જૂના કરારમાં, નિયમ હતો, “આંખના બદલે આંખ અને દાંતના બદલે દાંત.” આ એક નિયમ હતો જે ઈશ્વરે નિર્ગમન 21, લેવીય 24 અને પુનર્નિયમ 19 માં પણ આપ્યો હતો. ઈશ્વર એવું કહેતા ન હતા કે જો કોઈ તમારી આંખ કાઢી નાખે તો તમારે તેની આંખ કાઢી નાખવી જોઈએ. તે જે કહી રહ્યા હતા તે એ હતું કે, જો તેણે તમારી એક જ આંખ કાઢી હોય તો તેની બંને આંખો ન કાઢો. મુદ્દો એ છે કે તમે ગુનેગારને માફ કરી શકો છો અને તેને જવા દઈ શકો છો, અને તેની એક પણ આંખ કાઢતા નથી. તે શ્રેષ્ઠ માર્ગ કહેવાય. ઈશ્વર "આંખના બદલામાં આંખ અને દાંતના બદલામાં દાંત" કહીને સજાને મર્યાદિત કરી રહ્યા હતા.
પરંતુ ઈસુએ ધોરણ ઊંચું કર્યું, અને કહ્યું, "પણ હું તમને કહું છું કે જે ભૂંડો હોય તેની સામા ન થાઓ: પણ જે કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ. અને જે તારો કોટ લેવા માટે તારા પર દાવો કરે, તેને તારું પહેરણ પણ લેવા દે. અને જે કોઈ બળજબરીથી તને એક માઈલ લઈ જાય, તેની સાથે બે માઈલ જા." (માથ્થી 5:39-41). રોમન સૈનિકો ક્યારેક યહૂદી લોકોને, જેઓ તેમના ગુલામ હતા, તેમને એક માઈલ સુધી તેમનો સામાન અને લશ્કરી સાધનો લઈ જવા માટે દબાણ કરતા. યહૂદીઓ ગુલામ હતા તેથી તેમને તે કરવું પડતું હતું. ઈસુ આપણને કહે છે કે આવી પરિસ્થિતિઓમાં આપણે તે વ્યક્તિ સાથે બે માઈલ જવું જોઈએ, તેની સાથે તેના વિશે લડવું નહીં, જે તમારી પાસેથી માંગે છે તેને આપવું જોઈએ, અને જે તમારી પાસેથી ઉધાર લેવા માંગે છે તેનાથી દૂર ન રહેવું જોઈએ.
આપણે આ શબ્દો જે ભાવનાથી બોલવામાં આવે છે તે રીતે લેવાની જરૂર છે. આપણે ઈસુના કહેવાનો અર્થ બરાબર શું હતો તે જોવાની જરૂર છે. શું તે આપણને પગલુંછણિયા જેવા બનવાનું કહી રહ્યા હતા? શું આપણે લોકોને ગમે તે કરવા દઈએ? એવું ના હોય. જ્યારે પણ તમે શાસ્ત્રને યોગ્ય રીતે સમજી શકતા નથી, ત્યારે ખુદ ઈસુ ખ્રિસ્તનું ઉદાહરણ જુઓ - કારણ કે તે શબ્દ સદેહ થયા હતા. જૂના કરારમાં, તેમની પાસે શાસ્ત્રીઓ હતા જેઓ નિયમનો અભ્યાસ કરતા હતા જેથી તેમાંના દરેક શબ્દ અને શીર્ષકને સમજાવી શકાય. નવા કરારમાં, આપણે જેટલું વધારે ઈસુને જોઈએ છીએ તેટલું કલમોનું વિશ્લેષણ કરવાની જરૂર નથી, કારણ કે હવે આપણી પાસે તેમનું ઉદાહરણ છે.
