WFTW Body: 

“હવે, દીકરાઓ, મારું સાંભળો; કેમ કે મારા માર્ગો પાળનારને ધન્ય છે. શિખામણ સાંભળીને જ્ઞાની થાઓ, અને તેનો નકાર કરશો નહિ. જે માણસ મારું સાંભળે છે (જે મારી વાત ધ્યાનથી સાંભળે છે), દરરોજ મારા દરવાજા પાસે લક્ષ રાખે છે...તેને ધન્ય (ખુશ) છે” (નીતિવચનો 8:32-34). ઈશ્વરના વચનમાં 'ધન્ય' શબ્દનો અર્થ હંમેશા 'ખુશ' થાય છે. જ્ઞાનના ચોક્કસ નિયમો હોય છે અને જો તમે તે નિયમોનું પાલન કરો છો, તો તમે ખરેખર ખુશ થશો. આ ફકરો "દરરોજ લક્ષ રાખવા" કેમ કહે છે? કારણ કે હું ઈશ્વરનું બધું જ્ઞાન એક જ સાથે મેળવી શકતો નથી. આપણે તેને કેવળ રોજ પ્રાપ્ત કરી શકીએ છીએ. ઈસુએ માથ્થી 6:34 માં કહ્યું હતું કે, દહાડાને સારું તે દહાડાનું દુઃખ બસ છે. દરરોજ આપણે લોકો તરફથી, આપણા સંજોગોમાંથી, શેતાનથી અને આપણા દેહમાં રહેલી લાલસાને લીધે ચોક્કસ દુષ્ટતાનો સામનો કરવાના છીએ. અને જો હું જ્ઞાન પ્રાપ્ત કરવા માંગુ છું, તો મારે દરરોજ વધસ્તંભ ઉંચકવો પડશે. ઈસુએ કહ્યું, "તેણે પોતાનો નકાર કરવો જોઈએ અને દરરોજ પોતાનો વધસ્તંભ ઉંચકવો જોઈએ," જેથી મારો રોજિંદા દુષ્ટતાનો હિસ્સો (મને ભ્રષ્ટ કરવા અને બાકીની માનવજાતની જેમ મને દૂષિત કરવાને બદલે) જ્ઞાનમાં ફેરવાઈ જાય.

શું તમે જાણો છો કે હીરા કોલસામાંથી બને છે? તે કોલસા જેવો જ પદાર્થ છે. તે કાર્બન છે જે ઘણી સદીઓથી પૃથ્વીના દબાણ હેઠળ છે. જે પદાર્થ કોલસો બનાવે છે તે જ પદાર્થ હીરો પણ બનાવે છે. તે કાળા, કદરૂપા કોલસાને કિંમતી અને મૂલ્યવાન વસ્તુમાં રૂપાંતરિત કરવાની વાત છે. એમ કહેવાય કે જો હું દરરોજ વધસ્તંભ ઊંચકું તો મારા રોજિંદા દુષ્ટતાના હિસ્સાને ઈશ્વરના જ્ઞાન અને મહિમામાં રૂપાંતરિત કરી શકાય. જે માણસ જ્ઞાનના દરવાજા પર દરરોજ લક્ષ આપે છે અને સાંભળે છે તે ધન્ય છે, કારણ કે જ્ઞાન તમને એકસાથે એક જ જથ્થામાં ન આપી શકાય. એફેસીઓને પત્ર 5:15-16 જ્ઞાન વિશે કહે છે: "કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની જેમ નહિ, પણ ડાહ્યા માણસની જેમ, ચાલો. સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ભૂંડા છે." તે અહીં કહે છે - દરેક દિવસ ખરાબ છે. તેથી, દરરોજ તમારા ભાગે આવતા આ હિસ્સાનો પૂરો ઉપયોગ કરો. મરવાની એક પણ તક ગુમાવશો નહીં. જો તમે એક પણ ચૂકી જાઓ છો, તો તમે ઈશ્વરના મહિમામાંથી કંઈક ગુમાવશો. તમારા માર્ગે આવતો હિસ્સો સ્વીકારો કારણ કે ઈશ્વરે તે નક્કી કર્યું છે. તેમણે તે અચાનક નક્કી કર્યું નથી. આજે જે દુષ્ટતાનો હિસ્સો તમારા ભાગે આવ્યો છે, ભલે તે તમારા માટે આશ્ચર્યજનક હોય, તે ઈશ્વર માટે આશ્ચર્યજનક ન હતો. તે હિસ્સો આપણા જન્મ પહેલાં આપણા માટે નિયુક્ત કરવામાં આવ્યો હતો જેથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ.

