WFTW Body: 

"ધીરજ રાખ," એક ચાકરે તેના સાથી-ચાકરને દયાની વિનંતી કરતાં કહ્યું. (માથ્થી 18:29). આ એજ બોલ્યા વગરનું રુદન છે, જે આપણને, ગૃહિણીઓ અને માતાઓ તરીકે, એવા ઘણા લોકો જેમની સાથે આપણો દરરોજનો વ્યવહાર હોય છે, તેમના તરફથી આવે છે. પરંતુ જો આપણે તે રુદન સાંભળવું હોય તો આપણે આપણા આત્મામાં સંવેદનશીલ બનવાની જરૂર છે - કારણ કે તે બોલ્યા વગરનું રુદન છે.

એવું બની શકે છે કે આપણે આપણાં બાળકોને કંઈક શીખવવાનો વારંવાર પ્રયત્ન કરીએ છીએ, પણ તે શીખવામાં તેઓ ધીમા હોય શકે છે અને આપણે દુઃખદ રીતે અધીરા બનવાના પરીક્ષણમાં પડીએ છીએ. જો આપણે તેમના બોલ્યા વગરના રુદનને એમ કહેતા સાંભળી શકીએ કે, "મારી સાથે ધીરજ રાખો, હું તે યોગ્ય કરવા માટે મારા ઉત્તમ પ્રયાસો કરી રહ્યો છું," તો તેમનાથી ચિડાઈ જવાના પરીક્ષણ પર કાબુ મેળવવો આપણા માટે સરળ રહેશે.

કદાચ ઘરના આપણા કામમાં આપણને મદદ કરનાર નોકર કંઈક અંશે આવડત વિનાની છે, અને આપણે ઇચ્છીએ એટલી સ્વચ્છ તે નથી, અને આપણે તેની સાથે કઠોર બનવાના પરીક્ષણમાં પડીએ છીએ. પરંતુ તેનું બોલ્યા વગરનું રુદન છે, "મારી સાથે ધીરજ રાખો. મને બીજી તક આપો અને હું પોતાને સુધારીશ" - અને આપણને વધુ વિનમ્ર બનવાની બીજી તક આપવામાં આવે છે.

અથવા એવું બની શકે કે આપણાં વૃદ્ધ માતાપિતા, વૃદ્ધ અને અશક્ત હોવાને કારણે, હવે આપણા પર નિર્ભર છે. તેમનું પણ અશક્ત અને બોલ્યા વગરનું રુદન હોય છે, "મારી સાથે ધીરજ રાખો. હું તમને મુશ્કેલીમાં મૂકવા માંગતો નથી, પણ મને હવે તમારી મદદની જરૂર છે." જો આપણે તેમની લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ હોઈશું, તો આપણે તેમની વિનંતી સાંભળીશું અને તેમને તેમની ગરિમાથી વંચિત રાખ્યા વિના અને તેઓ બીજા પર આધારિત છે તેવો તેમને અનુભવ કરાવ્યા વિના તેમને મદદ કરીશું.

કદાચ મંડળીમાં આપણી સાથી-બહેનોનું વર્તન આપણા માટે કસોટીરૂપ છે. તેમનું પણ બોલ્યા વગરનું રુદન છે, "મારી સાથે ધીરજ રાખો. મારી પાસે હજુ પણ ડહાપણનો ઘણો અભાવ છે." ત્યારે આપણને ખ્યાલ આવે છે કે તેઓ પણ આપણી જેમ પૂર્ણતા તરફ આગળ વધવાનો સંઘર્ષ કરી રહ્યા છે.

આવી પરિસ્થિતિઓમાં, આપણે આપણા દેહમાં પેલા નિર્દય ચાકર જેવા બનવાની વૃત્તિ જોઈ શકીએ છીએ. તેમ છતાં એવા સમયો હોય છે જ્યારે આપણે નવેસરથી યાદ કરવાની જરૂર છે કે ઈશ્વર દ્વારા આપણને કેટલું માફ કરવામાં આવ્યું છે, અને અન્ય લોકો આપણી પોતાની મૂર્ખામીઓ પ્રત્યે કેટલા ધીરજવાન રહ્યા હતા.

તેથી આપણે આપણા આત્મિક કાનોને દરેક સમયે ધીરજ માટેનો પોકાર, જે આપણા સાથી-ચાકરો - યુવાન અને વૃદ્ધ, બંને તરફથી આવે છે તે સાંભળવા તૈયાર રાખવા જોઈએ.

તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ, અને કશામાં અપૂર્ણ રહો નહિ, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. (યાકૂબનો પત્ર 1:4).