written_by :   Zac Poonen categories :   The Home The Church Disciples
WFTW Body: 

“તારા ખરા હ્રદયથી યહોવા પર ભરોસો રાખ. અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં પ્રભુ [નો અધિકાર] સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે.” (નીતિવચનો 3:5-6)

આ કલમમાં, હૃદયને મહત્વ આપવામાં આવ્યું છે. નીતિવચનોના પુસ્તકમાં હૃદયનું મહત્વ ઘણીવાર જોવા મળે છે. અહીં આપણે જોઈએ છીએ કે વિશ્વાસ મનની બાબત નથી. તે રસપ્રદ છે કે સુલેમાન પોતે જૂના કરારમાં આ સમજતો હતો, પરંતુ ક્યારેક આપણે તે ભૂલ કરી શકીએ છીએ. આપણે ચોક્કસ સત્યો સમજી શકીએ છીએ (એટલે ​​કે, ઈશ્વર એક પ્રેમાળ પિતા છે અથવા ઈશ્વર ઈસુના શિષ્યોને એટલો જ પ્રેમ કરે છે જેટલો તે ઈસુને પ્રેમ કરે છે - બધાને નહિ, અને બધા વિશ્વાસીઓને પણ નહિ, પરંતુ ઈસુના શિષ્યો જેમણે બધાનો ત્યાગ કર્યો છે), પરંતુ તે એવી બાબતો છે જે હું ફક્ત મારા મગજમાં જ સમજી શકું છું. કસોટીની ક્ષણમાં, હું હજી પણ ચિંતિત થઈ જાઉં છું, કારણ કે હું તે બધું મારા હૃદયથી માનતો નથી. કોઈ બાબત પર જેમ શેતાન કરે છે, તેમ ખાલી મનથી જ ભરોસો કરવો અને મારા પૂરા હૃદયથી પ્રભુમાં ભરોસો કરવો એ બંનેમાં ઘણો ફરક છે. આને માટે, મને પવિત્ર આત્માના પ્રકટીકરણની જરૂર છે.

કોઈ બાબત પર મનથી વિશ્વાસ કરવા માટે, તમારે ફક્ત એક સારા બાઇબલ શિક્ષકની જરૂર છે જે તે વિષયને સારી રીતે સમજાવશે, અને પછી તમે તેને સમજી જશો. આપણને લાગે છે કે તે વિશ્વાસ છે, પરંતુ કસોટીની ક્ષણે, આપણે જોઈએ છીએ કે તે ખરેખર વિશ્વાસ નથી. આપણને લાગે છે કે આપણી પાસે પૈસા છે, પરંતુ જ્યારે આપણે દુકાન પર જઈએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે તે નકલી ચલણ છે. તે ફક્ત વાસ્તવિક પૈસાની છબી છે. તે વાસ્તવિક વસ્તુ નથી. કસોટીની ક્ષણ એ દર્શાવે છે કે આપણો વિશ્વાસ આપણા હૃદયમાંથી નથી આવતો, પરંતુ ફક્ત આપણા મનમાં જ છે. તેથી જ આપણે ઘણી પ્રાર્થના કરવી જોઈએ કે ઈશ્વર આપણને પ્રકટીકરણ આપે. આ રીતે આપણો વિશ્વાસ ફક્ત આપણા મનમાં જ નહિ, પણ આપણા હૃદયમાં ઊંડે સુધી જશે. પછી કસોટીની ક્ષણે, તે વિશ્વાસ આપણને પકડી રાખે છે, અને આપણે ડગમગતા નથી. પૂરા હૃદયથી પ્રભુમાં ભરોસો રાખો!

