WFTW Body: 

શાસ્ત્રના સૌથી ભવ્ય પ્રક્ટીકરણોમાંનું એક એ છે કે પતિ-પત્નીનો સંબંધ એ ખ્રિસ્ત અને મંડળી વચ્ચેના સંબંધનું પ્રતીક છે (એફેસીઓને પત્ર 5:22-23).

એફેસીઓને પત્રના આ ફકરામાં પત્નીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ તેમના પતિઓને આધીન રહે, કારણ કે પતિ ઈશ્વર દ્વારા નિયુક્ત પત્નીનું શિર છે. પત્નીઓને પણ આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ દરેક બાબતમાં તેમના પતિઓને આધીન રહે (જેમ કે મંડળી ખ્રિસ્તને આધીન હોવી જોઈએ), અને તેમનો પણ આદર અને માન રાખવું જોઈએ. આવી રજૂઆત આપણા સમયમાં સ્વીકૃત રિવાજ હોઈ શકે નહીં, પરંતુ તેમ છતાં તે ઈશ્વરનો નિયમ છે. જે ઘરમાં આ નિયમનો ભંગ કરવામાં આવે છે તે એક યા બીજી રીતે આજ્ઞાભંગના પરિણામો નિશ્ચિતપણે ભોગવશે. લગ્ન જીવનમાં ઈશ્વરની આ આજ્ઞાઓનું પાલન કરવાનો ઈરાદો ના ધરાવતી કોઈપણ ખ્રિસ્તી યુવતીએ ક્યારેય લગ્ન ન કરવા જોઈએ. આવી યુવતી માટે, પરણવું અને પછી ઈશ્વરની આજ્ઞાઓની કાયમી અવગણનામાં જીવવું તેના કરતા અપરણિત રહેવું વધુ સારું છે.

કોઈ પણ પતિ એવું ન વિચારે કે ઈશ્વરનો આદેશ તેને તેની પત્ની આગળ ગેરવાજબી માંગ મૂકવાની પરવાનગી આપે છે, આ ફકરામાં આગળ કહેવામાં આવ્યું છે કે જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું તેમ પતિઓએ પોતાની પત્નીઓને પ્રેમ કરવો જોઈએ. આનો અર્થ એ થાય છે કે પતિઓએ તેમની પત્નીઓને સ્વ-બલિદાનના પ્રેમથી પ્રેમ કરવો જોઈએ, ફક્ત વસ્તુઓ જ નહીં, પણ પોતાની જાતને – તેમનું પોતાનું જીવન – તેમની પત્નીઓની સુખાકારી અને સુખ માટે આપી દેવું જોઈએ. જેમ ખ્રિસ્ત મંડળીને અનંત પ્રેમથી પ્રેમ કરે છે, તેમ પતિની ફરજ છે કે તે તેની પત્નીને અવિરતપણે પ્રેમ કરે, પછી ભલેને બદલામાં તેને સામે પ્રેમ કરવામાં આવે કે નહીં. અને યાદ રાખો કે તેમના શિષ્યો માટેનો ખ્રિસ્તનો પ્રેમ તેમને તેમના પગ પણ ધોવા તરફ દોરી ગયો (યોહાન 13: 1, 5). તે જ ફકરામાં આગળ પતિઓને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓએ જેવો પોતાનાં શરીરો પર તેવો જ તેમની પત્નીઓ પર પ્રેમ કરવો જોઈએ. જેમ તેઓ ઇરાદાપૂર્વક તેમના પોતાના શરીરને નુકસાન પહોંચાડતા નથી અથવા ઇજા પહોંચાડતા નથી તેમ જ તેઓએ ઇરાદાપૂર્વક તેમની પત્નીઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાની અથવા ઇજા પહોંચાડવાની નથી. જેમ તેઓ તેમના પોતાના શરીરને નુકસાન અને જોખમોથી સંભાળશે અને સુરક્ષિત રાખશે તેમ તેઓએ તેમની પત્નીઓની સંભાળ રાખવાની છે અને રક્ષણ કરવાનું છે. શાસ્ત્રના આવા શિક્ષણને અનુસરવાનો ઇરાદો ન ધરાવતો માણસ અવિવાહિત રહે.

એફેસીઓના પત્રના આ ફકરામાં પ્રગટ થયેલો ઈશ્વરનો ઈરાદો એ છે કે દરેક ખ્રિસ્તી પતિ-પત્ની, ખ્રિસ્ત અને મંડળીનું લઘુચિત્ર હોવા જોઈએ. તેમનું એકબીજા સાથેનું જીવન આ સંબંધની સુંદરતાઓને પ્રગટ કરતું હોવું જોઈએ.

હકીકત એ છે કે પવિત્ર આત્માથી ભરપૂર થવાનો આદેશ (એફેસીઓને પત્ર 5:18) પતિ-પત્નીના સંબંધોના આ વિભાગની તરત પહેલા આવે છે, તે જાણે એવું દર્શાવે છે કે, આત્માનું ભરપૂરીપણું હોવું તે ઘરમાં પણ મુખ્યત્વે ખ્રિસ્ત સમાન વર્તનમાં પરિણામે છે. તેનાથી વિપરિત, તેનો અર્થ એવો થશે કે વિવાહિત જીવન દ્વારા ઈશ્વરને મહિમા આપવા માટે, આપણે આત્માથી ભરપૂર હોઈએ તે જરૂરી છે.

જીવનસાથીની શોધ કરતા પહેલા, દરેક ખ્રિસ્તી વ્યક્તિએ પોતાને પૂછવું જોઈએ કે શું તે ખરેખર ઉપર વર્ણવ્યા પ્રમાણેના ઘરની ઈચ્છા ધરાવે છે. જેની પાસે આવી ઝંખના નથી તે લગ્નમાં ઈશ્વરના માર્ગદર્શનની અપેક્ષા કેવી રીતે કરી શકે. પરંતુ જો તમારી મહત્વાકાંક્ષા ખરેખર એ છે, તો તમે ખાતરી રાખી શકો છો કે ઈશ્વર તમને તેમની સંપૂર્ણ ઇચ્છામાં લગ્નમાં દોરી જશે એટલું જ નહીં પણ તે તમને એવું ઘર બનાવવા માટે સામર્થ્ય પૂરું પાડશે.