WFTW Body: 

આપાણી ઉત્કંઠા પરમેશ્વરને વધારે ને વધારે સારી રીતે જાણવાની હોવી જોઈએ, કારણ કે એ જ અનંતજીવન છે. આપણે પરમેશ્વરને વધારે ને વધારે જાણવામાં આપણો આખો અનંતકાળ ગાળવાનાં છીએ. આ જ કારણ છે કે જે કોઈની ઉત્કંઠા પરમેશ્વરને જાણવાની છે તેને અનંતકાળ કંટાળાજનક લાગશે નહીં. ઉપરાંત આપણું પૃથ્વી પરનું જીવન પણ આપણને ક્યારેય કંટાળાજનક લાગશે નહીં. આવો આપણે ઉત્પત્તિના બીજા અધ્યાયમાં પરમેશ્વરે જે રીતે આદમ સાથે વ્યવહાર કર્યો, તેમાંથી પરમેશ્વરના જીવન અને માર્ગો વિષે કંઈક શીખીએ. ત્યાં આપણે જોઈએ છીએ કે એ પરમેશ્વર હતા કે જેમણે આદમની પત્ની માટેની જરૂરીયાત જોઈ અને તેમણે તેની જરૂરીયાત પૂરી પાડી અને તેના માટે સ્ત્રી બનાવી. પરમેશ્વરનો સ્વભાવ કેવો છે તે આપણે ત્યાં જોઈએ છે. લોકોની જરૂરીયાતો માટે પરમેશ્વર હંમેશા સજાગ રહે છે અને તે પૂરી પાડવા પોતાનાથી જે કરી શકાય તે બધું જ કરે છે. જ્યારે આપણે આ દિવ્ય-સ્વભાવનાં ભાગીદાર થઈએ છીએ ત્યારે આપણે પણ એવા જ બની જઈએ છીએ - જેઓ આપણી આસપાસ છે તેઓની જરૂરીયાતો અને તેઓની સમસ્યાઓ તરફ હંમેશા સજાગ રહીએ છીએ અને તે જરૂરીયાતો પૂરી પાડવા આપણાથી શક્ય બધું જ કરીએ છીએ! ઘણીવાર આમાં આપણા પક્ષે મોટા પ્રમાણમાં બલિદાન આપવાનું સામેલ થશે. તેથી આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે આ દિવ્ય-સ્વભાવમાં ભાગીદાર થવા શું આપણે કિંમત ચૂકવવા તૈયાર છીએ?

આપણો વારસારૂપી આદમનો સ્વભાવ એ દિવ્ય-સ્વભાવની તદ્દન વિરુદ્ધ છે. આદમનું જીવન સંપૂર્ણપણે સ્વાર્થી છે અને તે ફક્ત આપણી પોતાની જરૂરીયાતો અને આપણા પોતાના કુટુંબનાં સભ્યોની જરૂરીયાતો તરફ જ આપણને સજાગ રાખે છે. હકીકતમાં તે એટલું બધું સ્વાર્થી અને ઈર્ષાળુ છે કે બીજાઓની જરૂરીયાતો અન્ય વ્યક્તિ દ્વારા પણ પૂરી પાડવામાં ન આવે એવું ઇચ્છે છે. ઉલ્ટામાં, લોકોને તકલીફ વેઠતાં જોઈને તે આનંદીત થાય છે.