ઈસુનો કહેવાનો અર્થ શું હતો, "જો કોઈ તમારા જમણા ગાલ પર થપ્પડ મારે તો બીજો ગાલ ધરવો"? આપણે જોઈએ છીએ કે ઈસુ પોતે, જ્યારે તેમને વધસ્તંભ પર જડવામાં આવ્યા તે પહેલા મુખ્ય યાજકો સમક્ષ મુકદ્દમામાં ઊભા હતા, ત્યારે તેમને થપ્પડ મારી હતી અને તેમણે બીજો ગાલ ફેરવ્યો ન હતો. તેમણે યોહાન 18:23 માં કહ્યું, "જો મેં ખરું કહ્યું હોય, તો તું મને કેમ મારે છે?" તેઓએ તેનો જવાબ આપ્યો નહીં (તેઓએ કદાચ ફરીથી થપ્પડ મારી અને ઈસુએ વળતો જવાબ ન આપ્યો). જ્યારે તેઓએ તેમને થપ્પડ મારી, ત્યારે તેમણે પોતાનો બીજો ગાલ પણ થપ્પડ મારવા માટે આપ્યો ન હતો. તેથી, આપણે ખ્રિસ્ત શું કહી રહ્યા છે તેની ભાવનાને સમજવા માટે સાવચેત રહેવાની જરૂર છે, નહીં તો આપણે પોતે ઈસુ પર આરોપ લગાવવો પડશે કે તેમણે જે ઉપદેશ આપ્યો હતો તેનું પાલન નથી કર્યું.
સિદ્ધાંત અહીં છે: હું બદલો લેવા માંગતો નથી; મારી સાથે જે થયું તેના માટે હું કોઈ પર બદલો લેવા માંગતો નથી. જો કોઈ મને શેતાન કહે છે, તો હું તે વ્યક્તિને શેતાન નહીં કહું. જો મને થપ્પડ મારી છે, તો હું વળતો થપ્પડ નહીં લગાવું. હું ફક્ત બેસીને ઈશ્વર પર વિશ્વાસ રાખવાનું પસંદ કરીશ કે કોઈ મારો લાભ ઉઠાવે તેનાથી તે મને બચાવશે.
તેનો અર્થ શું છે જ્યારે તે કહે છે કે જો કોઈ તમારો કોટ લેવા માટે કોર્ટમાં દાવો કરે છે, તો તમારું પહેરણ પણ આપો? ઉદાહરણ તરીકે, જો કોઈ અન્યાયથી જૂઠું બોલે અને તમારી પોતાની મિલકત માટે તમારા પર દાવો કરે અને કહે કે તે તેની મિલકત છે - કદાચ તેણે કોર્ટમાં ખોટા દસ્તાવેજો રજૂ કર્યા છે અને તે તમારી પાસેથી તમારું ઘર છીનવી લેવા માંગે છે - તો તમારે શું કરવું જોઈએ? શું તમારે તેને તમારું ઘર લેવાનું અને તમારું બીજું ઘર પણ આપવાનું કહેવું જોઈએ? શું આનો અર્થ એ છે?
ઈસુનો કહેવાનો અર્થ બિલકુલ આ નથી. ફરીથી, આપણે ભાવનાને સમજવાની જરૂર છે. જો કોઈ તમને એક માઈલ જવા માટે દબાણ કરે છે, તો તેની સાથે બે માઈલ જાઓ. બીજા શબ્દોમાં કહીએ તો, જો કોઈ તમને કંઈક કરવા માટે દબાણ કરે છે, તો વધુ કરો. તમારે તેની ભાવનાને સમજવી જોઈએ. ઈસુ આપણને એવી પણ સૂચના આપે છે કે જે કોઈ આપણી પાસેથી ઉધાર લેવા માંગે છે તેને દૂર ન કરો. શું તે એમ કહે છે કે તમારે દરેક વ્યક્તિને પૈસા આપવા જોઈએ જે તમારી પાસેથી ઉધાર લેવા માંગે છે? અહીં ભારતમાં, જો તમે કોઈને એકવાર પૈસા આપો છો અને તમે બધાને મફત આપો છો એવું તમારું નામ બની જશે, તો તમે થોડા જ સમયમાં નાદાર થઈ જશો!
