WFTW Body: 

(ગત અઠવાડિયાથી ચાલુ)

હિબ્રૂઓને પત્રના પુસ્તકનું પહેલું વાક્ય જણાવે છે કે પ્રાચીન કાળમાં ઈશ્વર પ્રબોધકો દ્વારા બોલ્યા હતા, પરંતુ હવે તેઓ તેમના પુત્ર દ્વારા બોલ્યા છે. જૂનો કરાર મોટે ભાગે ઈશ્વર તરફથી આજ્ઞાઓનો સંદેશ આપતો વ્યવહાર હતો, જેમાં તેમના તરફથી "તમારે કરવું જોઈએ” અને "તમારે ના કરવું જોઈએ” એ હતું. પણ નવો કરાર એ ઈશ્વર તરફથી તેમના પુત્ર દ્વારા જીવનનો સંદેશ આપતો વ્યવહાર છે.

તેથી જ પિતાએ ઈસુને બાળક તરીકે પૃથ્વી પર મોકલ્યા. ઈસુને સંપૂર્ણ પુખ્ત માણસ તરીકે પૃથ્વી પર મોકલવામાં ઈશ્વરને કોઈ સમસ્યા ન પડી હોત. પરંતુ તેઓ એક બાળક તરીકે આવ્યા હતા જેથી તેઓ આપણા જેવા અનુભવો મેળવી શકે અને બાળપણથી જ આપણે જે પરીક્ષણોનો સામનો કરીએ છીએ તે જ અનુભવો તેઓ પણ કરી શકે.

પરંતુ મોટાભાગના ખ્રિસ્તીઓ ઈસુ વિશે માત્ર તેમના સાડા ત્રણ વર્ષના સેવાકાર્ય વિશે અને કાલવરી પરના તેમના મૃત્યુ વિશે જ વિચારે છે. મને લાગે છે કે તે કહેવું યોગ્ય રહેશે કે 99% વિશ્વાસીઓ ક્યારેય‌ વિચારતા નથી કે ઈસુ નાઝરેથમાં 30 વર્ષ દરમિયાન કેવી રીતે જીવન જીવ્યા હતા. તેઓ તેમના જન્મ વિશે વિચારે છે, જે દર વર્ષે ઉજવવામાં આવે છે. તેઓ તેમના મૃત્યુ અને પુનરુત્થાન વિશે વિચારે છે. તે પણ દર વર્ષે ઉજવવામાં આવે છે. અને તેમણે કરેલા ચમત્કારો વિશે તેઓ વિચારે છે. બસ એટલું જ.

ઈસુના જીવનના મોટા ભાગ વિશે ભાગ્યે જ કોઈ વિચારે છે. તેમનું સેવાકાર્ય તેમના પૃથ્વી પરના જીવનના માત્ર 10% ભાગ હતો - 33½ વર્ષોમાંથી 3½ વર્ષ. અને તેમનો જન્મ અને મૃત્યુ માત્ર એક દિવસની ઘટનાઓ હતી. તેમના જીવનનો મુખ્ય ભાગ તેમણે નાઝરેથમાં વિતાવેલ 30 વર્ષ હતા. તેમનું સમગ્ર સેવાકાર્ય તે 30 વર્ષો પર આધારિત હતું. તેમણે તેમના સેવાકાર્ય દરમિયાન જે ઉપદેશો આપ્યા હતા તે તૈયાર કરવામાં તેમને 30 વર્ષ લાગ્યા હતા. તેમણે "પહાડ પરનું ભાષણ" (“ગિરિપ્રવચન”) નો ઉપદેશ એ રીતે નહોતો આપ્યો જે રીતે આજના ઉપદેશકો તેમના ઉપદેશો માટે તૈયારી કરે છે - તેમના અભ્યાસખંડમાં બેસીને પુસ્તકોમાંથી તેને લગતી માહિતી એકઠી કરવી‌ અને તેમની નોંધો લખવી અને ત્રણ સુઘડ નાના મુદ્દાઓ તૈયાર કરવા જે બધા મૂળાક્ષરના એક જ અક્ષરથી શરૂ થાય!! ના, ઈસુના ઉપદેશ તેમના જીવનમાંથી જ આવ્યા હતા. તેને તૈયાર કરવામાં 30 વર્ષ લાગ્યા હતા. તેથી જ તે ઘણા સામર્થ્યવાન હતા‌ અને તેથી જ તેઓ જે અધિકારથી બોલ્યા તે જોઈને લોકો આશ્ચર્ય પામ્યા હતા. (માથ્થી 7:28, 29).

