WFTW Body: 

લૂક ૨૨:૩૧-૩૨ માં આપણે વાંચીએ છીએ કે ઈસુ પિતરને તેનાં પર આવનાર જોખમ વિશે ચેતવણી આપે છે. તેમણે તેને કહ્યું, "સિમોન, સિમોન, જો, શેતાને ઘઉંની પેઠે ચાળવા સારુ તમને કબજે લેવા માગ્યા, પણ મેં તારે સારુ વિનંતી કરી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ; અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે."

પરમેશ્વરે પિતરને નિષ્ફળ થવા દીધો તેમાં એક હેતુ સંકળાયેલ હતો. એ હેતુ પિતરને ચાળવાનો હતો. શેતાન પિતરનો ખરેખર સંપૂર્ણ નાશ કરવા માંગતો હતો, પરંતુ પરમેશ્વર તેને એમ કરવા દેશે નહિ. પરમેશ્વર આપણી શક્તિની હદ બહાર આપણને પરીક્ષણમાં પડવા દેતાં નથી કે કસોટી કરતાં નથી. અને તેથી પિતરને ચાળવાની છૂટ શેતાનને આપવામાં આવી હતી. તેની નિષ્ફળતાનાં પરિણામે, પિતરને તેનાં જીવનમાં ઘણા બધાં ભૂસાંથી સંપૂર્ણ શુદ્ધ કરવામાં આવ્યો. આવા ખરેખરાં હેતુની સાથે પરમેશ્વર આપણને પણ નિષ્ફળ થવા દે છે. શું આપણા જીવનમાંથી ભૂસું દૂર કરવામાં આવે એ સારી વાત નથી? ચોક્કસપણે એમ થવું સારું છે. જ્યારે ખેડૂત ઘઉંની લણણી કરે છે, તો તે તેનો ઉપયોગ કરતાં પહેલાં તેને ચાળે છે. અને ફક્ત ત્યારે જ તેમાંથી ભૂસું દૂર થશે.

આપણા જીવનમાંથી ભૂસાંને દૂર કરવા માટે પરમેશ્વર શેતાનનો ઉપયોગ કરે છે. ખૂબ જ અદભૂત રીતે, પરમેશ્વર આ હેતુને સિદ્ધ કરવા માટે આપણને વારંવાર નિષ્ફળ થવા દે છે!! પરમેશ્વરે પિતરમાં એ હેતુ પરિપૂર્ણ કરવા માટે શેતાનનો ઉપયોગ કર્યો અને પરમેશ્વર આપણા જીવનમાં પણ એ હેતુને પરિપૂર્ણ કરવા માટે શેતાનનો ઉપયોગ કરશે. આપણા બધામાં જ ઘણુ બધુ ભૂસું રહેલું છે - ઘમંડનું, આત્મવિશ્વાસનું અને સ્વ-ન્યાયીપણાનું ભૂસું. અને પરમેશ્વર આપણને વારંવાર નિષ્ફળ જવડાવવાં માટે શેતાનનો ઉપયોગ કરે છે, જેથી તે ભૂસું આપણામાંથી સંપૂર્ણપણે દૂર થાય.

પરમેશ્વર તમારા જીવનમાં આ હેતુને પાર પડવામાં સફળ થઈ રહ્યાં છે કે નહિ, એ ફક્ત તમે જ જાણો છો. પણ જો ભૂસું દૂર કરાઈ રહ્યું હશે, તો તમે વધુ નમ્ર અને ઓછા સ્વ-ન્યાયી બનશો. જેઓ નિષ્ફળ જાય છે તેઓને તમે નીચા ગણશો નહિ. તમે બીજા કોઈપણ કરતાં પોતાને ચડિયાતાં ગણશો નહિ.