જ્યારે માણસે પાપ કર્યુ, ત્યારે પરમેશ્વરે કરૂબોને બધી જ દિશાઓમાં ફરી શકે એવી તરવારથી સજ્જ કરીને જીવનના વૃક્ષની આગળ મૂક્યા કે જેથી તેઓ વૃક્ષની વાટનું રક્ષણ કરે. જીવનનું ઝાડ એ અનંતજીવનનું પ્રતિક છે - પરમેશ્વરને જાણવાનું. જીવનના ઝાડની સામે તરવાર મૂકીને પરમેશ્વર આદમને પ્રતિકાત્મક રૂપે દેખાડી રહ્યાં હતા કે હવે પછી જો જીવનના ઝાડના ભાગીદાર કોઈએ થવું હોય, તો તેણે પોતાના સ્વાર્થી જીવન પર તરવાર પડવાનો અનુભવ કરવો પડશે. ઉત્પત્તિ ૩:૨૧ માં આપણે વાંચીએ છીએ કે આદમ અને હવા એ પાપ કર્યુ કે પછી તરત જ પરમેશ્વરે એદનમાં એક પશુને કાપ્યું અને તે પશુના ચામડાં માથી વસ્ત્ર બનાવીને તેમને પહેરાવ્યાં. પરમેશ્વર ત્યાં પણ તેમને એ જ પાઠ શીખવી રહ્યાં હતા કે હવે તેઓ બલિદાન અને મરણનાં એકમાત્ર માર્ગ દ્વારા જ વસ્ત્ર પહેરી શકશે. આદમ અને હવાએ "મરણ" વગર જ પહેલાં માત્ર અંજીરીના પાંદડા સીવીને વસ્ત્ર રૂપે પહેરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પર્મેશ્વરે તે પાંદડાઓ તેમનાથી દૂર ફેંકી દીધા અને તેમને કપડાં પહેરવાનો સાચો રસ્તો જણાવ્યો. તેથી આપણે જોઈએ છીએ કે પરમેશ્વર શરૂઆતથી જ ભાર મૂકતાં જણાવે છે કે માણસને તેમની સાથે સંગત કરવા અને તેમના સ્વભાવને પહેરવા બલિદાન જરૂરી છે.

કાઈનને પર્મેશ્વરે જણાવ્યું કે તેની મૂળભૂત સમસ્યા એ હતી કે તેણે પોતાના ભાઈ હાબેલનું "ભલુ ઈચ્છયુ નહીં" (ઉત્પત્તિ ૪:૭ માર્જિન). યહુદા એલોકો વિશે વાતો કરે છે કે જેઓ "કાઈનના માર્ગે" ચાલે છે (યહુદા ૧૧). તેઓ કોણ છે? તેઓ એ જ છે કે જેઓ પોતાના ભાઈઓનું ભલું ઈચ્છતા નથી. આ બાબતમાં પોતાની આત્મિક ચકાસણી કરવી એ આપણાં બધા માટે સારું છે. શું તમે ઈમાનદારીથી એવું કહી શકો છો કે, તમારી સ્થાનિક મંડળીમાં તમારા ભાઈઓ, બહેનો અને તેમના કુટુંબોનું તમે સર્વશ્રેષ્ઠ ઈચ્છો છો? શું તમે એવું પણ કહી શકો છો કે, અન્ય માંડળીક-સંપ્રદાયોમાંના વિશ્વાસીઓ કે જેમને તમે ઓળખો છો તેઓનું પણ તમે સર્વશ્રેષ્ઠ ઈચ્છો છો? તે પછી વર્તુળને વધુ મોટું કરો અને તમારી જાતને પૂછો કે શું તમે તમારા સગાંઓ, તમારા શત્રુઓ અને જેમણે તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડ્યું છે તે સહિત તમે જેને જાણો છો તે તમામ લોકો માટે સર્વશ્રેષ્ઠ ઈચ્છો છો? જ્યારે કોઈ બીજા વ્યક્તિ કે તેના બાળકો સાથે કંઈક સારું થાય ત્યારે જો તમને આનંદ થવા બદલે તમારા હૃદયમાં ખલેલ પહોંચે છે અથવા જો તેને કે તેના પરિવારને કંઈક ખરાબ થાય ત્યારે જો તમે તમારા હૃદયમાં શોકને બદલે આનંદ અનુભવો છો, તો આવા વલણો શું સૂચવે છે? ફક્ત એટલું જ કે આદમનું જીવન તમારામાં જીવંત તથા સક્રિય છે.

