written_by :   Zac Poonen categories :   The Home Knowing God Disciples
WFTW Body: 

"ન્યાય" શબ્દની ગેરસમજને કારણે - અન્યનો ન્યાય કરવો યોગ્ય છે કે નહીં તે વિશે ખ્રિસ્તીઓમાં ઘણી ગેરસમજ છે.

વિશ્વાસીઓ તરીકે, આપણે અન્ય લોકોનો ન્યાય એવા અર્થમાં કરવો જોઈએ કે આપણે લોકોને પારખી શકીએ. ઈશ્વરનું વચન કહે છે કે, જ્યારે આપણે કોઈને ઉપદેશ આપતા સાંભળીએ છીએ, ત્યારે આપણે "તેના સંદેશ પર ચુકાદો આપવો જોઈએ" (1 કરિંથીઓને પત્ર 14:29). તેથી પવિત્ર આત્મા વાસ્તવમાં આપણને દરેકના ઉપદેશનો ન્યાય કરવા આદેશ આપે છે. ખ્રિસ્તી જગતમાં આજે ઘણા છેતરપિંડી કરનારા પ્રચારકો દ્વારા છેતરાઈ જવાથી બચી જવાનો આપણા માટે આ એકમાત્ર રસ્તો છે.

ઈશ્વરનું વચન એમ પણ કહે છે, "દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પરંતુ આત્માઓ ઈશ્વર પાસેથી છે કે નહિ એ વિષે તેઓને પારખી જુઓ (ન્યાય કરો) કેમ કે જગતમાં જુઠા પ્રબોધકો ઘણા નીકળ્યા છે" (1 યોહાન 4:1).

ઈસુએ એ પણ જણાવ્યું કે આપણે બીજાનો ન્યાય કેવી રીતે કરવો. તેમણે કહ્યું, "ચુકાદો આપવામાં પ્રામાણિક રહો, દેખાવ પ્રમાણે ન્યાય ન કરો, પણ યથાર્થ અને ન્યાયીપણાથી ન્યાય કરો." (યોહાન 7:24 - એમ્પ્લીફાઈડ બાઈબલ ).

તો પછી જ્યારે ઈસુએ એમ પણ કહ્યું, "કોઈને દોષિત ન ઠરાવો" (માથ્થી 7:1) ત્યારે ઈસુના કહેવાનો અર્થ શું હતો,?
"ન્યાય" શબ્દનો અર્થ "દોષ દેવો " (મૂળ ગ્રીકમાં) પણ થાય છે. આ કલમનો એમ્પ્લીફાઇડ બાઇબલનો અનુવાદ આ પ્રમાણે છે: "તમે કોઈને દોષિત ન ઠરાવો, એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે" (માથ્થી 7:1).
અને ઈસુએ પોતાના વિશે કહ્યું, (એમ્પ્લીફાઇડ બાઇબલ અનુવાદ)– “હું કોઈને દોષિત ઠરાવતો નથી કે સજા કરતો નથી"(યોહાન 8:15).

તેથી બીજાઓને (બોલીને અથવા મનમાં) દોષિત ઠરાવવા અને સજા કરવી તે પ્રતિબંધિત છે. એકલા ઈશ્વરને તે કરવાનો અધિકાર છે.પરંતુ આપણે પરીક્ષા કરવી જોઈએ અને પારખવું જોઈએ.

ઈસુ વિશે ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે તે ક્યારેય “પોતાની આંખે જોયા પ્રમાણે ઇન્સાફ કરશે નહિ, ને પોતાને કાને સાંભળ્યા પ્રમાણે નિર્ણય કરશે નહિ પણ ન્યાયીપણાથી લોકોનો ઇન્સાફ કરશે " (યશાયા 11:3, 4). આપણે પણ તેમના ઉદાહરણને અનુસરવું જોઈએ અને આપણે જે જોઈએ છીએ અથવા સાંભળીએ છીએ તેના આધારે કોઈ પણ વસ્તુ અથવા કોઈનો ન્યાય ક્યારેય ન કરવો જોઈએ. આપણે કોઈ બાબતની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ અને પછી કોઈપણ પક્ષપાત વિના, ન્યાયીપણાથી ન્યાય કરવો જોઈએ.

આપણને ઈશ્વરના કુટુંબના સભ્યો તરીકે પણ એ કહેવામાં આવે છે કે આપણે પહેલા આપણી જાતનો ન્યાય કરવો જોઈએ (1 પિતર 4:17). પરંતુ આપણે આપણી અંદર જોઈને પોતાનો ન્યાય કરવાનો નથી. ના. આપણે ઈસુનું ઉદાહરણ જોવાનું છે અને તેમના જીવનના પ્રકાશમાં, આપણી પોતાની ખામીઓ જોવાની છે - અને પછી આપણી જાતનો ન્યાય કરવો જોઈએ. જેમ લખેલું છે, "પ્રભુ, તમારા પ્રકાશમાં, અમે પ્રકાશ જોઈશું" (ગીતશાસ્ત્ર 36:9).

ઈશ્વરના પ્રકાશમાં પોતાનો ન્યાય કરવો એ સૌથી મહત્વપૂર્ણ પાઠ છે જે આપણે ખ્રિસ્તી જીવનમાં શીખવો જોઈએ. ઘણા લોકો આ ક્યારેય શીખતા નથી અને તેથી તેઓ ક્યારેય આત્મિક પ્રગતિ કરતા નથી.

એક અદ્ભુત વચન છે, કે જેઓ હવે વિશ્વાસુપણે પોતાનો ન્યાય કરે છે તેઓનો અંતિમ દિવસે ઈશ્વર દ્વારા ન્યાય કરવામાં આવશે નહીં: "જો આપણે પોતાની પરીક્ષા કરીએ, તો આપણો ન્યાય કરવામાં નહીં આવે" (1કરિંથીઓને પત્ર 11:31).

જો કે આપણે બીજાઓનો ન્યાય કરતા નથી, તોપણ આપણે પાપ સામે સખત પ્રચાર કરવો જોઈએ. ઈસુએ ચોક્કસ પાપો જેવા કે ગુસ્સો, વાસના ભરેલી આંખો, પૈસાને પ્રેમ કરવો, ચિંતા, ભય, દુષ્ટ વિચારો, જૂઠું બોલવું,માણસો મધ્યે માનની આશા રાખવી, પોતાના દુશ્મનોને ધિક્કારવા વગેરે (માથ્થી 5, 6 અને 7) વિરુદ્ધ સખત રીતે વાત કરી છે. ઈન્ટરનેટ પોર્નોગ્રાફી જોવી- જેવા આધુનિક પાપો સામે પણ લોકોને દોષિત ઠરાવ્યા વગર આપણે બોલવું જોઈએ . ઈસુ જગતનો ન્યાય કરવા માટે આવ્યા ન હતા પરંતુ જગતનું તારણ થાય માટે આવ્યા હતા (યોહાન 3:17). એકલા ઈશ્વર જ બધા માણસોના ન્યાયાધીશ અને સજા આપનાર છે (યાકૂબ 4:12)