“શેતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે ઈશ્વરનાં સર્વ હથિયારો સજો.” એફેસીઓને પત્ર 6:11
આપણામાંના ઘણા લોકોએ આ કલમ સાંભળી છે અને “ઉદ્ધારનો ટોપ” અને “ન્યાયીપણાના બખ્તર” વિશે વાંચ્યું છે. પરંતુ તમને કદાચ ખબર નહિ હોય કે આ બખ્તર પહેરનાર પ્રથમ વ્યક્તિ પોતે ઈસુ હતા.
“તેમણે જોયું કે કોઈ માણસ નથી, ને કોઈ મધ્યસ્થ નથી; તે જોઈને તે વિસ્મય પામ્યા, ને તેમણે પોતાને માટે પોતાને જ હાથે તારણ સાધ્યું; અને તેમનું પોતાનું ન્યાયીપણું તે તેમનો આધાર થયું. પ્રભુએ બખતર તરીકે ન્યાયીપણું સજ્યું, ને ટોપ તરીકે માથા પર તારણ રાખ્યું” યશાયા 59:16-17.
આ ઈસુ વિશેની એક જૂના કરારની ભવિષ્યવાણી છે જેનો પાઉલ એફેસીઓને પત્રના અધ્યાય 6 માં ઉલ્લેખ કરે છે.
પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે તે કલમ દર્શાવે છે કે ઈસુ આપણા માટે મધ્યસ્થી કરવા ઈશ્વરના હથિયાર સજે છે. અને હવે તે આપણને મધ્યસ્થી કરવાના તેમના ઉદાહરણને અનુસરવાનું કહે છે.
રોજિંદા જીવનમાં શસ્ત્રવાહકો
જૂના કરારના શાસ્ત્રો અને પ્રાચીન સમયમાં, એક યોદ્ધા પાસે ઘણીવાર એક શસ્ત્રવાહક રહેતો હતો—એક શાંત, અનામી મદદગાર જે શસ્ત્ર વહન કરતો હતો, જોખમમાં નજીક રહેતો હતો અને ખાતરી રાખતો કે જરૂર પડે ત્યારે યુદ્ધ માટે યોદ્ધો સંપૂર્ણપણે સજ્જ છે. આ ચિત્ર ઈસુ, જે આપણા માટે મધ્યસ્થી કરવા માટે સદાકાળ જીવતા રહીને આપણા માટે શસ્ત્રવાહક બન્યા તેમના સંપૂર્ણ ઉદાહરણને અનુસરે છે અને તે આપણા જીવનસાથીઓ, બાળકો અને મંડળી પરિવાર વતી મધ્યસ્થ બનવાના આપણા તેડાંને બંધબેસતું છે. (હિબ્રૂઓને પત્ર 7:25)
આપણે આપણા જીવનમાં દરરોજ આવી લડાઈઓ જોઈએ છીએ:
· નિરાશા, સ્વ-દયા, ચિંતા, મુશ્કેલ કાર્ય અથવા નાણાકીય પરિસ્થિતિથી દબાયેલ જીવનસાથી
· અસલામતી, છુપાયેલા પાપ અથવા શાળામાં પડકારજનક પરિસ્થિતિ સાથે ઝઝૂમતુ બાળક
· પાપથી પરાજિત થયેલ અથવા ક્યારેક ઝેર સમાન પાપ વિશે અજાણ એવા ભાઈ કે બહેન.
આપણો પ્રતિભાવ દૂરથી ટીકા ન કરવાનો હોવો જોઈએ, પરંતુ શસ્ત્રવાહક બનવું જોઈએ જે કહે છે, "તમારી લડાઈ મારી લડાઈ છે. તમારી નબળાઈ મારી નબળાઈ છે. હું તમારી સાથે ઊભો રહીશ જેમ ઈસુ મારી સાથે ઊભા રહ્યા છે.”
