WFTW Body: 

બાઈબલ આપણને દરેક બાબત માટે, દરેક પરિસ્થિતિમાં અને સર્વ લોકો માટે આભાર માનવા કહે છે.

"આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે સર્વને માટે ઈશ્વર પિતાની આભારસ્તુતિ નિત્ય કરજો” (એફેસીઓને પત્ર 5:20).

"દરેક સંજોગોમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની મરજી એવી છે” (થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર 5:18).

"હવે સહુથી પ્રથમ હું એવો બોધ કરું છું કે, સર્વ માણસોને માટે …આભારસ્તુતિ કરવામાં આવે” (તિમોથીને પહેલો પત્ર 2:1).

જો આપણે ઈશ્વરનું સંપૂર્ણ સર્વોપરીપણુ જોયું હોય, તો જ આપણે આ અર્થપૂર્ણ રીતે કરી શકીએ છીએ.

જેમ તેમણે ઈસુની સંભાળ રાખી હતી તેમ ઈશ્વર આપણી સંભાળ રાખે છે. જે કૃપાએ ઈસુને મદદ કરી હતી, પવિત્ર આત્માનું એ જ સામર્થ્ય જેના લીધે તે વિજય મેળવવા સક્ષમ બન્યા હતા, તે જ કૃપા હવે આપણા માટે ઉપલબ્ધ છે.

યહૂદાએ ઈસુને પરસ્વાધીન કર્યા, પિતરે તેમને નકાર્યા, તેમના શિષ્યોએ તેમને છોડી દીધા, ભીડ તેમની વિરુદ્ધ થઈ, તેમના પર અન્યાયી રીતે મુકદ્દમો ચલાવવામાં આવ્યો, ખોટા આરોપ મૂકવામાં આવ્યા અને તેમને વધસ્તંભ પર જડવા માટે લઈ જવામાં આવ્યા. અને છતાં, કાલવરી જતા માર્ગ પર, તે ભીડ તરફ ફરીને કહી શક્યા, "મારે માટે રડો નહિ, પણ પોતાને માટે તથા પોતાનાં છોકરાંને માટે રડો" (લૂક 23:28).

તેમનામાં આત્મ-દયા બિલકુલ નહોતી.

તે જાણતા હતા કે જે પ્યાલો તે પી રહ્યા હતા તે તેમના પિતા દ્વારા મોકલવામાં આવ્યો હતો. યહૂદા ઈશ્કારિયોત ફક્ત તે સંદેશવાહક હતો જે પ્યાલો લાવ્યો હતો. અને તેથી તે યહૂદા તરફ પ્રેમથી જોઈ શક્યા હતા અને તેને "મિત્ર" કહી શક્યા હતા. જો તમને ઈશ્વરના સંપૂર્ણ સર્વોપરીપણામાં વિશ્વાસ ન હોય તો તમે તે કરી શકશો નહીં.

ઈસુએ પિલાતને કહ્યું, "ઉપરથી તમને અપાયા વગર મારા પર તમને કંઈ પણ અધિકાર ન હોત" (યોહાન 19:11).

આ ખાતરી હતી જેના કારણે ઈસુ આ દુનિયામાં રાજા તરીકે, પ્રતિષ્ઠાથી ચાલી શક્યા. તે તે આત્મિક ગૌરવ સાથે જીવ્યા અને તે જ આત્મિક ગૌરવ સાથે મૃત્યુ પામ્યા.

હવે આપણને "ઈસુ જેમ ચાલ્યા હતા તેમ ચાલવા" માટે તેડવામાં આવે છે. જેમ તેમણે પિલાત સમક્ષ "સારી કબૂલાત" કરી, આપણે પણ અવિશ્વાસી પેઢી સમક્ષ આપણી આવી કબૂલાત કરવાની છે.

તિમોથીને પહેલો પત્ર 6:13-14 માં પાઉલ તિમોથીને કહે છે, "જે ઈશ્વર સર્વને સજીવન કરે છે તેમની આગળ તથા ઈસુ ખ્રિસ્ત, જેમણે પોંતિયસ પિલાતની આગળ સારી કબૂલાત કરી, તેમની સમક્ષ હું તને આગ્રહપૂર્વક ફરમાવું છું કે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થતાં સુધી તું નિષ્કલંક તથા દોષરહિત રહીને આ આજ્ઞા પાળ.”

જેમ આપણે પહેલાથી જ જોયું છે, ઈશ્વર જે સર્વોચ્ચ ભલા માટે કાર્ય કરી રહ્યા છે તે એ છે કે આપણે તેમના સ્વભાવના, તેમની પવિત્રતાના ભાગીદાર બનીએ. તેમના અદભૂત સર્વોપરીપણામાં, તે આપણા માર્ગમાં આવતા દરેકનો ઉપયોગ તેમના હેતુને પૂર્ણ કરવા માટે કરે છે. એટલા માટે આપણે સર્વ માણસોનો આભાર માની શકીએ છીએ.

તે મુશ્કેલીમાં મૂકતા પાડોશી, તે પરેશાન કરનાર સંબંધી અને તે જુલમી ઉપરીને તમને હેરાન કરતા રહેવાની પરવાનગી ઈશ્વર કેમ આપે છે? તે તેમને સરળતાથી બીજે ક્યાંય દૂર કરી શકે છે અથવા તેમના જીવ પણ લઈ શકે છે, અને આમ તમારા માટે જીવન વધુ આરામદાયક બનાવી શકે છે. પરંતુ તે આવું કંઈ કરતા નથી. શા માટે? કારણ કે તે તમને પવિત્ર કરવા માટે તેમનો ઉપયોગ કરવા માંગે છે. તેમના ઉદ્ધારની ઈચ્છા પણ હોઈ શકે છે - તમારા દ્વારા.