written_by :   Zac Poonen categories :   The Church Knowing God
WFTW Body: 

જ્યારે અમે ઓગસ્ટ 1975માં મારા ઘરે ભેગા મળવાનું શરૂ કર્યું, ત્યારે અમારો ઈરાદો નવી મંડળી શરૂ કરવાનો બિલકુલ નહોતો. ફક્ત પ્રેરિતોએ જ મંડળી સ્થાપી - અને મને એ ચોક્કસપણે લાગ્યું નહીં કે હું લાયક છું! પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ વધુને વધુ લોકો અમારી સાથે ભેગા મળવા આવતા જણાયા અને અમારી પાસે ભેગા મળવાનું ચાલુ રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. અમે ક્યારેય કોઈને અમારી સાથે જોડાવા આમંત્રણ આપ્યું નથી. અને અમે ઈચ્છતા ન હતા કે કોઈ વ્યક્તિ અમારી સાથે માત્ર એટલા માટે જોડાય કે તે તેની પોતાની મંડળીથી કંટાળી ગયો હતો - કારણ કે અમે જાણતા હતા કે આવી વ્યક્તિ જલ્દીથી અમારાથી પણ કંટાળી જશે! ઈસુએ ફક્ત "વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલા" લોકોને જ તેમની પાસે આવવા આમંત્રણ આપ્યું હતું (માથ્થી 11:28) - બીજા શબ્દોમાં કહીએ તો, એવા લોકો જેઓ તેમના પોતાના પરાજિત જીવનથી કંટાળી ગયા હતા અને જેઓ વિજય માટે સખત પ્રયાસ કરી રહ્યા હતા. અમે ઈચ્છતા હતા કે આવા લોકો જ અમારી સાથે જોડાય.

ભારતમાં પહેલેથી જ સેંકડો સંપ્રદાયો હતા અને અમને ખાતરી હતી કે ઈશ્વર અમારા દ્વારા એક બીજો સંપ્રદાય શરૂ કરવા માંગતા નથી. પ્રોટેસ્ટન્ટ સુધારણા પછીથી, ઈશ્વરે શરૂ કરેલી દરેક નવી ચળવળ તેમના દ્વારા નવા કરારના જીવનની કેટલીક વિશિષ્ટતાઓ પર ભાર મૂકવા માટે શરૂ કરવામાં આવી હતી જેના પર તે સમયે અસ્તિત્વ ધરાવતી તેમની આસપાસની મંડળીઓ ભાર મૂકતી નહોતી. નહિં તો, ઈશ્વરને કંઈક નવું શરૂ કરવાની જરૂર ન હોત.

હવે ઈશ્વર અમારી વચ્ચે એક નવી મંડળી શરૂ કરી રહ્યા હતા. અમે આશ્ચર્ય પામ્યા કે તે કઈ વિશિષ્ટતાઓ છે જેના પર ઈશ્વર અમારા દ્વારા ભાર મૂકવા માંગે છે. અમે ચોક્કસપણે અન્ય કરતાં વધુ આત્મિક ન હતા. અમે બધા પાપી હતા જેમને કૃપાથી બચાવવામાં આવ્યા હતા અને અમે ઘણા ક્ષેત્રોમાં અમારી પોતાની અપૂર્ણતાથી વાકેફ હતા. પરંતુ અમે અસંખ્ય ક્ષેત્રોમાં અન્ય ઘણી મંડળીઓ સાથે સહમત થઈ શક્યા નહીં, જ્યાં અમને લાગ્યું કે તેઓ નવા કરારના શિક્ષણ અને પ્રથાથી દૂર થઈ ગયા છે. જેમ જેમ અમે ભેગા મળવાનું ચાલુ રાખ્યું તેમ, અમે જેમાં અસંમત હતા તેવા કેટલાક ક્ષેત્રો અમારા મગજમાં ચોક્કસ સ્વરૂપ ધારણ કરવા લાગ્યા:

1. પાણીનું બાપ્તિસ્મા: અમે ત્રિએકના નામમાં વિશ્વાસીઓના ડૂબકીના બાપ્તિસ્માની રીત અપનાવી. તેથી અમે બાળકોને બાપ્તિસ્મા આપતા તમામ મુખ્ય સંપ્રદાયોથી અલગ હતા.

