ઈસુએ કહ્યું, “જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે (અથવા તેઓ તૃપ્ત થશે)” (માથ્થી 5:6). તેથી જ્યારે કોઈ માણસ કહે છે, "ઓ ભાઈઓ, હું પાપ પર વિજય મેળવવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યો છું, પણ મને તે મળતો નથી, ત્યારે હું આ કલમના આધારે તેને કહી શકું છું કે તે ખરેખર પવિત્ર જીવન માટે ભૂખ્યો અને તરસ્યો નથી. ખરેખર પાપ પર વિજય મેળવવાની તેની ઉગ્ર ઈચ્છા નથી.
વિચાર કરો કે ઈસુએ પાપ પર વિજય મેળવવા માટે કેવી રીતે પ્રાર્થના કરી. આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તનું પૃથ્વી પર બરાબર આપણી જેમ જ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને તેમણે ક્યારેય પાપ કર્યું નહિ, પરંતુ તે તેમના માટે સરળ નહોતું. હિબ્રૂઓને પત્ર 5 આપણને જણાવે છે કે ઈસુએ કેવી રીતે પરીક્ષણનો સામનો કર્યો. હિબ્રૂઓને પત્ર 4:15 માં આપણને કહેવામાં આવ્યું છે કે બધી બાબતોમાં આપણી જેમ તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને પછી તે કહે છે કે આ ખ્રિસ્ત મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે આપણા સનાતન યાજક છે (હિબ્રૂઓને પત્ર 5:6). તે કલમ 7 માં આગળ કહે છે, “તેમના દેહધારીપણાના સમયમાં તેમને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતા, તેમની પાસે તેમણે મોટે અવાજે તથા આંસુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા, અને તેમણે [ઈશ્વરનો] ડર રાખ્યો, માટે તેમની [પ્રાર્થના] સાંભળવામાં આવી” (હિબ્રૂઓને પત્ર 5:7). તેમના દેહધારીપણાના છેલ્લા દિવસે જયારે તે ગેથસેમાનેમાં હતા તે વિશે અહીં વાત કરવામાં આવી નથી, પરંતુ પૃથ્વી પર તે માનવ શરીરમાં હતા તે સમગ્ર સમયગાળા દરમિયાન - સાડા તેત્રીસ વર્ષ સુધી: તેમણે પ્રાર્થનાઓ અને વિનંતીઓ કરી.
કાલાવાલાનો અર્થ તેમના પિતાને એક ચોક્કસ વિનંતી કરવી તે છે. તે ફક્ત 'મને આશીર્વાદ આપો' એમ કહેતી સામાન્ય પ્રાર્થનાઓ નહોતી, પરંતુ તે ચોક્કસ વિનંતીઓ હતી. અને તેમણે આ પ્રાર્થનાઓ મોટેથી રડતા અને આંસુઓ સહિત કરી. જ્યારે તે પ્રાર્થના કરતા હતા ત્યારે તે મોટે અવાજે રડતા અને આંસુઓ વહાવતા હતા. પૃથ્વી પર શા માટે તે મોટે અવાજે રડતા અને આંસુઓ વહાવતા હતા? શું ઈસુ આવી પ્રાર્થના કરે? શું તમે તમારા જીવનમાં કોઈ એવો સમય વિચારી શકો છો જ્યાં તમે આંસુઓ સહીત પ્રાર્થના કરી હોય? કદાચ જો તમારું બાળક બીમાર હોય, અથવા જો તમે કંઈક ગુમાવ્યું હોય જે તમને ખૂબ પસંદ હોય, તો તમે રડ્યા હશો અને ઈશ્વરને પ્રાર્થના કરી હશે, પરંતુ ઈસુએ આવી કોઈ બાબત માટે પ્રાર્થના કરી નહોતી. શું તમે ક્યારેય મોટે અવાજે રડતા પ્રાર્થના કરી છે? કદાચ જ્યારે કોઈનું મરણ થયું હોય અથવા કંઈક દુ:ખદ ઘટના બની હોય તો કર્યું હશે, પરંતુ ઈસુએ આવા પ્રસંગોએ પ્રાર્થના નહોતી કરી. તે કહે છે કે તે એક (એટલે કે પિતા), જે તેમને મરણથી છોડાવવા શક્તિમાન હતા તેમની પાસે તેમણે મોટે અવાજે તથા આંસુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા હતા. અને ઈશ્વર માટેના તેમના ડરને કારણે તેમનું સાંભળવામાં આવ્યું.
