written_by :   Zac Poonen categories :   The Church Leader
WFTW Body: 

તમે કરેલી સખત મહેનતની સફળતાનું મૂલ્યાંકન તમારી લોકપ્રિયતા દ્વારા કદી ન કરો. લોકોમાં "લોકપ્રિય" હતા તેવા તમામ લોકો પર ઈસુએ અફસોસ જાહેર કર્યો, કારણ કે તે જૂઠા પ્રબોધકની ઓળખની નિશાની હતી (લૂક 6:26). તેથી જો તમે ખૂબ જ લોકપ્રિય ઉપદેશક છો તો તમે જૂઠા પ્રબોધક હોઇ શકો છો! બીજી બાજુ, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે જ્યારે દરેક જણ તેમની વિરુદ્ધ બોલે ત્યારે આનંદ કરો, કારણ કે તે સાચા પ્રબોધકની નિશાનીઓમાંની એક હતી (લૂક 6:22,23).

ઈસુએ અહીં જે કહ્યું તે શું તમે ખરેખર માનો છો?

યાદ રાખો કે ઈઝરાયેલના ઈતિહાસમાં અને મંડળીના ઈતિહાસમાં દરેક સાચો પ્રબોધક એક ચર્ચાસ્પદ વ્યક્તિ હતો, જેને તેના સમયના ધાર્મિક આગેવાનો દ્વારા સતાવવામાં આવ્યો હતો અને ધિક્કારવામાં આવ્યો હતો અને ખોટા આરોપ લગાવવામાં આવ્યા હતા.

આ નિયમમાં એક પણ અપવાદ નથી - પછી ભલે તે જૂના કરારના સમયમાં એલિયા અને યર્મિયા હોય, અથવા પ્રથમ સદીમાં યોહાન બાપ્તિસ્ત અને પાઉલ હોય, અથવા વધુ આધુનિક સમયમાં જ્હોન વેસ્લી અને વોચમેન ની હોય.

તેથી આપણે કેટલા લોકપ્રિય છીએ તેના પરથી આપણી મહેનતની સનાતન સફળતાને ક્યારેય માપવી જોઈએ નહીં!

આપણે આપણી મહેનતની સફળતાને આંકડાઓ દ્વારા પણ માપવી જોઈએ નહીં - આપણી સભાઓમાં કેટલા લોકોએ હાથ ઊંચા કર્યા અથવા કેટલા લોકોને આપણે ઉપદેશ આપ્યો વગેરે.

આંકડાઓ દ્વારા જોતાં, આપણે કહેવું પડશે કે ઈસુનું સેવાકાર્ય સંપૂર્ણ નિષ્ફળ હતું, કારણ કે તેમના સેવાકાર્યના અંતે, તેમની પાસે તેમના પિતાની આગળ રજૂ કરવા માટે માત્ર 11 માણસો હતા (યોહાન 17). પરંતુ તેમના સેવાકાર્યની સફળતા તે અગિયાર શિષ્યો કઈ પ્રકારના માણસો હતા તે દ્વારા જોવા મળી હતી! તેઓ ઈશ્વર માટે વધુ મૂલ્યવાન હતા, અને આજના અગિયાર મિલિયન અર્ધ-હૃદયના, પૈસાને પ્રેમ કરતા, સમાધાનકારી, દુન્યવી "વિશ્વાસીઓ" કરતાં તેઓ ઈશ્વર માટે વધુ કાર્ય પરિપૂર્ણ કરી શકતા હતા.

મેં અનુભવ્યું છે કે જો હું તે પ્રથમ પ્રેરિતોના જેવી ક્ષમતાવાળા અગિયાર લોકો તૈયાર કરી શકું, તો મારા સમગ્ર જીવનમાં, મારું સેવાકાર્ય એક ભવ્ય સફળતા હશે. પરંતુ આવા બે-ત્રણ માણસો પણ તૈયાર કરવા સરળ નથી. જેઓ "ઈસુમાં વિશ્વાસ કરે છે", પરંતુ જેઓ તેમને તેમના પૂરા હૃદયથી પ્રેમ કરતા નથી, એવા દુન્યવી સમાધાન કરનારાઓની ભીડને ભેગી કરવી વધુ સરળ છે.

છેલ્લી 20 સદીઓ દરમિયાન ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરે શરૂ કરેલી દરેક ચળવળમાં, તે બીજી પેઢીમાં પ્રવેશી ત્યાં સુધીમાં ઘટાડો થયો હતો અને તે પછી તે એવી જુસ્સાદાર, જ્વલંત ચળવળ રહી નહી જે તેના સ્થાપક દ્વારા શરૂ કરવામાં આવી હતી. શા માટે?

એક કારણ એ હતું કે બીજી પેઢી સંખ્યાથી ખુશ થવા લાગી હતી. તેઓએ વિચાર્યું કે તેમની સંખ્યામાં વધારો એ સાબિતી છે કે ઈશ્વર તેઓને આશીર્વાદ આપી રહ્યા છે.

પરંતુ તાજેતરના વર્ષોમાં વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા જૂથો અન્ય ધર્મોના સંપ્રદાય અને કટ્ટરપંથી જૂથો છે. તે શું સાબિત કરે છે? બસ એજ કે - સંખ્યાત્મક વૃદ્ધિ ઈશ્વરના આશીર્વાદનો પુરાવો નથી.

ઈશ્વર આપણને ખ્રિસ્તના શરીરમાં તેમના દ્વારા આપણને આપેલા સેવાકાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તે જ સમયે, વિવિધ સેવાકાર્યો ધરાવતા અન્ય લોકો સાથે સહકારમાં કામ કરવા માટે તેડું આપે છે. આપણા સેવાકાર્યના પરિણામોનું ચોક્કસ મૂલ્યાંકન કરવું અશક્ય છે, કારણ કે આપણે એક ટીમનો ભાગ છીએ - જે ખ્રિસ્તનું શરીર છે.

આથી આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે ઈશ્વરે આપણને જે કાર્ય પૂરું કરવા માટે આપ્યું‌ છે તેના પ્રત્યે આપણે વિશ્વાસુ રહીએ.