મધ્યસ્થી કરનાર પ્રેમની નિશાની #1: હું 100% તમારી સાથે રહીશ
1 શમુએલ 14 માં, યોનાથન ફક્ત તેના શસ્ત્રવાહક સાથે પલિસ્તી ચોકી પર હુમલો કરવા જાય છે, વિશ્વાસના જોખમી કાર્યમાં બે તીક્ષ્ણ ખડકો વચ્ચે ચઢીને કહે છે, "કદાચ યહોવા આપણને સહાય કરશે; કેમ કે થોડાની મારફતે કે ઘણાની મારફતે બચાવવાને યહોવાને કંઈ અડચણ નથી" (1 શમુએલ 14:6). તેનો શસ્ત્રવાહક ખરેખર અદભૂત પ્રતિભાવ સાથે જવાબ આપે છે: "જે કંઈ તમારા મનમાં હોય તે કરો; ચાલો, જુઓ, હું તમારી ઇચ્છા પ્રમાણે તમારી સાથે [આવું] છું" (1 શમુએલ 14:7).
· પત્નીઓ: જ્યારે તમારા પતિ આત્મિક યુદ્ધમાં ઉતરે છે, ત્યારે શું તમારી પ્રતિક્રિયા, "હું સંપૂર્ણપણે તમારી સાથે છું," કે શું તમે શંકા અને ભય વાવો છો?
· પતિઓ: જ્યારે તમારી પત્ની સંઘર્ષ કરી રહી હોય, ત્યારે શું તમે ટીકાત્મક અને દૂર રહો છો, અથવા જાણે તેની નબળાઈ તમારી પોતાની હોય તેમ દખલ કરો છો?
· ભાઈઓ અને બહેનો: જ્યારે તમારા વડીલો કોઈ કસોટીમાંથી પસાર થાય છે અને પ્રભુમાં વિશ્વાસ રાખીને મુશ્કેલ નિર્ણયો લે છે, ત્યારે શું તમે તેમને શસ્ત્રવાહક તરીકે ટેકો આપો છો અથવા ટીકાકારો તરીકે પાછળ ઊભા રહો છો?
ઈસુ આપણને દોષ મૂકવાના આત્મા સામે ચેતવણી આપે છે: આપણે આપણા ભાઈની આંખમાં એક તણખલું જોઈએ છીએ જ્યારે ન્યાયચુકાદાનો ભારોટિયો આપણી આંખમાં છે. પરંતુ આ વાત દોષ લગાવવાના ભારોટિયાથી છુટકારો મેળવવાથી સમાપ્ત થતી નથી. તે ત્યારે સમાપ્ત થાય છે જ્યારે આપણે પોતાને દોષ મૂકવાના આત્માથી મુક્ત કરીને આપણા ભાઈની આંખમાંથી તણખલું દૂર કરીએ છીએ. જ્યારે આપણે એવી સ્થિતિમાં આવીએ છીએ જ્યાં આપણા ભાઈનો તણખો આપણી પોતાની આંખમાં હોય તેવું લાગે છે ત્યારે જ એ બની શકે છે. "આપણે આ બોજને બાજુ પર મૂકી દઈએ અને ઈસુ તરફ જોઈને સાથે દોડીએ" (હિબ્રૂઓને પત્ર 12:1). તમારો બોજ હવે ફક્ત તમારો નથી, તે હવે આપણો બોજ છે.
યાકૂબનો પત્ર 5:20 કહે છે કે, "પાપીને તેના ભૂલભરેલા માર્ગથી જે પાછો ફેરવે છે, તે એક પ્રાણને મોતથી બચાવશે, અને પાપના પુંજને ઢાંકશે." આ રીતે પ્રેમ ઘણા પાપોના પુંજને ઢાંકે છે (પિતરનો પહેલો પત્ર 4:8). પ્રેમ પાપને અવગણતો નથી; તે પસ્તાવા અને પુન:સ્થાપન માટે લડે છે.
યહૂદાનો પત્ર 1:22-23 કહે છે, "કેટલાક જેઓ [તમારી સાથે] વાદવિવાદ કરે છે તેઓને ઠપકો આપો. અને કેટલાકને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવો; અને કેટલાક પર ભયસહિત દયા રાખો, ને દેહથી ડાઘ લાગેલા વસ્ત્રનો તિરસ્કાર કરો." મધ્યસ્થી કરનાર પ્રેમ પાપથી ભ્રષ્ટ થવાથી સાવધ રહે છે, છતાં દયાથી ભરેલો છે અને જે પાપ પ્રિયજનને ખાઈ રહ્યું છે તેમાંથી બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરે છે.
મધ્યસ્થી કરનાર પ્રેમની નિશાની #2: હું વાત ઓછી કરીશ અને પ્રાર્થના વધુ કરીશ.
