written_by :   Zac Poonen categories :   The Church Knowing God Disciples
WFTW Body: 

પ્રભુ ઈસુએ તેમના શિષ્યોને જે પ્રાર્થના શીખવી, તે પ્રાર્થનામાં સૌ પ્રથમ વિનંતી એ છે કે, "તમારું નામ પવિત્ર મનાઓ." પ્રભુ ઈસુના હૃદયની આ પ્રાથમિક ઝંખના હતી. તેમણે પ્રાર્થના કરી "હે પિતા, તમારા નામનો મહિમા પ્રગટ કરો" અને વધસ્તંભનો માર્ગ પસંદ કર્યો કારણ કે તે પિતાના મહિમા માટે હતો (યોહાન 12:27, 28). એક સર્વોપરી ઈચ્છાએ પ્રભુ ઈસુના જીવનને સંચાલિત કરી - પિતાનો મહિમા.

તેમણે જે કંઈ કર્યું તે પિતાના મહિમા માટે હતું. તેમના જીવનમાં પવિત્ર અને દૈહિક એવા કોઈ અલગ ભાગો ન હતા. બધું પવિત્ર હતું. જેમ તેમણે ઈશ્વરના મહિમા માટે મેજ અને પાટલીઓ બનાવી તેમ જ તેમણે ઈશ્વરના મહિમા માટે ઉપદેશ આપ્યા અને બીમારોને સાજા કર્યા. દરેક દિવસ તેમના માટે એકસરખા પવિત્ર હતા; અને રોજિંદા જીવનની જરૂરિયાતો પર ખર્ચવામાં આવતા પૈસા, ઈશ્વરના કામ અથવા ગરીબોને આપવામાં આવતા પૈસા જેટલા જ પવિત્ર હતા.

ઈસુ દરેક સમયે સંપૂર્ણ શાંતિમાં રહેતા હતા, કારણ કે તેમણે ફક્ત પિતાનો મહિમા શોધ્યો હતો અને ફક્ત તેમના પિતાની મંજૂરીની કાળજી લીધી હતી. તે તેમના પિતાના મુખ સામે જોઈને જીવતા હતા અને માણસો તરફથી મળતા માન અથવા વખાણની પરવા કરતા નહોતા. જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે, ઈસુએ કહ્યું (યોહાન 7:18).

દૈહિક ખ્રિસ્તી, ભલે તે ઈશ્વરનો મહિમા શોધવાનો દેખાવ કરતો હોય અથવા ઢોંગ કરતો હોય, ખરેખર, ઊંડે ઊંડે તે પોતાને માન મળે એમાં રસ ધરાવે છે. બીજી બાજુ, ઈસુએ ક્યારેય પોતાના માટે કોઈ માનની ઈચ્છા રાખી નહીં.

જે માણસની ચતુરાઈથી ઉદ્દભવે છે અને માણસના કૌશલ્ય અને પ્રતિભા દ્વારા હાથ ધરવામાં આવે છે, તેનો અંત હંમેશા માણસને મહિમા આપવામાં આવશે. જે જીવમાંથી ઉત્પન્ન થાય છે તે જીવ ને જ મહિમા આપશે.

પરંતુ અનંતકાળના યુગમાં સ્વર્ગમાં અથવા પૃથ્વી પર એવું કંઈ હશે નહીં જેનાથી કોઈ પણ માણસને માન અથવા ગૌરવ મળે.

દરેક બાબત જે સમય સામે ટકી રહે છે અને અનંતકાળના દરવાજામાં પ્રવેશે છે તે ઈશ્વર તરફથી, ઈશ્વર દ્વારા અને ઈશ્વર માટે હશે.

જ્યાં સુધી ઈશ્વરનો સંબંધ છે ત્યાં સુધી, કોઈપણ કાર્ય પાછળનો જે હેતુ છે તે, કાર્યને મહત્વ અને યોગ્યતા આપે છે.

આપણે શું કરીએ છીએ તે મહત્વનું છે, પરંતુ આપણે તે શા માટે કરીએ છીએ તે વધુ મહત્વનું છે.

ઈસુએ તેમની યોજના પ્રાપ્ત કરવા માટે તેમના પિતાની રાહ જોઈ, અને તે યોજનાને અમલમાં મૂકવાનું સામર્થ્ય મેળવવા માટે પણ પિતાની રાહ જોઈ, જેથી તેમણે ઈશ્વરના સામર્થ્યમાં તેમના પિતાની બધી ઈચ્છા પૂરી કરી. પરંતુ તે જ સઘળું ન હતું. ઈસુએ તેમની કેટલીક મહાન સિદ્ધિઓ પછી પ્રાર્થના પણ કરી - તેમના પિતાને મહિમા આપવા. તેમણે તેમના શ્રમનું ફળ તેમના પિતાને બલિદાન તરીકે અર્પણ કર્યું. તેમણે પોતાના માટે મહિમાની આશા ન રાખી, અને જ્યારે તેમને મહિમા આપવામાં આવ્યો ત્યારે તેમણે તે સ્વીકાર્યો નહી (યોહાન 5:41; 8:50). જ્યારે તેમની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાઈ, ત્યારે તેમણે તેમના પિતાને મહિમા આપવા માટે એકાંતે અરણ્યમાં પ્રાર્થના કરવા ગયા. (લૂક 5:15,16). તે પોતે તે મહિમાને ક્યારેય સ્વીકારશે નહીં તે તેમણે નક્કી કર્યું હતું.

સતત રાખવામાં આવેલા આવા વલણનું પરિણામ એ આવ્યું કે પૃથ્વી પર ઈસુના જીવનના અંતે, તે પ્રામાણિકપણે કહી શક્યા, પિતા મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યા છે (યોહાન 17:4).

તે એક માણસ તરીકે પિતાને મહિમા આપવા પૃથ્વી પર આવ્યા હતા. તે દરેક દિવસ તેમના ઉદ્દેશ્ય સાથે જીવતા હતા. તેમણે નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરી કે એકલા પિતાને જ મહિમા મળે, પછી ભલે તેમને ગમે તે કિંમત ચૂકવવી પડે. અને છેવટે તે મરણ પામ્યા કે જેથી જેમ આકાશમાં તેમ પૃથ્વી પર પિતાને માન, મહિમા અને ગૌરવ આપવામાં આવે.

આપણે આપણી જાતને પૂછવું જોઈએ:

શું હું ફક્ત ઈશ્વરને જ મહિમા આપવા માટે જીવું છું અને શ્રમ કરું છું?