2. પવિત્ર આત્મામાં બાપ્તિસ્મા: અમે પવિત્ર આત્મામાં બાપ્તિસ્મા અને પવિત્ર આત્માના બધા કૃપાદાનોમાં માનતા હતા. તેથી અમે બ્રધરન મંડળી અને બેપ્ટિસ્ટ મંડળીથી અલગ હતા!! પરંતુ પછી અમે એવું માનતા ન હતા કે અન્ય ભાષામાં બોલવું એ આત્માના બાપ્તિસ્માનો પુરાવો છે, પરંતુ ઈશ્વરનું સામર્થ્ય પ્રાપ્ત કરવું તે તેનો પુરાવો છે (જુઓ પ્રેરિતોના કૃત્યો 1:8 અને 10:38). તેથી અમે પેન્ટેકોસ્ટલ્સ અને કેરીસ્મેટિક્સથી અલગ હતા!!

3. શિષ્યપણું: અમે જોયું કે આપણા પ્રભુએ આપણને શિષ્ય બનાવવાની આજ્ઞા આપી હતી (માથ્થી 28:19), જે શિષ્યપણાની શરતો તેમણે લૂક 14:26, 27 અને 33 માં નિર્ધારિત કરી હતી તેને તે પૂર્ણ કરે છે. તેથી અમે મોટાભાગની અન્ય મંડળીઓ સાથે અસંમત હતા - જે ફક્ત સુવાર્તા પ્રચાર પર ભાર મૂકે છે અને શિષ્યપણા પર નહીં.

4. પાળકો: અમે જોયું કે "પાળક" એ ભેટ છે (એફેસીઓને પત્ર 4:11) અને તે મંડળીનો કોઈ હોદ્દેદાર નથી. નવા કરારમાં સ્પષ્ટપણે શીખવવામાં આવ્યું હતું કે મંડળીનું નેતૃત્વ "વડીલો" દ્વારા થવું જોઈએ અને પાળક દ્વારા નહીં (તિતસને પત્ર 1:5). અને દરેક મંડળીમાં ઓછામાં ઓછા બે વડીલો હોવા જોઈએ - એક માણસના શાસનના જોખમોને ટાળવા અને નેતૃત્વમાં સંતુલન લાવવા માટે. આ માન્યતાએ અમને લગભગ તમામ મંડળીઓથી અલગ કર્યા.

5. પૈસા: પૈસામાં એટલી મોટી તાકાત છે કે ઈસુએ તેને ઈશ્વરના વૈકલ્પિક માલિક તરીકે ઓળખાવ્યો (લૂક 16:13)! અમે જોયું કે અમારે આ ક્ષેત્રમાં શુદ્ધ સાક્ષીની જરૂર છે, કારણ કે ભારતમાં મોટા ભાગના ખ્રિસ્તી કાર્યના અધર્મી નાણાંકીય વ્યવહારોને કારણે ખરાબ પ્રતિષ્ઠા હતી. ઉપદેશકો અને પાળકોએ તેમના અહેવાલો અને તેમના પ્રાર્થના-પત્રો દ્વારા પૈસાની ભીખ માંગતા. ઈસુ અને તેમના પ્રેરિતોએ ક્યારેય કોઈને તેમના કામનો અહેવાલ આપ્યો ન હતો (તેમના સાથી કાર્યકરો સિવાય); અને તેઓએ ક્યારેય કોઈને પોતાના માટે અથવા તેમના સેવાકાર્ય માટે નાણાંકીય સહાય માટે વિનંતી કરી નથી. તેના બદલે, તેઓએ તેમના સ્વર્ગીય પિતા પર વિશ્વાસ કર્યો કે ઈશ્વર તેમના કામ માટે જરૂરી પૈસા આપવા માણસોને પ્રેરિત કરે. આપણે પણ એ જ રીતે આપણા પિતા પર વિશ્વાસ રાખી શકીએ. તેથી અમે નક્કી કર્યું કે અમારા કામનો અહેવાલ ક્યારેય કોઈને આપવો નહીં (અમારી પોતાની મંડળીના પરિવાર સિવાય) અને ક્યારેય કોઈની પાસે પૈસા માંગવા નહીં. અમે એ પણ નક્કી કર્યું છે કે અમે અમારી કોઈપણ મંડળીની ભક્તિસભાઓમાં ક્યારેય દાન નહીં લઈએ પરંતુ માત્ર સ્વૈચ્છિક દાન માટે એક બોક્સ રાખીશું - કારણ કે ઈશ્વરે કહ્યું હતું કે તમામ દાનધર્મ ગુપ્ત રીતે થવા જોઈએ (માથ્થી 6:1-4). તેથી અમારી નાણાંકીય નીતિ ભારતની લગભગ દરેક અન્ય મંડળી કરતાં મૂળભૂત રીતે અલગ હતી.