એક પ્રકારનો "શાંત પ્રચાર" છે જેની પવિત્રશાસ્ત્ર પ્રશંસા કરે છે. પિતરનો પહેલો પત્ર 3:1-2 કહે છે, "એ જ પ્રમાણે સ્ત્રીઓ, તમે તમારા પતિઓને આધીન રહો. જેથી જો કોઈ [પતિ સુવાર્તાનાં] વચન માનનાર ન હોય, તો તેઓ પોતાની સ્ત્રીઓનાં આચરણથી, એટલે તમારાં મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને [સુવાર્તાનાં] વચન વગર મેળવી લેવાય.” શું તમે જાણો છો કે તમે એક પણ શબ્દ બોલ્યા વિના આત્મા જીતી શકો છો?
જ્યારે તે "એ જ પ્રમાણે" કહે છે, ત્યારે જે ઉદાહરણ અનુસરવા જેવું છે તે પિતરનો પહેલો પત્ર 2:23 માં થોડી કલમો પહેલા છે જ્યાં તે ઈસુ વિશે આ કહે છે - "તેમણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહિ. દુ:ખો સહન કરીને ધમકી આપી નહિ, પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધા."
આનો અર્થ એ છે કે આ નમૂનો ફક્ત પત્નીઓ માટે જ નથી, કારણ કે આપેલ ઉદાહરણ ઈસુ છે. મધ્યસ્થી કરનાર પ્રેમનો અર્થ ઘણીવાર લોકોને ઓછા શબ્દો કહેવા અને ઈશ્વરને વધુ શબ્દો કહેવા તે હોય છે.
ઈશ્વરના હથિયારનું વર્ણન કર્યા પછી પાઉલ શું કહે છે તે જોવાનું રસપ્રદ છે, જે આપણને આ હથિયારના વ્યાપક હેતુનો સંકેત આપે છે. ઈશ્વરના હથિયાર પરની કલમો પછી, પાઉલ એફેસીઓને પત્ર 6:18 માં કહે છે: "આત્મામાં સર્વ પ્રકારે તથા બધો વખત પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અર્થે બધા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો." મારી જાતને ફક્ત મારા માટે ઊભા રહેવા માટે જ નહિ, પરંતુ બીજાઓ માટે યુદ્ધમાં પ્રાર્થના કરવા માટે—મારા પોતાના ઘરથી શરૂ કરીને અને પછી મારી મંડળી અને સમુદાયમાં આગળ વધવા માટે ઈશ્વરના હથિયાર સજવા એ એક ક્રાંતિકારી વિચાર છે.
એ જ રીતે, યશાયા આપણને આ પ્રકારની મધ્યસ્થીના સંઘર્ષનું સુંદર ચિત્ર આપે છે.
યશાયા 62:1 "જ્યાં સુધી સિયોનનું ન્યાયીપણું [પ્રભાતના] તેજ સમું પ્રદીપ્ત નહિ થાય, અને યરૂશાલેમનું તારણ સળગતી મશાલની જેમ પ્રદીપ્ત નહિ થાય, ત્યાં સુધી હું છાનો રહીશ નહિ, અને હું વિશ્રામ લઈશ નહિ."
આ કલમમાં "સિયોન" અને "યરૂશાલેમ" ને તમારા જીવનસાથીનું નામ, તમારા ભાઈનું નામ, તમારા બાળકનું નામ આપો: "મારી પત્ની માટે હું છાનો રહીશ નહિ...મારા બાળક માટે...મારા ભાઈ માટે."
તે એક મધ્યસ્થીની સેવા છે—અથાક, ઘણીવાર અદ્રશ્ય, પરંતુ ઈશ્વર માટે કિંમતી. શમુએલને આ એટલું ઊંડું લાગ્યું કે તેણે કહ્યું, “તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું એમ ન થાઓ” (1 શમુએલ 12:23). તેની નજરમાં મધ્યસ્થી કરવાનું બંધ કરવું એ ઈશ્વર વિરુદ્ધ પાપ હતું. જ્યારે શાઉલ ભટકી ગયો અને અભિષેક ગુમાવ્યો, ત્યારે પણ શમુએલ તેના માટે શોક કરવાનું બંધ કર્યું નહિ, ભલે તેણે તેને ફરી ક્યારેય જોયો નહિ (1 શમુએલ 15:35).