જૂના કરારમાં, આપણે વાંચીએ છીએ કે ઈશ્વર ફક્ત અમુક દિવસોમાં જ યર્મિયા સાથે વાત કરે છે. યર્મિયાએ તેના શાસ્ત્રી બારૂખને, ઈશ્વર જે બોલ્યા તે લખાવ્યું અને બારૂખે યર્મિયાએ જે કહ્યું તે પ્રમાણે બરાબર લખ્યું. એ જ રીતે, ઈશ્વરે હઝકિયેલ સાથે અમુક સમયે જ વાત કરી અને યહૂદિયાના લોકોને શું કહેવું તે તેને કહ્યું હતું. અને હઝકિયેલે જઈને લોકોને બરાબર તે જ પ્રમાણે કહ્યું. તે સરસ હતું. જો આપણે પણ આજે એવો ઉપદેશ આપતા હોત, તો બહુ સારું હોત!

પરંતુ નવા કરારનું સેવાકાર્ય વધુ સારું છે! ઈશ્વરે જેમ જૂના કરારના પ્રબોધકો સાથે વાત કરી હતી તેમ‌ ફક્ત અમુક દિવસોમાં જ ઈસુ સાથે વાત કરી ન હતી. ઈશ્વર દરરોજ ઈસુ સાથે વાત કરતા અને ઈસુ તેમના જીવનમાંથી દરરોજ લોકો સાથે વાત કરતા. તેમનું સેવાકાર્ય તેમના જીવનમાંથી વહી રહ્યું હતું. "જીવંત પાણીની નદીઓ આપણા આંતરિક અસ્તિત્વમાંથી વહે છે" (યોહાન 7:38) તેનો અર્થ એ જ છે.

જૂના કરારના પ્રબોધક માત્ર એક સંદેશવાહક હતા. સંદેશ મોકલવા માટે તમારે ફક્ત સારી યાદશક્તિની જરૂર છે. પરંતુ નવા કરારમાં, ઈશ્વર આપણને બીજાને મોકલવા માટે સંદેશા આપતા નથી‌ પરંતુ તેમનું જીવન આપે છે! એટલે પછી તમારે જે જોઈએ છે તે સારી યાદશક્તિ નહિ, પરંતુ સારું જીવન - દૈવી જીવન.

આવો હું એક દૃષ્ટાંત દ્વારા તફાવત સમજાવું: જો તમે નળમાંથી થોડું પાણી એકત્રિત કરો છો (ઈશ્વર તરફથી સંદેશ મેળવો છો) અને તેને રેડો છો - તે જૂના કરારના સેવાકાર્યનું ચિત્ર હશે. પછી તમે પાછા જઈ શકો છો અને નળમાંથી થોડું વધુ પાણી ભેગું કરી શકો છો (ઈશ્વર તરફથી બીજો સંદેશ મેળવો છો) અને તે પણ રેડી શકો છો.

પરંતુ નવા કરારમાં, આપણને આપણી અંદર પાણીનો ઝરો (ઈસુનું જીવન) આપવામાં આવ્યો છે. અને તે આપણી અંદરથી સતત વહેતો રહે છે. તેથી આપણે દરેક વખતે સંદેશ મેળવવા માટે ઈશ્વર પાસે જવાની જરૂર નથી. તે આપણને સંદેશ બનાવે છે. આપણું જીવન જ સંદેશ છે અને આપણે તેમાંથી બોલીએ છીએ!

મોટાભાગના લોકો પાસે રેડવાનું સેવાકાર્ય છે. જ્યારે તેઓ રેડતા હોય ત્યારે કેટલાક પાસે આપવા માટે કંઈ બાકી રહેતું નથી, જ્યારે અન્ય પાસે આપવા માટે કંઈક હોય છે. પરંતુ બંને હજુ પણ રેડી રહ્યા છે. અને પછી બંને સુકાઈ જાય છે.

પરંતુ ઈસુએ સમરૂની સ્ત્રીને કહ્યું કે તેઓ તેની અંદર અંનતજીવનનો ઝરો મૂકશે જે તેણીનામાંથી સતત વહેતો રહેશે. (અંનતજીવનનો અર્થ ઈશ્વરનું પોતાનું જીવન) આ તે જીવન છે જે પ્રભુ ઈચ્છે છે તે આપણી અંદરથી પણ વહેવું જોઈએ - માત્ર એક સંદેશ નહિ. આ નવા કરારનું સેવાકાર્ય છે.