WFTW Body: 

જે કોઈપણ ઈશ્વરની સેવા કરે છે તે શેતાનના હુમલાઓનું લક્ષ્ય બનશે. આપણે ઈશ્વર માટે જેટલા ઉપયોગી થઈશું, તેટલા જ આપણા પર શત્રુ દ્વારા હુમલો કરવામાં આવશે. આપણે તેને ટાળી શકીશું નહીં. શેતાન નિંદા, ખોટા આરોપો અને બનાવટી વાતો દ્વારા આપણા પર હુમલો કરશે. અને તે આપણી પત્નીઓ અને આપણા બાળકો પર પણ હુમલો કરશે.

ઈસુ વિશે લોકોએ તેમના જીવનકાળ દરમિયાન શું કહ્યું હતું અને તેઓ આજે પણ તેમના વિશે શું કહે છે તેનો વિચાર કરો. તેઓએ તેમને ખાઉધરા અને દારૂબાજ (લૂક 7:34), ઘેલો (માર્ક 3:21), ભૂત વળગેલો (યોહાન 8:48) અને ભૂતોનો સરદાર (માથ્થી 12:24) અને આવા ઘણા દુષ્ટ નામો કહ્યા. તેઓએ કહ્યું કે બાઇબલ અને મૂસાએ જે શીખવ્યું તેની વિરુદ્ધનો ઉપદેશ તે આપે છે (યોહાન 9:29). આ રીતે તેઓએ લોકોને ઈસુનું સાંભળવાથી દૂર કરી દીધા. પરંતુ તેમણે ક્યારેય આવા લોકોને જવાબ આપવાની તસ્દી લીધી નથી. તેમણે ક્યારેય એક પણ અંગત આરોપનો જવાબ આપ્યો નથી. આપણે પણ ન આપવો જોઈએ. ઈસુએ માત્ર સૈદ્ધાંતિક પ્રશ્નોના જવાબ આપ્યા. આજે પણ લોકો આપણા પ્રભુ વિશે અનૈતિક વાતો કહે છે. પરંતુ ઈશ્વર તેમનો ન્યાય કરવા નીચે આવતા નથી.

તેઓએ પાઉલને એક પાખંડી અને ખોટા પ્રબોધક તરીકે ઓળખાવ્યો જે એક એવા પંથનો હતો કે જેની વિરુદ્ધ લોકો સર્વ સ્થળે બોલે છે (પ્રેરિતોનાં કૃત્યો 24:14; 28:22). આમ તેઓએ લોકોને પાઉલની વાત સાંભળવાથી પણ દૂર રાખ્યા.

મંડળીના ઈતિહાસમાં ઈશ્વરના દરેક મહાન માણસ સાથે - જ્હોન વેસ્લી, ચાર્લ્સ ફિની, વિલિયમ બૂથ, વોચમેન ની અને ઈશ્વરના દરેક અન્ય સાચા પ્રબોધક સાથે આમ જ બન્યું છે.

શું આપણે ઈસુ જેવા બનવા માટે આવી કિંમત ચૂકવવા તૈયાર છીએ? કે શું હજુ પણ આપણે માણસો તરફથી માન મળે તેવું ઈચ્છીએ છીએ?

આપણા વિષે ગેરસમજ ઊભી થાય, આપણને ખોટા સમજવામાં આવે, ખોટા આરોપો મૂકવામાં આવે અને જાહેરમાં અપમાનિત થવું પડે તે બધા દ્વારા ઈશ્વર આપણને તોડે છે. આવા તમામ સંજોગોમાં, જે માણસો આપણને હેરાન કરે છે તેમની તરફ જોવાનો આપણે ઇનકાર કરવો જોઈએ. તેઓ આપણા ભાઈઓ અથવા આપણા શત્રુઓ હોઈ શકે છે. તેમાં કશો વાંધો નથી. દરેક યહૂદા ઇશકારિયોતના હાથની પાછળ, આપણા સ્વર્ગીય પિતા હોય છે જેઓ આપણને પીવા માટે પ્યાલો આપે છે. જો આપણે આવી પરિસ્થિતિઓમાં પિતાનો હાથ જોઈશું, તો આપણે આનંદથી તે પ્યાલો પીશું, ભલે તે ગમે તેટલો કડવો અને પીડાદાયક કેમ ના હોય. પરંતુ જો આપણે ફક્ત યહૂદાને જ જોઈશું, તો આપણે (પિતરની જેમ) આપણી તલવાર કાઢીશું અને લોકોના કાન (અથવા તેમની પ્રતિષ્ઠા) અથવા ગમે તે કાપી નાખીશું.