બહુ ઓછા લોકો એવા છે જે સમજે છે કે જ્ઞાન કેવી રીતે મેળવવું કારણ કે તેઓ વધસ્તંભનો માર્ગ સમજી શકતા નથી. "જે માણસ મારું સાંભળે છે, દરરોજ મારા દરવાજા પાસે લક્ષ રાખે છે...તેને ધન્ય છે." જેમ મેનેજિંગ ડિરેક્ટરના દરવાજાની બહાર બેઠેલા તાલીમાર્થી તેમને સાંભળવાની રાહ જુએ છે. એવા બનો, દરરોજ જ્ઞાનની રાહ જુઓ. આખો દિવસ આપણું વલણ એવું જ હોવું જોઈએ: "પ્રભુ, આજે મને જ્ઞાન આપો. બસ એટલું જ. હું તમને દુઃખમાંથી મુક્તિ અપાવવા માટે નથી કહેતો. હું તમને જીવનમાં સરળ માર્ગ આપવા માટે નથી કહેતો. પ્રભુ, મને જ્ઞાન આપો. આજે તમે મારા માટે જે યોજના બનાવી છે તે પૂર્ણ કરવામાં મને મદદ કરો."

તમે કેવી રીતે જાણો છો કે ઈશ્વરે તમને આશીર્વાદ આપ્યા છે? નીતિવચનો 8:35 મુજબ, જ્યારે તમે ઈશ્વરનું જ્ઞાન મેળવો છો ત્યારે. જ્યારે તમને પ્રમોશન, સારી નોકરી કે આ પૃથ્વીની કોઈ પણ વસ્તુ મળે છે ત્યારે નહીં. ના. જ્યારે તમને જ્ઞાન મળે છે ત્યારે તમને પ્રભુની કૃપા મળે છે. જ્યારે તમે ઈશ્વરની ધીરજ, શુદ્ધતા, શાંતિ અને તેમની નમ્રતા પ્રાપ્ત કરો છો, જે જ્ઞાનના ગુણો છે (યાકૂબનો પત્ર 3:17).

નીતિવચનો 8:36 માં કહેવામાં આવ્યું છે, "જે મારી વિરુદ્ધ ભૂલ કરે છે તે પોતાને નુકસાન પહોંચાડે છે." એનો અર્થ એ થાય કે જો આપણે જીવન એવી રીતે જીવીએ કે જ્ઞાન મેળવવાનું જ ચૂકી જઈએ, તો આપણી પાસે ગમે તે હોય - બાઇબલનું જ્ઞાન પણ - તો આપણે સાચે જ આપણી જિંદગી બગાડી નાખી. આપણને કોઈ મોટી નોકરી મળી હશે અથવા આપણે કોઈ સભાના આદરણીય સભ્યો હોઈએ, પરંતુ જો આપણે આપણા પૃથ્વી પરના જીવનમાં ઈશ્વરના જ્ઞાનનો ભાગ લેવાનું ચૂકી ગયા હોઈએ તો આપણે જીવનની મુખ્ય વસ્તુ ગુમાવી દીધી છે. જો મેં એક દિવસનો જ્ઞાનનો ભાગ ગુમાવ્યો હોય જે ઈશ્વરે મને પ્રાપ્ત કરવા માટે નક્કી કર્યો હતો, તો મેં તે અનંતકાળ માટે ગુમાવી દીધો છે. હું તે ફરી ક્યારેય મેળવી શકતો નથી. ઈશ્વર મને ગઈકાલે જે જ્ઞાન આપવા માંગતા હતા, તે હું ફરીથી મેળવી શકતો નથી. તે જતું રહ્યું છે. ઈશ્વરે નક્કી કર્યું છે કે મને રોજ એક નિશ્ચિત પ્રમાણમાં જ્ઞાન મળે, અને જો મને તે ન મળે, તો હું તે ચૂકી ગયો છું. હું તે અનંતકાળ માટે ચૂકી ગયો છું. હું આજે આજનું જ મેળવી શકું છું અને હું આવતીકાલે આવતીકાલનું મેળવી શકીશ, પરંતુ હું ગઈકાલનું મેળવી શકતો નથી. ઈશ્વર પોતે મને તે પાછું આપી શકતા નથી. તેથી જ તે કહે છે કે આપણે સમયનો મહત્તમ ઉપયોગ કરવો પડશે કારણ કે દિવસો ભૂંડા છે. મને દરરોજ તે દુષ્ટતાને જ્ઞાનમાં રૂપાંતરિત કરવાનું શીખવા દો.