written_by :   Zac Poonen categories :   The Church Knowing God
WFTW Body: 

નવા કરારનું સેવાકાર્ય જીવન દ્વારા વહેવું જોઈએ, બુદ્ધિ દ્વારા નહીં.

જૂના કરાર હેઠળ, ઈશ્વરે માણસોનો ઉપયોગ ત્યારે પણ કર્યો જયારે તેઓનું અંગત જીવન અનૈતિક હતું. સામસૂન પાપમાં જીવતો હતો તેમ છતાં તે ઈસ્રાએલીઓને બચાવી શક્યો. જ્યારે તેણે વ્યભિચાર કર્યો ત્યારે પણ ઈશ્વરના આત્માએ તેને છોડ્યો નહિ. જ્યારે તેણે તેના વાળ કાપી નાખ્યા અને ઈશ્વર સાથેનો કરાર તોડ્યો ત્યારે જ ઈશ્વરનો અભિષેક જતો રહ્યો. દાઉદને ઘણી પત્નીઓ હતી. તેમ છતાં ઈશ્વરનો અભિષેક તેના પર રહ્યો અને તેણે શાસ્ત્રના ભાગ પણ લખ્યા.

પરંતુ નવા કરારનું સેવાકાર્ય તદ્દન અલગ છે. કરિંથીઓને બીજો પત્ર 3 જૂના કરારના હેઠળની સેવાને નવા કરારના હેઠળની સેવા વચ્ચેનો તફાવત બતાવે છે. તફાવત મૂળભૂત રીતે આ છે: જૂના કરાર હેઠળ, યાજકો, નિયમોનો કાળજીપૂર્વક અભ્યાસ કરતા હતા અને લોકોને, ઈશ્વરે તેમના વચનમાં જે કહ્યું હતું તે શીખવતા હતા. પરંતુ નવા કરારમાં, આપણે ઈસુને અનુસરીએ છીએ જેઓ તેમના આંતરિક જીવન અને તેમના પિતા સાથેની સંગત દ્વારા ઈશ્વરનું વચન બોલ્યા હતા. જીવન દ્વારા સેવા કરવી અને જ્ઞાન દ્વારા ઉપદેશ આપવામાં ઘણો તફાવત છે.

કોઈપણ ઉપદેશક જે ફક્ત માહિતી બીજાઓને જણાવે છે તે જૂના કરારનો ઉપદેશક છે. તેણે આપેલી તમામ માહિતી સચોટ હોઈ શકે છે. પરંતુ જો તે પોતાના જીવન દ્વારા બીજાઓને જણાવી ન રહ્યો હોય તો તે નવા કરારનો સેવક નથી. જૂનો કરાર અક્ષરનો કરાર હતો જ્યારે નવો કરાર જીવનનો કરાર છે. અક્ષર મૃત્યુકારક છે, પણ આત્મા જીવનદાયક છે.

જૂના કરારમાં, ઈશ્વરે ઇઝરાયલને નિયમો આપ્યા હતા જેનું તેમણે પાલન કરવાનું હતું. પરંતુ નવા કરારમાં, ઈશ્વરે આપણને એક ઉદાહરણ આપ્યું‌ છે - ઈસુરૂપી વ્યક્તિમાં. તેમનું જીવન માણસોનું અજવાળું છે. આજે અજવાળું કોઈ સિદ્ધાંત કે ઉપદેશ નથી, પરંતુ ઈસુનું પોતાનું જીવન આપણા દ્વારા પ્રગટ થાય તે છે. આ સિવાય બીજું કંઈપણ અંધકાર છે - ભલે તે સુવાર્તિક સિદ્ધાંત કેમ ન હોય.

જૂના કરારમાં, ઈશ્વરનો લેખિત નિયમ અજવાળું હતું, જેમ કે આપણે ગીતશાસ્ત્ર 119:105 માં વાંચીએ છીએ. પરંતુ પછી શબ્દ સદેહ થયો અને ઈસુ પોતે જગતનું અજવાળું બન્યા (યોહાન 8:12) તેમનું જીવન માણસોનું અજવાળું હતું (યોહાન 1:4). પરંતુ ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે જ્યાં સુધી તેઓ પૃથ્વી પર છે ત્યાં સુધી જ તેઓ જગતનો પ્રકાશ બની શકે છે (યોહાન 9:5). હવે જ્યારે તેઓ સ્વર્ગમાં ગયા છે, ત્યારે તેમણે આપણને આ જગતના અજવાળા તરીકે મૂક્યા છે (માથ્થી 5:14). તેથી તે અજવાળું - આપણા જીવન દ્વારા બતાવવાની આપણી જવાબદારી ખૂબ મોટી છે.

