written_by :   Zac Poonen categories :   The Church Disciples
WFTW Body: 

જૂના કરાર હેઠળ, ઇઝરાયેલીઓ ફક્ત તે જ લેખિત વચનને અનુસરી શક્યા જે ઈશ્વરે તેમને મૂસા અને પ્રબોધકો દ્વારા આપ્યું હતું. "મારી પાછળ આવો" એવું કોઈ કહી શકયું નહીં - મૂસા અથવા એલિયા અથવા યોહાન બાપ્તિસ્ત જેવા મહાન પ્રબોધકો પણ નહીં. ફક્ત ઈશ્વરનું વચન તેમના માર્ગને સારુ અજવાળારૂપ હતું (ગીતશાસ્ત્ર 119:105).

પરંતુ ઈસુએ આવીને એક નવો કરાર શરૂ કર્યો. અને તેમણે આપણને ફક્ત ઈશ્વરનું વચન જ નહીં, પરંતુ તેમના પોતાના જીવન દ્વારા અનુસરવા માટેનું ઉદાહરણ આપ્યું. તેઓ બાઇબલમાં પ્રથમ વ્યક્તિ હતા જેમણે કહ્યું, "મારી પાછળ આવો" (માથ્થી 4:19; યોહાન 21:19; લૂક 9:23). તેથી નવા કરારમાં, આપણને માર્ગદર્શન આપવા માટે, આપણી પાસે લેખિત વચનો અને શબ્દ જે ઈસુમાં સદેહ થયો તે છે - અથવા બીજા શબ્દોમાં કહીએ તો, આપણને માર્ગદર્શન આપવા લેખિત વચનો માનવ સ્વરૂપમાં પ્રગટ થયા.
ઈસુએ ફરોશીઓને ઠપકો આપ્યો કારણ‌ કે તેઓ માત્ર ઈશ્વરના વચનોનો અભ્યાસ કરતા હતા પણ તેમની પાસે આવતા ન હતા : "તમે શાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો; અને મારે વિષે શાહેદી આપનાર તે એ જ છે. જીવન પામવા સારુ તમે મારી પાસે આવવા ચાહતા નથી." (યોહાન 5:39,40).

માત્ર લેખિત વચનો જ નહીં, હવે ઈસુનું જીવન આપણા માર્ગ માટે અજવાળું છે (યોહાન 1:4). જો આપણે કોઈ બાબતમાં ઈશ્વરના વચનોમાંથી સ્પષ્ટ માર્ગદર્શન મેળવી શકતા નથી, તો આપણે ઈસુના જીવન તરફ જોઈ શકીએ છીએ (જેમ પવિત્ર આત્મા દ્વારા આપણા હૃદયોને પ્રગટ કરવામાં આવે તેમ) અને આપણને હંમેશા જવાબ મળશે.

વધુમાં: નવા કરારમાં, પવિત્ર આત્માએ પાઉલ જેવા ઈશ્વરપરાયણ માણસને પણ એ કહેવા માટે પ્રેરિત કર્યો કે, "જેમ હું ખ્રિસ્તને અનુસરનારો છું, તેમ તમે મને અનુસરનારા થાઓ." અને આપણે પણ ખ્રિસ્તના પગલે ચાલનારા ખરા ઈશ્વરપરાયણ માણસોના ઉદાહરણને અનુસરવું જોઈએ, એ હકીકત પર ભાર મૂકવા માટે પવિત્ર આત્માએ તેને ત્રણ વખત એમ કહેવડાવ્યું (કરિંથીઓને પહેલો પત્ર 4:16; કરિંથીઓને પહેલો પત્ર 11:1; ફિલિપ્પીઓને પત્ર 3:17).

નવા કરારનો ખરો સેવક ફક્ત લેખિત‌ વચનોમાંથી જ ઈશ્વરના ધોરણની ઘોષણા કરતો નથી, પણ જેમ પાઉલે કહ્યું હતું તેમ એ કહે છે કે "જેમ હું ખ્રિસ્તને અનુસરનારો છું, તેમ તમે મને અનુસરનારા થાઓ."

