written_by :   Zac Poonen categories :   The Home Knowing God Disciples
WFTW Body: 

જ્યારે શેતાનને પતિ-પત્ની વચ્ચે આવવા દેવામાં આવે છે, ત્યારે તેમનું લગ્નજીવન એક ઉજ્જડ વેરાન જેવું બનવા લાગે છે. નીતિવચનો 24:30-32 કહે છે, “હું આળસુના ખેતર પાસે થઈને તથા બેવકૂફ માણસની દ્રાક્ષાવાડી પાસે થઈને જતો હતો; મેં જોયું તો તેમાં બધે ઝાંખરાં ઊગી નીકળ્યાં હતાં, તેની સપાટી ગોખરુઓથી ઢંકાઈ ગયેલી હતી, અને તેની પથ્થરની ભીંત તૂટી પડેલી હતી. તે પર મેં સારી રીતે વિચાર કર્યો; હું સમજ્યો, અને મને શિખામણ મળી.”

જ્યારે બગીચાની ઉપેક્ષા કરવામાં આવે છે, ત્યારે ત્યાં ઝડપથી જંગલી વનસ્પતિઓ ઉગી નીકળે છે. આપણે બગીચામાં નીંદણ, કાંટા અને થોર વાવવાની જરૂર પડતી નથી કારણ કે તે પોતાની મેળે જ ઉગી નીકળે છે. જો તમે બે ઘરો પાસેથી પસાર થાઓ અને જુઓ કે તેમાંથી એકનો બગીચો સુંદર છે અને બીજાનો બગીચો ગોખરુથી છવાયેલો અને ઉજ્જડ વેરાન જેવો દેખાય છે, તો તમે એવું નહીં માની લો કે સુંદર બગીચો આપોઆપ બની ગયો છે. સુંદર બગીચો ધરાવનાર માણસે તેને સુંદર બનાવવા માટે સખત મહેનત કરી હશે અને કષ્ટ વેઠ્યું હશે. તેનાથી વિપરીત, તમે એવું નહીં માનો કે ઉજ્જડ બગીચાવાળા માણસે તેને એવો બનાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો છે – તેનો બગીચો ફક્ત ઉપેક્ષાને કારણે વેરાન બની ગયો છે.

લગ્નજીવનમાં પણ આ જ સિદ્ધાંત લાગુ પડે છે. જો તમે કોઈ સુંદર લગ્નજીવન જુઓ છો, તો તમે ખાતરી રાખી શકો છો કે તે આપોઆપ સુંદર નથી બન્યું. પતિ અને પત્ની બંનેએ તેને સુંદર બનાવવા માટે મહેનત કરી છે. પતિ અને પત્ની બંને સતત 'નીંદણ' (ખરાબ બાબતો) દૂર ન કરે અને તેને નિયમિતપણે 'પાણી' ન આપે, ત્યાં સુધી કોઈપણ લગ્નજીવન સુંદર બગીચા જેવું બની શકે નહિ. જો તમે તમારા લગ્નજીવનની ઉપેક્ષા કરશો, તો તે આપોઆપ ઉજ્જડ વેરાન બની જશે.

જો તમે સાવધ નહીં રહો, તો શેતાન તમારા ઘરમાં – ધીમે ધીમે પણ ચોક્કસપણે – તમારા લગ્નજીવનના સંબંધને નષ્ટ કરવા માટે લૂંટારાની જેમ આવશે. તે રાતોરાત નહીં થાય. વેરાન પ્રદેશ માત્ર બે કે ત્રણ દિવસમાં બનતો નથી. તમને કદાચ એમ લાગે કે બધું બરાબર ચાલે છે, પરંતુ જો તમે તમારા લગ્નજીવનના વિકાસમાં અને તેની સંભાળ લેવામાં આળસ કરશો, તો સમય જતાં તે ચોક્કસપણે ઉજ્જડ બની જશે.

જો તમારો બગીચો પહેલેથી જ એક વેરાન વગડો બની ગયો હોય તો હવે શું કરી શકાય? ચાલો આપણે વિચારીએ કે કેવી રીતે એક વેરાન પ્રદેશને ફરીથી બગીચામાં ફેરવી શકાય છે.

ઈશ્વર આપણને બે મહાન વચનો આપે છે. પ્રથમ યશાયા 51:3 છે - "તેના રણને એદન સરખું, ને તેના વનને યહોવાની વાડી સરખું કર્યું છે." આ કેટલું અદ્ભુત વચન છે! પ્રભુને પ્રાર્થના કરો કે તેઓ તમારા જીવનમાં આ પૂર્ણ કરે. જો તમે માંગશો નહીં, તો તમને મળશે નહીં. યાકૂબ 4:2 કહે છે, "તમારી પાસે કઈ નથી, કારણ કે તમે માંગતા નથી." પ્રભુને વિનંતી કરો કે તેઓ તમારા વેરાન જીવનને તેમના વચન મુજબ એદન વાડીમાં ફરીથી સ્થાપિત કરે.

