WFTW Body: 

જે માણસ ઈશ્વર પર આધાર રાખે છે તે માણસની તુલના બાઈબલ એક એવા વૃક્ષ સાથે કરે જે તેનું પોષણ ભૂગર્ભ નદીમાંથી મેળવે છે (યર્મિયા 17:5-8). ઈસુ આ રીતે જીવ્યા - એક માણસ તરીકે તેમના આત્મિક સંસાધનો હંમેશા પવિત્ર આત્મા (ઈશ્વરની નદી) માંથી મેળવ્યા.

પરીક્ષણ પર ઈસુનો વિજય, માનવીય સંકલ્પ દ્વારા નહોતો થયો, પરંતુ તેમણે ક્ષણ-ક્ષણ પિતા પાસેથી સામર્થ્ય મેળવ્યું હતું. સ્વ-નકારની જે રીતનો ઈસુએ નમૂનો પૂરો પાડ્યો અને શીખવ્યું તે આત્માને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવો તે નથી, ના. તે તો બૌદ્ધ ધર્મ, અને યોગ પ્રમાણે છે, અને જેટલું પૃથ્વીથી આકાશ અલગ છે તેટલું જ તે શાસ્ત્રના શિક્ષણથી અલગ છે.

ઈસુએ શીખવ્યું કે આપણે જે રીતે જીવવું જોઈએ અને જે રીતે ઈશ્વરની સેવા કરવી જોઈએ તે કરવાનું સામર્થ્ય મનુષ્ય તરીકે આપણી પાસે નથી. તેમણે કહ્યું કે આપણે નિઃસહાય ડાળીઓ જેવા છીએ જે ફળ ઉત્પન્ન કરવા માટે વૃક્ષ દ્વારા પૂરું પાડવામાં આવતા રસ પર સંપૂર્ણપણે આધારિત હતી. "મારાથી નિરાળા રહીને," તેમણે કહ્યું, "તમે કંઈ કરી શકતા નથી" (યોહાન 15:5). અને તેથી, પવિત્ર આત્માની મદદ વિના આપણે જે કરીએ છીએ તે કંઈપણ નથી એમ ગણી શકાય. અહીં "સતત પવિત્ર આત્માથી ભરપૂર" રહેવાની મહત્વપૂર્ણ આવશ્યકતા રહેલી છે (એફેસીઓને પત્ર 5:18).

ઈસુ પોતે પવિત્ર આત્માથી ભરપૂર અને અભિષિક્ત થયા હતા (લૂક 4:1, 18), અને તે આત્માના સામર્થ્યમાં તેમના પિતા માટે જીવ્યા અને મહેનત કરી. પરંતુ આ ફક્ત એટલા માટે શક્ય હતું, કે એક માણસ તરીકે, તે આત્મામાં રાંક હતા.

ઈસુએ જે માનવ સ્વરૂપ સ્વીકાર્યું હતું તેની નબળાઈ વિશે તે સભાન હતા. તેથી, તે સતત એકાંતમાં જઈને પ્રાર્થના કરવાની તકો શોધતા હતા. કોઈએ કહ્યું છે કે, જેમ પ્રવાસીઓ શહેરમાં પ્રવેશે ત્યારે સારી હોટેલો અને મહત્વપૂર્ણ સ્થળોની શોધ કરે છે, તેમ ઈસુએ એકાંત સ્થળોની શોધ કરી જ્યાં તે પ્રાર્થના કરી શકે.