પછી તે કહે છે, "તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ." આપણી પોતાની અક્કલ એ આપણું પોતાનું કારણ છે જે આપણા મનમાં છે. તે કહે છે કે તમારા મન પર ભરોસો ન રાખો! તેના બદલે, તમારા પૂરા હૃદયથી ઈશ્વર પર ભરોસો રાખો. તે અહીં મન અને હૃદય વચ્ચે તફાવત દર્શાવે છે. તે કહે છે, "તમારું મન અવિશ્વસનીય છે. તમારું મન તમને કહે છે કે તમે ખરેખર માનો છો કે ઈશ્વર એક પ્રેમાળ પિતા છે, પરંતુ કસોટીની ક્ષણમાં, તમે ચિંતિત થાઓ છો. તે સાબિત કરે છે કે તમે ઈશ્વરને તમારા ખરા હૃદયથી પ્રેમાળ પિતા માનતા નથી." આ તે છે જે આપણે આપણી મંડળીમાં વારંવાર કહ્યું છે: કે વિશ્વાસનો પહેલા નંબરનો શત્રુ આપણો પોતાનો હોશિયાર તર્ક છે. તેથી જ હોશિયાર લોકો માટે વિશ્વાસમાં આવવું ખૂબ મુશ્કેલ છે. તે અશક્ય નથી, પરંતુ તે મુશ્કેલ છે, કારણ કે તેઓ પોતાની હોશિયારી પર આધાર રાખે છે. અને તમે જોશો કે હોશિયાર લોકો શાસ્ત્રોનો આટલો બધો ભાગ સમજ્યા છતાં પણ ચિંતિત થઈ જાય છે. તેઓ પાપ પર વિજય મેળવી શકતા નથી, કારણ કે તેમની પાસે વિશ્વાસ નથી. તેઓ હોશિયાર છે અને તેઓ પોતાના તર્ક પર આધાર રાખે છે.

બધી બાઇબલ શાળાઓ અને બાઇબલ કોલેજો આ મોટી ભૂલ કરે છે. તેઓ લોકોને એ જ કરવાનું શીખવે છે જે કરવાનું ઈશ્વરનું વચન ના કહે છે: શાસ્ત્રને સમજવા અને સમજાવવા માટે પોતાની અક્કલ પર આધાર રાખે છે. પવિત્ર આત્માના પ્રકટીકરણ પર કોઈ ભાર મૂકવામાં આવતો નથી, અને પરિણામે જે લોકો બાઇબલ શાળાઓ અને બાઇબલ કોલેજોમાંથી બહાર આવે છે તેઓ દરેક જગ્યાએ ઈશ્વરના કાર્યમાં સૌથી મોટો અવરોધ બની જાય છે. કારણ કે તેઓ આ સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. બાઇબલ શાળામાં અભ્યાસ કરીને તમે વિશ્વાસ મેળવી શકતા નથી. વિશ્વાસ પવિત્ર આત્માના પ્રકટીકરણ દ્વારા આવે છે. અને મંડળીમાં પણ આ જ બાબતો લાગુ પડે છે. આપણે ફક્ત સિદ્ધાંતોને બૌદ્ધિક રીતે સમજવા અને તેને અન્ય લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવાનો નથી. આપણા હૃદયમાં તે ઊંડે સુધી ઉતરેલું હોવું જોઈએ. તારા ખરા હ્રદયથી યહોવા પર ભરોસો રાખ. અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.

