WFTW Body: 

સૃષ્ટિમાં ઈશ્વર સર્વોચ્ચ સત્તા છે. તે અંગે કોઈ પણ શંકા નથી. પરંતુ ઈશ્વર સત્તાની સોંપણી પણ કરે છે. સરકારી અધિકારીઓ, માતા-પિતા અને મંડળીના આગેવાનો પાસે સમાજ, ઘરો અને મંડળીની સત્તા છે.

જેમ કેટલાક લોકો માને છે તેમ, મંડળી એક લોકતંત્ર નથી, જ્યાં દરેક વ્યક્તિ એકલા ઈશ્વરને સીધી રીતે જવાબદાર હોય. ના. સંસ્થામાં ઈશ્વર દ્વારા નિયુક્ત આગેવાનો હોય છે, જેમને આપણે આધીન થવું જોઈએ અને તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આ ઈશ્વરની ઇચ્છા છે અને શાસ્ત્રમાં આ બાબત સ્પષ્ટ રીતે શીખવવામાં આવી છે.

જેમ ઈશ્વરનું વચન લોકોને આગેવાનોને આધીન થવાનો આદેશ આપે છે, પત્નીઓને પતિઓને, બાળકોને માતાપિતાને અને નોકરોને માલિકને આધીન થવાનો આદેશ આપે છે, તેવી જ રીતે તેઓ મંડળીમાં પણ આધીન થવાનો આદેશ આપે છે.

ઈશ્વરે સ્થાનિક મંડળીઓને નેતૃત્વ આપવા માટે વડીલોને મૂક્યા છે. જ્યાં વડીલોને ખરેખર મંડળીમાં ઈશ્વર દ્વારા મૂકવામાં આવે છે, ત્યાં તેઓ ઈશ્વરના પ્રતિનિધિઓ છે અને ઈશ્વરની સત્તાનો થોડે અંશે ઉપયોગ કરે છે. પ્રભુએ જે શિષ્યોને મોકલ્યા હતા તેઓને કહ્યું, "જે કોઈ તમારું સાંભળે છે તે મારું સાંભળે છે, અને જે કોઈ તમારો નકાર કરે છે તે મારો નકાર કરે છે" (લૂક 10:16).

ઈશ્વરના વચનમાં આજ્ઞાઓ છે જેમ કે: “તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો; કેમ કે હિસાબ આપનારાઓની પેઠે તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે; એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહીં; કેમ કે એથી તમને ગેરલાભ થાય" (હિબ્રૂઓને પત્ર 13:17).

ઈશ્વર આપણને સંગત -જૂથો (મંડળી અથવા ખ્રિસ્તી કાર્યકરોના જૂથો) માં ખ્રિસ્તના શરીરના સભ્યો તરીકે મૂકે છે. તેમાં, આપણને ઈશ્વર દ્વારા નિયુક્ત આત્મિક આગેવાનોને આધીન રહેવા અને તેમની સાથે એક જૂથ તરીકે આગળ વધવા માટે કહેવામાં આવે છે. વ્યક્તિગત બાબતોમાં, તેઓ આપણા આત્મિક આગેવાનો દ્વારા આપણી પાસે આવે છે.

જો ઈશ્વરે આપણને મંડળીની સંગતમાં, અથવા ખ્રિસ્તી કાર્યકરોના જૂથમાં મૂક્યા હોય, તો આપણે, ઈશ્વરે આપણા ઉપર જે નેતૃત્વ મૂક્યું છે તેને આધીન થવા અને જૂથ અંગેની બાબતોમાં તેમને અનુસરવા માટે બંધાયેલા છીએ. ફક્ત એક જ બાબતની આપણે ખાતરી રાખવાની જરૂર છે કે ઈશ્વરે આપણને તે જૂથમાં મૂક્યા છે. એકવાર તેની ખાતરી થઈ જાય, પછી કોઈ સવાલ ઊભો થતો નથી પરંતુ ઈશ્વર અપેક્ષા રાખે છે કે આપણે આપણા આગેવાનોને આધીન થઈએ અને તેમની આજ્ઞાનું પાલન કરીએ. એકવાર બાઈબલનો આ સિદ્ધાંત સમજાય જાય ત્યાર પછી ખ્રિસ્તી કાર્યમાં નડતી ઘણી સમસ્યાઓ હલ થઈ જાય છે.

ઈશ્વરના પુત્રના ઉદાહરણનો વિચાર કરો. એક યુવાન તરીકે, આપણે વાંચીએ છીએ કે તેઓ યૂસફ અને મરિયમને આધીન રહ્યા હતા (લૂક 2:51). ઈસુ સંપૂર્ણ હતા. યૂસફ અને મરિયમ સંપૂર્ણ નહોતા. તેમ છતાં, સંપૂર્ણ વ્યક્તિ વર્ષો સુધી અપૂર્ણ મનુષ્યોને આધીન રહીને જીવ્યા, કારણ કે તેમના માટે ઈશ્વરની ઇચ્છા એ હતી. પિતાની ઇચ્છા ઈસુ માટે તમામ બાબતોને અંત સુધી યોગ્ય કરે છે. જો તેમના પિતા ઇચ્છતા હોય કે તે યૂસફ અને મરિયમને આધીન રહે, તો તે તેમ જ કરશે - અને તે પણ, જ્યાં સુધી તેમના પિતા તેને ઇચ્છતા હતા ત્યાં સુધી.

