પ્રકટીકરણ 14:1-5 માં, આપણે શિષ્યોના એક નાના સમૂહ વિશે વાંચીએ છીએ જેઓ તેમના પૃથ્વી પરના જીવનમાં પૂરા હૃદયથી પ્રભુને અનુસર્યા હતા. તેઓ અંતિમ દિવસે ઈસુ સાથે વિજયી તરીકે ઊભા છે - કારણ કે તેમના જીવનમાં ઈશ્વર પોતાનો સંપૂર્ણ હેતુ સિદ્ધ કરી શક્યા હતા.
જેમના પાપો માફ કરવામાં આવ્યા છે તેઓનો, જેને કોઈથી ગણી શકાય નહિ એવો એક વિશાળ સમૂહ છે. આપણે પ્રકટીકરણ 7:9-10 માં જોઈએ છીએ તે પ્રમાણે.
'આ બિનાઓ બન્યા પછી મેં જોયું, તો જુઓ, સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા! તેઓ રાજયાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા. તેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. તેઓ મોટે સ્વરે પોકારીને કહે છે, “અમારા ઈશ્વર, જે રાજ્યાસન પર બેઠેલા છે, તેમને તથા હલવાનને તારણ [ને માટે] ધન્યવાદ હોજો.”'
પરંતુ પ્રકટીકરણ 14 માં ઉલ્લેખિત શિષ્યોનો સમૂહ ખૂબ નાનો છે, જેને ગણી શકાય - 1,44,000. આ સંખ્યા શાબ્દિક છે કે પ્રતીકાત્મક (જેમ પ્રકટીકરણના પુસ્તકનો મોટો ભાગ છે) તે મહત્વહીન છે. મુદ્દો એ છે કે મોટા સમૂહની સરખામણીમાં તે ખૂબ જ નાની સંખ્યા છે.
આ તે બચેલાઓ છે જે પૃથ્વી પર ઈશ્વર પ્રત્યે સાચા અને વિશ્વાસુ હતા. તેઓની કસોટી કરવામાં આવી હતી અને તેઓએ ઈશ્વરની માન્યતાનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. ઈશ્વર પોતે તેમના વિશે પ્રમાણિત કરે છે કે
તેઓએ પોતાને પવિત્ર રાખ્યા છે ...હલવાન જ્યાં જાય છે તેમની પાછળ ચાલનારા તેઓ છે ....તેમના મોંમાં કોઈ અસત્ય (કે કપટ) જોવા મળ્યું નહીં ...તેઓ નિર્દોષ છે (પ્રકટીકરણ 14:4,5).
આ ઈશ્વરના પ્રથમ ફળ છે. તેઓ ખ્રિસ્તની કન્યા છે. હલવાનના લગ્નના દિવસે, દરેકને સ્પષ્ટ થઈ જશે કે નાની અને મોટી બધી બાબતોમાં ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ સાચા અને વિશ્વાસુ રહેવું યોગ્ય હતું.
તે દિવસે, સ્વર્ગમાં પોકાર થશે,
'આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ, અને તેમને મહિમા આપીએ, કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે, અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે’ (પ્રકટીકરણ 19:7).
જેઓ પૃથ્વી પર પોતાનો લાભ અને સન્માન શોધતા હતા, તેઓ તે દિવસે જ સંપૂર્ણ રીતે સમજી શકશે કે તેમનું નુકસાન ખરેખર કેટલું મોટું છે. જેઓ પિતા, માતા, પત્ની, બાળકો, ભાઈઓ, બહેનો, પોતાના જીવન, અથવા ભૌતિક વસ્તુઓને પ્રભુ કરતાં વધુ પ્રેમ કરતા હતા, તેઓ તે દિવસે પોતાનું અંનતકાળનું નુકસાન જોઈ શકશે.
પછી એ સ્પષ્ટ થશે કે પૃથ્વી પર સૌથી જ્ઞાની લોકો એ હતા જેમણે ઈસુની આજ્ઞાઓનું સંપૂર્ણ પાલન કર્યું હતું અને જેઓ તેમની જેમ ચાલવા માટે ખરા હૃદયથી પ્રયત્ન કરતા હતા. પછી એ સ્પષ્ટ રીતે દેખાશે કે ખ્રિસ્તી જગતનું ખાલી સન્માન કચરો હતું. ત્યારે આપણે સમજીશું કે પૈસા અને ભૌતિક વસ્તુઓ તો ફક્ત એવા માધ્યમો હતા જેના દ્વારા ઈશ્વરે આપણી કસોટી કરી કે શું આપણે ખ્રિસ્તની કન્યામાં રહેવા માટે લાયક છીએ.
આપણી આંખો આજે ખુલી જાય અને તે દિવસે આપણે જે વાસ્તવિકતાઓ સ્પષ્ટ રીતે જોઈશું તેમાંથી કંઈક આજે જોઈ શકીએ!
કોઈ પણ માનવી જે સૌથી મોટું સન્માન મેળવી શકે છે તે એ છે કે તે એ દિવસે ખ્રિસ્તની કન્યામાં સ્થાન મેળવે - એક એવા વ્યક્તિ તરીકે જેની પરખ ઈશ્વર દ્વારા થઈ હોય અને માન્ય કરવામાં આવી હોય!
જેને સાંભળવાને કાન છે, તે સાંભળે. આમીન.