WFTW Body: 

જૂના કરારમાં, પ્રબોધકોએ પરમેશ્વરના લોકો મધ્યે અલગ કરાયેલા/બચી ગયેલા થોડા લોકો વિશે વાત કરી હતી. તેઓએ કહ્યું કે જ્યારે પરમેશ્વરના લોકો મધ્યે આત્મિક અધઃપતન આવશે, ત્યારે થોડા જ હશે કે જેઓ પરમેશ્વરને વિશ્વાસુ રહેશે. પ્રબોધકોનો વિષય પુનઃસ્થાપના હતો.

દાખલા તરીકે, હોશિયાએ આત્મિક વ્યભિચાર અને પરમેશ્વરના અપરિવર્તનશીલ પ્રેમ વિશે કહ્યું. હબાક્કુકે વિશ્વાસનો સંઘર્ષ અને વિશ્વાસના વિજય વિશે કહ્યું. ઝખાર્યાનો બોજ પરમેશ્વરના લોકોનો બેબીલોનથી યરૂશાલેમ તરફની કૂચ વિષનો હતો. હાગ્ગાયનો બોજ મંદિર બાંધવા વિશે હતો. દરેક પ્રબોધક પાસે પરમેશ્વર દ્વારા અપાયેલો અનન્ય બોજ હતો - પરંતુ તેઓ પરમેશ્વરના લોકો મધ્યે પવિત્રતાની ઉણપને લીધે ચિંતિત હતાં.

પવિત્રતા અને પરમેશ્વરનો અપરિવર્તનશીલ પ્રેમ એ દરેક પ્રબોધકોનો બોજ હતો: પરમેશ્વરના લોકો આત્મિક વ્યભિચારમાં હોય અને ભટકી ગયા હોય, ત્યારે પણ તેઓનો બોજ પરમેશ્વરના લોકોમાં પવિત્રતા અને પરમેશ્વરનો અપરિવર્તનશીલ પ્રેમ હતો. પોતાના લોકોને પાછા વાળવા એ પરમેશ્વરની ઈચ્છા હંમેશા રહેલી. તે શિક્ષા કરે છે પણ શિક્ષા પૂરી થયા પછી પોતાના તરફ પાછા વાળવાનુ તે ઇચ્છે છે.

મંડળીમાં પણ આજ રીતે સાચું પ્રબોધકીય સેવાકાર્ય કરવું જોઈએ. જેમ જુના કરારના પ્રબોધકોને પરમેશ્વરના લોકો મધ્યે પવિત્રતાનો બોજ હતો તેમ આજે પણ મંડળીમાં સાચા પ્રબોધકને એવો જ બોજ હશે. અને તેઓ પરમેશ્વરના અપરિવર્તનશીલ, સહનશીલ અને કરુણામય પ્રેમ દ્વારા તેમના લોકોને તેઓના પીછે-હઠથી પાછા પરમેશ્વર તરફ વાળવા અને ખરી પવિત્રતા પમાડવાનું અવિરત ચાહશે. મંડળીને જીવંત રાખવા અને પરમેશ્વરને માટે કાર્યવંત રાખવા દરેક મંડળીમાં પ્રબોધકીય સેવાકાર્ય હોવું જોઈએ.

પરમેશ્વર તમારા હૃદયમાં જે બોજ મૂકે છે તે લગભગ હંમેશા તેમણે તમારા માટે પ્રયોજેલા સેવાકાર્યની નિશાની હોય છે. એટલે તેમની તરફથી બોજ મેળવવા માટે પ્રભુની રાહ જુઓ. જો તમે બોજ વગર પ્રભુની સેવા કરશો તો થોડા સમય પછી તમે પ્રભુના કાર્યથી કંટાળી જશો અને તમે કદાચ પૈસા, માણસોનું માન કે દુન્યવી સુખ-સગવડો શોધવામાં પોતાનું પતન કરશો. એ દુ:ખની વાત છે કે ઘણા લોકો જેઓ આજે પ્રભુની સેવા કરતા હોવાનો દાવો કરે છે પરંતુ એ સેવાકાર્ય માટે તેમને પરમેશ્વર તરફથી કોઈ બોજ મળેલો નથી.

પરમેશ્વર કોઈ એક માણસને બાળકો મધ્યે કાર્ય કરવાનો બોજ આપી શકે છે તો બીજાને સુવાર્તા-પ્રચાર કરવાનો. અને કોઈ બીજાને પરમેશ્વરનાં લોકોને શિક્ષણ આપવાનો બોજ આપવામાં આવી શકે છે. ખ્રિસ્તના દેહમાં જુદા જુદા સભ્યોને પરમેશ્વર જુદો જુદો બોજ આપે છે. આપણે કોઈ બીજાનાં સેવાકાર્યનું અનુકરણ કરવું જોઇએ નહીં અથવા તેમનો બોજ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. તમારો બોજ બીજાને લેવા માટે દબાણ કરશો નહીં અથવા કોઈ બીજો એમનો બોજ તમને આપે તો તેને મંજૂરી આપવી નહીં. પોતે પરમેશ્વર તમને એક બોજ આપે ­- કે જેણે તમારા માટે યોજના કરી છે.

