written_by :   Zac Poonen categories :   The Church Knowing God Disciples
WFTW Body: 

એકવાર, જ્યારે હું કોઈ ચોક્કસ દેશમાં (જ્યાં સુવાર્તાનો પ્રચાર કરવાની મનાઈ છે) જવાનું આયોજન કરી રહ્યો હતો, ત્યારે પ્રભુએ મને માથ્થી 28:18-19 યાદ કરાવ્યું. ત્યારે મને સમજાયું, કારણ કે આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર પ્રભુ પાસે છે, એ માટે તેમણે આપણને દરેક દેશમાં જઈને શિષ્યો બનાવવાની આજ્ઞા આપી છે. જો આપણે તેના આધારે આગળ નહીં વધીએ, તો આપણે જ્યાં પણ જઈશું ત્યાં સમસ્યાઓનો સામનો કરવો પડશે.

માથ્થી 28 માં "એ માટે" શબ્દ, મહાન આદેશનો સૌથી મહત્વપૂર્ણ શબ્દ છે. મોટાભાગના પ્રચારકો "જાઓ" શબ્દ પર ભાર મૂકે છે. તે સારુ છે. પણ આપણે કયા આધારે જવું? આ પૃથ્વી પરના તમામ લોકો પર અને તમામ દુષ્ટાત્માઓ પર પણ આપણા ઈશ્વરને સંપૂર્ણ અધિકાર છે તેના આધારે. જો તમે ખરેખર તે માનતા નથી, તો તે વધુ સારું છે કે તમે ક્યાંય ન જાવ!

માથ્થી 28 માં આ કલમ તે સમયે એક નવા પ્રકટીકરણ તરીકે મને મળી. પછી મને સમજાયું કે હું કોઈ પણ સંકોચ વિના તે દેશમાં જઈ શકું છું. જ્યારે હું તે દેશમાં પ્રવેશ્યો ત્યારે - સ્વાભાવિક રીતે - મારી અંદર ભય હતો. પણ મેં એ ભયના આધારે મારો નિર્ણય લીધો ન હતો.

જો તમને લાગતું હોય કે આ દુનિયામાં કોઈ એવો દેશ છે જ્યાં પ્રભુ ઈસુને સંપૂર્ણ અધિકાર નથી, તો હું તમને ત્યાં ન જવાની સલાહ આપીશ! હું પોતે પણ ત્યાં જઈશ નહિ. મને ભય લાગશે. પરંતુ ઈશ્વરનો આભાર કે આ પૃથ્વી પર ક્યાંય આવી જગ્યા નથી! આ પૃથ્વીનો દરેક ખૂણો આપણા પ્રભુના અધિકાર હેઠળ છે.

તેવી જ રીતે, જો તમને લાગે કે ક્યાંક કોઈ માણસ છે (તે ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય), જેના પર આપણા ઈશ્વરનો અધિકાર નથી, તો તમારે હંમેશા તેના ભયમાં જીવવું પડશે. પણ ઈશ્વરનો આભાર કે એવી કોઈ વ્યક્તિ ક્યાંય નથી. આપણા પ્રભુ દરેક મનુષ્ય પર અધિકાર ધરાવે છે. જેમ આપણે દાનિયેલ 4:35 માં વાંચીએ છીએ તેમ રાજા નબૂખાદનેસ્સાર પણ તે સમજી ગયો હતો.

જો ક્યાંક એવો કોઈ દુષ્ટાત્મા હોય કે જેના પર આપણા પ્રભુએ કાલવરી પર વિજય મેળવ્યો ન હોય, પરંતુ તે કોઈક રીતે હારવાથી બચી ગયો હોય, તો આપણે હંમેશા તે દુષ્ટાત્માના ભયમાં જીવવું જોઈએ. પરંતુ એવો કોઈ દુષ્ટાત્મા નથી જે વધસ્તંભ પર પરાજિત થયો ન હોય. શેતાન પોતે ત્યાં હારી ગયો હતો - કાયમ માટે. તે જ બાબત આપણને શેતાન અને તેના દુષ્ટાત્માના બધા ભયથી બચાવે છે, અને આપણા સેવાકાર્યમાં ખૂબ હિંમત આપે છે.

