WFTW Body: 

તારું અંત:કરણ તેની ખૂબસૂરતી પર મોહિત ન થાય; અને તેની આંખોનાં પોપચાંથી તું ફિદા ન થઈ જા. કેમ કે વેશ્યા સ્‍ત્રીને લીધે પુરુષની ખાનાખરાબી થાય છે. અને વ્યભિચારિણી મૂલ્યવાન જીવનો શિકાર શોધે છે. - નીતિવચનો 6:25-26

આખા બાઇબલમાંથી ઉપરની કલમ, માથ્થી 5:28 ની સૌથી નજીકની કલમ છે જ્યાં કહેવામાં આવ્યું છે કે, સ્ત્રી પર ખોટી નજર ન કરો. આખા બાઇબલમાં નીતિવચનો 6:25 જેટલી માથ્થી 5:28 ની નજીક બીજી કોઈ કલમ નથી. તે નવા કરારનો પૂર્વાભાસ છે. જ્ઞાન ચેતવણી આપે છે કે વ્યભિચારની શરૂઆત હૃદયમાંથી થાય છે. તે ફક્ત વિજાતીય વ્યક્તિમાં સુંદરતાની પ્રશંસાથી શરૂ થાય છે. હું આ બાબત પર ભાર મૂકવા માંગુ છું કારણ કે એવા ખ્રિસ્તીઓ (વિશ્વાસીઓ) છે જે શીખવે છે કે સુંદરતાની પ્રશંસા કરવામાં કંઈ ખોટું નથી. કારણ કે તેમના હૃદયમાં ઈશ્વરનો ભય નથી. ઈશ્વરનું વચન કહે છે, "તારું અંત:કરણ તેની ખૂબસૂરતી પર મોહિત ન થાય"

શું તમારામાં શારીરિક સુંદરતાની ખોટી સમજ છે? નીતિવચનો 31:30 કહે છે કે લાવણ્ય ઠગારું છે અને સૌંદર્ય વ્યર્થ છે. જુવાનો, હું તમને આ કહેવા માંગુ છું, જો તમે તમારા મનમાં એ નહિ રાખો કે શારીરિક સુંદરતા એક ખાલી, પોકળ, નકામી બાબત છે, તો તમે એક દિવસ તેનાથી છેતરાઈ જશો. તમે ખોટા વ્યક્તિ સાથે લગ્ન કરશો અને બાકીનું જીવન તેના લીધે પીડા ભોગવશો. સુંદરતા તરફ નજર ફેરવીને એમ ન કહો કે, "હું ખરાબ દાનતથી નથી જોતો. હું ફક્ત સુંદરતાની પ્રશંસા કરું છું." તે એક બહુ મોટો ભ્રમ છે અને ઈશ્વર તે જુએ છે! ઈશ્વરે આવા માણસોને સેવાકાર્ય માટે તેડ્યા હશે, પરંતુ તે તેમને બાજુ પર મૂકી દે છે અને કહે છે, "તમને આ નહિ મળે. હું તમને સેવાકાર્ય સોંપી શક્યો હોત, પરંતુ તમે ફક્ત તમારી આંખોથી મૂર્ખતા કરી છે અને પોતાને વિશ્વાસી ગણાવ્યા અને નવા અને જીવંત માર્ગ વિશે વાત કરી, પરંતુ તમે આ ક્ષેત્રમાં ખરા હૃદયથી કામ કરતા નથી!" તારું અંત:કરણ તેની ખૂબસૂરતી પર મોહિત ન થાય! આ વ્યભિચાર વિશે વાત નથી. આ ફક્ત છોકરીમાં શારીરિક સુંદરતાની પ્રશંસા કરવા વિશેની વાત છે! આ વચન કહે છે કે તેના વખાણ પણ ન કરો. સારું, જો તમે તેને સ્વીકારવા માંગતા હો, તો આજ ખરું જ્ઞાન છે. સાવચેત રહો.

પછી તે કહેવામાં આવ્યું છે કે, "તેની આંખોનાં પોપચાંથી તું ફિદા ન થઈ જા." ઈશ્વરનું વચન ખૂબ જ વ્યવહારું છે. તે અહીં કહે છે કે સ્ત્રીની આંખોમાં કંઈક એવું છે જે એક યુવાન પુરુષને પકડી શકે છે. અને તેથી જ આપણે જોઈએ છીએ કે આજકાલ છોકરીઓને તેમની પાંપણો પર રંગ લગાવવાનું શેતાન શીખવે છે જેથી તેને વધુ આકર્ષક બનાવી શકાય - તે બધા ફેન્સી રંગો, અને જો તમે એવા લોકોમાંના એક છો જેઓ હાથ પર શ્વાપદનું ચિહ્ન ઈચ્છે છે જેથી તમે સભામાં સારી સાક્ષી મેળવી શકો, તો હું ધારું છું કે કેટલીક રંગહીન જાતો પણ છે જે તમે તમારી આંખો અને હોઠ પર અને બધી જગ્યાએ લગાવી શકો છો જેથી તમે તમારી જાતને આકર્ષક બનાવી શકો. તે અહીં કહે છે, "તેની આંખોનાં પોપચાંથી તું ફિદા ન થઈ જા."