હવે આ કલમમાં ઘણી બધી બાબતો શીખવવામાં આવી છે કે ન્યાયીપણાની ભૂખ તથા તરસનો અર્થ શું છે. ઈસુને આપણાથી અલગ રીતે થાળીમાં ન્યાયીપણાની ભેટ આપવામાં આવી ન હતી. તેમને આપણા જેવા જ માણસ તરીકે, આપણા માટે એક નમૂનો બનવા માટે, તેના માટે સંઘર્ષ અને લડાઈ કરવી પડી, કારણ કે તે આપણા જેવા જ માણસ હતા. તેમણે દરેક પરિસ્થિતિનો, દરેક પરીક્ષણનો સામનો આપણે કરીએ છીએ તેમ જ કર્યો, અને તે પરીક્ષણને દૂર કરવા માટે આપણે જે રીતે તેનો સામનો કરીએ છીએ તે રીતે તેમણે તેનો સામનો કર્યો. મરણથી છોડાવવા શક્તિમાનને પ્રાર્થના કરવાનો આ જ અર્થ છે.
શાસ્ત્ર કયા મરણ વિશે વાત કરી રહ્યું છે? ઈસુ કાલવરી પર જવાથી ડરતા નહોતા. તેમણે આપણને એટલો પ્રેમ કર્યો કે તે આપણને આપણા પાપોથી બચાવવા માટે હજારો વખત કાલવરી પર જવા તૈયાર હતા. તેમને શારીરિક મરણનો ડર નહોતો. એવા ખ્રિસ્તી શહીદો છે જેઓ તેમના મરણ સુધી ગીતો ગાતા રહ્યા હતા. ઈસુ મરણથી કેવી રીતે ડરી શકે? તે એમ પણ કહે છે કે તેમની પ્રાર્થના "સાંભળવામાં આવી હતી," પરંતુ તેમને શારીરિક મરણથી બચાવવામાં આવ્યા ન હતા. તો તેમની પ્રાર્થના કેવી રીતે સાંભળવામાં આવી? આ બંને વિધાન સૂચવે છે કે તે બીજા પ્રકારનું મરણ હતું જેનાથી બચવા માટે તે પ્રાર્થના કરી રહ્યા હતા.
બાઈબલ શારીરિક મરણ અને આત્મિક મરણ વિશે વાત કરે છે. યાકૂબનો પત્ર તેનો પહેલો અધ્યાય કહે છે, "જ્યારે પાપ પરિપક્વ થાય છે, ત્યારે તે મરણને જન્મ આપે છે." જ્યારે તમે પરીક્ષણમાં પડો છો અને શરણાગતિ સ્વીકારો છો, ત્યારે તે પાપ તરફ દોરી જાય છે, અને તે મરણમાં પરિણમે છે. પરીક્ષણની ક્ષણમાં આ મરણથી બચાવવા માટે ઈસુ કહી રહ્યા છે: કે કોઈ પણ રીતે - વિચાર, વલણ, હેતુ, શબ્દ અથવા કાર્યથી - પરીક્ષણનો પ્રતિભાવ આપવાથી પાપના આત્મિક મરણની ગંધ પણ આવતી નથી. પાપની ગંધ ન હોવી જોઈએ. કારણ કે તે સંપૂર્ણપણે શુદ્ધ બનવા, પિતાને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ઉત્સુક હતા, તેથી તેમણે મોટે અવાજે તથા આંસુસહિત પ્રાર્થના કરવી પડી.
નાઝરેથમાં 30 વર્ષ અને તેમના સેવાકાર્યમાં (તેમના દેહધારીપણાના બધા દિવસોમાં), તેમણે પ્રાર્થના કરી, "પિતા, હું ક્યારેય પાપ કરવા માંગતો નથી. હું ક્યારેય મારી પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માંગતો નથી, (તે બધા પાપનું મૂળ છે)." તેમણે ગેથસેમાનેમાં એ જ બાબત માટે પ્રાર્થના કરી અને સંઘર્ષ કર્યો, લોહીના મોટા ટીપાં જેવો પરસેવો પાડ્યો, કારણ કે તે ક્યારેય પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માંગતા નહોતા અને ઈશ્વર માટેના તેમના ડરને કારણે તેમનું સાંભળવામાં આવ્યું.
તો આ કલમ મુજબ ઈશ્વરના ડરનું ચિહ્ન શું છે? ઈશ્વરના ડરનું એક ચિહ્ન એ છે કે તમે ઉગ્રતાથી વિનંતી કરો છો કે તમે કોઈપણ રીતે ઈશ્વરને નારાજ કરશો નહીં. અને ઈસુ બચી ગયા, તેમની પ્રાર્થનાઓ સાંભળવામાં આવી, તેમણે ક્યારેય પાપ કર્યું નહીં. કદાચ આ જ કારણ છે કે આપણે પાપ કરીએ છીએ - કારણ કે આપણે તેનાથી બચવા માટે એટલા ઉત્સુક નથી. બાઈબલ કહે છે, "અનૈતિકતાથી નાસી જાઓ." અહીં ઈશ્વરીય જીવન જીવવાનું રહસ્ય રહેલું છે. પહેલું પગલું છે, "જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે." અને એક વચન છે: તમે ધરાશો. તેમાં કોઈ શંકા નથી.