તેથી ઈશ્વર આપણને જ્યાં જવા માટે તેડું આપે ત્યાં આપણે જઈએ છીએ. કેટલીક જગ્યાએ જોખમો હોઈ શકે છે. પરંતુ આપણી સંપૂર્ણ સમજ મુજબ, જો આપણને લાગે કે ઈશ્વર આપણને ત્યાં લઈ જઈ રહ્યા છે, તો આપણે જવાથી ભયભીત થવાની જરૂર નથી. પ્રશ્ન એ નથી કે કોઈ ચોક્કસ જગ્યાએ ખ્રિસ્તીઓ પર અત્યાચાર થાય છે કે નહીં. પ્રશ્ન માત્ર એટલો જ છે કે પ્રભુએ આપણને ત્યાં જવાનું કહ્યું છે કે નહીં. જો તેમણે કહ્યું છે, તો તેમનો અધિકાર આપણને સંપૂર્ણ રીતે આધાર આપશે. આપણે કોઈ પણ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી. પણ જો ઈશ્વરે આપણને ક્યાંક જવા માટે તેડું આપ્યું નથી, તો પછી આપણે ન જવું જોઈએ, પછી ભલે આપણને મોકલવા માટે લોકો ગમે તેટલા પ્રયત્નો કરે અને સમજાવે, અથવા આપણી અંદરની સાહસની ભાવના ત્યાં જવાની ગમે તેટલી ઈચ્છા ધરાવતી હોય!

આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે આપણે કોઈ ચોક્કસ જગ્યાએ શા માટે જઈ રહ્યા છીએ. જો આપણે એટલા માટે જઈએ છીએ કે આપણે શિષ્ય બનાવવા માંગીએ છીએ, અને બીજી કોઈ મહત્વાકાંક્ષા નથી, તો આપણે ખાતરી રાખી શકીએ કે ઈશ્વર હંમેશા આપણી સાથે રહેશે - "જગતના અંત સુધી પણ", જેમ તેમણે વચન આપ્યું હતું. પરંતુ આપણા અન્ય હેતુઓ હોઈ શકે છે. ઈશ્વર "આપણા હૃદયના વલણની તપાસ કરે છે" (યર્મિયા 12:3) અને આપણા હેતુઓ પારખે છે.

જે પોતાને વિશ્વાસી કહે છે તે દરેક વ્યક્તિ માટે ઈશ્વર પોતાની જાતને સમર્પિત કરશે નહીં. આપણે તે યોહાન 2:24 માં વાંચીએ છીએ. પરંતુ જો તમે પ્રામાણિકપણે ઈશ્વરને કહી શકો:

પ્રભુ, હું આ જગ્યાએ જાઉ છું કારણ કે મને લાગે છે કે તમે મને ત્યાં જવા માટે બોલાવ્યો છે. અને હું ત્યાં ફક્ત શિષ્યો બનાવવા, પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે તેમને બાપ્તિસ્મા આપવા અને તમે જે આદેશ આપ્યો છે તે બધું કરવાનું શીખવવા માટે ત્યાં જઈ રહ્યો છું. હું ત્યાં પૈસા કમાવવા કે નામ મેળવવા કે અન્ય કોઈ અંગત કારણોસર નથી જતો.

જો તમે પ્રામાણિકપણે તે કહી શકો છો, તો ચોક્કસપણે ઈશ્વરનો અધિકાર હંમેશા તમારો આધાર બનશે.

અને પછી તમારી પત્ની અને બાળકોનું શું થશે અથવા તમારી આર્થિક જરૂરિયાતો કેવી રીતે પૂરી થશે એ વિચારીને તમારે ભયમાં જીવવું નહીં પડે. એક જ પ્રશ્ન મહત્વપૂર્ણ છે કે "શું ઈશ્વરે તમને તેડું આપ્યું છે કે નહીં?" શું ઈશ્વર તમને ત્યાં મોકલે છે કે કોઈ માણસ તમને ત્યાં મોકલે છે? અથવા તે સાહસની ભાવના છે જે તમને મોકલે છે?

જો તમારી પાસે ઈશ્વરના કાર્યક્રમ સિવાયનો કોઈ અન્ય કાર્યક્રમ હોય, તો હું તમને શાંતિ આપવા માટે શાસ્ત્રમાંથી એક પણ વચન આપી શકતો નથી. પરંતુ જો તમારો કાર્યક્રમ ઈશ્વરના કાર્યક્રમ જેવો જ હોય ​​- શિષ્યો બનાવવા માટે, તેમને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપવું અને તેઓને ઈસુએ જે આજ્ઞા આપી છે તે બધું કરવાનું શીખવવું - તો હું તમને ખાતરી આપી શકું કે તમારે માણસો કે દુષ્ટાત્માના ભયમાં જીવવાની જરૂર નથી.