જે બોજ મારા હૃદય પર છે તે મહાન આદેશને પરિપૂર્ણ કરવાની બાબતમાં સંતુલન લાવવાનો છે. બધા ખ્રિસ્તીઓ જાણે છે કે જે "મહાન આદેશ" તરીકે ઓળખાય છે અને જે ઈસુએ આ પૃથ્વી છોડતા પહેલા તેમના શિષ્યોને આપ્યો હતો, તેને પૂર્ણ કરવું કેટલું મહત્વપૂર્ણ છે.
તે મહાન આદેશનો પ્રથમ ભાગ માર્ક 16:15 માં જોવા મળે છે, “આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે તારણ પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે." પરંતુ આ મહાન આદેશનો બીજો ભાગ - બાકીનો અડધો ભાગ, તે આ છે - જે માથ્થી 28:18-20 માં વર્ણવેલ છે. ત્યાં ઈસુ કહે છે, "આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું."
મેં ખ્રિસ્તી જગતનું અવલોકન કર્યું છે -- નવો જન્મ પામેલા ખ્રિસ્તીઓ, ખ્રિસ્તી મિશન અને ખ્રિસ્તી મંડળીઓ -- હું નવો જન્મ પામ્યો ત્યારથી એટલે છેલ્લા 52 વર્ષોમાં મેં તે જોયું છે, અને મને લાગે છે કે મોટાભાગના ખ્રિસ્તીઓ મહાન આદેશના માર્ક 16:15 પાસા પર ભાર મૂકે છે. બહુ ઓછા લોકો બીજા અડધા ભાગ માથ્થી 28:19 પર ભાર મૂકે છે. મારું અનુમાન છે કે 99% લોકોનું પ્રાથમિક ધ્યાનનું કેન્દ્ર માર્ક 16:15 હોય છે, જ્યારે માત્ર 1% માથ્થી 28:19-20 ને પ્રાથમિકતા આપે છે. આ ઉદાહરણનો ઉપયોગ કરવા માટે, સો લોકો ઝાડના થડનું મોટું લાકડું ઉંચકાવાનો પ્રયાસ કરે છે, લાકડાના એક છેડે 99 લોકો છે અને બીજા છેડે માત્ર એક વ્યક્તિ છે જે તે છેડાને પકડી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. હું આ રીતે તેને જોઉં છું.
તેથી મેં જોયું કે જ્યારે મેં વચન શીખવવાનું શરૂ કર્યું જેનું કૃપાદાન મને આપવામાં આવ્યું હતું, ત્યારે પ્રભુએ મને જે આદેશ આપ્યો હતો તે એ છે કે મારે મહાન આદેશના બીજા પાસાઓ પર ભાર મૂકવાનો છે, જે ફક્ત 1% દ્વારા પૂર્ણ થઈ રહ્યું છે, કારણ કે ખરું સંતુલન 50-50 હોવું જોઈએ. મહાન આદેશનો પ્રથમ ભાગ એ છે જેને આપણે પ્રચાર તરીકે જાણીએ છીએ. તેને સામાન્ય રીતે મિશનરી કાર્ય કહેવામાં આવે છે, અને ઘણી વખત વણખેડાયેલા વિસ્તારોમાં જવાની જરૂર પડે છે. સુવાર્તાનો સંદેશ (કે માણસ પાપમાં છે, બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા અંગે બધા અધૂરા છે, ખ્રિસ્ત જગતના પાપો માટે મરણ પામ્યા, તે પિતાનો એકમાત્ર માર્ગ છે, ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયા છે, જે તેમનામાં વિશ્વાસ કરે છે અને બાપ્તિસ્મા લે છે તેનો ઉદ્ધાર થશે, અને જે વિશ્વાસ નહિ કરે તેને અપરાધી ઠરાવવામાં આવશે) વણખેડાયેલા વિસ્તારોમાં લઈ જવો ખૂબ જ જરૂરી છે.
પરંતુ શું ઈશ્વર ઈચ્છતા હતા કે તે ત્યાં જ અટકી જાય? એકવાર કોઈ વ્યક્તિએ માની લીધું, એ હકીકત સ્વીકારી લીધી કે તે પાપી છે, અને ખ્રિસ્તને તારણહાર તરીકે પ્રાપ્ત કરી લીધા, શું તે પૂરતું છે? બિલકુલ નહિ. માથ્થી 28:19 માં, તે આપણને બધા દેશોમાં જવા અને શિષ્યો બનાવવાનું કહે છે.
શરૂઆતના પ્રેરિતો કે જેમણે આ આદેશને પ્રથમ વખત સાંભળ્યો હતો તેઓના મનમાં "શિષ્યો" નો અર્થ શું છે તે વિશે કોઈ શંકા નહોતી કારણ કે ઈસુએ તેઓને લૂક 14 માં તે ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવ્યું હતું. જ્યારે ઈસુએ મોટી સંખ્યામાં લોકોને તેમની સાથે આવતા જોયા ત્યારે જેમ આપણે લૂક 14:25 માં વાંચીએ છીએ કે તેમણે પાછા ફરીને તેઓને કેટલાક કઠોર શબ્દો કહ્યા જે તે પહેલા ક્યારેય બોલ્યા નહોતા.
આગામી થોડા અઠવાડિયામાં, આપણે આ દરેક "શિષ્યપણાની શરતો" પર ઊંડાણપૂર્વક વિચાર કરીશું. આપણી જાતને તપાસવી સારું છે: શું જેમ ઈસુએ શિષ્યપણાની વ્યાખ્યા આપી છે તેવું શિષ્યપણું આપણામાં છે? અને શું મહાન આદેશ અને જે શિષ્યપણા પર ઈસુ ભાર મૂકે છે તે અંગેની આપણી સમજમાં યોગ્ય સંતુલન છે?