જો તમે આ શબ્દોનો અર્થ સમજી શકતા નથી, અને ફક્ત શાબ્દિક અર્થ સમજો છો, તો તમે ઘણી મુશ્કેલીમાં મુકાઈ જશો. ઈસુ આપણને પાપ પ્રત્યે કટ્ટર વલણ રાખવાનું શીખવી રહ્યા છે, જેમ તેમણે આપણને આંધળા માણસ જેવા અથવા કપાયેલા હાથવાળા માણસ જેવા બનવાની સૂચના આપી હતી. આ ભાવનામાં આપણે આ બધી બાબતો સમજવાની જરૂર છે: બદલો લેવાનો પ્રયાસ ન કરો, કોઈ લાભ લે તેના માટે તૈયાર રહો, અને પોતાની જાત માટે મરણ પામવા પણ તૈયાર રહો; પરંતુ તેનો અર્થ એ નથી કે મને કોઈ અધિકાર નથી.
એક ભાઈ, જે બસ ડ્રાઇવર તરીકે કામ કરતા હતા, તેમણે એક ચર્ચની સભામાં સાક્ષી આપી હતી કે જ્યારે તે રસ્તા પર વાહન ચલાવતા હતા, ત્યારે તેઓ ક્યારેક રાત્રે સામેની દિશામાંથી તેમની તરફ આવતી કાર જોતા, જેમાં તેજસ્વી હેડલાઇટ્સ હોય જેનાથી તેમની આંખો અંજાઈ જતી હતી. જ્યારે સામેથી બીજી કાર આવતી હતી ત્યારે કારચાલકે લાઇટ્સનો પ્રકાશ નીચે તરફ કરવાનો હોય છે, પરંતુ ઘણા લોકો તેમ ન કરતા. તેઓની લાઇટ્સથી તેમની આંખો અંજાઈ જતી હતી તેથી તેમણે વિચાર્યું કે તેમની પોતાની બસની હેડલાઇટ્સનો વધુ તેજવાળો પ્રકાશ તેમના પર ફેંકે, જેથી સામેના ડ્રાઇવરની આંખો અંજાઈ જાય અને તેને પાઠ શીખવી શકાય. તેમને અચાનક ખ્યાલ આવ્યો કે તે એક ખ્રિસ્તી છે અને તેથી તેમણે બદલો ન લેવો જોઈએ અને તેમણે તેવું ન કરવાનો નિર્ણય લીધો. તે ભાઈને બદલો લેવાનો અર્થ શું છે તે સમજાયું તે સમજણ પર ધ્યાન આપો: જે રીતે તેણે તેને નુકસાન પહોંચાડ્યું તે જ રીતે બીજા વ્યક્તિને નુકસાન પહોંચાડવું!
જો હું ઈસુએ શીખવેલો સિદ્ધાંત સમજી શકું, તો મને સમજાશે કે રસ્તા પર વાહન ચલાવતી વખતે પણ જ્યારે કોઈ તેની હેડલાઇટ્સથી મારી આંખોને આંજી દે છે ત્યારે તે સિદ્ધાંતનો ઉપયોગ કેવી રીતે થાય છે. આ પરિસ્થિતિ શાસ્ત્રોમાં ક્યાંય લખાયેલી નથી, પણ હું સિદ્ધાંતોને સમજીશ અને મારો સમય, મારા પૈસા અને મારી શક્તિ મુખ્યત્વે પ્રભુના છે તે સમજીને એ સિદ્ધાંતોને સ્વીકારીશ. હું માણસોનો ગુલામ નથી અને હું ગમે તે વ્યક્તિને મને તેનો ગુલામ બનાવવા દેવાનો નથી. હું મુખ્યત્વે પ્રભુનો ગુલામ છું અને હું માણસોનો ગુલામ બનવાનો નથી.
તો જો હું આ વાત ધ્યાનમાં રાખું, તો હું આ સિદ્ધાંતો સમજી શકું છું: હું ક્યારેય બદલો લેવા માંગતો નથી, હું ક્યારેય તે વ્યક્તિ સાથે એવું વર્તન કરવા માંગતો નથી જે રીતે તે મારી સાથે વર્તે છે, અને જે રીતે તેને મારી સાથે વાત કરી તે રીતે હું તેની સાથે બોલવા માંગતો નથી. હું નમ્ર થઈશ, હું દયાળુ બનવા માંગુ છું, અને હું મારા અધિકારો છોડી દેવા માંગુ છું.