નીતિવચનો 3:6 કહે છે, "તારા સર્વ માર્ગોમાં પ્રભુ [નો અધિકાર] સ્વીકાર." બીજા શબ્દોમાં કહીએ તો, તમારા જીવનના દરેક ક્ષેત્રને ઈશ્વરને સોંપો. તેમને તમારા પૈસાના મામલાઓ પર નિયંત્રણ રાખવા દો, તમે શું વાંચો છો તેના પર નિયંત્રણ રાખવા દો, તમે તમારો સમય કેવી રીતે વિતાવો છો તેના પર નિયંત્રણ રાખવા દો, તેમને તમારા કૌટુંબિક જીવનના દરેક ક્ષેત્રને નિયંત્રિત કરવા દો, તેમને તમારા બાળકો માટેની તમારી મહત્વાકાંક્ષાઓ પર નિયંત્રણ રાખવા દો, તેમને તમારા વ્યવસાય પર નિયંત્રણ રાખવા દો, તેમને દરેક ક્ષેત્રમાં તમારા પર નિયંત્રણ રાખવા દો. તમારા બધા માર્ગોમાં! પછી તે તમારા રસ્તાઓ સીધા કરશે, તમારા રસ્તાઓ દિશામાન કરશે અને તમને માર્ગદર્શન આપશે. ઘણા લોકો એવા છે જેમને તેમના જીવનના ચોક્કસ ક્ષેત્રમાં માર્ગદર્શન જોઈએ છે, અને તેઓ કહે છે, "પ્રભુ, આ ક્ષેત્રમાં, હું તમે જે કંઈ કરવા માંગો છો તે કરવા તૈયાર છું. મને માર્ગદર્શન આપો." અને ઈશ્વર કહે છે, "હું તમને માર્ગદર્શન આપી શકતો નથી, કારણ કે તમે મને તમારા સર્વ માર્ગોમાં સ્વીકારતા નથી! ફક્ત આ ક્ષેત્રમાં નહિ, પરંતુ દરેક ક્ષેત્રમાં મને સ્વીકારો. જો તમે મને તમારા સમગ્ર જીવનનું નિયંત્રણ રાખવા દેવા તૈયાર છો, તો હું તમને માર્ગદર્શન આપીશ."

જો તમે ફક્ત એક જ ક્ષેત્રમાં માર્ગદર્શન ઈચ્છતા હોવ, અને તમે ફક્ત તે એક ક્ષેત્ર ઈશ્વરને સોંપી દો, તો એવું કોઈ વચન નથી કે તમને માર્ગદર્શન મળશે. પરંતુ જો તમારા બધા માર્ગોમાં - તમારા જીવનના દરેક ક્ષેત્રમાં - તમે તેમને સ્વીકારવા માંગો છો અને તેમને આપણા માર્ગો દિશામાન કરવા દેવા માંગો છો, તો તે તમને માર્ગદર્શન આપશે. અને ફક્ત તમને માર્ગદર્શન જ નહિ, પણ તે એમ પણ કહે છે કે તે "તમારા માટે રસ્તો સીધો કરશે." તે રસ્તો જે ઘણા અવરોધોથી બંધ છે, તે તમારા માટે તેને સીધો કરશે. ભાઈ કે બહેન, જો તમે તમારા જીવનમાં જોશો કે અવરોધો અને બધી પ્રકારની વસ્તુઓ તમારા આગળના માર્ગમાં અવરોધો લાવી રહી છે, તો ફક્ત આ વચન વિશે વિચારો: જો તમે તમારા બધા માર્ગોમાં ઈશ્વરને સ્વીકારો છો, અને તમારા પૂરા હૃદયથી તેના પર ભરોસો રાખો છો, અને તમારી પોતાની અકક્લ પર આધાર નહિ રાખો, તો તે તમારા માટે રસ્તો સીધો કરશે. તમે તેને જાતે સીધો કરી શકતા નથી; તમે આટલા લાંબા સમય સુધી પ્રયાસ કર્યો છે. તે તમારા માટે રસ્તો સીધો કરશે! વિચારો કે આપણે કેવું જીવન જીવવું જોઈએ કે જેથી જેમ જેમ આપણે આગળ વધતા રહીએ તેમ તેમ ઈશ્વર આપણા માટે રસ્તો સીધો કરે. માણસનું જીવન એવું હોવું જોઈએ જે પૂરા હૃદયથી ઈશ્વર પર ભરોસો રાખે, પોતાની હોશિયારી પર આધાર ના રાખે, અને તેના જીવનના દરેક ક્ષેત્રમાં ઈશ્વરને સ્વીકારે.