WFTW Body: 

યૂના ૩:૧ માં લખેલું છે કે "પછી યહોવાનું વચન બીજી વાર યૂનાની પાસે આવ્યું". પ્રભુની સ્તુતિ થાઓ કે જ્યારે આપણે એક-વખત નિષ્ફળ થઈએ છીએ, તો પ્રભુ આપણને બીજી તક આપે છે. યૂનાનાં પુસ્તકમાંથી મળતાં સંદેશાઓમાંનો આ એક મહાન સંદેશ આપણને મળે છે. શું તમે પ્રભુનાં કામમાં નિષ્ફળ રહ્યા છો? પરમેશ્વર તમને બીજી તક આપવા માટે રાહ જોઈ રહ્યા છે. શું તમે તેમાં બીજી-વખત નિષ્ફળ રહ્યા? પરમેશ્વર તમને ત્રીજી તક આપશે. તે માત્ર બીજી તકનાં જ પરમેશ્વર નથી - આપણામાંના મોટાભાગના લોકોએ આપણી બીજી તક ઘણાં સમય પહેલા જ ગુમાવી દીધી છે. ભલેને તમે કંઈ-કેટલી વાર નિષ્ફળ ગયા હોવ, તે ફરી બીજી તક આપવાવાળા પરમેશ્વર છે! પ્રભુ તમને હમણાં પણ પુન:સ્થાપિત કરી શકે છે, અને જો તમે સંપૂર્ણ હૃદયથી પસ્તાવો કરો તો પ્રભુ તમને તેમના માટેનું એક સેવકાર્ય પરિપૂર્ણ કરવા સક્ષમ કરી શકે છે.

યૂનાને તે વિશાળ શહેરમાંથી પસાર થવામાં ત્રણ દિવસ લાગ્યા, તેઓ દરેક શેરીમાં જાહેર કરતાં ગયા કે નિનવેહનો ૪૦ દિવસમાં નાશ થઈ જશે. અજાયબ રીતે, નિનવેહના લોકોએ તરત જ પસ્તાવો કર્યો. જગતનાં ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી અને ઝડપી નવજાગૃતિ હતી. એક બાબત જે મને અહીં પ્રોત્સાહિત કરે છે તે એ છે કે જ્યારે નિનવેહ જેવા દુષ્ટ શહેરે પસ્તાવો કર્યો, ત્યારે પણ પરમેશ્વર દયાળુ હતા. પરમેશ્વર જાણતા હતા કે થોડા વર્ષો પછી, એ શહેર એટલું ખરાબ હશે કે તેમણે તેનો નાશ કરવો પડશે. પરંતુ પરમેશ્વર દરેકની સાથે અત્યારે તેઓ જેવાં છે એ મુજબ જ વ્યવહાર કરે છે - અને નહીં કે જેમ તેઓ ભૂતકાળમાં હતા અથવા નહીં કે જેમ તેઓ ભવિષ્યમાં હશે. તેમનું નામ "હું જે છું તે છું" છે, નહીં કે પછી "હું જે હતો" કે "હું જે હોઈશ". પરમેશ્વર આપણા કરતાં વધારે દયાળુ છે.