પરમેશ્વરનાં હૃદયની સાથે જેટલાં આપણે વધારે સંગતમાં આવીશું, એટલાં જ આપણે તેમનો વધારે બોજ ઉઠાવીશું. જો પરમેશ્વરે તમને સુવાર્તા-પ્રચારક તરીકે તેડ્યાં છે, તો પરમેશ્વર તમને ખોવાયેલા આત્માઓ માટે કરુણા આપશે. જો પરમેશ્વર તમને શિક્ષક થવા માટે તેડે છે, તો પરમેશ્વર તમને એવા વિશ્વાસીઓ માટે કરુણા આપશે કે જેઓ આંધળા છે અને છેતરાઈ ગયા છે, અને જેઓ વિજયના જીવનમાં પ્રવેશ કરતાં નથી. જો આપણે આપણું સેવાકાર્ય અસરકારક રીતે પરિપૂર્ણ કરવું હોય, તો પરમેશ્વરની કરુણામાં ભાગીદાર થવા માટે તેમનાં હૃદય સાથે સંગત કરવી આવશ્યક છે.

ઘણા લોકોએ મને તેમના વિશેષ સેવાકાર્યનો બોજ લેવા વિનંતી કરેલી - મોટાભાગે સુવાર્તા-પ્રચારનું સેવાકાર્ય. પણ મેં હંમેશા આવા દબાણનો વિરોધ કર્યો છે. પરમેશ્વરે બીજાઓને જે બોજ આપ્યો છે તે લેવામાં મને કોઈ રુચિ નથી. પરમેશ્વરે મને એક વિશિષ્ટ બોજ આપેલો છે અને મારો નિર્ણય છે કે હું એ જ સેવાકાર્ય પરિપૂર્ણ કરીશ. પરમેશ્વરે પ્રબોધકોને જે બોજ અને જે સેવાકાર્ય આપ્યું તેમાંથી કોઈ તેમને ભટકાવી દે એવું તેઓએ થવા દીધું નહીં.

જો તમને કોઈ જ બોજ ન હોય, તો તમે પરમેશ્વરની પાસે જાઓ અને તમને બોજ આપવામાં આવે એમ માંગણી કરો. એમની પાસે તમારા માટે ખ્રિસ્તના દેહમાં પરિપૂર્ણ કરવા એક નિશ્ચિત મહત્વપૂર્ણ કાર્ય છે અને તે કયુ છે એ તમારે જાણવું જ જોઈએ.

ઘણા પ્રચારકો એક સેવાકાર્યમાંથી બીજા સેવાકાર્યમાં એમ રખડયાં કરે છે - જે કોઈપણ ખ્રિસ્તી સંસ્થા તેમને સૌથી વધુ પગારનો પ્રસ્તાવ આપે છે તેમાં જોડાય છે. દાખલા તરીકે, તેઓએ રેડિયો-સેવાકાર્ય માટેનાં સ્પષ્ટ "બોજ" સાથે શરૂઆત કરી હોય. પરંતુ જો બાળકોમાં સુવાર્તા-પ્રચાર કરનાર સંસ્થા તેઓને વધારે પગારનો પ્રસ્તાવ આપે, તો તેઓ અચાનક જ બાળકોમાં સુવાર્તા-પ્રચાર માટેનો " બોજ" વિકસાવી દે છે! અને થોડા સમય પછી જો ખ્રિસ્તી-સાહિત્ય સંસ્થા એ કરતાં પણ વધારે પગારનો પ્રસ્તાવ આપે, તો તરત જ તેમનો "બોજ " સાહિત્ય-સેવાકાર્ય તરફ બદલાઈ જાય છે!! આવા પ્રચારકો પરમેશ્વરની સેવા કરી રહ્યાં નથી. તેઓ એવા ધાર્મિક માણસો છે કે જેઓ બેબીલોનીય " ધંધાઓ"માં પ્રવૃત્ત છે.

જ્યારે પરમેશ્વર તમને બોજ આપે છે, તો તમે ફક્ત એ કારણે તે બોજને પડતો મૂકી શકતાં નથી કે કોઈ સંસ્થાએ તમને વધારે સારા દુન્યવી લાભો આપવાનો પ્રસ્તાવ આપ્યો હોય.