નિર્ગમનનો અધ્યાય 15, ઈઝરાયેલીઓ ઈશ્વરની સ્તુતિ કરે છે તેની સાથે શરૂ થાય છે અને ઈશ્વર સામેના તેમના બડબડાટ સાથે સમાપ્ત થાય છે. અરણ્યમાં ઈઝરાયલીઓ દ્વારા આ રીતનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. "સાઈન તરંગ" (ગણિતમાં) જે હંમેશ માટે ઉપર અને નીચે જાય છે, તે મોટાભાગના વિશ્વાસીઓના જીવનનું સંપૂર્ણ વર્ણન છે, જ્યારે તેઓ જે ઈચ્છે છે તે મેળવે છે ત્યારે ઈશ્વરની સ્તુતિ કરે છે, જ્યારે કંઈક ખોટું થાય છે ત્યારે ફરિયાદ કરે છે, જ્યારે તેઓની સમસ્યા હલ થાય છે ત્યારે ફરીથી ઈશ્વરનો આભાર માને છે અને ફરી જ્યારે આગામી સમસ્યા ઊભી થાય ત્યારે ફરીથી શંકા કરે છે. એવું એટલા માટે થાય છે કારણ કે મોટાભાગના વિશ્વાસીઓ વિશ્વાસથી નહીં પણ દૃષ્ટિથી જીવે છે - બરાબર ઈઝરાયેલીઓની જેમ.રવિવારે સવારે તેઓ તેમની સભાઓમાં મોટેથી ઈશ્વરની સ્તુતિ કરે છે (ક્યારેક અન્ય ભાષાઓમાં). પરંતુ રવિવારની બપોરથી તેમની વાણી બદલાઈ જાય છે, આ વખતે તેમની માતૃભાષામાં બોલે છે. તે ગુસ્સો, બડબડાટ અને ફરિયાદ હોય છે – બંને જગ્યાએ, તેમના ઘરોમાં અને તેમના કાર્યસ્થળોમાં!! પછીના રવિવારે સાઈન તરંગ ઉપર જાય છે અને તેઓ ફરીથી ઈશ્વરની સ્તુતિ કરવાનું શરૂ કરે છે.
તે પછી, તરંગ ફરી નીચે જાય છે!! તેમના નવા કરારના બાળકો આ રીતે જીવે એવું તો ઈશ્વરે નહોતું ઈચ્છ્યું. શું પવિત્ર આત્મા જે વ્યક્તિને અન્ય ભાષાઓની ભેટ આપે છે તે તેની માતૃભાષામાં પણ તેની વાણીને નિયંત્રિત કરી શકતો નથી? તે ચોક્કસપણે કરી શકે છે. બાઈબલ કહે છે, “પ્રભુમાં સદા આનંદ કરો. દરેક બાબત માટે ઈશ્વરનો આભાર માનો” (ફિલિપીઓને પત્ર 4:4; એફેસીઓને પત્ર 5:20).
નવા કરારમાં, દરેક સમયે આપણા માટે ઈશ્વરની તે ઈચ્છા છે. પણ એ કરવા આપણે વિશ્વાસથી જીવવું પડશે. આપણે માનવું પડશે કે આપણે જે પણ સમસ્યાનો સામનો કરવો પડે છે તેના ઉકેલની યોજના ઈશ્વરે પહેલેથી બનાવી રાખી છે.
જ્યારે ઈઝરાયેલીઓએ મૂસાને ફરિયાદ કરી, ત્યારે તેણે ઈશ્વરને પોકાર કર્યો, અને ઈશ્વરે કહ્યું, "સમસ્યાનો ઉકેલ ત્યાં જ છે - તારી સામે છે" (કલમ 25). પ્રભુએ તેને એક વૃક્ષ બતાવ્યું. મૂસાએ વૃક્ષને કાપીને પાણીમાં નાખ્યું, અને પાણી મીઠુ થઈ ગયું.
અરણ્યમાં એ વૃક્ષ કોણે વાવ્યું હતું? તે કોઈ માણસ હતો કે ઈશ્વર હતા? બેશક ઈશ્વર! માણસો અરણ્યમાં વૃક્ષો રોપતા નથી. ઈશ્વરે તે વૃક્ષ મારાહ પાસે, કદાચ 100 વર્ષ પહેલાં વાવ્યું હશે, કારણ કે તે જાણતા હતા કે 100 વર્ષ પછી તેમના બાળકો મારાહમાં આવશે અને તેનું પાણી કડવું લાગશે. તેથી તેમણે ખરેખર 100 વર્ષ અગાઉથી તેમની સમસ્યાના ઉકેલની યોજના બનાવી હતી. શું તમે સમજો છો કે તમે તે સમસ્યાઓનો સામનો કરો તે પહેલાં, એ જ ઈશ્વરે તમારી બધી સમસ્યાઓનો ઉકેલ પણ તૈયાર કર્યો છે?
વિશ્વાસથી ચાલવું એટલે ભરોસો રાખવો. કોઈપણ સમસ્યા ઈશ્વરને આશ્ચર્યચકિત કરે તે રીતે આજે અચાનક આવી શકે નહીં. શેતાન આપણા માટે કઈ સમસ્યાઓની તૈયારી કરી રહ્યો છે તે ઈશ્વરને અગાઉથી ખબર છે એટલું જ નહિ, પણ તેમણે તે બધા માટે અગાઉથી ઉકેલ પણ તૈયાર કર્યો છે! જેથી તમે દરેક સમસ્યાનો હિંમતપૂર્વક સામનો કરી શકો.
વિશ્વાસી તરીકે મારા 56 વર્ષોમાં અસંખ્ય સમસ્યાઓનો સામનો કર્યા પછી, હું આની સત્યતાની સાક્ષી આપી શકું છું. મેં હજી સુધી એવી કોઈ સમસ્યાનો સામનો કર્યો નથી કે જેના માટે ઈશ્વરે તેના ઉકેલની કોઈ યોજના ન કરી હોય! મારા જીવનમાં હું મારાહમાં આવ્યો તેના ઘણા સમય પહેલા તેમણે વૃક્ષો માટે બીજ રોપ્યા હતા - મારા માટે પાણીને મીઠું બનાવવા. હું તમને આપણા અદ્ભુત, પ્રેમાળ પિતામાં વિશ્વાસથી ચાલવા માટે પણ વિનંતી કરું છું જે હંમેશા "આપણા માટે પ્રેમમાં શાંત રહીને આયોજન કરે છે" (સફાન્યા 3:17 - વિવરણ) - અને તમે તમારી બધી સમસ્યાઓ પર જીત મેળવતા રહેશો. ફરી ક્યારેય ફરિયાદ, બડબડાટ અને ગુસ્સો તમારા મોં પર જોવા મળશે નહીં, પરંતુ ફક્ત ઈશ્વરની સ્તુતિ અને આભાર જ જોવા મળશે.