WFTW Body: 

ઈસુએ કહ્યું કે આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે (માથ્થી 5:3). આત્મામાં રાંક તે એ લોકો છે જેઓ તેમની માનવીય અપૂર્ણતા વિશે સભાન છે અને તેથી તેઓ સંપૂર્ણ રીતે ઈશ્વરની ઇચ્છાને આધીન રહે છે.

આ અર્થમાં, ઈસુ હંમેશા આત્મામાં રાંક હતા. માણસના જીવન જીવવા વિષે ઈશ્વરનો જે વિચાર હતો તે રીતે ઈસુ જીવતા હતા - ઈશ્વર પર કાયમી આધાર રાખ્યો, ઈશ્વર સિવાય પોતાના મનની શક્તિઓનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. તેમના શબ્દો ધ્યાનમાં લો:

દીકરો પોતાની જાતે કંઈ કરી નથી શકતો.... હું મારી પોતાની જાતે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખવ્યું છે, તેમ હું એ વાતો કહું છું.... હું ઈશ્વરમાંથી નીકળીને આવ્યો છું; કેમ કે હું મારી પોતાની રીતે આવ્યો નથી .... મેં મારા પોતાના તરફથી કહ્યું નથી. પણ મારે શું કહેવું, અને મારે શું બોલવું, એ વિષે જે પિતાએ મને મોકલ્યો છે તેમણે મને આજ્ઞા આપી છે.... જે વાતો હું તમને કહું છું તે હું મારા પોતાના તરફથી નથી કહેતો; પણ પિતા મારામાં રહીને પોતાનાં કામ કરે છે. (યોહાન 5:19, 30; 8:28, 42; 12:49; 14:10).

ઈસુએ ક્યારેય ફક્ત જરૂરિયાત જોઈને કાર્ય કર્યું નથી. તેમણે જરૂરિયાત જોઈ, તેની ચિંતા કરી, પરંતુ તેમના પિતાએ કહ્યું ત્યારે જ તેમણે કાર્ય કર્યું.

જ્યારે જગતને તારણહારની સખત જરૂર હતી ત્યારે તેમણે સ્વર્ગમાં ઓછામાં ઓછા ચાર હજાર વર્ષ રાહ જોઈ, અને પછી જ્યારે તેમના પિતાએ તેમને મોકલ્યા ત્યારે તે પૃથ્વી પર આવ્યા (યોહાન 8:42). "પણ સમય પૂરો થયો, ત્યારે ઈશ્વરે સ્‍ત્રીથી જન્મેલો, અને નિયમને આધીન જન્મેલો, એવો પોતાનો પુત્ર મોકલ્યો" (ગલાતીઓને પત્ર 4:4). ઈશ્વરે દરેક બાબતને માટે યોગ્ય સમય નક્કી કર્યો છે (સભાશિક્ષક 3:1). ફક્ત ઈશ્વર જ તે સમય જાણે છે, અને તેથી જેમ ઈસુએ કર્યું તેમ જો આપણે દરેક બાબતમાં પિતાની ઇચ્છા શોધીએ તો આપણે ખોટા નહી ઠરીએ.

જ્યારે ઈસુ પૃથ્વી પર આવ્યા, ત્યારે તેમને જે કંઈ સારું લાગ્યું તે કરતાં ફર્યા નહિ. તેમનું મન સંપૂર્ણ શુદ્ધ હતું, તેમ છતાં તેમણે મનમાં આવેલા કોઈપણ સ્પષ્ટ વિચાર પર ક્યારેય કાર્ય કર્યું નથી. ના. તેમણે પોતાના મનને પવિત્ર આત્માનો સેવક બનાવ્યો.

ઈસુ બાર વર્ષની ઉંમરે શાસ્ત્રોને સારી રીતે જાણતા હતા, તેમ છતાં તેમણે પછીના અઢાર વર્ષ સુથાર તરીકે વિતાવ્યા, તેમની માતા સાથે રહ્યા, મેજ અને ખુરશીઓ વગેરે બનાવ્યા. તેમની પાસે એ સંદેશ હતો કે જેની તેમની આસપાસ મૃત્યુ પામતા માણસોને જરૂર છે, અને તેમ છતાં તેમણે પ્રચારનું સેવાકાર્ય કર્યું નહિ. શા માટે? કારણ કે પિતાનો સમય હજુ આવ્યો ન હતો.

ઈસુ રાહ જોવામાં ડરતા ન હતા.

જે વિશ્વાસ રાખે છે તે ઉતાવળો થશે નહીં (યશાયા 28:16).

અને જ્યારે તેમના પિતાનો સમય આવ્યો, ત્યારે તેઓ તેમની સુથારની દુકાનમાંથી બહાર ગયા અને ઉપદેશ આપવા લાગ્યા. ત્યાર પછી ઘણી વાર, તે અમુક ક્રિયાઓ વિશે બોલે છે,

"મારો સમય હજી આવ્યો નથી" (યોહાન 2:4; 7:6). ઈસુના જીવનની દરેક બાબત પિતાના સમય અને ઇચ્છા દ્વારા નિયંત્રિત કરવામાં આવી હતી.

માણસોની જરૂરિયાતો, ઈસુ માટે કદી કોઈ પગલાં લેવા માટેનું તેડું બની નહિ, કારણ કે તે તેમના પોતાના માટે - તેમના આત્માથી કાર્ય કરવા સમાન હોત. માણસોની જરૂરિયાત ધ્યાનમાં લેવાની હતી, પરંતુ તે ઈશ્વરની ઇચ્છા હતી જેને પૂર્ણ કરવાની હતી.

ઇસુએ તેમના મિત્રોએ સૂચવેલી ઘણી સારી બાબતો કરી ન હતી, કારણ કે તે જાણતા હતા કે જો તે માણસોની વાત સાંભળશે અને દેખીતી રીતે જે સારું છે, તે કરશે, તો તે તેમના પિતાએ તેમના માટે જે શ્રેષ્ઠ રાખ્યું હતું તે ગુમાવશે.