written_by :   Zac Poonen categories :   The Home Knowing God Disciples
WFTW Body: 

એફેસીઓને પત્રના અધ્યાય 4 માં, આપણને એક આદેશ છે જે કહે છે, "ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો. તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો” (એફેસીઓને પત્ર 4:26). તેનો અર્થ એ છે કે, તમારા જીવનમાં એ પ્રકારનો ક્રોધ હોવો જોઈએ જે પાપી ન હોય. તેથી જ્યારે ઈસુ જૂના કરારના ધોરણ, "ખૂન ન કરો" ને "ગુસ્સે ન થાઓ" નિયમના ધોરણ સુધી ઊંચે લઈ ગયા, ત્યારે આપણે સમજવાની જરૂર છે કે સાચો ક્રોધ શું છે અને ખોટો ક્રોધ શું છે.

જ્યારે પણ આપણે કોઈ કલમને યોગ્ય રીતે સમજી શકતા નથી ત્યારે આપણે આપણા આત્મિક શબ્દકોશમાં જોવું જોઈએ: શબ્દ સદેહ થયો - ઈસુ ખ્રિસ્તનું જીવન. ઈસુએ પોતાને જગતનું અજવાળું કહ્યું અને તે તેમના વિશે કહે છે, "તેમનામાં જીવન હતું, અને તે જીવન માણસોનું અજવાળું હતું" (યોહાન 1:4). આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન એ અજવાળું છે જે શાસ્ત્રની દરેક કલમને સમજાવે છે. તેથી જ્યારે આપણે વાંચીએ છીએ, "ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો" અને આપણે પાપી ગુસ્સા અને પાપી ન હોય તેવા ગુસ્સા વચ્ચે તફાવત કરવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપણે ઈસુના જીવનમાં રહેલા અજવાળાને જોવું પડશે.

ઈસુ ક્યારે ગુસ્સે થયા અને ક્યારે ગુસ્સે ન થયા? આપણે માર્ક 3:1-5 માં વાંચીએ છીએ કે જ્યારે ઈસુ એક સભાસ્થાનમાં હતા, ત્યારે તેમણે ગુસ્સાસહિત ચોતરફ તેવા લોકો તરફ જોયું જેઓ સુકાઈ ગયેલા હાથવાળા માણસને સાજો થવાથી રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમને ફરોશીઓ પર ગુસ્સો આવ્યો, જેઓ લકવાગ્રસ્ત માણસને સાજો કરવા કરતાં સાબ્બાથ પાળવાની વધુ ચિંતા કરતા હતા. આ યોગ્ય પ્રકારનો ગુસ્સો છે - ધાર્મિક આગેવાનો અને ધાર્મિક લોકો પ્રત્યે ગુસ્સો, જેઓ લોકો કરતાં ધાર્મિક વિધિમાં વધુ રસ ધરાવે છે અને લકવાગ્રસ્ત લોકોને સાજા કરવા કરતાં ચોક્કસ વિધિ પાળવામાં વધુ રસ ધરાવે છે.

આજે પાપથી પરાજિત ખ્રિસ્તીઓમાં લકવો જોવા મળે છે, અને વળી આપણી પાસે ધાર્મિક લોકો છે જેઓ લોકોને પાપથી છુટકારો મળે તેના કરતા લોકો તેમના દશાંશ આપે છે તેની ખાતરી કરવામાં વધુ રસ ધરાવે છે. તેઓ ફરોશીઓ જેવા જ વર્ગમાં આવે છે જેઓ સુકાઈ ગયેલા હાથવાળા માણસને સાજો થવા દેતા નહોતા અને લોકો દશાંશ ચૂકવે અને સાબ્બાથ પાળે તેમાં વધુ રસ ધરાવતા હતા. આજે આવા ઘણા ઉપદેશકો અને પાળકો છે, જેઓ તેમના ટોળાને તેમના જીવનમાં પાપની શક્તિથી બચાવવામાં રસ ધરાવતા નથી, પરંતુ તેઓ તેમના દશાંશ ચૂકવે તે સુનિશ્ચિત કરવામાં વધુ રસ ધરાવે છે. ઈસુ આજે આવા લોકો તરફ ગુસ્સાથી જોશે કારણ કે ઈસુ લોકો દશાંશ આપે માટે પૃથ્વી પર આવ્યા ન હતા; તે લોકોને તેમના પાપોથી બચાવવા આવ્યા હતા. લોકો દશાંશ આપે માટે તે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા ન હતા; તે આપણને આપણા પાપોથી બચાવવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા હતા.