હું તમને 2 રાજાઓ 9:30 માં એક કલમ બતાવવા માંગુ છું જે રંગેલા ચહેરાવાળી (આંખોમાં અંજન આંજેલી) છોકરી વિશે વાત કરે છે. તે ઇઝેબેલ છે. તમે પ્રકટીકરણ 2 માં પણ તેના વિશે વાંચ્યું છે. થુઆતૈરાની મંડળીમાં એક ઇઝેબેલ બેઠી છે. 2 રાજાઓ 9 માં લખવામાં આવ્યું છે કે જ્યારે યેહૂ યિઝ્રએલ આવ્યો, ત્યારે ઇઝેબેલે તેના વિશે સાંભળ્યું, અને તેણે પોતાની આંખોમાં અંજન આંજ્યું. શું તમે જાણો છો કે ખ્રિસ્તના સેંકડો વર્ષો પહેલા મસ્કરાનો ઉપયોગ થતો હતો? તે 20 મી સદીની શોધ નથી. ઇઝેબેલે જ તેનું ઉત્પાદન શરૂ કર્યું હતું. તેણે પોતાની આંખો આંજી હતી અને વાળ શણગાર્યા હતા. મને ખાતરી છે કે તેણે પોતાના ચહેરાનો બાકીનો ભાગ પણ રંગી નાખ્યો હશે અને બારી બહાર જોયું હશે, અને યેહૂએ કલમ 33 માં કહ્યું, "તેને નીચે નાખી દો!", અને તેઓએ તેને નીચે નાખી દીધી અને તેને મારી નાખી. તે રંગેલા ચહેરાથી પ્રભાવિત થયો ન હતો, અને તમારે પણ ન થવું જોઈએ. યેહૂ તો ઈશ્વરનો ભય રાખનાર માણસ પણ નહોતો, અને છતાં તે આ બાબતો સામે ટકી શક્યો હતો. રંગેલા ચહેરાઓ અને ખાસ કરીને અંજન આંજેલી આંખોની બાબતોમાં સાવચેત રહો.

સુલેમાનની જેમ, હું યુવાનોને વિજાતીય વ્યક્તિ સાથેના સંબંધોમાં ખાસ કાળજી રાખવાની ચેતવણી આપતા ક્યારેય થાકતો નથી. જો તમે ઈશ્વરના વચનથી ધ્રુજશો અને તેને ગંભીરતાથી લેશો, તો તે તમને તે સ્ત્રીથી બચાવશે જે શેતાનનું સાધન બનીને તમારા જીવનને બરબાદ કરી શકે છે! અને જો તે તમારા જીવનને બરબાદ કરવામાં અને નાશ કરવામાં સફળ નહિ થાય, તો તે ઓછામાં ઓછું ઈશ્વરના માણસ તરીકે તમારી આત્મિક ઉપયોગીતાને નષ્ટ કરવાનો પ્રયાસ કરશે! એવા લોકો છે જે તારણ પામ્યા છે અને છતાં સ્ત્રીઓ પર ખોટી દાનત રાખે છે, અને તેઓએ એક સંપૂર્ણ સેવા ગુમાવી દીધી છે જે ઈશ્વર તેમને આપી શક્યા હોત! આ એવી બાબત છે જેને આપણે ગંભીરતાથી લેવી જોઈએ. ફક્ત એટલું કહેવું પૂરતું નથી કે "મારા પાપો માફ થયા છે." કલ્પના કરો કે તમે અનંતકાળમાં ઊભા છો અને તમને ખબર પડે છે કે ઈશ્વર પાસે તમારા માટે એક સેવા હતી, અને તમે તે ગુમાવી દીધી હતી કારણ કે તમે વિજાતીય સંબંધોમાં કાળજી રાખતા ન હતા. અનંતકાળમાં ઊભા રહો છો અને જાણો છો કે ફક્ત કોઈ મૂર્ખ છોકરી સાથે નજીવા અને ક્ષણિક આનંદ માટે, તમે એક સેવા ગુમાવી દીધી છે જે તમારા માટે આખા અનંતકાળને મહિમાવાન બનાવી શકી હોત, પરંતુ તમે તે ગુમાવી દીધી કારણ કે તમે પૃથ્વી પર ખૂબ મૂર્ખ હતા. તે દિવસે ઘણા લોકોના હૃદયમાં કેટલો અફસોસ હશે તે વિશે વિચારો.

ખાસ કરીને જ્યારે તમે યુવાન હોવ, ત્યારે સાવચેત રહો.