બીજું વચન હઝકીએલ 36:34-36 માંથી આવે છે: "વળી જે જમીન ઉજ્જડ પડેલી હતી તે જો કે પાસે થઈને જનાર સર્વની નજરમાં વેરાન સમાન લાગતી હતી, તોપણ તેમાં ખેડાણ થશે. તેઓ કહેશે કે, ‘આ ભૂમિ જે વેરાન હતી તે હમણા એદન વાડી જેવી થઈ પડી છે; હું યહોવા બોલ્યો છું, ને હું તે કરીશ." આ એક એવા લગ્નજીવનની વાત કરે છે જે એટલું ખરાબ છે કે બહારથી પસાર થતા લોકો પણ તેની સ્થિતિ જોઈ શકે છે. પરંતુ ઈશ્વર કહે છે કે તેઓ આવા વેરવિખેર લગ્નજીવનને પણ ફરીથી સ્થાપિત કરશે, અને જેઓએ તેને ઉજ્જડ જોયું હતું તેઓ કહેશે કે હવે તે એદન વાડી જેવું બની ગયું છે.

આ અદ્ભુત વચનો વાંચ્યા પછી, એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે તમે પવિત્ર આત્માની મદદ વિના તમારા લગ્નજીવનના વેરાન રણને બગીચામાં ફેરવી શકશો નહીં - લગ્ન સલાહકારની તકનીકો દ્વારા કે ઘણા પુસ્તકો વાંચીને નહીં, પરંતુ માત્ર પવિત્ર આત્માની મદદથી જ. ઈશ્વરે આપણને હઝકીએલ 36:26 માં તેમના પવિત્ર આત્માનું વચન આપ્યું છે: "“હું તમને નવું હ્રદય પણ આપીશ, ને હું તમારી અંદર નવો આત્મા પણ મૂકીશ. અને હું તમારા દેહમાંથી પાષાણમય હ્રદય દૂર કરીશ, ને હું તમને માંસનું હ્રદય આપીશ.” ઉત્પત્તિ 2:10 માં આપણે વાંચીએ છીએ કે એદન વાડીમાં એક નદી વહેતી હતી. તે નદી આપણા લગ્નજીવનના બગીચાની મધ્યમાં વહેતા પવિત્ર આત્માનું પ્રતીક છે, જે બધું જ નવું અને તાજું બનાવે છે.

જ્યારે આપણે આપણા વેરાન જીવનને બગીચામાં ફેરવવાની આપણી પોતાની લાચારી સ્વીકારીએ છીએ અને મદદ માટે ઈશ્વરને પોકારીએ છીએ, ત્યારે તેઓ આપણને મદદ કરશે! ગીતશાસ્ત્ર 127:1 કહે છે, "જો યહોવા ઘર ન બાંધે, તો તેને બાંધનારાઓનો શ્રમ વ્યર્થ છે." જો પ્રભુ આપણને મદદ ન કરે તો આપણા લગ્નજીવનને બગીચો બનાવવાના આપણા તમામ પ્રયત્નો વ્યર્થ જશે. અને જો અત્યારે આપણી પાસે બગીચો (સુખી જીવન) હોય, તો પણ જો પ્રભુ તેનું રક્ષણ ન કરે, તો આપણે તેને વેરાન બનતા અટકાવી શકીશું નહીં.

આજે તમારા લગ્ન સંબંધોની સ્થિતિ કેવી છે? શું તે એક અરણ્ય જેવું બની ગયું છે? શું તમે આશા છોડી દીધી છે કે તમારું લગ્ન જીવન ફરી ક્યારેય બગીચા જેવું સુંદર બની શકે છે? શું તમે એવું કહો છો કે, "મારા જીવનસાથી સાથે આવો સુંદર બગીચો બનાવવો અશક્ય છે"? શેતાન બરાબર આવું જ ઈચ્છે છે કે તમે તે બોલો.

પરંતુ આપણે ક્યારેય આશા છોડવી જોઈએ નહીં. હવે જ્યારે તમે પુનઃસ્થાપના માટેના ઈશ્વરના વચનો જોયા છે, ત્યારે વિશ્વાસ સાથે તમારા લગ્ન જીવન માટે તેનો દાવો કરો.

હઝકિયેલ 36:37 કહે છે: “પ્રભુ યહોવા કહે છે કે, વળી ઇઝરાયલ લોકોની આ વિનંતી પણ હું સાંભળીને તેમને માટે તે પ્રમાણે કરીશ. હું તેમના ઘેટાંના ટોળાની જેમ મનુષ્યોની વૃદ્ધિ કરીશ.”

જ્યારે આપણે ઈશ્વરને કહીએ છીએ, ત્યારે જ તે આપણા માટે તે કાર્ય કરે છે. તેથી, તમારે પ્રભુ પાસે આવીને કહેવું જોઈએ: "પ્રભુ, મને વિશ્વાસ છે કે તમે મારા લગ્ન જીવનમાં આ કરી શકો છો! હું આશા છોડીશ નહીં."