જ્યારે પરમેશ્વરે નિનવેહ પર દયા કરી, ત્યારે કોઈકે તો વિચાર્યું હશે કે યૂના ઘણાં ઉત્સાહિત થયા હશે. પણ એનાથી તેઓ ઉત્સાહિત થયા નહોતા. યૂનાને પાઠ ભણાવવા માટે, પ્રભુએ યૂનાનાં માથા ઉપર છોડ ઉગવા દીધો. યૂના એ છોડને લીધે ખૂબ જ ખુશ થયા. પરંતુ બીજા દિવસે, પરમેશ્વરે એક કીડો બનાવ્યો જે છોડને ખાઈ ગયો, અને તે સુકાઈ ગયું. યૂના ફરી ખૂબ ગુસ્સે થયા કારણ કે સૂર્યનો સખત તાપ તેમના પર ત્રાટકી રહ્યો હતો અને તેમણે કહ્યું, "મારે જીવવા કરતાં મરવું સારું છે" ત્યારે પરમેશ્વરે યૂનાને કહ્યું, "તમને એ છોડ પર દયા આવે છે, જે એક રાતમાં ઉગ્યો અને બીજી રાતે નાશ પામ્યો, તો આ મોટું નગર નિનવેહ કે જેની અંદર ૧,૨૦ , ૦૦૦ એવા લોક છે કે જેઓ પોતાનો જમણો હાથ કયો ને ડાબો કયો એટલું પણ જાણતા નથી , વળી જેની અંદર ઘણાં ઢોરઢાંક છે , તેના પર મને દયા ન આવે ? " ( યૂના ૪ : ૧૦ - ૧૧ ).

યૂના ૪ : ૧૧મી કલમમાં - જૂના કરારનાં કોઈપણ અન્ય કલમ કરતા વધારે - આપણે ખોવાયેલા આત્માઓ માટે પરમેશ્વરની જબરદસ્ત કરુણા જોઈએ છીએ. પરમેશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો કે કોઈનો નાશ ન થાય. યૂના કોઈક રીતે આ બાબતમાં પરમેશ્વર સાથે સંગતમાં ન આવી શક્યાં. આજે પણ ઘણાં એવા પ્રચરાકો છે કે જેઓ ઉપદેશ આપે છે અને (યૂનાની જેમ) નવજાગૃતિ જુએ છે, પરંતુ યૂનાની જેમ જ તેઓની પણ પરમેશ્વરનાં કરુણામય હૃદય સાથે કોઈ સંગત નથી. આવા પ્રચારકો તેમનું સેવાકાર્ય પરમેશ્વર ઈચ્છે છે તે મુજબ પરિપૂર્ણ કરતા નથી. તમે પ્રચાર કરી શકો છો અને તેનાથી લોકોનો ઉદ્ધાર થઈ શકે છે; અને તે બધાની અંતે, હજુ સુધી યૂનાની જેમ તમારી પરમેશ્વર સાથે કોઈ પણ સંગત ન હોય. સુવાર્તા-પ્રચારનાં સેવકાર્યનો ખરેખરો આધાર પરમેશ્વરના હૃદય સાથેની સંગત છે. જેઓની પાસે પ્રકાશ નથી તેઓને માટે પરમેશ્વરની આટલી મોટી કરુણા છે. બાઇબલ કહે છે કે પરમેશ્વર ઇચ્છે છે કે સઘળાં માણસો પસ્તાવો કરે, તારણ પામે અને સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરે (૧લો તિમોથી. ૨:). અને પરમેશ્વર તે માટે ઝંખે છે. પરમેશ્વરનાં હૃદયની સાથે જેટલાં આપણે વધારે સંગતમાં આવીશું, એટલાં જ આપણે તેમનો વધારે બોજ ઉઠાવીશું. જો પરમેશ્વરે તમને સુવાર્તા-પ્રચારક તરીકે તેડ્યાં છે, તો પરમેશ્વર તમને ખોવાયેલા આત્માઓ માટે કરુણા આપશે. જો પરમેશ્વર તમને શિક્ષક થવા માટે તેડે છે, તો પરમેશ્વર તમને એવા વિશ્વાસીઓ માટે કરુણા આપશે કે જેઓ આંધળા છે અને છેતરાઈ ગયા છે, અને જેઓ વિજયના જીવનમાં પ્રવેશ કરતાં નથી. જો આપણે આપણું સેવાકાર્ય અસરકારક રીતે પરિપૂર્ણ કરવું હોય, તો પરમેશ્વરની કરુણામાં ભાગીદાર થવા માટે તેમનાં હૃદય સાથે સંગત કરવી આવશ્યક છે.