WFTW Body: 

યાકૂબનો પત્ર 4:2 ના અંતિમ ભાગમાં આપણે વાંચીએ છીએ કે “તમારી પાસે કંઈ નથી, કેમ કે તમે માંગતા નથી.” ઈશ્વર ખ્રિસ્તીઓને ઘણી બાબતો આપવા માંગે છે, પરંતુ તેઓએ માંગ્યું નથી એટલે તેઓએ મેળવ્યું નથી. ખાસ કરીને આ વાત આત્મિક આશીર્વાદો માટે ખરી છે. લૂક 11:13 માં લખ્યું છે: “આકાશમાંના પિતા પાસે જેઓ માંગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું બધું વિશેષ ખાતરીપૂર્વક છે?” જે પવિત્ર આત્મા આપણને પવિત્ર બનાવે છે તેની ઈચ્છા જ જો આપણે ન રાખતા હોઈએ, તો આપણે ક્યારેય ઈસુએ બતાવેલા ધોરણ પ્રમાણે જીવી શકીશું નહિ. તેથી જ ઈસુએ માથ્થી 7:7 માં કહ્યું: “માગો, અને તમને આપવામાં આવશે.”

ઈશ્વર શા માટે આપણે તેમની પાસે માંગીએ તેની રાહ જુએ છે? કારણ કે તે ઈચ્છે છે કે આપણે તેમની આપેલી બાબતોની કદર કરીએ. જે બાબતો આપણને માગ્યા વગર મળે છે, તેની કિંમત આપણે સામાન્ય રીતે સમજતા નથી. આમાં પાપોની માફી સૌથી મહત્વની બાબત છે. શું તમને તે માગ્યા વગર મળી હતી? જો તમે માંગી ન હોત, તો શું તમને મળી હોત? જો તમે માગ્યો ન હોત, તો શું તમને ઉદ્ધાર મળ્યો હોત? પૃથ્વી પર લાખો લોકો છે જેમને ઉદ્ધાર મળ્યો નથી, કારણ કે તેઓ માગતા નથી. તેઓ નમ્ર થઈને સ્વીકારતા નથી કે તેમને તેની જરૂર છે.

ઈશ્વરના સર્વોચ્ચ આત્મિક આશીર્વાદો મેળવવા માટે બીજી શું શરતો છે? સૌ પ્રથમ, આપણામાં ઈચ્છા હોવી જોઈએ, તરસ હોવી જોઈએ. પછી, આપણે વિશ્વાસથી માંગવું જોઈએ. માંગવું એ ઈચ્છાનું પ્રતિક છે. અને ઈસુ થોડા જ વાક્યો પછી માથ્થી 7:11 માં વિશ્વાસ વિશે કહે છે: “જો તમે તમારાં છોકરાંઓને સારાં વાનાં આપી જાણો છો, તો તમારા આકાશમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલાં વિશેષે કરીને તે સારાં વાનાં આપશે?”