તેમણે પરીક્ષણ પર વિજય મેળવવા અને પોતાની દૈહિક શક્તિનો નકાર કરવા માટે સામર્થ્યની માંગ કરી. દેહની સંપૂર્ણ નબળાઈ પ્રત્યે, ઈસુ જેટલા સભાન હતા, તેટલું સભાન બીજું કોઈ માણસ ન હતું. અને તેથી તેમણે મદદ માટે પ્રાર્થનામાં પિતાનું મુખ શોધ્યું જેવું બીજા કોઈ માણસે ક્યારેય કર્યું ન હતું. તેમણે તેમના દેહધારીપણાના દિવસોમાં "મોટે અવાજે અને આંસુ" સહિત પ્રાર્થના કરી. પરિણામ એ આવ્યું કે અન્ય કોઈ માણસ કરતાં ઘણું વધારે બળ તેમને પિતા પાસેથી પ્રાપ્ત થયું. આમ, ઈસુએ ક્યારેય પાપ કર્યું નથી અને તે ક્યારેય તેમના પોતાના આત્મા પ્રમાણે જીવ્યા નથી (હિબ્રૂઓને પત્ર 4:15; 5:7-9).

શું તે નોંધપાત્ર નથી કે સુવાર્તાઓમાં 25 વખત, ઈસુના સંબંધમાં "પ્રાર્થના" અથવા "પ્રાર્થના કરી" શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તેમાં તેમના જીવન અને તેમની મહેનતનું રહસ્ય છુપાયેલું છે.

ઈસુએ તેમના જીવનની મહાન ઘટનાઓ પહેલા જ પ્રાર્થના કરી ન હતી, પરંતુ તેમની કેટલીક મહાન સિદ્ધિઓ પછી પણ તેમણે પ્રાર્થના કરી. પાંચ હજાર લોકોને ચમત્કારિક રીતે ખોરાક આપ્યા પછી, તે પ્રાર્થના કરવા માટે પહાડો પર પાછા ગયા. એમાં કોઈ શંકા નથી કે પરિપૂર્ણ કાર્ય પર અભિમાન અથવા આત્મસંતુષ્ટતાના પરીક્ષણથી બચવા, અને તેમના પિતાની રાહ જોઈને નવું સામર્થ્ય પામવા તેઓ એમ કરી રહ્યા હતા (યશાયા 40:31). આપણે સામાન્ય રીતે ઈશ્વર માટે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવાનું હોય તે પહેલાં જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. પરંતુ જો આપણે એ આદત કેળવીશું કે જે ઇસુમાં હતી, એટલે આપણું કાર્ય પૂર્ણ કર્યા પછી પિતા સમક્ષ રાહ જોવાની, તો આપણે આપણી જાતને ઘમંડથી બચાવી શકીશું અને આ રીતે ઈશ્વર માટે મોટા કાર્યો કરવા માટે સજ્જ થઈશું.

ઈસુનું જીવન જેટલું વધુ વ્યસ્ત બન્યું, તેટલી તેમણે વધારે પ્રાર્થના કરી. એવા સમય હતા જ્યારે તેમની પાસે ખાવાનો અથવા આરામ કરવાનો સમય નહોતો (માર્ક 3:20; 6:31, 33, 46), પરંતુ તે હંમેશા પ્રાર્થના કરવા માટે સમય કાઢતા હતા. તે જાણતા હતા કે ક્યારે સૂવું અને ક્યારે પ્રાર્થના કરવી, કારણ કે તેમણે આત્માના સંકેતોનું પાલન કર્યું.

અસરકારક પ્રાર્થના માટે આત્મામાં રાંક હોવું એ પૂર્વશરત છે. પ્રાર્થના એ માનવીય લાચારીની અભિવ્યક્તિ છે, અને જો પ્રાર્થનાને માત્ર ધાર્મિક વિધિ ન સમજતા તેને અર્થપૂર્ણ બનાવવી હોય, તો ખ્રિસ્તી જીવન જીવવા અથવા ઈશ્વરની સેવા કરવા માટે માનવ સંસાધનોની અપૂર્ણતાની સતત સમજ હોવી જોઈએ.

ઈસુએ પ્રાર્થનામાં ઈશ્વરનું સામર્થ્ય મેળવવા માટે સતત પ્રયત્ન કર્યો, અને ક્યારેય નિરાશ ન થયા. આમ તેમણે પ્રાર્થના દ્વારા એવી બાબતો સિદ્ધ કરી કે જે તે અન્ય કોઈ રીતે પણ સિદ્ધ કરી શક્યા ન હોત.