આપણા તારણહારનું નામ ઈસુ છે અને તે આપણને આપણા પાપોથી બચાવવા માટે આવ્યા હતા (માથ્થી 1:21). જ્યારે લોકો બીજાઓને તેમના પાપોથી બચાવ પામતા રોકે છે અને કહે છે, "જે વ્યક્તિ પાપ પર વિજય મેળવવાનો ઉપદેશ આપી રહ્યો છે, તેની વાત સાંભળશો નહિ પરંતુ મારી વાત સાંભળતા રહો કારણ કે હું તમને દશાંશ કેવી રીતે ચૂકવવો તે કહું છું," ત્યારે આપણે ખાતરી રાખવી જોઈએ કે ઈસુ આવા લોકો પર ગુસ્સે થશે. અને જો તમે ઈસુ ખ્રિસ્ત સાથે સંગતમાં છો, તો ઈશ્વરના સેવક તરીકે તમારે આવા લોકો પર પણ ગુસ્સે થવું જોઈએ, જેઓ બીજાઓના ઉદ્ધારના માર્ગમાં અવરોધ ઊભા કરે છે.

ઈસુ ગુસ્સે થયાનું બીજું ઉદાહરણ યોહાન 2 માં છે જ્યારે ઈસુ મંદિરમાં ગયા અને નાણાવટીઓને મંદિરમાંથી હાંકી કાઢ્યા. તે જણાવે છે કે તેમણે ઝીણી દોરીઓનો કોરડો બનાવીને નાણાવટીઓના બાજઠો ઊંધા વાળી દીધા અને કહ્યું, "એ બધું અહીંથી લઈ જાઓ!" તે ખરેખર ગુસ્સે થયા અને શિષ્યોને તે યાદ આવ્યું જેમાં કહેવામાં આવ્યું હતું, "તારા ઘરની આસ્થા મને ખાઈ નાખે છે" (યોહાન 2:15-17). જ્યારે આપણે લોકોને ધર્મના નામે અથવા ખ્રિસ્તના નામે પૈસા કમાતા અને ગરીબોનું શોષણ કરતા જોઈએ છીએ, જેમ કબૂતર અને ઘેટાં વેચનારા ગરીબ લોકોનું શોષણ કરતા કહેતા હોય છે, "અમે તમને તમારા અર્પણ માટે આ ઘેટાં અને કબૂતર વેચીશું, પરંતુ અલબત્ત તે તમને બજારમાં મળે તેના કરતાં થોડી વધુ કિંમતે મળશે કારણ કે અમારે અમારું કમિશન મેળવવું પડશે."

ઈસુ ક્યારે ગુસ્સે થયા ન હતા? એક ઉદાહરણ એ છે કે જ્યારે ઈસુને બાલઝબૂલ (દુષ્ટાત્માઓનો સરદાર) કહેવામાં આવ્યા હતા (માથ્થી 12:22-24). ઈસુએ એક બહેરા અને મૂંગા માણસમાંથી દુષ્ટાત્માને કાઢ્યો ત્યારે આ બન્યું. લોકો આ જોઈને અચરત પામ્યા, અને કહેવા લાગ્યા, "આ દાઉદનો દીકરો છે. જુઓ, તેણે કેવો અદ્ભુત ચમત્કાર કર્યો છે અને આ માણસને મુક્ત કર્યો છે!" પરંતુ ફરોશીઓ ઈર્ષ્યા કરતા હતા અને તેઓએ તરત જ કહ્યું, "આ માણસ દુષ્ટાત્માઓના સરદારની મદદથી દુષ્ટાત્માઓને કાઢે છે" (માથ્થી 12:24). તેઓ ઈસુને શેતાન કહી રહ્યા હતા. કલ્પના કરો કે જ્યારે તમે પ્રભુની સેવા કરી રહ્યા હોવ ત્યારે કોઈ તમને શેતાન કહે. પરંતુ ઈસુએ જવાબ આપ્યો, "હું ફક્ત એક માણસનો દીકરો છું, હું ફક્ત એક સામાન્ય માણસ છું. અને માણસના દીકરાની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ કરવામાં આવશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ નહિ કરવામાં આવે" (માથ્થી 12:32).