જો તમે માંગશો નહિ, તો તમને મળશે નહિ. જો તમે શોધશો, તો તમને જડશે. જો તમે સત્ય જાણવા માંગો છો, તો તમારે તેને શોધવું પડશે. ઈશ્વરના વચનમાં ખજાનો છે. કેટલીક બાબતો ઉપરછલ્લી હોય છે, જે દરેકને મળી શકે છે, પરંતુ સૌથી ઊંડા ખજાના અંદર છે — અને તેને શોધવા માટે આપણે ખોદવું પડે છે. પૃથ્વી વિશે વિચારો. સપાટી પર ઘણી કિંમતી વસ્તુઓ છે જેવી કે કેરી, નાળિયેર અને અન્ય ઘણાં ફળો. પરંતુ જો તમને ખરેખર વધારે મૂલ્યવાન વસ્તુઓ જેવી કે સોનું, હીરા જોઈતા હોય તો તમારે હજારો ફૂટ નીચે ખોદવું પડે છે. એ જ રીતે, બાઇબલની સપાટી પરથી તમને કેટલીક બાબતો મળે છે, જેમ કે પાપોની માફી (કારણ કે ખ્રિસ્તે આપણા માટે મરણ સહન કર્યું). પરંતુ જો તમે શાસ્ત્રના ઊંડા સત્ય શોધવા માંગો છો કે આત્માના ભરપૂરીપણાનું જીવન કેવી રીતે જીવવું, ઈશ્વરના સ્વભાવમાં કેવી રીતે ભાગીદાર થવું, દરેક પાપ પર કેવી રીતે વિજય મેળવવો અને ક્રોધ, કડવાશ, માફી ન આપવી, ઈર્ષ્યા, જાતીય લાલસા પર કેવી રીતે વિજય મેળવવો. તો તમારે ઊંડું ખોદવું પડશે. જો કોઈ વ્યક્તિ ઊંડું ખોદતો નથી, તો ઈશ્વર જોઈ લે છે કે તેને ખરેખર રસ નથી. “માગો, અને તમને આપવામાં આવશે. સંપૂર્ણ હૃદયથી શોધો, અને તમને જડશે.”

યર્મિયા 29:13 માં આ વચન મળે છે: “તમે મને શોધશો, ને તમે તમારા ખરા હ્રદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ.” જો કોઈ વ્યક્તિએ ઈશ્વરને અને તેમનામાં રહેલા ધનને શોધ્યું નથી, તો હું નિઃસંકોચ કહી શકું છું કે તેણે ઈશ્વરને સંપૂર્ણ હૃદયથી શોધ્યા નથી. તેણે અડધા હૃદયથી શોધ્યું છે અને શાસ્ત્રમાં અડધા હૃદયવાળાઓ માટે કોઈ વચન નથી. ત્રીજા ભાગના હૃદયવાળાઓ માટે પણ નથી. પરંતુ સંપૂર્ણ હૃદયવાળાઓ માટે અદભૂત વચનો છે. તમે ખૂબ નજીક હોઈ શકો છો તમે તમારા જીવનનું 90% ઈશ્વરને આપી શકો છો અને તમને એટલું જ મળશે જેટલું 10% આપનારને મળે છે. પરંતુ જ્યારે તમે 100% આપો છો, ત્યારે તમને બધું મળે છે. 90% આપો, તો તમે 10% આપનારની જ શ્રેણીમાં આવો છો. ખ્રિસ્તીઓ આ વાત સમજતા નથી. ઈશ્વરને 10% હૃદયથી શોધશો તો તે નહિ મળે. 90% હૃદયથી શોધો તો તે નહિ મળે. ફક્ત 100% હૃદયથી શોધશો તો તમે તેમને શોધી લેશો.

ખટખટાવો, અને તે તમારા માટે ખુલશે. આ વચનો છે. ઈશ્વર ક્યારેય પોતાના વચનો તોડતા નથી. "દરેક વ્યક્તિ જે માંગે છે તે મેળવે છે." તમને કેમ મળ્યું નથી? તમે સ્પષ્ટપણે ઈશ્વર જે રીતે ઈચ્છે છે તે રીતે માંગતા નથી. "દરેક જે શોધે છે, તેને જડે છે." કદાચ તમે ઈશ્વર જે રીતે ઈચ્છે છે તે રીતે શોધ્યું નથી. "જે ખટખટાવે છે તે દરેક માટે ખુલવામાં આવશે." કદાચ તમે પૂરતું ખટખટાવ્યું નથી.

લાખો બાબતો છે જે ખ્રિસ્તીઓ ફક્ત એટલા માટે ચૂકી ગયા છે કારણ કે તેઓ ઈશ્વર પાસે માંગતા નથી. છેલ્લે યાકૂબનો પત્ર 4:2 નું આ નાનું વાક્ય યાદ રાખો, "પ્રભુ તમને જે આપવા ઈચ્છે છે તે તમારી પાસે નથી, કારણ કે તમે માંગતા નથી."