જ્યારે આપણા પર હુમલો કરવામાં આવે છે અથવા ખોટો આરોપ મૂકવામાં આવે છે, ત્યારે ઈશ્વર ઇચ્છે છે કે આપણે તેમના શક્તિશાળી હાથ હેઠળ પોતાને નમ્ર કરીએ. એકવાર આપણે જોઈશું કે ત્યાં માણસનો નહીં પણ ઈશ્વરનો હાથ છે, તો તે કરવું સરળ છે.

પાછલા વર્ષો દરમિયાન, મેં "વિશ્વાસીઓ" ને મારા વિશે અને મારા શિક્ષણ વિશે તમામ પ્રકારની ખરાબ વાતો કહેતા સાંભળ્યા છે. તેઓએ મારા અને મારા પરિવારના સભ્યો પર ખોટા આક્ષેપો કર્યા છે અને મારી વિરુદ્ધ લેખો અને પુસ્તકો પણ લખ્યા છે. પરંતુ પ્રભુએ હંમેશા મને કહ્યું છે કે તેઓને ક્યારેય જવાબ ન આપો. તેથી હું ચૂપ રહ્યો છું. પરિણામે પ્રભુએ મારામાં અને મારા કુટુંબના સભ્યો બંનેમાં શુદ્ધિકરણનું એક મહાન કાર્ય કર્યું છે! ઈશ્વર આપણા સારા માટે દુષ્ટના કાર્યને સફળ થવા દે છે.

હું જાણું છું કે, ઈશ્વર તેમના સમયમાં તે વાદળોને દૂર કરશે અને સૂર્યને ચમકાવશે. પરંતુ તેઓ જ સમય નક્કી કરે છે, હું નહીં (જેમ આપણે પ્રેરિતોનાં કૃત્યો 1:7 માં વાંચીએ છીએ). ત્યાં સુધી, મારું કાર્ય તેમના શક્તિશાળી હાથ નીચે મારી જાતને નમ્ર કરવાની છે. કોઈની સામે મારી જાતને ન્યાયી ઠેરવવાનું મારું કામ નથી. એકવાર હું તે કરવાનું શરૂ કરીશ, મારી પાસે બીજું કંઈ કરવાનો સમય નહીં હોય.

પાઉલે એલેકઝાન્ડર કંસારા વિશે કહ્યું તેમ, ઈશ્વર પોતે એક દિવસ આપણા શત્રુઓને તેમના કામ પ્રમાણે બદલો આપશે (તિમોથીને બીજો પત્ર 4:14). તેથી આપણે વેરની આવી બાબતો તેમના હાથમાં સુરક્ષિત રીતે સોંપી શકીએ છીએ (રોમનોને પત્ર 12:19).

સર્વ બાબતો ઈશ્વરને સોંપી દેવી ઉત્તમ છે. તેઓ જાણે છે કે તેઓ શું કરી રહ્યા છે અને બધું જ તેમના નિયંત્રણમાં છે. તેઓ આપણામાં ઈસુ જેવી પ્રતિમા બનાવવા માટે ખડકને છીણી રહ્યા છે. ખડકના કેટલાક ભાગો ખૂબ જ સખત હોય છે અને તે ભાગોને છીણવા માટે તેમણે ખોટા આરોપો અને સતાવણીનો ઉપયોગ કરવો પડે છે. જો આપણે તેમની છીણીને આધીન થઈશું, તો આપણે અંતમાં આત્મિક અધિકાર સહિત, ખ્રિસ્ત જેવા માણસો બનીશું.

જ્યારે યહૂદાએ ઈસુને પરસ્વાઘીન કર્યા, ત્યારે ઈસુ તેને "મિત્ર" કહી શક્યા, કારણ કે તેમણે પોતાના પિતાનો હાથ સ્પષ્ટપણે જોયો. જો આપણે આપણા બધા સંજોગોમાં ઈશ્વરની સર્વોપરિતાને જોઈશું , તો આપણી જાતને નમ્ર કરવી સરળ બનશે. અને યોગ્ય સમયે આપણને ઊંચા ઉઠાવવા ઈશ્વર માટે સરળ બનશે. આપણા ખભા પરથી દબાણ ઉપાડવાનો અને આપણને તેમનો અધિકાર આપવાનો યોગ્ય સમય ઈશ્વર જાણે છે. તો ચાલો તેની રાહ જોઈએ. તેમની રાહ જોનારા ક્યારેય નિરાશ થશે નહીં કે લજવાશે નહિ (યશાયા 49:23).