તેથી આપણે, ઈશ્વરના સંપૂર્ણ પુત્રના નમૂનામાં પણ જોઈએ છીએ, કે માત્ર એક જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે, "હું આ સંગતમાં રહું તે શું ઈશ્વરની ઇચ્છા છે?" જો જવાબ 'હા' હોય, તો ઈશ્વર દ્વારા નિયુક્ત નેતૃત્વને આધીન થવું એ આપણી ફરજ બની જાય છે.

સત્તા સામે બળવો એ સૃષ્ટિનું પ્રથમ પાપ હતું, જ્યારે દૂતોના વડા, લ્યુસિફરે, તેના ઉપરની ઈશ્વરની સત્તા સામે બળવો કર્યો હતો.

આજે જગતમાં, બે આત્માઓ કાર્યરત છે - ખ્રિસ્તનો આત્મા લોકોને દૈવી રીતે રચિત સત્તાને આધીન થવા તરફ દોરી જાય છે, અને શેતાનનો આત્મા લોકોને આવી સત્તા સામે બળવો કરવા તરફ દોરી જાય છે.

વિદ્રોહની ભાવના આજે સમાજમાં, ઘરમાં અને મંડળીમાં પણ પ્રચલિત છે. આ એક સ્પષ્ટ સંકેત છે કે જગત ઝડપથી ઈશ્વરથી દૂર થઈ રહ્યું છે, અને વધુને વધુ શેતાન દ્વારા નિયંત્રિત થઈ રહ્યું છે. ખ્રિસ્તના શરીરના સભ્યો તરીકે આપણને આ શેતાની સિદ્ધાંત સામે ઊભા થવા અને ખ્રિસ્તના આધીનતાના ઉદાહરણને અનુસરવા માટે કહેવામાં આવે છે.

ઈશ્વર દ્વારા નિયુક્ત નેતૃત્વને આધીન રહીને આપણે ક્યારેય કશું ગુમાવતા નથી. બીજી તરફ, બળવો કરવાથી આપણે ઘણું ગુમાવીએ છીએ.

દૈવી રીતે નિયુક્ત નેતૃત્વને આધીન થવું એ આપણને આત્મિક પરિપક્વતા તરફ દોરી જવાની ઈશ્વરની પદ્ધતિ છે. જ્યાં ઈશ્વર આપણને આધીન થવા તેડું આપે છે ત્યાં જો આપણે આધીન ન થઈએ તો આપણે આત્મિક રીતે વૃદ્ધિ પામીશું નહિ.

ઘણા એવા વિશ્વાસી છે જે ઈશ્વરની સર્વોપરિતાની વાસ્વિકતાનો અનુભવ કરવાનું ક્યારેય શીખ્યા નથી, કારણ કે તેણે ક્યારેય જાણ્યું નહિ કે તેના આત્મિક આગેવાનોને નમ્રતાથી આધીન થવાથી, તેની યોજનાઓની ચકાસણી થવી શું છે અને તેની યોજનાઓ રદબાતલ થવી શું છે. કોઈપણ વ્યક્તિ જે તેના જીવનમાં કોઈપણ સમયે અન્યને આધીન થવાનું શીખ્યો નથી, તે અસરકારક રીતે ઈશ્વરની સેવા કરી શકતો નથી અથવા પોતે એક આત્મિક આગેવાન બની શકતો નથી.

જેમ શેતાન આપણા કાનમાં ધીમેથી કહે છે તેમ આધીનતા એ અપમાનજનક અને દમનકારી બાબત નથી. તેનાથી વિપરીત, તે એક માધ્યમ છે જેના દ્વારા ઈશ્વર આપણું આત્મિક રીતે રક્ષણ કરે છે. આપણા ખ્રિસ્તી જીવનના શરૂઆતના વર્ષોમાં, જ્યારે આપણે હજી પણ ઈશ્વરના માર્ગોથી અજાણ હોઈએ છીએ, ત્યારે જો આપણે આપણા આત્મિક આગેવાનોને આધીન રહીએ તો આપણે આપણી જાતને ઘણી મુશ્કેલીઓમાંથી બચાવી શકીએ છીએ અને આપણી યુવાનીના ઉત્સાહમાં અન્યોને ગેરમાર્ગે દોરવાથી પણ બચાવી શકીએ છીએ. આધીનતામાં વિતાવેલા વર્ષો, તે સમય પણ હોઈ શકે છે જ્યારે ઈશ્વર આપણને તેમના રાજ્યના નિયમો શીખવે છે અને તે દ્વારા આપણને આત્મિક રીતે સમૃદ્ધ બનાવે છે, જેથી આપણું સેવાકાર્ય અન્ય લોકો માટે બની શકે.

જ્યારે આપણે આધીનતાના માર્ગને ટાળીએ છીએ ત્યારે આપણે કેટલું ગુમાવીએ છીએ!