6. સ્વાવલંબી: ભારતમાં મોટાભાગના ખ્રિસ્તી કાર્યકર્તાઓએ ખ્રિસ્તી કાર્યને આજીવિકા કમાવાના સાધન તરીકે જોયું છે અને ઈશ્વર તરફથી તેડાં તરીકે નહીં. તેમાંથી ઘણા પગાર માટે પશ્ચિમી ખ્રિસ્તી સંસ્થાઓમાં જોડાયા. ખ્રિસ્તી કાર્ય તેમના માટે એક વ્યવસાય હતો, જેના દ્વારા તેઓએ મોટો નફો કર્યો! પ્રેરિત પાઉલે પોતાના જમાનામાં આવા પ્રચારકોથી અલગ દેખાવા માટે પોતાના હાથે કામ કર્યું અને પોતે સ્વાવલંબી બન્યો (કરિંથીઓને બીજો પત્ર 11:12). પૂર્ણ-સમયના વડીલોને તેમની મંડળીમાંથી વિશ્વાસીઓ દ્વારા ટેકો આપવામાં આવે તેમાં ચોક્કસપણે કંઈ ખોટું નથી. પરંતુ ભારતની પરિસ્થિતિને કારણે, અન્ય કાર્યકર્તાઓથી અલગ દેખાવા માટે, અમને લાગ્યું કે અમારે, વડીલોએ સ્વાવલંબી બનવું જોઈએ - જેમ પાઉલ તેના સમયમાં હતો તેમ. આ ક્ષેત્રમાં પણ, અમે જોયું કે અમારા મંતવ્યો ભારતની લગભગ તમામ મંડળીઓ કરતા અલગ હતા.

7. પશ્ચિમ પર નિર્ભરતા: ભારતમાં ઘણી મંડળીઓ પશ્ચિમી ખ્રિસ્તીઓ પર વધારે નિર્ભર હતી - સેવાકાર્ય અને પૈસા બંને માટે. અમે આને ભારતમાં બિન-ખ્રિસ્તીઓ પ્રત્યેની અમારી સાક્ષીમાં અવરોધ તરીકે જોયું. અમે જોયું કે ઘણા ભારતીય પ્રચારકોએ અમેરિકન પદ્ધતિઓનું આંધળું અનુકરણ કર્યું અને અમેરિકન ધર્મશાસ્ત્રનો નિઃશંકપણે સ્વીકાર કર્યો. તેથી અમે નક્કી કર્યું કે કોઈ પણ વિદેશી સંસ્થા સાથે અમે નહીં જોડાઈએ અને કોઈ પણ વિદેશી સ્ત્રોત પર નિર્ભર નહીં રહીએ, ના તો પૈસા માટે કે સેવાકાર્ય માટે. અમે ઈચ્છીએ છીએ કે અમારું સેવાકાર્ય ભારતીય નેતૃત્વ સાથે ખરા અર્થમાં ભારતીય હોય - વળી તે જ સમયે તમામ દેશોના વિશ્વાસીઓને આવકારવા માટે ખુલ્લું હોય. આ ક્ષેત્રમાં પણ અમે ભારતની મોટાભાગની મંડળીઓથી અલગ હતા.

આ કારણો હતા જેના લીધે ઈશ્વર ભારતમાં એક નવી મંડળી શરૂ કરી રહ્યા હતા. અમે એ જોઈ શક્યા કે ઈશ્વરને આપણા દેશમાં આવી સાક્ષીની જરૂર હતી. તેથી અમે ઈશ્વરને આધીન થયા અને તેમને અમારી સાથે તેમની ઈચ્છા પ્રમાણે કરવા દીધા.

દરેક મંડળી જ્યારે શરૂ થાય ત્યારે અદ્ભુત સિદ્ધાંતો ધરાવે છે. પરંતુ સમય જતા તે બધા સિદ્ધાંતોની કસોટી થાય છે. થોડા દાયકાઓ પછી બાબતો કેવી છે? 49 વર્ષ પછી અમે હવે પાછળ જોઈએ છીએ, ત્યારે અમે હજી પણ અન્ય ઘણા ક્ષેત્રોમાં અમારી ઉણપ જોઈ રહ્યા છીએ, તેમ છતાં અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે તેમણે ઉપરોક્ત સાત ક્ષેત્રોમાં કોઈપણ સમાધાન વિના અમને સંભાળ્યા છે.

બધો મહિમા ફક્ત તેમના નામને જ હોજો!