કેટલાક ખ્રિસ્તીઓ કહે છે કે, "આપણે કોઈ માણસને અનુસરવું જોઈએ નહીં. આપણે ફક્ત ઈસુને અનુસરવું જોઈએ." તે આત્મિક નિવેદન જેવું લાગે છે. પરંતુ તે ઈશ્વરના વચનોથી તદ્દન વિપરીત છે. કારણ કે, આપણે હમણાં જ જોયું તેમ, પાઉલે (પવિત્ર આત્મા દ્વારા પ્રેરિત થઈને) આપણને તેનું અનુસરણ કરવા કહ્યું.

પાઉલે કરિંથમાંના ખ્રિસ્તીઓને તેનું અનુસરણ કરવા અને તેનું અનુકરણ કરવાનું કહ્યું તેનું કારણ એ હતું કે તે તેમનો આત્મિક પિતા હતો. તેણે કહ્યું, "કેમકે જોકે ખ્રિસ્તમાં તમને દસ હજાર શિક્ષકો હોય, તોપણ તમને ઘણા પિતા નથી, કારણ કે સુવાર્તા દ્વારા ખ્રિસ્ત ઈસુમાં હું તમારો પિતા થયો છું. એ માટે હું તમને વિનંતી કરું છું કે, મારા અનુયાયી થાઓ." (કરિંથીઓને પહેલો પત્ર 4:15,16). કોઈ વ્યક્તિ બાઇબલ-શિક્ષકને અનુસરી શકતો નથી - કારણ કે જો કે તેનું શિક્ષણ સારું અને સચોટ હોય, તો પણ તે તેના જીવન દ્વારા એક સારું ઉદાહરણ ન પણ હોય શકે. ઉપરોક્ત કલમ મુજબ, એક આત્મિક પિતા 10,000 બાઇબલ-શિક્ષકો કરતાં ઉત્તમ છે. તેથી, સઘળા ખ્રિસ્તીઓ માટે પાઉલ જેવા આત્મિક પિતા હોય, જેનું ઉદાહરણ તેઓ અનુસરી શકે તે સારું છે. આવા આત્મિક પિતાનું અનુસરણ આપણને પાપ અને ખોટા શિક્ષણથી બચાવે છે.

પાઉલે ખ્રિસ્તીઓને વિનંતી કરી કે તેઓ અન્ય ઈશ્વરપરાયણ માણસોને પણ અનુસરે, જેઓ, જેમ તે કરી રહ્યો હતો તેમ "ખ્રિસ્તના ઉદાહરણને અનુસરતા" હોય. તેણે કહ્યું, "મારું અનુકરણ કરો, અને અમે જે નૂમનો તમારી આગળ મૂકીએ છીએ તે પ્રમાણે જેઓ ચાલનારા છે તેઓ પર લક્ષ રાખો (ફિલિપ્પીઓને પત્ર 3:17).

ઈશ્વરના વચનો આપણને આપણા આગેવાનોની આજ્ઞા પાળવા અને તેમના વિશ્વાસનું અનુકરણ કરવાની પણ આજ્ઞા આપે છે. "તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો" (હિબ્રૂઓને પત્ર 13:17). "જેઓ તમારા આગેવાન હતા, જેઓએ તમને ઈશ્વરની વાત કહી છે, તેઓનું સ્મરણ કરો; અને તેઓના ચારિત્ર્યનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસનું અનુકરણ કરો" (હિબ્રૂઓને પત્ર 13:7).