જો તમે પોતાની જાત સાથે પ્રામાણિક હશો, તો તમને તરત ખબર પડશે કે તમે કાઈનના માર્ગે છો કે નહિ. જો તમે ચાહો છો કે પરમેશ્વરનો અગ્નિ અને અભિષેક સતત તમારા પર રહે, તો જ્યારે પણ તમે તમારી અંદર તે આદમરૂપી દુષ્ટ જીવનને જુઓ તો તેને ત્યારે જ મોતને ઘાટ ઉતારી દેવું.

ઘઉંનો દાણો જ્યારે જમીન પર પડીને સંપૂર્ણપણે મરે છે, ત્યારે તે ઘણાં ફળો ઉપજાવે છે. જે વ્યક્તિ પોતામાં સંપૂર્ણપણે મુએલો છે, તેની સાથે ભલે પછી બીજાઓ કાંઈ કરે કે ના કરે, તે ક્યારેય નારાજ થશે નહીં. તે હંમેશા બધાનું ભલું જ ઇચ્છશે. તે પોતાના હિતસંબંધી કોઈપણ બાબતમાં ક્યારેય ગુસ્સો કરશે નહીં અને તે ક્યારેય કોઈની સાથે ઝઘડો કરશે નહીં. તે ક્યારેય પોતે દૂ:ખી થઈને પોતાના માટે એક પણ આંસુ પાડશે નહીં - માટે, સાચે જ, મરેલા લોકો તેમની કબરોમાં રડતાં નથી!!

જ્યારે તેણે પોતાના ભાઈનું ભલું ઇછ્યું નહિ ત્યારે કાઈનનો ચહેરો રોષે ભરાયેલો અને ઉતરી ગયેલો હતો (ઉત્પત્તિ ૪:૬). ઘણીવાર આપણને એનો કદાચ ખ્યાલ ન આવે, પણ આપણા હૃદયોમાં જે વલણ હોય છે તે આપણા ચહેરાઓ પર દેખાય આવે છે. જો તમે સઘળાનું ભલું જ ઈચ્છો છો, તો તમારો ચહેરો હંમેશા પ્રભુના આનંદથી ચમકતો રહેશે. ઘણા વિશ્વાસીઓ કાઈનના માર્ગે ચાલી રહ્યાં છે. તેઓના નબળા હાસ્યો અને હોઠો માંથી આવતા "પ્રભુની સ્તુતિ થાઓ" રૂપી સંબોધનની નીચે, તેમના સાથી-વિશ્વાસીઓ પ્રત્યેનાં અનુચિત વલણો દેખાય આવે છે. જ્યારે લોકો તમારી વિરુદ્ધ થઈ જાય અને તમારું ભૂંડું કરે, ત્યારે પરમેશ્વર તમને તમારા હૃદયની ખરી સ્થિતિનું સ્કૅન બતાવતા માટે તેઓનો ઉપયોગ કરતાં હોય છે. જો તમે તેમને પ્રેમ કરી શકતા નથી, તો તમારા હૃદયનું-સ્કૅન એમ બતાવે છે કે તમે પરમેશ્વરના સ્વભાવના ભાગીદાર થયાં નથી, કારણ કે પરમેશ્વરનો સ્વભાવ એવો છે કે જે પોતાના શત્રુઓને પણ પ્રેમ કરે છે. ઈસુ યહુદા-ઇસ્કારીયોતનું પણ ભલું ઈચ્છતા હતા.

પરમેશ્વર સઘળાં માણસોનું સર્વશ્રેષ્ઠ જ ઈચ્છે છે. સુવાર્તાનો સુભસંદેશ એ જ છે કે આપણે પણ તેમના સ્વભાવના ભાગીદાર થઈ શકીએ છીએ. જેમણે સુવાર્તાને આ રીતે નથી સમજી, તેમણે સુવાર્તાને ખરા અર્થમાં સમજી જ નથી.