્વર પાસેથી કંઈપણ પામવાને લાયક નથી. જ્યારે તેણે કહ્યું, "પણ સ્રીએ કહ્યું, ‘ખરું, પ્રભુ, કેમ કે કૂતરાં તો પોતાના ધણીઓના મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે.’ ઈસુએ કહ્યું, ‘ઓ બાઈ, તારો વિશ્વાસ મોટો છે!’” ઈસુએ ફક્ત બે વાર જ કોઈને આવું કહ્યું હતું, અને બંને બિન-યહૂદી લોકોને. એક રોમન સૂબેદાર અને બીજું આ સિરિયાના ફિનીકિયા કુળની સ્ત્રીને. જુઓ તેમણે તેની કેટલી પ્રશંસા કરી!
આપણે સમજવાની જરૂર છે કે જ્યારે ઈસુ શાસ્ત્રમાં કૂતરા અને ભૂંડ વિશે વાત કરે છે, ત્યારે તે લોકોને ધિક્કારતા નથી. તે જાણે છે કે આપણે ઈશ્વર પાસેથી કંઈપણ મેળવવાને લાયક નથી. જે કોઈ એવું વિચારે છે કે, "હું લાયક છું કે ઈશ્વર મારા માટે કંઈક કરે" તે ઈશ્વર સમક્ષ માણસનું સ્થાન સમજી શક્યો નથી. તમે અને હું એકમાત્ર નરક માટે લાયક છીએ. જો આપણે ઈશ્વર પાસે જઈએ અને કહીએ, "પ્રભુ, હું જેને લાયક છું, તે આપો," તો પછી તેમણે આપણને નરકમાં ધકેલી દેવા જોઈએ. તેનાથી વધુ સારું કંઈ પણ મળે છે તો તે ઈશ્વરની કૃપા છે. જ્યારે આપણે તે સમજીશું, ત્યારે આપણે જાણીશું કે આપણે જેને લાયક નથી એવું ઈશ્વર પાસેથી ઘણું બધું મળે છે. પરંતુ મોટાભાગના લોકો તે બાબતને સમજતા નથી.
તો, જ્યારે આપણે આ પ્રકારનું નિવેદન જોઈએ છીએ, ત્યારે એવું નથી કે આપણે કોઈની સાથે કૂતરા જેવું વર્તન કરીએ, અથવા કોઈની સાથે ભૂંડ જેવું વર્તન કરીએ. આપણે બધા પાપી છીએ. દરેક વ્યક્તિ પાપી છે. આપણે બધા પાપી છીએ. આપણામાંના કેટલાકને ઈશ્વરની કૃપાથી આપણા પાપો માફ કરીને તારવામાં આવ્યા છે, અને કેટલાક હજુ પણ તેમના પાપોમાં છે, પરંતુ આપણે મૂળભૂત રીતે બધા પાપી છીએ કારણ કે આપણને આદમ પાસેથી તે વારસામાં મળ્યું છે. તેથી કોઈ વ્યક્તિ માટે એવું વિચારવાનું કોઈ કારણ નથી કે તે બીજા કરતા સારો છે, અથવા બીજાને કૂતરાં કે ભૂંડની જેમ તુચ્છ સમજવા.
જ્યારે ઈસુએ કહ્યું, "જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો" ત્યારે તેમનો અર્થ હતો, "એવી વસ્તુ ન આપો જેની લોકો કદર કરતા નથી." કૂતરો ફક્ત હાડકાં માંગે છે. તેને પવિત્ર વસ્તુ જોઈતી નથી. જ્યારે કોઈ માણસ ઈશ્વર કરતાં પૃથ્વી પરની ભૌતિક બાબતોમાં વધુ રસ ધરાવે છે, ત્યારે એવી ભાવના હોય છે કે તે પ્રાણી કરતાં શ્રેષ્ઠ નથી. તમે શેના માટે જીવો છો? શું તમે ફક્ત બાળકોને ઉછેરવા, જાતીયતા, સુવા અને સારો ખોરાક ખાવા માટે જીવો છો? સારું, બધા પ્રાણીઓને પણ એમાં જ રસ હોય છે! પ્રાણીઓ હંમેશા જમીન તરફ જોતા હોય છે. કૂતરાઓ હંમેશા જમીન તરફ જોતા હોય છે. ભૂંડ પણ એવું જ છે. તમે ક્યારેય કૂતરા કે ભૂંડને સ્વર્ગ તરફ જોતા નહિ જુઓ. પ્રાણીઓ હંમેશા પૃથ્વીની વસ્તુઓ તરફ જોતા હોય છે, અને અહીં 'કૂતરા' શબ્દનો અર્થ એ છે - "એવા લોકો જેમનું મન પૃથ્વીની બાબતો પર કેન્દ્રિત છે."