આપણને કોઈ વ્યક્તિના સેવાકાર્યને અનુસરવા માટે કહેવામાં આવતું નથી, કારણ કે ઈશ્વરે તેમના દરેક બાળકોને એક અનન્ય સેવા સોંપી છે જે અન્ય લોકો પાસે નથી. આપણા માનવ શરીરની જેમ ખ્રિસ્તના શરીરમાં વિવિધ કાર્યો સંભળાતા સભ્યો છે. જ્યારે ઈસુએ લોકોને તેમને અનુસરવા માટે તેડ્યા, ત્યારે તેમણે તેઓની પાસે તેમની જેમ ચમત્કારો કરવાની અથવા તેમની જેમ ઉપદેશ આપવાની અપેક્ષા રાખી ન‌ હતી. તે તેમનું સેવાકાર્ય હતું. તેમણે લોકોને તેમના જીવનના ઉદાહરણને અનુસરવા માટે તેડ્યા હતા - એટલે કે, જે સિદ્ધાંતો પ્રમાણે તેઓ જીવ્યા હતા તે પ્રમાણે જીવવા માટે. તેવી જ રીતે, જ્યારે પાઉલે, જેમ તે ખ્રિસ્તને અનુસરતો હતો તેમ વિશ્વાસીઓને તેનું અનુકરણ અને અનુસરણ કરવા માટે તેડ્યા, ત્યારે તે તેઓને પ્રેરિતો બનવા અથવા બીમારોને સાજા કરવા માટે કહેતો ન હતો, પરંતુ જેમ તે જીવતો હતો - ખ્રિસ્ત‌ જે સિદ્ધાંતો પ્રમાણે જીવતા હતા તેમ જીવવાનું કહેતો હતો.

તે પવિત્ર આત્મા છે જેણે ઉપરોક્ત કલમોમાં આપણને ઈશ્વરપરાયણ માણસોના ઉદાહરણોને અનુસરવાની આજ્ઞા આપી છે. જેઓ એટલા ગર્વિષ્ઠ છે કે તેઓ ઈશ્વરપરાયણ માણસોના ઉદાહરણોને અનુસરી શક્તા નથી તેઓ સામાન્ય રીતે અંતે દૈહિક માણસો અથવા તેમના પોતાના સ્વ-જીવનના સંકેતોને અનુસરે છે. પછી પરિણામો વિનાશક હોઈ શકે છે.

ફિલિપ્પીમાંના ખ્રિસ્તીઓને તેના પોતાના ઉદાહરણ અને અન્ય ઈશ્વરપરાયણ માણસોના ઉદાહરણને અનુસરવાનું કહ્યા પછી તરત જ, પાઉલે તેઓને ચેતવણી આપી કે તેઓ કેટલાક અન્ય લોકોના ઉદાહરણને અનુસરે નહીં: "કેમ કે એવી રીતે ચાલનારા ઘણા છે કે, જેઓના વિષે મેં ઘણી વાર કહ્યું, ને હમણાં પણ રડતાં રડતાં કહું છું કે, તેઓ ખ્રિસ્તના વધસ્તંભના શત્રુઓ છે (ફિલિપ્પીઓને પત્ર 3:18,19).

જો તેઓ પાઉલના ઉદાહરણને અનુસરશે, તો તેઓ અન્ય અધર્મી માણસો દ્વારા છેતરાતા બચી જશે.