પરમેશ્વર આપણને વારંવાર નિષ્ફળ જવડાવવાં માટે શેતાનને પરવાનગી આપવા દ્વારા, આપણામાંથી ભૂસું દૂર કરે છે. તેથી જો તમે નિષ્ફળ જાવ તો નિરાશ થવું નહિ. તમે હજી પણ પરમેશ્વરના હાથમાં છો. એક મહિમીત હેતુ છે કે જે તમારી વારંવારની નિષ્ફળતાઓ દ્વારા પરિપૂર્ણ થઈ રહ્યો છે. પરંતુ આવા સમયે, પરમેશ્વરનાં તમારાં પ્રત્યેનાં પ્રેમમાં જે તમારો વિશ્વાસ છે તે નિષ્ફળ થવો જોઈએ નહિ. આ એ જ પ્રાર્થના છે કે જે ઈસુએ પિતર માટે કરી હતી અને આ જ પ્રાર્થના તેઓ આજે આપણા માટે કરી રહ્યાં છે. ઈસુ એવી પ્રાર્થના કરતા નથી કે આપણે ક્યારેય નિષ્ફળ ન જઈએ, પરંતુ તે એવી પ્રાર્થના કરે છે કે જ્યારે આપણે નિષ્ફળ થઈને છેલ્લી-પાયરીએ પહોંચીએ, ત્યારે પણ પરમેશ્વરનાં પ્રેમમાં આપણો વિશ્વાસ હજુય અડગ રહે.

નિષ્ફળતાનાં ઘણા અનુભવો દ્વારા જ આપણે આખરે "શૂન્યબિંદુ" પર પહોંચીએ છીએ, જ્યાં આપણે ખરેખર તૂટેલાં હોઈએ છીએ. જ્યારે પિતર તે શૂન્યબિંદુએ પહોંચ્યા, ત્યારે તેમનું બીજું "બદલાણ" થયું (લૂક ૨૨:૩૨ -કે.જે.વી). તેઓ પાછાં ફર્યાં. પિતર માટે ઈસુએ કરેલી પ્રાર્થનાનો જવાબ આપવામાં આવ્યો હતો તેની સાબિતી એ હકીકતમાં જોવા મળે છે કે જ્યારે પિતર છેલ્લી-પાયરીએ અફળાયાં, તો તેઓ પાછાં ફર્યાં. તેઓ નિરાશ થઈને ત્યાં જ પડી રહ્યા નહિ. તેમણે પોતાનો વિશ્વાસ ગુમાવ્યો નહિ. તેઓ ઊઠીને ઊભા થયાં. પરમેશ્વરે તેને પટ્ટાની લંબાઈ જેટલે દૂર જવા દીધો હતો. પણ જ્યારે પિતર તે દોરડાનાં છેડે પહોંચ્યા, ત્યારે પરમેશ્વરે તેને પાછો ખેંચી લીધો.

પરમેશ્વરનાં બાળક હોવું એ એક અદભૂત બાબત છે. જ્યારે પરમેશ્વર આપણને પકડી લે છે, ત્યારે તે આપણું રક્ષણ કરવા માટે આપણી આસપાસ દોરડું વીંટાળે છે. તે દોરડું ઘણું જ ઢીલું હોય છે કે, તમે કદાચ લપસી શકો છો અને ઘણીવખત હજારોવાર પડી શકો છો અને પરમેશ્વરથી પણ દૂર જઈ શકો છો. પરંતુ કોઈ એક દિવસે, તમે તે દોરડાનાં છેડે સુધી પહોંચી જશો. અને ત્યારે પરમેશ્વર તમને ફરી પાછાં પોતાની તરફ ખેંચી લેશે. એ શક્ય છે કે, તમે તે બિંદુ-સ્થાને પહોંચીને દોરડું કાપીને ભાગી જવાનો નિર્ણય કરી શકો છો. અથવા તો તમે પરમેશ્વરની દયાથી તૂટવાનું પસંદ કરીને અને શોક કરીને તેમની તરફ પાછા ફરી શકો છો. પિતરે એ જ કર્યું, પિતર રડ્યા અને પ્રભુ તરફ પાછા ફર્યાં. પણ યહૂદા-ઇસ્કારિયોતે એમ કર્યું નહિ. તેણે દોરડું કાપી નાખ્યું - તેના જીવન પરની પરમેશ્વરની સર્વસત્તા સામે બળવો કર્યો - અને હંમેશને માટે તે ખોવાઈ ગયો. પરંતુ મને વિશ્વાસ છે કે પિતરે જે કર્યું તે તમે કરશો.