એક ખરો ખ્રિસ્તી માથું ઊંચું રાખે છે. તે ઉપરની બાબતો તરફ જોઈ રહ્યો છે. જે લોકો ઉપરની બાબતોમાં રસ ધરાવતા નથી, તેમને જે પવિત્ર છે તે આપવું એ અર્થહીન છે. તે ભૂંડની સામે મોતી ફેંકવા જેવું છે. ભૂંડને ફક્ત ઘણો કચરો (ગંદકી) જ જોઈએ છે. તે જ ખાવાનું તેને પસંદ છે, તેથી તેમને જે પવિત્ર છે તે આપવું તે અર્થહીન છે. ઈસુ પહાડ પરના ઉપદેશ વિશે વાત કરી રહ્યા છે - પહાડ પરના ઉપદેશનું શિક્ષણ અવિશ્વાસીઓ માટે નથી. માથ્થી 7:6 નો મુદ્દો એ છે: જે લોકો નવો જન્મ પામ્યા નથી તેમને આ સંદેશ ન આપો, કારણ કે તેઓ તેની કદર કરી શકતા નથી. દરેક વ્યક્તિને આપણે શું સત્ય આપી શકીએ તે સમજવાની આપણે જરૂર છે. આ કલમમાં ખ્રિસ્ત આ જ કહી રહ્યા છે.
જે લોકો નવો જન્મ પામ્યા નથી તેમને પસ્તાવાનો સંદેશ સાંભળવાની જરૂર છે. તેમને જાણવાની જરૂર છે કે તેઓ પાપી છે. તેમને જાણવાની જરૂર છે કે તેઓ નરકને લાયક છે. તેમને જાણવાની જરૂર છે કે તેઓ ખોવાઈ ગયા છે, અને ઈશ્વરથી અલગ થઈ ગયા છે, અને અનંતકાળ માટે નરક તરફ જઈ રહ્યા છે. આ સંદેશ બિન-ખ્રિસ્તીઓ અને ખ્રિસ્તી ઘરોમાં જન્મેલા લોકો (જેઓ નવો જન્મ પામ્યા નથી, જેઓ ખ્રિસ્ત સાથે જીવંત જોડાણમાં આવ્યા નથી) તેઓએ સાંભળવાની જરૂર છે.
દરેક માનવી, જો તે પોતાના જીવનમાં ઈશ્વરને પ્રથમ સ્થાન ન આપે, તો તે ખરેખર એક પ્રાણી જેવો છે. પ્રાણીને ઈશ્વરમાં કોઈ રસ નથી, પ્રાર્થનામાં કોઈ રસ નથી, ઈશ્વર શું કહે છે તે સાંભળવામાં કોઈ રસ નથી. જ્યારે પૃથ્વી પર કોઈ માનવીને પ્રાર્થનામાં કોઈ રસ નથી, ઈશ્વરમાં કોઈ રસ નથી, અને ઈશ્વર તેને શું કહે છે તે સાંભળવામાં કોઈ રસ નથી, ત્યારે તે પ્રાણી કરતાં શ્રેષ્ઠ નથી. પ્રાણીને જાતીયતામાં રસ છે. જ્યારે માણસ મુખ્યત્વે જાતીયતામાં રસ ધરાવે છે, ત્યારે તે પ્રાણી જેવો છે. દરેક પ્રાણીને જાતીયતા અને ખોરાકમાં રસ હોય છે, અને જ્યારે મનુષ્ય ફક્ત ખોરાક, જાતીયતા, ઊંઘ અને બાળકોમાં જ રસ ધરાવે છે, ત્યારે તેઓ પ્રાણીઓ જેવા જ છે. પરંતુ જ્યારે ઈશ્વરે આદમને બનાવ્યો ત્યારે એક ફરક હતો. તેમણે આદમને એ જ ધૂળમાંથી બનાવ્યો જેનો ઉપયોગ તેમણે ભૂંડ , કૂતરા અને બધા પ્રાણીઓ બનાવવા માટે કર્યો હતો. તે બરાબર એ જ ધૂળ છે.
જો તમે કૂતરા અને ભૂંડના આંતરિક અવયવો જુઓ, તો માણસના આંતરિક અવયવો અને આ પ્રાણીઓના આંતરિક અવયવો વચ્ચે ઘણી સમાનતા છે. તો ઈશ્વર જે કહી રહ્યા હતા તે એ છે કે, શારીરિક રીતે, તમે બંને એક જ પદાર્થમાંથી છો. અને તેથી જ ઈશ્વરે છઠ્ઠા દિવસે પ્રાણીઓ અને માણસ બંને બનાવ્યા. છઠ્ઠા દિવસના પહેલા ભાગમાં તેમણે પ્રાણીઓ બનાવ્યા, અને છઠ્ઠા દિવસના બીજા ભાગમાં તેમણે માણસ બનાવ્યો. પરંતુ પ્રાણીઓમાં એક મોટો તફાવત હતો: ઈશ્વરે તેમનામાં જીવનનો શ્વાસ ફૂંક્યો નહોતો. જ્યારે તેઓ માટીમાંથી બનાવવામાં આવ્યા ત્યારે તેઓ આપમેળે શ્વાસ લેતા હતા, પરંતુ માણસ બનાવ્યું તેની સાથે જ, ઈશ્વરે તેનામાં જીવનનો શ્વાસ ફૂંક્યો, અને તે સજીવ પ્રાણી બન્યો (ઉત્પત્તિ 2:7), અને તે જ બાબત હતી જે માણસને પ્રાણીઓથી અલગ પાડે છે - ઈશ્વરનો શ્વાસ.