અહીં સાત કસોટીઓ છે જેના દ્વારા તમે મૂલ્યાંકન કરી શકો છો કે કોઈ માણસ અનુસરવાને યોગ્ય ખરા અર્થમાં ઈશ્વરપરાયણ છે કે‌ નહિ:
1. શું તે નમ્ર માણસ છે - સરળતાથી સંપર્ક કરી શકાય છે અને તેની સાથે વાત કરવી સરળ છે? ઈસુએ આપણને તેમની પાસેથી નમ્રતા શીખવા કહ્યું છે‌ (માથ્થી 11:29). ઈશ્વરપરાયણ માણસ તે છે જેણે ઈસુ પાસેથી નમ્રતા શીખી છે.
2. શું તે પૈસાના પ્રેમથી મુક્ત છે અને જે ક્યારેય કોઈની પાસે પૈસા માંગતો નથી (જ્યાં સુધી તમે જાણો છો ત્યાં સુધી)? એક ઈશ્વરપરાયણ માણસ ઈસુના ઉદાહરણને અનુસરશે, જેમણે ક્યારેય કોઈની પાસે તેમના સેવાકાર્ય માટે પણ પૈસા માંગ્યા નથી. ઈસુએ કહ્યું કે જે ઈશ્વરને પ્રેમ કરે છે તે પૈસાને પ્રેમ કરી શકતો નથી અને જે ઈશ્વરને વળગી રહે છે તે પૈસાને ધિક્કારશે (લૂક 16:13).
3. શું તે તેના જીવનમાં શુદ્ધ છે - અને ખાસ કરીને સ્ત્રીઓ સાથેના તેના વ્યવહારમાં (જ્યાં સુધી તમે જાણો છો ત્યાં સુધી)? એક ઈશ્વરપરાયણ માણસ માત્ર જાતીય વાસનાના પરીક્ષણને ટાળશે જ નહીં પણ તેનાથી નાસી જશે (તિમોથીને બીજો પત્ર 2:20-22).
4. જો તે પરિણીત છે અને તેને બાળકો છે, તો શું તેણે પોતાના બાળકોને ઈશ્વરમાં ઉછેર્યા છે? એક ઈશ્વરપરાયણ, પરિણીત માણસ તે હશે જેનાં બાળકો વિશ્વાસી હોય જેમનો ઉછેર શિસ્તમાં થયો હોય (તિમોથીને પહેલો પત્ર 3:4,5; તિતસને પત્ર 1:6).
5. શું તેના સૌથી નજીકના સહકાર્યકરો તેની સાથે જોડાવા દ્વારા ઈશ્વરપરાયણ માણસો બન્યા છે? ઈશ્વરપરાયણ માણસો અન્ય ઈશ્વરપરાયણ માણસોનું નિર્માણ કરશે. તિમોથી, તેના આત્મિક‌ પિતા પાઉલ સાથે રહેવાથી એક ઈશ્વરપરાયણ માણસ બન્યો (ફિલિપ્પીઓને પત્ર 2:19-22).
6. શું તેણે સ્થાનિક નવા-કરારની મંડળીનું નિર્માણ કર્યું છે (અથવા નિર્માણમાં અન્ય લોકો સાથે સક્રિય છે)? ઈસુ તેમની મંડળી બાંધવા પૃથ્વી પર આવ્યા (માથ્થી 16:18). મંડળી બાંધવા માટે તેમણે પોતાનું સ્વાર્પણ‌ કર્યું (એફેસીઓને પત્ર 5:25). ઈશ્વરપરાયણ માણસો ફક્ત લોકોને ખ્રિસ્ત પાસે લાવશે જ નહીં પરંતુ પછી તેમને સ્થાનિક મંડળી તરીકે બાંધશે.
7. શું તે તમને પોતાની સાથે નહિ પણ ખ્રિસ્ત સાથે જોડે છે? એક ઈશ્વરપરાયણ માણસ તમને ખ્રિસ્ત સાથે જોડશે, જેથી તમે પણ, અન્ય લોકો માટે ઈશ્વરપરાયણતાનું ઉદાહરણ બની શકો? (એફેસીઓને પત્ર 4:15; કરિંથીઓને બીજો પત્ર 4:5).

આપણે મોટાભાગના ખ્રિસ્તી આગેવાનોને અનુસરી શકતા નથી, કારણ કે તેઓ ઉપરના એક અથવા વધુ ક્ષેત્રોમાં નિષ્ફળ જાય છે.

તેમ છતાં, જો તમને ઉપરોક્ત ગુણો ધરાવતો કોઈ ઈશ્વરપરાયણ આગેવાન મળે, તો તમારા માટે તેમને આત્મિક પિતા ગણીને અનુસરવું સારું રહેશે, કારણ કે તે તમને પ્રભુની નજીક આવવામાં મદદ કરશે અને આ રીતે પાપ અને ખોટા શિક્ષણથી બચી શકશો.
જેને સાંભળવાને કાન છે તે સાંભળે.