પછી ઈસુએ પિતરને કહ્યું, "જ્યારે તું પાછો ફરે અને ફરી એકવાર સ્થિર થાય, ત્યારપછી તારા ભાઈઓને સ્થિર કરજે". જ્યારે આપણે તૂટીએ છીએ કેવળ ત્યારે જ આપણે બીજાઓને સ્થિર કરવા માટે પૂરતાં બળવાન બની શકીએ છીએ. જ્યારે પિતર નિર્બળ અને તૂટેલાં હતા કેવળ ત્યારે જ તે ખરેખર બળવાન બન્યાં - એટલાં બધા બળવાન કે તે તેમનાં ભાઈઓ અને બહેનોને સ્થિર કરી શકે. આપણે કહી શકીએ કે પિતરની આત્માથી-ભરપૂરીની સેવા માટેની તૈયારી તેમની નિષ્ફળતાઓનાં અનુભવો દ્વારા થઈ હતી. જો તે નિષ્ફળતાનાં આ અનુભવો વિના પવિત્ર આત્માથી ભરપૂર હોત, તો તે પચાસમાનાં દિવસે એક ગર્વિષ્ઠ માણસ તરીકે, કે જે ક્યારેય નિષ્ફળ ગયો ન હોય એવા એક માણસ તરીકે ઊભો થયો હોત, ને તેમની સામે ઉભેલા લાચાર અને ખોવાયેલાં પાપીઓને તુચ્છ અને તિરસ્કારની નજરથી જોઈ શક્યાં હોત. અને પરમેશ્વર તેના દુશ્મન બની ગયા હોત, કારણ કે પરમેશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે!!

પરમેશ્વર તેને જે બનાવવા માંગતા હતા તે બનવા પહેલાં પિતરે પણ આવા શૂન્ય-બિંદુ પર આવવું પડ્યું. એકવાર જ્યારે આપણે પોતે છેલ્લી-પાયરીએ અફળાય ચૂક્યાં હોઈએ, તો પછી આપણે ક્યારેય બીજાઓનો તિરસ્કાર કરી શકતા નથી કે જેઓ હજુ સુધી તે સ્થિતિમાં છે. ત્યારપછી આપણે ક્યારેય પાપીઓને કે પીછેહઠ થયેલાં વિશ્વાસીઓને કે પતન થઈ પડી જતાં ખ્રિસ્તી-આગેવાનોને પણ તુચ્છ ગણીશું નહીં. આપણે ક્યારેય પાપ ઉપરનાં આપણા વિજયનો ગર્વ કરી શકતાં નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે એક વખતે આપણે પોતે પણ કંઈ-કેટલાં નિષ્ફળ રહ્યા હતાં. તેથી જ પિતર પોતે બીજા ખ્રિસ્તીઓને ચેતવણી આપતાં કહે છે કે, " પોતાનાં આગલાં પાપોથી તમે શુદ્ધ થયા હતાં એ વાત તમારે કદીય વિસરવી નહિ" (પિતરનો બીજો પત્ર ૧:૯) . તે અહિં તેઓને ચેતવણી આપે છે કે જો તેઓ તે વિસરી જશે, તો તેઓ આંધળા અને ટૂંકી-દ્રષ્ટિવાળા બની જશે. હું ક્યારેય આંધળો કે ટૂંકી-દ્રષ્ટિવાળો બનવા માંગતો નથી. હું હર-હંમેશ સ્વર્ગીય મૂલ્યો અને અનંત મૂલ્યો જોવાવાળી દૂરંદેશી દ્રષ્ટિ ચાહું છું.