જૂના કરારમાં મુલાકાતમંડપ મંડળીનું ચિત્ર હતું. જેમ તમે જાણો છો, મુલાકાતમંડપના ત્રણ ભાગો હતા - બહારનું આંગણું, પવિત્રસ્થાન અને પરમપવિત્રસ્થાન (જ્યાં ઈશ્વર વસે છે). બહારના આંગણાંમાંના લોકો એવા વિશ્વાસીઓનું પ્રતીક છે જેમના પાપો હમણાં જ માફ થયા છે. તેઓ તેમની સ્થાનિક મંડળીમાં કોઈ જવાબદારી લેતા નથી. તેઓ સભાઓમાં આવે છે, સંદેશાઓ સાંભળે છે, અર્પણ આપે છે, રોટલી ભાંગે છે અને ઘરે જાય છે. પવિત્રસ્થાનના લોકો તે છે જેઓ કોઈક રીતે મંડળીમાં સેવા આપવા માંગે છે - જેમ કે લેવીઓ જેઓ દીવો પ્રગટાવે છે અને વેદી પર ધૂપ મૂકે છે. પરંતુ જેઓ પરમપવિત્રસ્થાનમાં છે તે એ લોકો છે જેઓ નવા કરારમાં પ્રવેશ કરે છે, ઈશ્વર સાથે સંગત ઈચ્છે છે અને અન્ય શિષ્યો સાથે એક શરીરના થાય છે. તેઓ તેમના જીવન દ્વારા સેવા આપે છે અને ખરી કાર્યરત મંડળીનું નિર્માણ કરે છે, જે શેતાન સામે લડે છે અને ખ્રિસ્તના શરીરને શુદ્ધ રાખે છે. જો કે, ઘણી મંડળીઓમાં આવા કોઈ કેન્દ્રીય મહત્વના ભાગ નથી હોતા.

દરેક - શ્રેષ્ઠ અને સૌથી ખરાબ મંડળીમાં - બહારના આંગણામાં બેઠેલા લોકો એક જ પ્રકારના હશે - અધકચરા-હૃદયવાળા, દુન્યવી, સ્વકેન્દ્રી, દ્રવ્ય પ્રેમી અને આરામ અને મોજશોખના પ્રેમી. પરંતુ એક સારી મંડળીમાં એવા આગેવાનોનો મજબૂત આંતરિક મહત્વનો ભાગ હશે જેઓ ઈશ્વરીય છે. આ મહત્વનો ભાગ નક્કી કરે છે કે મંડળી કઈ દિશામાં જઈ રહી છે.

મુખ્ય મહત્વનો ભાગ સામાન્ય રીતે બે માણસોથી શરૂ થશે જેઓ એકબીજા સાથે જોડાઈને એક બની ગયા હોય. ઈશ્વર તેમની સાથે હશે અને મહત્વનો ભાગ કદ અને એકતામાં વધવા લાગશે. માનવ શરીર પણ માતાના ગર્ભાશયમાં બે અલગ અલગ એકમો સાથે શરૂ થાય છે. જેમ જેમ તે નાનો ગર્ભ મોટો થવા લાગે છે, કોષો બધા એકરૂપ રહે છે. પરંતુ જો કોઈપણ સમયે તે કોષો એકબીજાથી અલગ થાય છે, તો તે બાળકનો અંત હશે!

તે ખ્રિસ્તના શરીરને દર્શાવતા સ્થાનિક મંડળીના નિર્માણ જેવું જ છે. જો મહત્વનો ભાગ છૂટો પડી જાય, તો તે ખરી મંડળીનો અંત હશે, ભલે બાહ્ય માળખું એક સંસ્થા તરીકે ચાલુ રહે!

(ક્રમશઃ)