જ્યારે લોકો તેમને શેતાન કહેતા ત્યારે તે ગુસ્સે થયા નહોતા. તેમણે કહ્યું, "જો તમે મારી વિરુદ્ધ બોલો તો ઠીક છે, હું ફક્ત એક માણસનો દીકરો છું. તમને માફ કરવામાં આવ્યા છે." જ્યારે તેઓ તેમને શેતાન કહેતા ત્યારે તે સર્વશક્તિમાન ઈશ્વર હતા, અને તે નારાજ ન હતા. તેમણે તેઓને માફ કર્યા. એક સાચો ખ્રિસ્તી ક્યારેય લોકો તેને ખરાબ નામોથી બોલાવવાથી, તેને શેતાન, ડુક્કર, કૂતરો કે બીજું કંઈ કહેવાથી નારાજ થશે નહીં. તેનાથી કોઈ ફરક પડતો નથી. જો તે ખ્રિસ્ત જેવો છે, તો તે તેમને માફ કરશે અને ગુસ્સે થશે નહીં. તે એવા લોકો સામે કોઈ કડવાશ કે ગુસ્સો પણ રાખશે નહીં જેમણે તેને તે નામો આપ્યા.

બહુ ઓછા ખ્રિસ્તીઓ ઈસુ ખ્રિસ્ત જેવા બનવા માંગે છે, પરંતુ તેઓ બધા મૃત્યુ પછી સ્વર્ગમાં જવા માંગે છે. દરેક ખ્રિસ્તી મૃત્યુ પછી સ્વર્ગમાં જવા માંગે છે, પરંતુ તેમાંથી કેટલા લોકો સ્વર્ગમાં જતા પહેલા આ પૃથ્વી પર ઈસુ ખ્રિસ્તની જેમ જીવવા માંગે છે? બહુ ઓછા. એ જ સમસ્યા છે. આમાંના ઘણા લોકો ખરેખર ખ્રિસ્તી નથી. તેઓ નામધારી ખ્રિસ્તી છે કારણ કે તેઓ ખ્રિસ્તી પરિવારમાં જન્મ્યા હતા, પરંતુ તેઓ તેમના જીવનમાં ઈસુ ખ્રિસ્તના પ્રભુત્વને આધીન થયા નથી અને તેથી જ્યાં સુધી ઈશ્વરને લાગતું છે, તેઓ ખ્રિસ્તી નથી. જ્યારે ખ્રિસ્ત ફરીથી આવશે અને તેઓ જાણશે કે તેઓ બિલકુલ ખ્રિસ્તી નહોતા, કારણ કે ખ્રિસ્તી પરિવારમાં જન્મ લઈને તમે ખ્રિસ્તી બની શકતા નથી. તમારે વ્યક્તિગત પસંદગી કરવી પડશે.

આપણા માટે આ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ એફેસીઓને પત્ર 4:26 નો અર્થ છે, "ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો." અને પછી પાંચ કલમો પછી એફેસીઓને પત્ર 4:31 માં કહે છે, "સર્વ પ્રકારનો ક્રોધ તમારામાંથી દૂર કરો." બંને કલમો વિરોધાભાસી લાગે છે, જ્યાં એક જગ્યાએ તે કહે છે, "ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો," અને બીજી જગ્યાએ તે કહે છે, "સર્વ પ્રકારનો ક્રોધ તમારામાંથી દૂર કરો." આપણે કયો ક્રોધ દૂર કરવો જોઈએ? સ્વાર્થી, પોતાનું હિત જોનાર અને પાપી ગુસ્સો. આપણે કયો ક્રોધ રાખવો જોઈએ? જે ઈશ્વર -કેન્દ્રિત છે, જે ઈશ્વરના નામના મહિમાને લગતો છે. આજે પૃથ્વી પર ઈશ્વરના નામનો આદર થતો નથી તેનો આપણને બોજ હોવો જોઈએ.