જો ઈશ્વરે આદમમાં શ્વાસ ન ફૂંક્યો હોત, તો તે કદાચ માણસ જેવો દેખાતો હોત, પરંતુ તે પ્રાણી જેવો હોત. પરંતુ જે ક્ષણે ઈશ્વરે તેનામાં શ્વાસ ફૂંક્યો, તે સજીવ પ્રાણી બન્યો. તે સનાતન અસ્તિત્વ બન્યો, પ્રાણીઓથી વિપરીત, જે સનાતન નથી. જ્યારે પ્રાણી મૃત્યુ પામે છે, ત્યારે તેઓ ફક્ત માટી બની જાય છે. પરંતુ જ્યારે ઈશ્વરે માણસમાં શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ પ્રાણી બન્યો, ત્યારે તે ક્ષણે તે સનાતન અસ્તિત્વ બન્યો. તે ઈશ્વરને જવાબદાર સનાતન અસ્તિત્વ બન્યો. ત્યારે તેની પાસે અનંતજીવન નહોતું, કારણ કે અનંતજીવનનો અર્થ એવું જીવન છે જેની કોઈ શરૂઆત નથી, અને ફક્ત ઈશ્વર પાસે જ તે છે. પરંતુ જ્યારે આપણે આપણા પાપોનો પસ્તાવો કરીએ છીએ અને ખ્રિસ્ત પાસે આવીએ છીએ અને તેમને આપણા ઈશ્વર અને તારણહાર તરીકે સ્વીકારીએ છીએ ત્યારે આપણે તે અનંતજીવન મેળવી શકીએ છીએ. પછી આપણને અનંતજીવન મળશે. નહિંતર, આપણે ફક્ત સનાતન જીવો છીએ જે નરકમાં જાય છે અને ઈશ્વરથી અલગ થઈને ત્યાં અનંતકાળ માટે રહે છે.
પ્રભુ શું કહી રહ્યા છે તે એ છે કે આ પૃથ્વી પર બે અલગ અલગ શ્રેણીના લોકો છે. એવા લોકો છે જે પ્રાણીઓની જેમ જીવે છે (જેમ કે કૂતરા અને ભૂંડ), અને એવા પણ છે જે સ્વીકારે છે કે તેઓ ઈશ્વરના બાળકો હોવા જોઈએ, અને જેઓ સ્વીકારે છે કે ઈશ્વરે તેમને સનાતન જીવો બનાવ્યા છે જે તેના માટે ઈશ્વરને જવાબદાર છે. જ્યારે ઈશ્વરે માણસમાં શ્વાસ ફૂંક્યો, ત્યારે તે માટીનો બનેલો હતો, પરંતુ તેની પાસે એક અંત:કરણ પણ હતું જે તેને જાગૃત કરતું હતું કે તે તેના કાર્યો અને શબ્દો માટે ઈશ્વરને જવાબદાર છે. પ્રાણીઓ પાસે અંત:કરણ નથી. જ્યારે તેઓ કંઈક ખોટું કરે છે ત્યારે તેમને અપરાધની ભાવના હોતી નથી, જ્યારે માણસ (ભલે તે જંગલમાં સંપૂર્ણપણે અભણ અસંસ્કારી હોય) અપરાધની ભાવના ધરાવે છે કારણ કે તેની પાસે અંત:કરણ હોય છે.
જંગલમાં રહેતા અસંસ્કારીઓ પણ નમન કરે છે અને પૂજા કરે છે - ઉદાહરણ તરીકે, કદાચ ખડક, પથ્થર કે સૂર્યની. એક એવી સમજણ છે કે એક સર્જનહાર છે, એક સનાતન અસ્તિત્વ છે જેની સમક્ષ તેઓ જવાબદાર છે. તમને ક્યાંય ધાર્મિક કૂતરો, ધાર્મિક વાંદરો કે ભૂંડ જોવા મળતા નથી. શા માટે જંગલીઓને પણ એક સનાતન અસ્તિત્વની સમજ હોય છે જેની સમક્ષ તેઓ જવાબદાર છે? કારણ કે તેમની પાસે અંત:કરણ હોય છે. દરેક માણસ પાસે અંત:કરણ હોય છે, અને તે જ બાબત માણસને ભૂંડ, કૂતરાં અને અન્ય પ્રાણીઓથી અલગ પાડે છે.