WFTW Body: 

દરરોજ, ઈશ્વરનું સાંભળવા માટે સમય કાઢો.

એક વાક્ય જે બાઇબલના પહેલા અધ્યાયમાં વારંવાર જોવા મળે છે તે આ છે: "અને ઈશ્વરે કહ્યું".

જ્યારે તેમણે અસ્તવ્યસ્ત પૃથ્વીનું પુનઃનિર્માણ કર્યું ત્યારે ઈશ્વરે તે પ્રથમ છ દિવસમાં દરેક વખતે કંઈક કહ્યું. અને જ્યારે પણ ઈશ્વર બોલ્યા, ત્યારે પૃથ્વી એક વધુ સારી જગ્યા બની.

તેથી, બાઇબલના પ્રથમ પૃષ્ઠ પર જ આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ સત્ય શીખીએ છીએ - કે આપણે દરરોજ ઈશ્વર શું કહેવા માંગે છે તે સાંભળવું જોઈએ. અને જો આપણે દરરોજ ઈશ્વર આપણને જે કહે છે તેને આધિન થઈએ, તો આપણે વધુ સારા અને વધુ ઉપયોગી ખ્રિસ્તીઓમાં રૂપાંતરિત થઈશું.

ઈશ્વર આપણને શું કહે છે તે સાંભળવા અને ફક્ત બાઇબલ વાંચવા વચ્ચે ઘણો તફાવત છે. યાદ રાખો, જેમણે ઈશ્વરને વધસ્તંભે જડ્યા હતા તેઓ એ લોકો હતા જેઓ દરરોજ તેમના બાઇબલનો અભ્યાસ કરતા હતા. તેઓએ તેમના બાઇબલોનો અભ્યાસ કર્યો પરંતુ તેઓએ ક્યારેય ઈશ્વરને તેમના હૃદય સાથે વાત કરતા સાંભળ્યા નહીં (પ્રેરિતોનાં કૃત્યો 13:27 જુઓ). આ તે જોખમ છે જેનો આપણે પણ સામનો કરીએ છીએ. અને પછી, આપણે તેમના જેવા અંધ બની શકીએ છીએ.

ઉત્પત્તિ 1 પણ આપણને શીખવે છે કે ઈશ્વર દરરોજ આપણી સાથે વાત કરવા માંગે છે.

પરંતુ મોટાભાગના ખ્રિસ્તીઓ દરરોજ ઈશ્વરનું સાંભળતા નથી. તેઓ ફક્ત માણસોના લખાણો વાંચે છે!

ઉત્પત્તિ 1 માં, આપણે વાંચીએ છીએ કે જ્યારે‌ પણ ઈશ્વર બોલ્યા ત્યારે અલૌકિક બાબતો થઈ. જો આપણે ઈશ્વરે આપણા પોતાના હૃદયને પ્રથમ જે કહ્યું છે, તેનો ઉપદેશ આપીએ, તો આપણા સેવાકાર્યમાં પણ તેવું જ બની શકે છે.

પાઉલે તિમોથીને કહ્યું કે જો તે પોતાની જાતને અને બીજાઓને બચાવવા માંગતો હોય તો તેના ઉપદેશ પહેલા, તે પોતાના જીવન પર ધ્યાન આપે (તિમોથીને પહેલો પત્ર 4:16). સ્વ-છેતરપિંડીથી બચવાનો એકમાત્ર માર્ગ એ છે કે ઈશ્વર આપણને શું કહે છે તે સાંભળવું.

ઈસુએ એક વખત માર્થાને ઠપકો આપ્યો કે તે મરિયમ, જે તેમના ચરણોમાં બેસીને તેમની વાત સાંભળતી હતી તેના જેવા બનવાને બદલે, તે ખૂબ જ કામમાં વ્યસ્ત રહે છે. આપણા પ્રભુએ આગળ કહ્યું કે મરિયમે જે કર્યું તે જીવનની‌ એક માત્ર જરૂરી બાબત હતી (લૂક 10:42). આપણે બધાએ શમુએલ જેવું વલણ રાખવું જોઈએ, જેણે કહ્યું હતું કે, "હે યહોવા, બોલો, કેમ કે તમારો સેવક સાંભળે છે".

બાઇબલના પહેલા પાનામાં આપણે શું જોયું? જ્યારે પણ ઈશ્વર બોલ્યા, તરત જ કંઈક સિદ્ધ થયું: અજવાળું થયું, પાણીમાંથી કોરી ભૂમિ બહાર દેખાઈ, વૃક્ષો, માછલીઓ અને પ્રાણીઓને ઉત્પન્ન કરવામાં આવ્યા, વગેરે.

યશાયા 55:10, 11 આપણને જણાવે છે કે ઈશ્વરના મુખમાંથી જે વચન નીકળે છે તે ઈશ્વરે જે ચાહ્યું તે (સિદ્ધ) કર્યા વિના, ને જે હેતુથી તેને મોકલ્યું છે તેમાં સફળ થયા વિના ક્યારેય ફોકટ પાછું વળશે નહીં.

આ કલમોમાં બે શબ્દો પર ધ્યાન આપો જે વિશ્વના તમામ લોકો માટે ખૂબ મૂલ્યવાન છે - "સિદ્ધિ" અને "સફળ".

આપણે બધા આપણા જીવનમાં કંઈક ને કંઈક સિદ્ધ કરવા ઈચ્છીએ છીએ અને આપણે બધા સફળ થવા માંગીએ છીએ. પરંતુ જીવન ટૂંકું છે‌ અને આપણી પાસે સફળતા અને સિદ્ધિ માટે વિવિધ પદ્ધતિઓનો પ્રયોગ કરવાનો સમય નથી - ચોક્કસપણે આત્મિક બાબતોમાં તો નથી જ. આપણે ઈશ્વરનું કાર્ય કરવાની કોઈ પદ્ધતિ અજમાવી ન જોઈએ અને 20 વર્ષ પછી આપણને ખબર પડે કે તે કરવાની ઈશ્વરની રીત નહોતી, અને આપણે ખોટા માર્ગ પર હતા! જો આપણે ઈશ્વર જે બોલે છે તે વચન સાંભળીએ તો આપણે આવા બધા સમયના બગાડમાંથી બચી શકીશું. તે હંમેશા સફળતા અને સિદ્ધિ લાવશે.