written_by :   Zac Poonen categories :   The Church Leader Man
WFTW Body: 

આપણને જોવા મળે છે કે ૧ રાજાઓના પુસ્તકની શરૂઆત દાઉદથી થાય છે, કે જે ઈશ્વરનો મનગમતો માણસ હતો, અને તેનો અંત ઇઝરાયેલ પર શાસન કરનાર સૌથી ભુંડા રાજા આહાબથી થાય છે. ઈઝરાયેલ શરૂઆતમાં એક શક્તિશાળી દેશ હોય છે જ્યારે અંતમાં વિભાજિત દેશ કે જેના બન્ને રાજ્યો પર અનેક દુષ્ટ રાજાઓએ રાજ કર્યું - ખાસ કરીને ઈઝરાયેલ ઉપર.

ઈશ્વરના લોકોની પરિસ્થિતિ તેમના આગેવાનોની આત્મિક્તા અથવા તેના અભાવ ઉપર આધાર રાખે છે. જ્યારે જ્યારે ઈઝરાયેલ પાસે ઈશ્વરપરાયણ આગેવાન હતા ત્યારે તેઓ ઈશ્વરીય માર્ગોમાં વધતા ગયા. જ્યારે તેમની પાસે દૈહિક આગેવાન હતા ત્યારે તેઓ ઈશ્વરથી દૂર થઇને શારીરિકતા તરફ વધતા હતા. ઇશ્વરના લોકોની મધ્યે મહત્વની જરૂરિયાત હમેશાં ઈશ્વરપરાયણ આગેવાનોની જ રહી છે.

જ્યારે ઈસુ આ પૃથ્વી પર હતા ત્યારે તેમણે લોકોના ટોળાને પાળક વિનાનાં ઘેટાંની માફક જોયા. તેમણે પોતાના શિષ્યોને કહ્યું હતું કે તમે ઈશ્વરને પ્રાર્થના કરો કે તે પોતાના લોકોની મધ્યે ઘેટાપાળકોને મોકલે (માથ્થી ૯:૩૬-૩૮). જ્યારે ઈશ્વર આજે મંડળીઓ તરફ નજર કરે છે ત્યારે તેઓ ઈશ્વરપરાયણ આગેવાનોની જરૂરિયાતને જુવે છે. તેથી આપણને એક પડકાર મળે છે કે ઈશ્વર જેઓને શોધી રહ્યાં છે તેવા તેમના હૃદયને સંતોષ આપી શકે તેવા સ્ત્રી અને પુરૂષ બનીએ.

ઈશ્વરને દરેક પેઢીમાં ઈશ્વરપરાયણ આગેવાનોની જરૂર હોય છે. આપણે પાછલી પેઢીના આગેવાનોના ડહાપણ પર આધાર રાખી શકતા નથી. દાઉદ ઈઝરાયેલ ઉપર કાયમને માટે રાજ કરી શકતો ન હતો, તેના મરણ બાદ તેની જગ્યા પર કોઈકે તો રાજ કરવું જ રહ્યું. ઇઝરાયેલના લોકોનું શું થશે, તેનો આધાર આગળનો રાજા કયા પ્રકારનો વ્યક્તિ હશે તેના પર રહેલો હતો.

ઈશ્વર એક પેઢીમાં કાર્ય કરવાને માટે એક ઈશ્વરપરાયણ વ્યક્તિને ઊભા કરે છે. પછી તે વૃદ્ધ થાય છે અને મૃત્યુ પામે છે. તો શું આવનારી પેઢીના આગેવાનોની પાસે ફક્ત તેના સ્થાપક નું જ્ઞાન અને સિદ્ધાંતો જ હશે, પણ તેની ઈશ્વરપરાયણતા અને ઈશ્વરીય જ્ઞાન નહીં હોય? તો પછી લોકો નિશ્ચિતરૂપે ભટકી જશે. ઈશ્વરને આપણાં સમયમાં પણ ઘણાં "દાઉદો" અને ઘણી "દબોરાહો" ની જરૂર છે.