મધ્યસ્થી કરનાર પ્રેમનો અર્થ એ હોઈ શકે છે કે સંબંધ મુશ્કેલ હોય અથવા દૂર થઈ ગયા હોય ત્યાર પછી પણ લાંબા સમય સુધી પ્રાર્થના કરવાનું ચાલુ રાખવું.
મધ્યસ્થી કરનાર પ્રેમની નિશાની #3: હું તમારા પર ઈશ્વરનું ન્યાયીપણું જાહેર કરીશ
ઝખાર્યા 3 માં, પ્રમુખ યાજક યહોશુઆ ગંદા વસ્ત્રોમાં યહોવાના દૂત સમક્ષ ઊભો છે, અને શેતાન ત્યાં "તેના પર આરોપ મૂકે" છે. ઝખાર્યા 3:2 માં પ્રભુ જવાબ આપે છે, "હે શેતાન, યહોવા તને ધમકાવે; હા, યરૂશાલેમને પસંદ કરનાર યહોવા તને ધમકાવે. શું એ અગ્નિમાંથી ખેંચી લીધેલું ખોયણું નથી?"
પછી ઈશ્વર આદેશ આપે છે: "તેના અંગ પરથી મેલા વસ્ત્રો કાઢી નાખો." યહોશુઆને તે કહે છે, "જો, મેં તારા અન્યાયને તારાથી દૂર કર્યો છે, ને હું તને મૂલ્યવાન પોશાક પહેરાવીશ." ઝખાર્યા પછી કલમ 5 માં ઉમેરે છે, "તેને માથે સુંદર પાઘડી મૂકો."
આ ઉડાઉ દીકરા પ્રત્યે પિતાનું હૃદય છે: પસ્તાવાના પ્રથમ સંકેત પર, તે દોડે છે, ભેટે છે, વસ્ત્ર પહેરાવે છે, પુનઃસ્થાપિત કરે છે અને આનંદ કરે છે. આપણો પ્રતિભાવ (તે વાતમાંના મોટા ભાઈથી વિપરીત) એ જ આનંદ, ઉજવણી અને નિષ્ઠાવાન પસ્તાવાના પ્રથમ સંકેત પર ન્યાયીપણાને પ્રતિબિંબિત કરવાનો હોવો જોઈએ. ના, "ઠીક છે, આ તો શરૂઆત છે; આપણે જોઈશું કે તમે ગંભીર છો કે નહિ." પણ, "પ્રભુએ તમારા પાપ દૂર કર્યા છે અને જ્યારે તમે પસ્તાવો કર્યો ત્યારે તમને ન્યાયી જાહેર કર્યા છે. હું ખુશીથી તમારા પરના તેમના ચુકાદાનો પડઘો પાડું છું અને ઉજવણી કરું છું."
આપણા ઘરો અને આપણી મંડળી માટે આહવાન
એવા પરિવારોની કલ્પના કરો જ્યાં પતિ અને પત્ની એકબીજા માટે શસ્ત્રવાહક હોય; જ્યાં માતાપિતા આરોપોનો ઇનકાર કરે છે અને તેના બદલે તેમના બાળકો પર નજર રાખે છે અને પ્રાર્થના કરે છે; એક મંડળીની કલ્પના કરો જ્યાં ભાઈઓ અને બહેનો શાંતિથી એકબીજાની પવિત્રતા માટે લડે છે. એવા પરિવારો અને મંડળીઓની કલ્પના કરો જ્યાં:
· આપણે એકબીજાની લડાઈઓને આપણી પોતાની લડાઈ તરીકે વહન કરીએ છીએ.
· આપણે ઓછું બોલીએ છીએ અને વધુ પ્રાર્થના કરીએ છીએ.
· પસ્તાવાના પ્રથમ સંકેત પર, આપણે એકબીજા પર ઈશ્વરના ન્યાયીપણાના વચનની ઘોષણા કરવા ઉતાવળ કરીએ છીએ.
પ્રભુ આપણને આપણા લગ્નોમાં, આપણા પરિવારોમાં અને આપણી મંડળીમાં ચોકીદાર અને શસ્ત્રવાહક—મધ્યસ્થી કરનાર પ્રેમના લોકો—તરીકે ઊભા કરે.